Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

19 February 2016

દરેક બીજી સ્ત્રી અને ત્રીજો પુરુષ માને છે એ શાસ્ત્ર : જ્યોતીષ !

દરેક બીજી સ્ત્રી અને ત્રીજો પુરુષ માને છે એ શાસ્ત્ર : જ્યોતીષ !

–ચન્દ્રકાન્ત બક્ષી
જ્યોતીષ વીશે લખવામાં વ્યાવહારીક જોખમ છે. દરેક બીજી સ્ત્રી અને દરેક ત્રીજો પુરુષ જ્યોતીષમાં માને છે. ભવીષ્ય વેત્તાના દરેક લખેલા શબ્દ પર લોકોને જે વીશ્વાસ છે એ અદ્ ભુતથી પણ વધારે છે ! જ્યોતીષી કે ભવીષ્યવેત્તાનું નામ ન હોય, એડ્રેસ ન હોય, ગોત્ર ન હોય; છતાં પણ ભણેલાગણેલા માણસોને એમની વાતોમાં, એમના અક્ષરેઅક્ષરમાં જે આસ્થા છે એ અન્ધશ્રદ્ધાથી જરા પણ ઓછી નથી. ભવીષ્ય વીશે જાણવું એ માણસની કમજોરી છે અને રહેશે. જ્યોતીષ જેવો ધમધોકાર ધંધો બીજો નથી. મુહુર્ત જોયા વીના પરણવા નીકળનારા કે પુજા કર્યા વીના ગૃહપ્રવેશ કરનારા ભાગ્યે જ મળશે ! ભારતમાં જ્યોતીષ હતું, છે અને રહેશે…
1985ના સપ્ટેમ્બરની પહેલી તારીખે દેશના પ્રથમકક્ષાના અંગ્રેજી સમાચારપત્રમાં આ પ્રકારની જાહેરખબર વાંચવા મળે છે : ‘27/155, બીઝનેસમેન, જે દુબઈમાં સ્થાયી છે, એને માટે 20થી 25 વર્ષની ખુબસુરત ગ્રેજ્યુએટ સુન્ની મુસ્લીમ કન્યાએ જન્મકુંડળી (હોરોસ્કોપ) સાથે પત્રવ્યવહાર કરવો.’ ચારેક વર્ષ પહેલાં પાકીસ્તાનમાં અંગ્રેજી દૈનીકમાં સાપ્તાહીક ભવીષ્યના મકર અને વૃશ્ચીક અને તુલા જોઈને ખુબ જ આશ્ચર્ય થયેલું  ! મુસ્લીમ પાકીસ્તાનમાં ઉર્દુ અખબારો પણ ભવીષ્યવાણીની કૉલમો ચલાવે છે એવું ત્યાંના દોસ્તોએ કહ્યું છે. સોવીયેત યુનીયન જેવા કમ્યુનીસ્ટ દેશમાં પણ ટ્રેડ યુનીયન પત્ર ‘ત્રુદ‘ સતત શીકાયત કરતું રહે છે કે ભવીષ્યવાણી કહેવી એ સામાજીક દુષણ બની ગયું છે અને એને કારણે કેટલીય જીન્દગીઓ ખોટી આશા–નીરાશાઓમાં બરબાદ થઈ જાય છે. એટલે રશીયામાં પણ જ્યોતીષનો ‘રોગ‘ તો છે જ  !
જ્યોતીષ મહાન શાસ્ત્ર હશે; પણ એ પ્રેક્ટીસ કરનારા એટલા મહાન નથી. જ્યોતીષની શેરબજાર જેવી એક દ્વીઅર્થી ભાષા છે. દરેક અનુમાનશાસ્ત્રે પોતાની એક ભાષા પેદા કરી લેવી પડે છે. કોઈ પણ આગાહી મુળભુત બે જ પ્રકારની હોઈ શકે છે – ક્રીકેટ ટીમ જીતશે અથવા નહીં જીતે ! રાજીવ ગાંધી સફળ થશે કે નહીં થાય. પણ આટલી સ્પષ્ટતાથી આગાહી કરવામાં આવતી નથી. મહાત્મા ગાંધીની હત્યાની એક ભવીષ્યવેત્તાએ જરુર આગાહી કરી હતી !
