ટ્યૂશન કરવું એ ગુનો છે ? – વિનોદ ભટ્ટ
[‘જનકલ્યાણ’ સામાયિક મે-2012માંથી સાભાર.][dc]અ[/dc]ને ગુરુ દ્રોણાચાર્યે એકલવ્યને અંગૂઠો બતાવી દીધો. અંગૂઠો બતાવી ગુરુજી કોઈ પીણાની જાહેરખબરની નકલ કરતા હશે એવો એકલવ્યને પહેલાં તો વહેમ પડ્યો, પણ દ્રોણાચાર્યે ચોખ્ખું સુણાવી દીધું કે અમારી શાળામાં તને કોઈ કાળે પ્રવેશ મળશે નહિ.
સ્કૂલોમાં એડમિશન આપતા આચાર્યો માટે આ લાડ કરવાની મોસમ હોય છે એવી આગોતરી માહિતી એકલવ્યને કોઈકે આપી હતી, એટલે પોતાનું મહત્વ વધારવા પ્રિન્સિપાલ આવું કહેશે જ એવો અણસાર પણ એ છોકરાને હતો, ને એકલવ્યે પોતાના પેન્ટના ડાબા ખિસ્સામાં હાથ નાખ્યો એટલે દ્રોણે ગુસ્સાથી તેને છણકો કર્યો : ‘રહેવા દે, રહેવા દે, આ વિદ્યાલયમાં ડોનેશનથી એડમિશનો વેચવાનો ધંધો થતો નથી, તું સ્કૂલ ભૂલ્યો લાગે છે.’ સહેજ ભોંઠપ અનુભવતાં ગુરુ સામે જોઈ એકલવ્ય બોલ્યો, ‘હું એવી ચેષ્ટા નથી કરતો…. અને ગુરુદેવ, આમ પણ હું આર્થિક અને સામાજિક રીતે અભાવવાળા પ્રદેશમાંથી આવું છું એટલે મારા માટે ‘ડોનેશન’ આપવાનો તો પ્રશ્ન જ ઊભો નથી થતો.’ અને તેણે જંગલી કહેતાં જંગલખાતાના પ્રધાનની ભલામણચિઠ્ઠી ખિસ્સામાંથી કાઢી ગુરુ સામે ધરી તો તેમણે ક્રોધથી ફાડી નાખતાં જણાવ્યું : ‘પ્રધાનો તો નવરા છે તે રોજના આવા ચાલીસ-પચાસ ચિઠ્ઠાઓ મોકલાવ્યા કરે એટલે અમારે જોયા-કર્યા વગર બધાને દાખલ કરી દેવાના ! એમને ધંધો નથી એટલે એ તો પોતાની વોટબેંક પાકી કરવા આડેધડ ચિઠ્ઠીઓ ફાડ્યા કરે છે, જે અમે વાંચ્યા વગર જ કચરાટોપલીમાં નાખી દઈએ છીએ.’
બીજું શસ્ત્ર એકલવ્યે અજમાવ્યું – દ્રોણાચાર્યની દીકરીના જેઠનો તેમ જ તેમની સાળીના નણદોઈનો પત્ર આચાર્યના ટેબલ પર સરકાવ્યો. આ બંને ભલામણપત્રો પર ઊડતી નજર નાખી ગુરુએ ટોણો માર્યો : ‘તો તું ઠેઠ ત્યાં સુધી જઈ આવ્યો ? આ હિસાબે તું પહોંચેલી માયા જણાય છે, પરંતુ આવાં બધાં સગપણો પ્રસંગોપાત્ત ઘેર જમવા બોલાવવા પૂરતાં જ સારાં લાગે, એનો સેન્ટિમેન્ટલ બ્લેકમેલિંગમાં ઉપયોગ ના કરાય, જોકે ચિઠ્ઠી લખનારાઓએ આવું બધું સમજવું જોઈએ.’ પછી ઉમેર્યું, ‘કૃપા કરી હવે શાળાના કોઈ ટ્રસ્ટીનો પત્ર મારી સામે ધરતો નહિ. ગઈ કાલની મિટિંગમાં જ ઠરાવ કરવામાં આવ્યો છે કે ટ્રસ્ટીમંડળનો એક પણ ટ્રસ્ટી આવી કોઈ ભલામણ કરતો કાગળ આપે તો તેને પણ રદ ગણવો અને એ કાગળ રદ્દીની ટોપલીમાં ફેંકી દેવા બદલ જે તે ટ્રસ્ટીએ પોતાની લાગણીને દુભાવા દેવી નહિ. ભાઈ, હવે તું જઈ શકે છે. આ માટે તું હવે બીજો પ્રયત્ન કરતો નહિ.’
