ચાર્વાકદર્શનની વીશીષ્ટતાઓ
–એન. વી. ચાવડા
ચાર્વાકદર્શનના પ્રચલીત સોળ શ્લોકોમાં પણ બે શ્લોકોમાં પુરોહીતોની, વીના પુરુષાર્થની આજીવીકાની, તેમણે કટુ ટીકા કરી છે, જેમ કે, ‘એટલા માટે એ સર્વ બ્રાહ્મણોએ પોતાની આજીવીકાનો ઉપાય કર્યો છે, જે દશગાત્રાદી મૃતક ક્રીયાઓ કરે છે, એ સર્વ તેમની આજીવીકાની લીલા છે અને બીજા એક સુત્રમાં તેઓ કહે છે કે‘અગ્નીહોત્ર, ત્રણ વેદ, ત્રણ દંડ અને ભસ્મ લગાવવા એને, બુદ્ધી અને પુરુષાર્થ રહીત પુરુષોએ પોતાની આજીવીકા બનાવી છે.’
આ સુત્રમાં ખાસ ધ્યાનાકર્ષક બાબત એ છે કે બૃહસ્પતીએ અગ્નીહોત્ર, ત્રણ દંડ અને ભસ્મ લગાવવાની સાથે ત્રણ વેદ (ઋક્, સામ, યજુર્) વેદોને પણ આજીવીકાના સાધનો બતાવ્યાં છે. બૃહસ્પતીએ વેદોનો કરેલો વીરોધ ખુબ જાણીતો છે. જેનું મુખ્ય કારણ વેદો દ્વારા પણ પુરોહીતોએ, પોતાની વીના પરીશ્રમની આજીવીકાનું છેતરપીંડીયુક્ત કરેલું નીર્માણ, તે મુખ્ય છે.
આર્યો પ્રારમ્ભમાં ચોરી, લુંટ અને ધાડ પાડીને જ પોતાનો જીવનનીર્વાહ કરતા હતા. જેના પુરાવા ઋગ્વેદાદી ગ્રંથોમાં મોજુદ છે. વેદોમાં સંખ્યાબંધ ઋચાઓમાં ઈન્દ્રને એવી પ્રાર્થનાઓ કરવામાં આવી છે, તેમાં અનાર્યો – દસ્યુઓની જમીન, ગાયો, ધન–સમ્પત્તી આદી લુંટીને આર્યોને વહેંચી આપવાની વીનન્તીઓ કરવામાં આવી છે. પરીણામે આર્યો–અનાર્યો વચ્ચે હજારો વર્ષ સુધી ઘનઘોર સંધર્ષો થયાં છે. જેમ જેમ આર્યોની જીત થતી ગઈ તેમ–તેમ તેમનાં રાજ્યો સ્થપાતાં ગયાં તથા આર્યો–અનાર્યો વચ્ચે સમન્વય પણ થતો ગયો. સમ્બન્ધો સ્થપાતાં ગયાં. તેથી અગાઉ જેવી ખુલ્લી ચોરી અને લુંટ બંધ કરવાની જરુર પડી. આર્યો પુર્વસંસ્કારવશ શારીરીક પુરુષાર્થનાં કામો તો કરવા માગતા જ નહોતા, તેથી ચોરી અને લુંટના ધન્ધાને તેમણે નવું જુદું સ્વરુપ આપ્યું. આ જુદા સ્વરુપનું નામ તે ‘યજ્ઞ’. વેદો દ્વારા યજ્ઞોને ધર્મનું સ્વરુપ આપ્યું. વેદોને ઈશ્વરકૃત ઘોષીત કર્યા, તેથી યજ્ઞો ઈશ્વરકૃત બની ગયા અને યજ્ઞની આહુતીઓ ઈશ્વરને ખુશ કરનારી બની ગઈ. આમ, ધર્મ અને ઈશ્વરના નામે યજ્ઞમાં માંસ, મદીરા અને મૈથુન મોજમજા સાથે આજીવીકાની સુવીધાઓ વીના પરીશ્રમે પ્રાપ્ત કરી લીધી. તેથી જ પ્રસીદ્ધ ઈતીહાસકાર, રોમીલા થાપર લખે છે કે, ‘યજ્ઞ એ લુંટેલા માલના બંટવારા સીવાય કશું જ નથી.’ અશ્વમેધ યજ્ઞોમાં ખંડીયા રાજાઓ પાસેથી ઉઘરાવેલ ધનસમ્પત્તી, સ્ત્રીઓ, ગાયો, દાસો વગેરે બધા પુરોહીતો પોતાના સ્થાન પ્રમાણે વહેંચી લેતા હતા.
