શિક્ષકની ઈર્ષ્યા – કાકા કાલેલકર
[પુનઃપ્રકાશિત – કાકા કાલેલકર સાહેબના નાનપણનાં કેટલાંક સંસ્મરણો પર આધારિત પુસ્તક ‘સ્મરણયાત્રા’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]એક વખતે કારવારમાં મારા દિલોજાન દોસ્ત વિશે કંઈક કહેવાનો પ્રસંગ આવ્યો. હરિ માસ્તરે મને એક મુદ્દાનો સવાલ પૂછ્યો. મારી શાખ વટાવીને જૂઠું બોલવાનું અને સહેજે મિત્રને બચાવવાનું મન થઈ આવ્યું. મનમાં જવાબનું વાક્ય પણ ગોઠવાયું. હિંમત કરી અને શરૂઆત કરવા ગયો ત્યાં હિંમત ભાંગી પડી. અરધીએક ક્ષણ મન સાથે લડ્યો અને સાચેસાચું કહી દીધું. ભલા માસ્તરની દુષ્ટ આંખોએ મારું મનોમંથન બરાબર જોઈ લીધું. તેઓ હસી પડ્યા. મારો માનસિક ગુનો ઉઘાડો પડ્યો. હું શરમાયો. પણ આખરે મારી લાગણી સમજી શિક્ષકે મારા મિત્રને નહીં જેવી સજા કરી. તે દિવસથી શિક્ષક આગળ મારી શાખ ઘટવાને બદલે વધી, એ તો હું પાછળથી જોઈ શક્યો.
કૉપી કરવામાં હિચકારાપણું છે એ તો સ્વાભાવિકપણે મારી રગેરગમાં હતું; પણ કૉપી આપવી એમાં તો બહાદુરી છે. દાનશૂરતા છે એમ તે વખતે લાગતું. અને એથીયે વધારે તો, ચોકીદારની આંખે આમતેમ ફરનાર શિક્ષકો સામે વેર વાળવાની એક સરસ તક છે એમ પણ હું માનતો. પણ એ બહુ નાનપણની વાત. જરાક મોટો થયો એટલે એ પણ મેં છોડી દીધું હતું. કોઈ છોકરો કૉપી માગે તો બહુ જ સૌમ્ય રીતે હું ના પાડતો. ફરી ફરીને અને કરગરીને કૉપી માગે ત્યારે શિક્ષકને કહી દેવાની એને બીક બતાવતો. છતાં કોઈ કાળે મેં કોઈને આવી રીતે ઉઘાડા પાડ્યાનું સ્મરણ નથી. માત્ર એક દિવસે આબાદ કૉપી આપ્યાનો દાખલો હજી બરાબર યાદ છે. ગોખલે માસ્તર નવાસવા બી.એ. પાસ થઈને અમારી નિશાળમાં આવ્યા હતા. તેમનું ગોળ માથું, લીંબુ જેવી કાંતિ, ધૂર્ત આંખો, ઠીંગણું શરીર – બધું જ આકર્ષક હતું. એમના અંગ્રેજીના ઠાવકા ઉચ્ચારો અને છોકરાઓ પ્રત્યેનો વિવેક એ એમની ખાસિયત હતી. ‘ઈન્ડિયા’ને બદલે તેઓ ‘ઈન્ડિય’ ઉચ્ચાર કરતા. તેઓ હસતા હસતા છોકરાઓને કહેતા કે, ‘તમારી બધી યુક્તિઓ હું જાણું છું મને તમે છેતરી ન શકો. હું પણ તમારામાંનો જ એક છું એમ માનજો.’ ગોખલે માસ્તર પ્રત્યે અમારો બધાનો સદભાવ ખરો, પણ અમારાથી એ ન છેતરાઈ જાય એનો અર્થ શો ? એ તો વિદ્યાર્થીઓનું હડહડતું અપમાન. શું અમે આટલા મોળા થઈ ગયા ? શિક્ષકોમાં જો આવો આત્મવિશ્વાસ વધવા દઈશું તો જોતજોતામાં એ આપણને પામી જશે, અને પછી તો એમનું આખું રાજ્ય સહીસલામત ચાલશે. ના, આ માસ્તરને તો પહોંચી વળ્યે જ છૂટકો.
