–રોહીત શાહ
શુભ શુકન કે અશુભ શુકનનો કન્સેપ્ટ ચોક્કસ
કોઈ ઈન્ટેલીજન્ટ મૅથેમેટીક્સના બેઝ પર રચાયો હોય એવો વહેમ પડે છે. એમાં
વહેમ અને અન્ધશ્રદ્ધા તો પછીથી મુરખાઓએ ઉમેર્યાં હશે. અલબત્ત, આ વીશે હું
કોઈ નક્કર પુરાવા નહીં આપી શકું, એટલે ઍટ પ્રેઝન્ટ તો નક્કર લૉજીકથી જ કામ
ચલાવવું પડશે.
રીઝલ્ટની ગૅરન્ટી નહીં !
તમે કંઈક નવું કામ શરુ કરતા હો કે ક્યાંક
બહાર જતા હો ત્યારે કેવા શુકન થાય છે એ તરફ તમારું ધ્યાન જતું હોય કે ન
જતું હોય, તમારી આસપાસના લોકો એ તરફ તમારું ધ્યાન દોરીને કહેશે, ‘પાછો વળ.
થોડી વાર થોભી જા. તને અપશુકન થયા છે.’ તમે બોલ્ડ અને સ્ટ્રૉન્ગ માઈન્ડના
હશો તો ‘મને આવી બાબતમાં કોઈ શ્રદ્ધા નથી’ – એમ કહીને આગળ વધશો. જો તમે
નબળા મનના હશો તો થોડી વાર થોભી જઈને બીજા નવા શુકન જોઈને આગળ વધશો. ખરાબ
શુકનથી ખરાબ રીઝલ્ટ અને સારા શુકનથી સારું જ રીઝલ્ટ મળવાની કોઈ ગૅરન્ટી નથી હોતી. ક્યારેક કોઈને થયેલા એક–બે અનુભવોમાંથી સમગ્ર માણસજાત ખરાં–ખોટાં તારણ પકડી પાડે છે. આ કોઈ વૈજ્ઞાનીક અભીગમ ન કહેવાય.
અખતરામાં ખતરો નથી
પ્રચલીત માન્યતાઓની વાત કરીએ તો છીંક આવવી,
કોઈ વીધવા સ્ત્રીનું સામે મળવું, બહાર જતી વ્યક્તીને જમવાનું કે
ખાવા–પીવાનું કહેવું, ‘તમે ક્યાં જાઓ છો ?’ એવો પ્રશ્ન પુછવો, સોનું(ગોલ્ડ)
ખોવાય કે જડે વગેરે ઘટનાઓને અપશુકનીયાળ માનવામાં આવે છે. એ જ રીતે ગાય
સામે મળે, ગોળ કે દહીં ખાઈને કામની શરુઆત કરવી, કાચ ફુટી જવો, કુંવારી
કન્યા અથવા તો પનીહારી વગેરેના શુકન સારા મનાય છે. આમાં કાર્યકારણનો કોઈ
ડીરેક્ટ સમ્બન્ધ હોતો નથી. કેવળ પરમ્પરાથી જ એ સ્વીકારી લેવામાં આવે છે.
સાચી વાત એ છે કે શુભ શુકન કે અશુભ શુકન જેવું કશું જ હોતું નથી. આ લેખ લખતાં પહેલાં મેં પચાસથી વધુ અખતરા કરી જોયા છે.
અને મને ક્યાંય કશો ખતરો નડ્યો નથી. સારા ગણાતા શુકનથી મને કદી કોઈ
વધારાનો લાભ થયો નથી કે ખરાબ ગણાતા શુકનથી ક્યારેય કોઈ ગેરલાભ થયો નથી.
સત્ય તરફ જઈએ
શુકન–અપશુકનની ફીલસુફીની ગંગોત્રી સુધી જઈ
શકાય તો કદાચ સત્ય મળે. આપણે તર્કની આંગળી પકડીને એ તરફ જઈએ. વહેમના
ખાબોચીયામાંથી બહાર નીકળીને વીચારના મહાસાગરમાં હવે ઝંપલાવીએ. સાઈકૉલોજીનાં
હલેસાં એમાં મદદરુપ થશે. પુર્વગ્રહો અને પરમ્પરા–પ્રેમને સુચના આપી દઈએ કે
થોડીક વાર માટે એ આપણને ડીસ્ટર્બ ન કરે, ઓકે ?
કુમારીકા શુકનીયાળ, વીધવા અપશુકનીયાળ
આપણા પુરુષપ્રધાન સમાજમાં બાળકીઓ તરફ અપમાન અને અવગણનાભર્યો વ્યવહાર કરવામાં આવતો હતો. આજે પણ ‘બેટી બચાવો’
જેવા આન્દોલનો ચલાવવાં પડે છે. ઉપેક્ષીત નાની બાળકીઓ પ્રત્યે થોડોક સદ્
ભાવ વહેતો થાય એવા ઉદ્દેશથી કુંવારી કન્યાના શુકનને શુભ ગણાવ્યા હોવા જોઈએ.
નીર્દોષ અને માસુમ બાળકીને અનેક ક્ષેત્રોમાં વીશેષ મહત્ત્વ આપવામાં આવ્યું
છે એવું જ શુકનની બાબતમાં પણ થયું હશે. અલબત્ત, ખાટલે મોટી ખોડ તો એ હતી
કે આપણો સમાજ પુરુષપ્રધાન હતો ને ! એટલે વીધવા સ્ત્રીના શુકનને તો પાછા
અશુભ જ માન્યા ! ખરેખર તો વૈધવ્ય પછી બ્રહ્મચર્ય પાળતી સ્ત્રીને ‘ગંગાસ્વરુપ’ કહીને તેનો આદર કર્યો જ હતો; છતાં તેની ઉપસ્થીતીને અપશુકનીયાળ ગણીને તેના પ્રત્યેનો અન્યાય પણ અકબંધ રાખ્યો.