તેથી બૃહસ્પતીએ યજ્ઞોના વીરોધની સાથે, આજીવીકામાં સંજોગવશાત કોઈક મુશ્કેલીઓ આવી પડી હોય તો પણ; ચોરી કે લુંટ જેવા અસામાજીક રસ્તાઓ અપનાવવાને બદલે, થોડા સમય પુરતું દેવું કરી લેવાની હીમાયત કરી છે. દેવું એ કોઈ ખરાબ બાબત નથી. પરન્તુ અર્થવ્યવસ્થાનું એ અનીવાર્ય અને અતી ઉપયોગી પાસું છે. દેવું કોને મળી શકે છે ? કોઈ આળસુ અને રખડેલ માણસને કોઈ પૈસા ધીરે ખરું ? ઉછીના કે વ્યાજે પૈસા તેને જ મળે છે, જે ઉદ્યમી હોય, કામકાજ કરતો હોય, પુરુષાર્થમાં વીશ્વાસ રાખતો હોય; એવા સ્વસ્થ અને સબળ માણસને જ દેવું મળે છે. આજે આખી દુનીયા દેવાં ઉપર યાને લોન ઉપર ચાલે છે. નાના દેશ મોટા દેશો પાસેથી લોન લે છે, નાના ઉદ્યોગકારો મોટા ઉદ્યોગપતીઓ પાસેથી અને સરકાર પાસેથી લોન લે છે, કુટુમ્બ કબીલાવાળાં પોતાનું ઘર વસાવવા બૅન્કો પાસેથી લોન લે છે. અરે, તેજસ્વી વીદ્યાર્થીઓ વધુ અભ્યાસઅર્થે લોન મેળવે છે. આમ, દેવું કરવાની પ્રથા વેદકાળની પહેલાના સમયથી આપણા દેશમાં અને આજે આખા વીશ્વમાં પ્રચલીત છે. સીંધુઘાટીમાં વસનારાં આપણા પુર્વજો 5000 વર્ષ પહેલાં પણ વેપાર–વાણીજ્યમાં કુશળ હતા, તેથી ધીરધારની પ્રથા તે સમયમાં પણ હોઈ શકે છે. જે વેપાર–વાણીજ્ય સહીત જીવનના એક ધન્ધા માટે પોષક અને પ્રોત્સાહક પ્રથા છે, તેથી બૃહસ્પતીએ દેવું કરીને ઘી પીવાની જે વાત કરી છે, તે માણસને પુરુષાર્થ અને પરાક્રમને પ્રેરણા આપનારી છે. ચાર્વાકદર્શનના વીરોધીઓએ બૃહસ્પતીના આ સુત્રનું સમસામયીક, સાચું અને વીધાયક વીશ્લેષણ કરવાને બદલે સ્વાર્થવશ તેની હાંસી ઉડાવવાનો શરમજનક અને હાસ્યાસ્પદ પ્રયાસ કર્યો છે. યજ્ઞોમાં આચરવામાં આવતી માંસ, મદીરા અને મૈથુનની મહેફીલો વીશે આ લોકો તદ્દન મૌન રહે છે.
આમ, ચાર્વાકદર્શનના આ સોળ સુત્રોનું જો ઐતીહાસીક દૃષ્ટીએ વીશ્લેષણ કરવામાં આવે તો ચાર્વાકદર્શનની અનેક મહત્ત્વની વીશીષ્ટતાઓનું આપણને દર્શન થાય છે. આ વીશીષ્ટતાઓ આ પ્રમાણે છે :
(01) લોકસીદ્ધી અર્થાત્ લોકો દ્વારા ચુંટાયેલો રાજા એ જ ઈશ્વર છે.
(02) ચૈતન્યયુક્ત દેહ એ જ આત્મા છે.
(03) અર્થ અને કામ એ બે જ પુરુષાર્થને તે માને છે. (ધર્મ અને મોક્ષને તે માનતું નથી)
(04) પૃથ્વી પરનાં સુખો એ જ સ્વર્ગ અને પૃથ્વી પરનાં દુ:ખો એ જ નરક.
(05) પરતન્ત્રતા એ જ બન્ધન અને સ્વતન્ત્રતા એ જ મોક્ષ.