એમ તો એકલવ્યને અન્ય વિદ્યાલયમાં પ્રવેશ મળી શકે તેમ હતો, કિંતુ તેની એવી જીદ હતી કે જ્યાં અર્જુન ભણે છે એ જ શાળામાં ભણવું અને બતાવી આપવું કે હોશિયારીમાં તે અર્જુનથી સહેજ પણ ઊતરે એવો નથી, પણ ઊંચા ઘરનાં સંતાનોને જ દાખલ કરવાની અહીં પરંપરા હોવાથી એકલવ્યનો પત્તો જ ન ખાધો, તેને પોતાનું બ્લડગ્રૂપ નડ્યું. એટલે તેણે મનોમન નક્કી કરી નાખ્યું કે શાળામાં ગયા વગર જ તે સારી વિદ્યા મેળવી લેશે – આમ પણ શાળાઓમાં ભણાવવાનો રિવાજ જ ક્યાં છે ! આ કારણે બહારના વિદ્યાર્થી તરીકે તેણે ધગશથી અભ્યાસ શરૂ કર્યો અને શાળાનો સમય તેમ જ લેસન કરવાનો વખત પણ બચી જવાથી તે ઘણા ઓછા સમયમાં ધનુર્વિદ્યામાં પારંગત થઈ ગયો.
એક દિવસ ગુરુ દ્રોણની શાળાના એક ટ્રસ્ટીના મકાન પાસેથી એકલવ્ય પસાર થતો હતો ત્યારે ટ્રસ્ટીનો કૂતરો તેની સામે થઈ વગર કારણે જોરથી ભસવા માંડ્યો. દ્રોણને તેમની શાળામાં એડમિશન નહિ આપવાનો પૂરો અધિકાર છે, પણ એ જ શાળાના ટ્રસ્ટીનો કુત્તો હોવાથી તેનેય એકલવ્ય સામે ભસવાનો હક્ક મળી ગયો ! આથી તે બદમિજાજ કુત્તા પર ગુસ્સો ચડી આવતાં એકલવ્યે તેના પર બાણોનો મારો ચલાવ્યો. કૂતરાનું મોઢું સિવાઈ ગયું. તેનું ભસવાનું બંધ થઈ ગયું. કૂતરાને ભસતો અટકાવી એકલવ્ય તો પોતાના રસ્તે ચાલ્યો ગયો.
નગરની પ્રતિષ્ઠિત શાળાના ટ્રસ્ટીના વહાલસોયા કૂતરાનું મોં કલાત્મક રીતે સિવાઈ ગયેલું જોઈ લોકો કુતૂહલથી એકઠા થઈ ગયા. કૂતરાનું મોં તીરોથી સિવાયેલું હોવા છતાં તેના શરીરમાંથી લોહીનું એક ટીપુંય બહાર દેખાતું નહોતું. આ દશ્ય જોઈ કૂતરાનો માલિક-ટ્રસ્ટી પણ ‘સ્પેલ બાઈન્ડ’ મૂંગામંતર થઈ ગયો. આવો બાહોશ બાણાવળી કોણ છે એની શોધ આરંભાઈ. તપાસ કરતાં જાણવા મળ્યું કે પાસેના જંગલમાં એકલવ્ય નામનો એક ભીલ છોકરો રહે છે, જે બાણવિદ્યામાં અત્યંત તેજસ્વી છે. તે એવો તો પાક્કો નિશાનબાજ છે કે ઝાડ પર બેઠેલા પંખીની આંખ જ નહિ, સમૂહમાં ઊડતાં પંખીઓમાંથી તેને કહેવામાં આવે એ નંબરના પંખીની ડાબી કે જમણી, બોલનાર બોલે એ આંખ તે વીંધી શકે છે. એ છોકરો એવો દાવો કરે છે કે આ વિદ્યા તે દ્રોણાચાર્ય પાસેથી શીખ્યો છે. ગુરુજીએ તેને ટ્યૂશન આપ્યું હતું.