સોનું જડે કે ખોવાય : અપશુકન
સોનું (ગોલ્ડ) જડે તોય અપશુકન અને ખોવાય તોય અપશુકન ! સોનું કીમતી ચીજ છે. એ જડી જાય તો ખુબ આનન્દ થાય. આનન્દનો અતીરેક ક્યારેક માણસને પાગલ (ગાંડો) કરી દે છે. એવી દુર્ઘટના ટાળવા માટે વીચારવાન પ્રાજ્ઞ પુરુષોએ વીચારની એક બ્રેક બનાવી.
માણસને સોનું જડે ત્યારે સોનું મળ્યાના લાભની સાથેસાથે એ કારણે કંઈક ખરાબ
થવાનો ભય પણ તેને મળે તો આનન્દ અને ભય વચ્ચે બૅલેન્સ જળવાય જાય. એ જ રીતે
બીજી તરફ સોનું કીમતી ચીજ હોવાથી એ ખોવાય તો મોટું આર્થીક નુકસાન થાય. એવા
નુકસાનથી બચવા માટેય એક બ્રેક બનાવી. સોનાની ચીજ ખોવાય ન જાય એ માટે તેની
ખાસ સંભાળ રાખવાના – માણસને સાવધાન કરવાના હેતુથી કહ્યું કે સોનું ખોવાય તો
અપશુકન ગણાય થાય !
કાચ ફુટે તો શુભ શુકન
કાચ (ગ્લાસ) કે કાચની ચીજ તુટે–ફુટે તો શુભ
શુકન ગણાય. એનું લૉજીક પણ વીચારવા જેવું છે. વ્યક્તી બજારમાંથી ખાસ
પસન્દગી કરીને કાચની ચીજ ખરીદી લાવી હોય. એ ચીજ પ્રત્યે તેને મમત્વ હોય એ
સહજ છે. વળી કાચ ખુબ નાજુક ચીજ છે એટલે પણ એની વીશેષ કાળજી લેવાતી હોય છે;
છતાં ક્યારેક અજાણતાં કે આકસ્મીક રીતે કાચ ફુટવાની ઘટના બની શકે છે. પોતાની
પસન્દગીની ચીજ અને જેની ખુબ માવજત કરી હોય એ ચીજ તુટે–ફુટે તો આઘાત લાગે જ
ને ! પરન્તુ એની સાથે કંઈક શુભ અવશ્ય થશે એવો આશાવાદ જોડી દેવાય તો પેલો
આઘાત થોડોક હળવો લાગે !
ગોળ–દહીંના શુભ શુકન
ગોળ શક્તીવર્ધક છે અને દહીં–છાશ આરોગ્યપ્રદ
છે એટલે એ ખાવામાં શુભ–શુકનનો મહીમાં ગોઠવ્યો હશે. જે લોકોને વધુ પડતો
શારીરીક શ્રમ કરવો પડતો હોય તેમને ગોળ ખાવાથી શક્તી મળે છે. પ્રયોગ કરવો
હોય તો કરી જોજો : તમે જે દીવસે ખુબ થાકી ગયા હો એ દીવસે થોડોક ગોળ ખાજો
અથવા ગોળનું પાણી કરીને પી જોજો, ઈન્સ્ટન્ટ શક્તીનો સંચાર થશે !
આયુર્વેદમાં ભોજન સાથે દહીં–છાશ ખાવાનો આગ્રહ રખાય છે. પાચનમાં એ સહાયક છે.
ડાયેરીયા થયો હોય ત્યારે દહીં અને ભાત ખાવાની સલાહ અપાય છે. હરસ–મસાના
દરદીને છાશ પીવાનું ખાસ કહેવાય છે. જુના જમાનામાં વાહનોની સગવડ ઓછી હતી,
એટલે મોટે ભાગે જ્યાં જવું હોય ત્યાં ચાલીને જવું પડતું. ચાલવામાં એનર્જી
મળી રહે એ હેતુથી પણ ગોળ ખાઈને જવું શુકનવન્તુ બની રહેતું.
નબળા મનની પેદાશ
આમ દરેક રીતે શુકનનો કન્સેપ્ટ લૉજીકલ હોય
એમ લાગે છે; પણ કાળક્રમે એમાં વહેમ–અન્ધશ્રદ્ધા એટલી હદે ઉમેરાઈ ગયાં કે
એણે સામાન્ય માનવીના મન પર આધીપત્ય જમાવી દીધું. એક વાત બહુ સ્પષ્ટ છે કે
આવી ભ્રમણાઓ નબળા મનના લોકોને જ ભીંસમાં લેતી હોય છે. તમે એ બધી વાતોને
ઈગ્નૉર કરશો તો તમને જરાય તકલીફ નહીં પડે અને જો તમે એવાં વહેમનાં વળગણોને
પકડી રાખશો તો ડગલે ને પગલે દુ:ખી થશો. બેઝીક
વાત મનને કેળવવાની છે. જે વ્યક્તી પોતાના મનને જીતી લે છે, તે વ્યક્તી
સમગ્ર જગતને જીતી લે છે. તનાવ, અજમ્પો, અસન્તોષ, ઈર્ષા – આ તમામ તત્ત્વો
આખરે તો નબળા મનની જ પેદાશ છે ને !
શુભ શુકન કે અશુભ શુકન કોઈ કહે તો ગણકારો જ નહીં. તમે બ્રેવ અને ગ્રેટ બની શકશો, પ્રોમીસ !
–રોહીત શાહ
No comments:
Post a Comment