જ્યોતીષનું સૌથી ખરાબ પરીણામ એ છે કે એ અસ્થીર માણસને કમજોર બનાવી નાંખે છે. આન્ધ્રમાં વીધાનસભાની ચુંટણી હતી. કોંગ્રેસની પાંત્રીસ વર્ષોથી બહુમતી હતી. દીલ્હીમાં ઉમેદવારો ભેગા થયા હતા. કોંગ્રેસી ઉમેદવારોએ શુભમુહુર્ત કાઢીને પત્રકો ભર્યાં. પણ એ શુભમુહુર્ત સાચવવા માટે દીલ્હીથી ખાસ ચાર્ટર કરેલું ઈન્ડીયન એરલાઈન્સનું હવાઈ જહાજ ખાસ શુભમુહુર્ત કાઢીને દીલ્હીથી હૈદરાબાદ માટે ઉડ્યું. સરકારી હવાઈ જહાજ મુહુર્ત પ્રમાણે આ રીતે ઉપડતું નથી; પણ દેશના ‘ભવીષ્ય‘નો પ્રશ્ન હતો અને પ્લેન ચાર્ટર કરેલું હતું ! બધાં જ શુભમુહુર્તો સચવાયાં, કોંગ્રેસીઆ ઉમેદવારોએ કોંગ્રેસની જન્મકુંડળીના બધા જ ગ્રહો સાચવ્યા પણ જનતાનું ગૃહ ભુલી ગયા ! આન્ધ્રના રામારાવે કોંગ્રેસને સખત પરાજય આપ્યો. મુહુર્તો ખોટાં કાઢવાનો પ્રશ્ન હતો જ નહીં. ઘણા બધા જોશીઓએ એકથી વધારે મુહુર્તો સાચવ્યાં હતાં અને એમનું સમ્પુર્ણ મતૈક્ય હતું – પણ જોશીઓ ખોટા પડ્યા.
1761માં પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું. મરાઠા સેનાઓના સેનાપતી હતા સદાશીવરાવ ભાઉ અને સામે અફઘાન અહમદશાહ અબ્દાલી હતો. અફઘાનો શક્તી વગરના, સંગઠન વીનાના હતા, મરાઠાઓ તૈયાર હતા. મૌસમ આક્રમણ માટે ઉપયુક્ત હતી; પણ ભાઉસાહબ પ્રખર જ્યોતીષી હતા. હમણાં ગ્રહો બરાબર ન હતા, એમનું કહેવું હતું.
મરાઠી સેનાના મુખ્ય તોપચી ઈબ્રાહીમખાને કહ્યું કે આ મોકો છે હુમલો કરી દેવાનો; પણ ગ્રહો ઠીક ન હતા. મરાઠા વીલમ્બ કરતા રહ્યા, વરસાદ આવ્યો, નદીઓ ઉભરાઈ ગઈ. ચોમાસું ગયું. પણ હજી ગ્રહો બરાબર ન હતા. અન્તે એક દીવસ યુદ્ધ થઈ ગયું, યુદ્ધ કરવું જ પડ્યું. છેલ્લે દીવસે મરાઠા સૈનીકો એમનું છેલ્લું ભોજન અને ઘોડાઓની છેલ્લી રસદ ખતમ કરીને યુદ્ધમાં ઉતર્યા. ભાઉસાહેબે કહ્યું, હવે ગ્રહો બરાબર છે…
નવેક માસના વીલમ્બ પછી મરાઠા–અફઘાન યુદ્ધ થયું. ગ્રહો સારા હતા–પણ અફઘાનો માટે ! 1761માં જે યુદ્ધ થયું એણે ભારતનું ભાવી શેષ કરી દીધું અને એમાં પરાજયનું એક કારણ હતું સદાશીવરાવ ભાઉનો જ્યોતીષમાં અડગ અન્ધવીશ્વાસ.
કથાકાર મધુરાયની એક વાર્તામાં એક પાત્ર રમુજમાં કહે છે કે : ‘મારી મમ્મીને મંગળ હતો અને મારા પપ્પાને મંગળ હતો એટલે મારો જન્મ થયો !’ ભારતમાં પહેલાં બે જન્મકુંડળીઓના મંગળ પ્રેમ કરી લે છે, પછી મનુષ્યો પ્રેમ કરે છે. મજાકમાં કહીએ તો ‘લગ્ન કાગળના બે ટુકડાઓ વચ્ચે નક્કી થાય છે.’