(06) વાસ્તવવાદી દૃષ્ટીકોણ યાને ઈહલોકના જીવનની જ ચીન્તા. પરલોકના – સ્વર્ગ, નરકના જીવનનો ઈનકાર.
(07) પુનર્જન્મ, કર્મસીદ્ધાન્તનો ઈનકાર.
(08) શારીરીક શ્રમ અને પુરુષાર્થ પર વીશ્વાસ.
(09) અલૌકીક ઈશ્વરનો ઈનકાર અને સ્વ–ભાવવાદની સ્થાપના.
(10) વેદપ્રમાણનો ઈનકાર અને તર્ક તથા અનુભવ એ જ પ્રમાણનો સ્વીકાર.
સારાંશ એ છે કે આપણે આપણા ઘરમાં દરરોજ ધુળ, કચરો, કરોળીયાનાં જાળાં–બાવાં વગેરેને દુર કરી ઘરને સ્વચ્છ, સુઘડ, રળીયામણું અને સુવાસીત રાખવા માટે અશુદ્ધીઓને કાયમ બહાર ફેંકતા રહીએ છીએ તેને નકારાત્મક કે ખંડનાત્મક પ્રવૃત્તી કહીએ છીએ ખરાં ? તો પછી ભારતીય સંસ્કૃતીમાં વર્ણાશ્રમધર્મનો વીદેશી કુડો–કચરો કે જે ફક્ત આર્યપંડીતોની શ્રેષ્ઠતા અને ‘વીના પરીશ્રમની આજીવીકા’ માટે ઘુસાડવામાં આવ્યો હતો; તેને ચાર્વાકે ફેંકી દેવાની હીમાયત કરી હોય તો તેને ચાર્વાકની નકારાત્મક અને ખંડનાત્મક પ્રવૃત્તી કેવી રીતે કહી શકાય ? વળી ઘરની સાફ–સુફી કરતી વખતે ઘરવપરાશનાં અને સુખ–સુવીધાનાં સાધનો જે હોય છે, તે તો તેના યથાસ્થાને અગાઉથી હોય જ છે. એવાં સાધનો કંઈ દરરોજ બહાર ફેંકીને નવાં લાવવાનાં નથી હોતાં. એ જ રીતે ભારતીય સીંધુઘાટીના ઉમદા માનવીય ધર્મ અને સંસ્કૃતીનાં તત્ત્વો તો ભારતીય સમાજમાં અગાઉથી વીદ્યમાન હતાં જ. તેનો કંઈ નાશ થઈ ગયો હતો જ નહીં; તેથી ચાર્વાકે એની સ્થાપના કરવાની તો હતી જ નહીં. ચાર્વાકે તો ફક્ત વર્ણાશ્રમધર્મકૃત કચરો જ સાફ કરવાનો હતો. તેથી જ ચાર્વાકસુત્રમાં એની અશુદ્ધીઓનું જ ખંડન મુખ્ય માત્રામાં જોવા મળે તે સ્વાભાવીક છે. તેમ છતાંય એ સુત્રોનું સમસામયીક, પુર્વગ્રહરહીત અને વૈજ્ઞાનીક ઢબે વીશ્લેષણ કરવામાં આવે તો તો એ સોળ શ્લોકોમાં પણ વીધાયક, રચનાત્મક તથા હકારાત્મક અભીગમના આપણને અવશ્ય દર્શન થાય છે.