અમારી સત્રાંત કે વાર્ષિક પરીક્ષા હશે. શાહપુરની નિશાળમાં અમે અંગ્રેજી બીજી ભણતા. ગોખલે ભૂગોળની પરીક્ષા લેવાના હતા. મને તો પચાસમાંથી પચાસ મળવાના છે એ ખાતરી. પણ આજે ગોખલે માસ્તરને જરૂર છેતરવા, એવો મેં મન સાથે સંકલ્પ કર્યો. લેખી પરીક્ષાનો શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને કંટાળો હોય છે, અને જબાની પરીક્ષામાં બધાને સરખા જ અઘરા સવાલો નથી પુછાતા. આ અગવડને પહોંચી વળવા ગોખલે માસ્તરે એક ઉપાય શોધી કાઢ્યો. પરીક્ષ્ય વિદ્યાર્થી બધાઓને બહાર કાઢ્યા અને એક ઓરડીમાં બેસવાનું કહ્યું. પરીક્ષા માટે જુદી ઓરડી રાખી એમાં એકેક વિદ્યાર્થીને બોલાવે. આ ઓરડી સાથેની વચલી ઓરડી ખાલી રાખેલી; એમાં બીજા નંબરનો વિદ્યાર્થી આવીને બેસે. પહેલાની પરીક્ષા પૂરી થાય એટલે એ બારણું ખોલી નંબર બેને બોલાવે, નંબર બે અંદર આવતા પહેલાં બહારની ઓરડીમાં બેઠેલ નંબર ત્રણને બૂમ પાડી વચલી ઓરડીમાં આવીને બેસવાનું કહે, અને પછી પોતે કતલખાનામાં દાખલ થાય. જેની પરીક્ષા થઈ ગઈ તે તો પરીક્ષાની ઓરડીમાં જ આખર સુધી પુરાઈ રહે. માસ્તરના હાથમાં પચીસ સવાલો લખેલો એક કાગળ હતો. એમાંથી જ દરેક વિદ્યાર્થીને સવાલ પૂછે અને દોકડા મૂકતા જાય. આવા સજ્જ કિલ્લામાંથી ચોરી કરીને પરીક્ષાના સવાલો બહાર ફોડવા એ સહેલી વાત ન હતી. વર્ગના વિદ્યાર્થીઓ કહેવા લાગ્યા કે આપણે હાર્યા છીએ. મેં કહ્યું, ‘આમ તો લાજ ન જ ગુમાવાય. હું જઈને સવાલો તમને ચોક્કસ લખી મોકલીશ.’ પરીક્ષાની ઓરડી મેડા પર હતી. મેં એક વિદ્યાર્થીને કહ્યું, ‘તું બારી નીચે જઈને બેસજે. હું સવાલોનો કાગળ ઉપરથી ફેંકી દઈશ તે ઝટ લઈને ત્યાંથી નાસી જજે. ઊભો રહ્યો તો આપણે બંને માર્યા ગયા જાણજે.’
મારો વારો આવ્યો. મેં ઝટ ઝટ જવાબો આપ્યા અને પચાસમાંથી 48 દોકડા મેળવ્યાનું સમાધાન લઈને એક ખૂણામાં (ઢાળિયા) ડેસ્ક આગળ જઈને બેઠો. પછી ગજવામાંથી ત્રણ કાગળ કાઢ્યા. એક કાગળ પર કેટલીક મરાઠી કવિતાઓ લખી, બીજા પર ભૂગોળના સવાલો, અને ત્રીજા પર કેટલાક રમૂજી ટુચકા. કવિતાનો કાગળ તો ઢાળિયા પર જ રાખ્યો. ભૂગોળના સવાલોવાળો કાગળ વાળી, એની અંદર એક કાંકરો મૂકી, એ તૈયાર રાખ્યો. પછી ટુચકાવાળો કાગળ ફાડીને એના નાના દસબાર ટુકડા કર્યા. અને પછી કાંકરાવાળો કાગળ તેમ જ પેલા નાના કકડા હાથમાં લઈ સીધો ચાલતો બારી આગળ ગયો અને બારી બહાર ફેંકી દીધા. શિક્ષકનું ધ્યાન મારી તરફ ન જાય એવું તો હતું જ નહીં. મેં તો શાહુકારની પેઠે સીધા ચાલતા બારી સુધી જઈ કાગળો ફેંક્યા હતા. કાંકરાવાળો કાગળ તો ઝટ નીચે પડી ગયો. પડી ગયો શાનો ? મારા મિત્રે અધ્ધરથી જ ઝીલી લીધો અને એ ત્યાંથી નાઠો.