ટ્યૂશનનું નામ પડતાં જ ટ્રસ્ટીમંડળ ચોંકી ઊઠ્યું, ખળભળાટ મચી ગયો. તરત જ એક અસાધારણ મિટિંગ બોલાવવામાં આવી. જેમાં દ્રોણાચાર્યને રૂબરૂ બોલાવી તેમનો ખુલાસો માગવામાં આવ્યો કે તમે ટ્યૂશન કેમ કરો છો ? ટ્યૂશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એ તમે નથી જાણતા ? આ નિયમ શાળાના શિક્ષકોને જ નહિ, આચાર્યને પણ એટલો જ લાગુ પડે છે. અમે ટ્રસ્ટીઓ અંગૂઠાછાપ છીએ એટલે જ તમને અમે અહીં આચાર્ય બનાવ્યા છે. તમને પગાર ઓછો પડે છે તે આમ ખાનગી ટ્યૂશનોની ફેરી કરવી પડે છે ? આપણા હોનહાર વિદ્યાર્થી અર્જુનને આંટી મારી દે એવો બાણાવળી તમે શા માટે તૈયાર કર્યો ? બોર્ડમાં બહારના છોકરાને લાવવો છે ? સ્કૂલનું નામ બોળવું છે ? વચ્ચે તમે એક પરીક્ષામાં ફક્ત અર્જુનને જ પાસ કરેલો ને બીજા તમામ છોકરાને નાપાસ કર્યા ત્યારે એમના વાલીઓએ કેટલો બધો કકળાટ કરેલો છતાં આ બાબત અમે તમને ઠપકાનાં બે વેણ પણ કહેલાં ? – આ પ્રકારના અણધાર્યા હુમલાથી દ્રોણાચાર્ય તો ખસિયાણા પડી ગયા. આવેશમાં આવી જઈને ટ્રસ્ટીમંડળના મોં પર રાજીનામું ફટકારી દેવાનો વિચાર પણ તેમને ક્ષણભર તો આવી ગયો, પણ બીજી ક્ષણે આવેશ શમી જતાં તેમને થયું કે મારા બેટા ચોરબદમાશો તો આ માટે જ ટાંપીને બેઠા હોય ને રાજીનામું કાચી ક્ષણમાં જ સ્વીકારી લે તો ? તો પછી જવું ક્યાં ? આવી સારી નોકરી તે કંઈ રસ્તામાં પડી છે. આ કારણે એ વિચાર તેમણે પડતો મૂક્યો. પણ દ્રોણાચાર્યને આઘાત તો સખત લાગ્યો. કોઈનુંય ટ્યૂશન કરવાનું તેમણે સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું. અને એમાંય જો એકલવ્ય ટ્રસ્ટીમંડળ પાસે આવીને સોગંદનામું આપે કે હા, આ ગુરુજીએ જ મને બાણશાસ્ત્રના પાઠ ભણાવેલા તો તો ભોગ લાગે – આ ગરીબ બામણ નવાણિયો કૂટાઈ જાય. તગડા પગારની નોકરી જાય. કેદખાનામાંય જવું પડે. તો હવે !
ગુરુજીએ તો એકલવ્યને પકડવા, શ્વાસભેર જંગલ ભણી દોટ મૂકી. જંગલમાં ઘણો રઝળપાટ કર્યો ત્યારે અઢીત્રણ કલાકે તે માંડ હાથમાં આવ્યો. એ છોકરા પર નજર પડતાં જ દ્રોણને ખ્યાલ આવી ગયો કે આ તો પેલો છોકરો, જેને મેં સ્કૂલમાં પ્રવેશ નહોતો આપ્યો એ જ. એટલે તેમને ધ્રાસકો પડ્યો કે નક્કી કોઈની ચડવણીથી મારી વિરુદ્ધ તેણે આવી અફવા ફેલાવી હશે. આ નાલાયક છોકરાને બે અડબોથ અપડાવી દેવા તેમના હાથમાં ખંજવાળ આવવા માંડી, પણ એ જ વખતે થયું કે અહીં હાથચાલાકીનો પ્રયોગ કરવા જતાં ક્યાંક વાત બગડી જશે, એટલે પછી એ ચેષ્ટા માંડી વાળી. ધનુર્વિદ્યાની પ્રેક્ટિસ કરતાં એકલવ્ય પાસે જઈ, તેના ખભા પર પ્રેમથી હાથ મૂકતાં દ્રોણ બોલ્યા :
‘વત્સ, એકલવ્ય !’ ગુરુજીને જોતાં જ એકલવ્ય તેમની પાસે જઈ તેમનાં ચરણોમાં ઢળી પડ્યો. ગુરુને ધરપત થઈ કે હાશ ! આ કંઈ ખાસ બગડી ગયેલો કેસ નથી જણાતો. તેને ચરણોમાં પડ્યો રહેવા દેવાને બદલે તેને ઊભો કરી ગુરુએ પૂછ્યું : ‘તારો અભ્યાસ કેવો ચાલે છે ?’