‘દેવું કરીને ઘી પીઓ’ ખોટું અર્થઘટન કરી ચાર્વાકને ભોગવાદી અને કામચોર ગણાવી લોકોને ગુમરાહ કરનારા વર્ણવાદી તત્ત્વોને સ્વામી સદાનંદે, પોતાની લાક્ષણીક ધારદાર શૈલીમાં જે પ્રત્યુત્તર આપ્યો છે અને તેમને ઉઘાડા પાડ્યા છે; તે આપણને આનન્દાશ્ચર્યમાં ડુબાનારી બાબત છે. વર્ણવાદીઓને સત્ય સમજાવવા માટે તેમણે મનુસ્મૃતીમાંથી કેટલાક શ્લોકો ટાંક્યા છે, જે આ પ્રમાણે છે :
‘યજમાનનો, વીશેષત: બ્રાહ્મણોનો યજ્ઞ એકબાજુથી અટકી રહ્યો હશે અને ત્યાંનો રાજા ધાર્મીક હશે, તો યજમાને તે યજ્ઞ પુર્ણ કરવા માટે ખુબ પશુધનવાળા, યજ્ઞ ન કરનારા અને સોમપાન ન કરનારા વૈશ્યના કુટુમ્બમાંથી તેની સમ્પત્તીનું હરણ કરવું… શુદ્રોના ઘરમાંથી પણ સમ્પત્તીનું હરણ કરવું; કારણ શુદ્રોનો યજ્ઞ સાથે કોઈ સમ્બન્ધ હોતો નથી.’ (મનુસ્મૃતી : 11–11)
‘જે એકસો ગાયોનું ધન હોવા છતાં અગ્નીહોત્ર કરતો નથી, હજાર ગાયોનું ધન હોવાં છતાં સોમ યાગ કરતો નથી, તેના કુટુમ્બનો પણ વીચાર કર્યા વીના તેના ધનનું હરણ કરવું.’ (મનુસ્મૃતી : 11–14)
‘હંમેશાં દાન લેનારે પણ દાન ન આપનાર માણસે, યજ્ઞ માટે ધન આપ્યું નહીં; તો તે બળજબરીથી લઈ લેવું.’ (મનુસ્મૃતી : 11–15)
‘બ્રાહ્મણોએ યજ્ઞ માટે ક્યારેય શુદ્ર પાસે ધનની યાચના કરવી નહીં.’ (મનુસ્મૃતી : 11–15)
(અર્થાત્ યાચના કર્યા વીના લુંટીને – બળજબરીથી લઈ લેવું.)
‘દાસને સમ્પત્તી પર અધીકાર હોતો નથી, તે જે કંઈ પ્રાપ્ત કરે તે તેના માલીકનું યાને બ્રાહ્મણનું હોય છે. માલીકને તેના ધનનું અપહરણ કરવાનો અધીકાર હોય છે.’ (મનુસ્મૃતી : 08–416–17)
‘ધન મેળવવાનું સામર્થ્ય હોવા છતાં; શુદ્રે ધન સંચય કરવો નહીં.’ (મનુસ્મૃતી : 10–12–09)
મનુસ્મૃતીના ઉપરોક્ત શ્લોક ટાંક્યા પછી સ્વામી સદાનંદજી જે પ્રશ્નો પુછે છે તે ભારે વેધક અને વર્ણવાદીઓના જુઠ અને દમ્ભનો પર્દાફાશ કરનારા છે. તેઓ કહે છે કે :
- કરજ લઈને ઘી પીવાનું કહેનારો માણસ અને બીજાની સમ્પત્તી લુંટીને યજ્ઞ પુર્ણ કરવાનું કહેનારો માણસ એ બેમાં હીન માણસ કોણ ?
- કરજ લઈને ઘી પીવા કરતાં ધાડ પાડીને ઘી બાળવું વધુ સારું છે ?
- (અન્યના ધનને લુંટીને) યજ્ઞ કરીને સ્વર્ગ મેળવવાનું કહેનારા કરતાં; દેવું કરી ઘી પીને બળવાન બની, પૃથ્વી પરના જીવનને સ્વર્ગ બનાવવાનું કહેનારા વધારે સાચા અને સારા કહેવાય કે નહીં?
વાસ્તવીકતા એ છે કે ચાર્વાક અને ચાર્વાકદર્શન જેવા મહાન માનવવાદી દર્શનની અજ્ઞાન અને ભોળા લોકો સામે જુઠી અને અઘટીત નીન્દા કરનારા વીદ્વાનો મનુસ્મૃતીના અમાનુષી કાયદા–કાનુનો પ્રત્યે ઘોર આંખમીંચામણાં કરી સમાજમાં ચાર્વાકદર્શન વીરુદ્ધ અજ્ઞાન ફેલાવે છે. મનુસ્મૃતીના જે અમાનવીય દંડ વીધાનો દ્વારા તમામ વર્ણની સ્ત્રીઓ અને આજના OBC, ST, SC વર્ગના શીક્ષણ, સમ્પત્તી અને હથીયારના અધીકારો છીનવી લઈને બે હજાર વર્ષ સુધી પશુથીયે બદતર પરીસ્થીતીમાં જીવવાની ફરજ પાડી હતી, તે આ વર્ણવાદીઓ બદઈરાદાપુર્વક ભુલી જાય છે.
–એન. વી. ચાવડા
આસ્તીક, શ્રદ્ધાળુ, ભક્ત, યોગ ઉપાસક, ભજન–કીર્તન, પુજા–પાઠ, ધ્યાન, ગાયત્રીમન્ત્રજાપ, ગુ
No comments:
Post a Comment