શિક્ષકને મારી હિંમત જોઈને જ મારા પર શક આણવાનું નહીં રુચ્યું હોય. એક જ ક્ષણ અનિશ્ચિતતામાં ગાળી તેઓ ઝટ ઊઠ્યા. દોડતા દોડતા બારી પાસે આવ્યા ને જુએ તો બારીમાંથી કાગળના કકડા નીચે ઊડતા પડે છે. મને પૂછ્યું : ‘તેં નીચે શું ફેંક્યું છે ?’ મેં કહ્યું, ‘નકામા કાગળના કકડા.’ બારી આગળ ધ્યાન રાખી એમણે ઢાળિયા પરનો મારો કાગળ જોયો. એના પર તો મરાઠી કવિતા જ હતી, એટલે શંકાનિવૃત્તિ થઈ. છતાં ઔરંગઝેબ કંઈ વિશ્વાસથી ચાલે ? માસ્તરે પોતે બારીમાં જ ઊભા રહી વર્ગના મૉનિટરને નીચે મોકલ્યો અને પડેલા બધા કાગળોના કકડા ભેગા કરી આણવાનું કહ્યું. મૉનિટરને દોડતા જઈ દોડતા આવવાનું કહેતાં તેઓ ભૂલ્યા નહોતા; રસ્તામાં એ જ સવાલો કહી દે તો ? મૉનિટર ગયો. બધા કકડા વીણી લાવ્યો. શિક્ષકે કંઈક પ્રયાસથી એ બધા કકડાના આકાર તપાસી તપાસી મેજ પર ગોઠવ્યા ને વાંચી જોયું તો એના પર રમૂજી ટુચકા સિવાય કશું હતું નહીં ! એમણે મને એટલું કહ્યું, ‘ફરી કાગળ ફેંકીશ નહીં, જો કેટલો વખત નકામો ગયો ?’ મેં પણ ડાહ્યા થઈને કહ્યું કે, ‘હા જી.’
પછી જેમ જેમ વિદ્યાર્થીઓ આવવા લાગ્યા તેમ તેમ સવાલોના તેમના જવાબ સાચા પડવા લાગ્યા. શિક્ષકને શક ગયો. દરેક આવનાર વિદ્યાર્થીને પૂછવા લાગ્યા કે સવાલો બહાર ફૂટ્યા છે ? પણ કોણ કબૂલ કરે ? આખરે એક છોકરો આવ્યો. અમારા વર્ગનો એ ઠોઠ નિશાળિયો. એ તો એકેય વિષયમાં પાસ ન થાય, એટલે એને કોઈએ સવાલો કહ્યા ન હતા. પોતાનો આવો બહિષ્કાર એને બહુ સાલ્યો. એને જ્યારે શિક્ષકે પૂછ્યું, ‘કેમ નારાયણ, સવાલો બહાર ફૂટ્યા છે ?’ ત્યારે એણે કહ્યું, ‘હા જી.’ હું તો બેઠેલે ઠેકાણે ઓગળી જ ગયો ! પગમાં પહેરેલા બૂટ પણ ભારે થઈ ગયા. છાતી ધડકવા લાગી. અત્યાર સુધીની શાખ ધૂળમાં મળશે. ગોખલે માસ્તર ઘણી વાર મારા ભાઈને મળે. એટલે આબરૂનું નિશાળમાં જ નહીં, પરંતુ ઘરમાં પણ દેવાળું નીકળવાનું ! મને ક્યાંથી એ કુબુદ્ધિ સૂઝી ? ગયું. બધું ગયું. હવે ગમે તેટલો સાચો થઈશ તોયે ડાઘો કાયમને માટે રહેવાનો. ક્યાં આ શિક્ષકની ઈર્ષ્યા કરવા ગયો !