‘આપની કૃપાથી ફર્સ્ટ કલાસ ચાલે છે.’ એવું એકલવ્યે જણાવ્યું એટલે ગુરુએ તેને પૂછ્યું :
‘આ તું વ્યંગમાં બોલે છે ?’
‘ના ગુરુદેવ, મારું આ વિધાનવાક્ય છે.’ તેણે કહ્યું.
‘આમાં મારી કૃપા ક્યાં આવી ?’ ગુરુનો પ્રશ્ન.
‘આ બધું આપે જ તો મને શીખવ્યું છે.’ માર્યા ઠાર. ગુરુના શરીરમાંથી ઠંડીનું એક લખલખું પસાર થઈ ગયું. સહેજ ગરમ અને મોટા અવાજે ગુરુ ગર્જ્યા : ‘આવું આડુંઅવળું બોલી તું મારી હાલત બગાડી નાખવા માગે છે ?’
‘હું તો જે સાચું છે એ જ કહું છું.’ વિનમ્ર અવાજે એકલવ્યે પૂછ્યું : ‘એમાં આપની હાલત કેવી રીતે બગડી જાય એ મને કહેશો ?’
‘તું મને પહેલાં એ જણાવ કે હું તને ભણાવવા તારા ઘરે ક્યારેય આવેલો ખરો ?’
‘ના ગુરુજી, ક્યારેય નહિ.’ શિષ્ય બોલ્યો.
‘તું મારે ત્યાં કોઈ દિવસ ભણવા આવેલો ?’
‘ના, જી. મારા ઘેર, આપના ઘેર કે ગ્રૂપ ટ્યૂશનમાં કોઈ ત્રાહિતને ત્યાં પણ આવ્યો હોવાનું હું ક્યાં કહું છું ? આપે તો મને પોસ્ટલ ટ્યૂશન પણ નથી આપ્યું. મેં તો આપની એક આદમકદ પ્રતિમા બનાવી છે. એમાંથી પ્રેરણા લઈને હું આ વિદ્યા શીખ્યો છું.’ એકલવ્યે માહિતી આપી.
‘ખરેખર ?’ હવે ગુરુના જીવમાં જીવ આવ્યો, ‘તું મને આ બધું લેખિતમાં આપવા તૈયાર છે ?’ ગુરુએ કાકલૂદીભર્યા અવાજે એકલવ્યને પૂછ્યું.
‘શું મારે આપને સર્ટિફિકેટ આપવાનું છે ?’
‘ના એકલવ્યભાઈ, તમારે તો માત્ર એટલું જ લખી આપવાનું છે કે દ્રોણાચાર્યે તમને કોઈ ટ્યૂશન આપ્યું નથી. એનું કારણ એ જ કે ટ્યૂશન કરવું એ ગુનો બને છે. ટ્યૂશન માત્ર ગુનાપાત્ર.’ દ્રોણગુરુએ પરિસ્થિતિ સમજાવી. અને એકલવ્યે ગુરુની નોકરીને આંચ ન આવે એવું નિવેદન લખી આપ્યું. પછી તેણે તેમને અરજ ગુજારી : ‘ગુરુદેવ, એમ દક્ષિણા લીધા વગર જ આપ મારા આંગણેથી ચાલ્યા જાવ તો મને ચડેલી વિદ્યા ઊતરી જાય, વિદ્યાનું પિલ્લું વળી જાય.’
‘કહું છું મારાથી ગુરુદક્ષિણા પણ ન લેવાય, કાયદાની નજરે એ ટ્યૂશન ફી જ ગણાય.’ ગુરુજી બોલ્યા પછી તરત જ સૂઝતાં તેમણે જણાવ્યું : ‘એક કામ કર, તારા જમણા હાથનો અંગૂઠો કાપીને મને ગુરુદક્ષિણામાં આપી દે.’ એકલવ્યે સહેજ પણ ખચકાયા વગર પોતાનો અંગૂઠો કાપીને ગુરુના હાથમાં મૂકતાં કહ્યું કે આપ શાળાના ટ્રસ્ટીઓને આ અંગૂઠો બતાવીને પૂછજો કે કોઈ વિદ્યાર્થીને ભણાવ્યો ન હોય છતાં શિક્ષક તેની પાસેથી ટ્યૂશન-ફી વસૂલ કરે તો શિક્ષકને એ બદલ ગુનેગાર ગણી શકાય ? બોલો, આપનો પ્રશ્ન પતી ગયો ને ?
No comments:
Post a Comment