ઈશ્વરને ઘેર કેવો કાયદો છે એ જણાતું નથી. કોઈક વખતે ઘણા અપરાધ કર્યા છતાં માણસને સજા થતી જ નથી. એ અપરાધમાં વધ્યે જ જાય છે અને છેલ્લી ઘડીએ અપરાધનું સાટું વળાય છે. કેટલીક વાર પહેલી ઘડીએ જ એવી તો સખત સજા થાય છે કે ફરી એ અપરાધ કરવાનું નામ જ ભૂલી જાય છે. આને હું ઈશ્વરની કઠોર કૃપા કહું છું. કોઈક વાર માણસનો પશ્ચાતાપ એ જ એને પૂરતી સજા છે એમ સમજી ઈશ્વર એને બચાવી લેતો હશે. આ છેલ્લો પ્રસંગ મહા કઠિન. બચી જવામાં જો એ ઈશ્વરની દયા ઓળખી શકે તો ફરી ગુનો ન કરે. પણ જો બચી જવામાં પોતાના ભાગ્યની મહત્તા ગણે અથવા નીતિના નિયમની શિથિલતાનું અનુમાન કરે, તો તો એ વધારે ને વધારે અંધારા ખાડામાં ડૂબી જવાનો. ઈશ્વર ગમે તે નીતિ અખત્યાર કરે તોયે ઈશ્વર ન્યાયી છે, તેથી જ દયાળુ છે અને એને સુનીતિ પ્રિય છે, એટલું જો આપણે ધ્યાનમાં રાખીએ અને એ વિચારોને જ દઢતાથી વળગી રહીએ, તો જ આપણે બચી જવાના.
શિક્ષકે પૂછ્યું : ‘જવાબો ક્યાંથી બહાર પડ્યા ?’ નારાયણે કહ્યું, ‘મૉનિટર પટવેકરે ફલાણા ભાઈને કહ્યું, ફલાણાએ ઢીંકણા ભાઈને કહ્યું, એમ સવાલો બધા ફેલાઈ ગયા છે. મને કોઈએ કહ્યું નહીં; મારો બધાએ બહિષ્કાર કર્યો છે.’ કમબખ્ત મૉનિટરે બારણું ખોલતાં એકબે સવાલો હળવેથી કહી દીધા હતા, ને મારા કાગળો લાવવા નીચે ગયેલો ત્યારે પણ એકબે કહી દીધેલા, એની દુર્બુદ્ધિની ઢાલ પાછળ હું બચી ગયો. બચી ગયો એટલે કે શિક્ષક આગળ ઉઘાડો ન પડ્યો. વર્ગમાં કોઈની સાથે મારે દુશ્મનાઈ ન હતી, એટલે મારું નામ બહાર ન આવ્યું. વર્ગના છોકરાઓ તો એ પ્રસંગ ભૂલી પણ ગયા હશે. પણ એ છેલ્લી ચારપાંચ ક્ષણમાં મેં જે માનસિક વેદના વેઠી છે અને મારી જાતને જે શિખામણ આપી છે તે તો મારા જીવનના કીમતી પ્રસંગ તરીકે યાદગાર રહેશે. એ હું કદી ભૂલી નહીં શકું…
જેને મેં સવાલનો કાગળ આપ્યો હતો એ વણકરનો છોકરો હતો. એણે મને સૂતરના પડીકાની બે બાજુ વપરાતાં જાડાં પૂઠામાંથી એક સરસ પૂઠું ભેટ દાખલ આપી દીધું. કેટલાંયે વરસ સુધી એ પૂઠું મારી પાસે હતું અને દરેક વખતે તે દિવસની વાતનું મને સ્મરણ કરાવતું.
No comments:
Post a Comment