જ્યોતીષ પાસે ઘણા પ્રશ્નો અનુત્તર છે. તરત જન્મેલા મૃત બાળકને પણ સામાન્ય મનુષ્ય જેટલી લાંબી જીવનરેખા હોય છે  ! બન્દરની હથેળી પર પણ આપણા જેવી જ રેખાઓ હોય છે. સામુદ્રીક વીદ્યા એ હથેળીઓ વીશે કંઈ કહી શકે છે  ? ખગોળશાસ્ત્ર (એસ્ટ્રોનોમી) ચોક્કસ શાસ્ત્ર છે, જ્યારે જ્યોતીષ (એસ્ટ્રોલોજી) હજી અનુમાનની વસ્તુ છે. જન્મની ક્ષણને ભવીષ્ય સાથે સમ્બન્ધ છે  ?
હીન્દુસ્તાનમાં એક જ ઈન્ડીયન સ્ટાન્ડર્ડ ટાઈમ છે. અમેરીકામાં ત્રણ સમયો છે. આસામ અને ગુજરાતમાં એક જ સમય હોઈ શકે ? બે ઘડીયાળો એક સ્થળે પણ સરખો સમય બતાવતી નથી ! હોસ્પીટલની ઘડીયાળ પણ સાચી જ હોય એ જરુરી નથી. ચોક્કસ કે એક્ઝેક્ટ સમય ઘડીયાળો પર નીર્ભર નથી; પણ તમે કયા ચોક્કસ અક્ષાંશ–રેખાંશ પર જન્મ્યા છો એના પર આધારીત છે. કદાચ જ્યોતીષીઓ આ વીશે ક્યારેય સાવધાન નથી હોતા. શીયાળા–ઉનાળાના જગતના ઘણા દેશોમાં જુદા જુદા સમય હોય છે. અક્ષાંશ–રેખાંશની દૃષ્ટીએ ભારતવર્ષમાં પુર્વતમથી પશ્ચીમતમ બે સ્થાનો વચ્ચે વૈજ્ઞાનીક રીતે લગભગ બે કલાકનો ફર્ક હોવો જોઈએ. સ્થાનીક સમય અને ઈન્ડીયન સ્ટાન્ડર્ડ ટાઈમ વચ્ચે પણ ફરક હોય છે. દૃષ્ટાંતરુપે જોઈએ તો અમદાવાદના સ્થાનીક સમયમાં 40 મીનીટ ઉમેરો તો ઈન્ડીયન સ્ટાન્ડર્ડ ટાઈમ આવે; પણ આસામના ગુવાહાટીમાં 37 મીનીટ બાદ કરો તો આઈએસટી આવે  !
ગ્રીક ‘હોરોસ્કોપ’ પરથી ભારતીય ‘હોડાચક્ર’ આવ્યું. આપણે ત્યાં જન્મકુંડળી જુની વસ્તુ છે. કહેવાય છે કે રાવણની કુંડળીમાં સુર્ય સાતમા ઘરમાં હતો. રામાયણમાં રામનાં લગ્ન પછી દશરથ અયોધ્યા પાછા ફરી રહ્યા છે, ત્યારે વનમાં પક્ષીઓનો તીવ્ર કાકારવ સાંભળે છે; પણ હીંસક પશુઓ પાળેલાં જાનવરોની જેમ પાસે આવીને આસપાસ ફરે છે. દશરથને અપાર આશ્ચર્ય થાય છે ત્યારે વશીષ્ઠ આ લીલા સમજાવે છે. પક્ષીઓનો કાકારવ આવનારી આપત્તીઓનો દ્યોતક છે જ્યારે હીંસક પશુઓનું શરણ બતાવે છે કે એ આપત્તીઓ પસાર થઈ જશે ! ઋષી વશીષ્ઠની ભવીષ્યવાણી અક્ષરશ: સાચી પડે છે.
એ જ જુનો પ્રશ્ન આવે છે : જોશી જોષ જુએ છે તો એની છોકરી કેમ રંડાય છે ?
જ્યોતીષ અંગત વીશ્વાસનો પ્રશ્ન છે. વહેમ એ, જ્યોતીષનો અનૌરસ પુત્ર છે. નીર્દોષ આનન્દ માટે જ્યોતીષ બહુ સરસ વીષય છે અને સાપ્તાહીક ભવીષ્ય એમાં ઉત્તમ છે  !
તમે જો નીયમીત સાપ્તાહીક ભવીષ્ય વાચવાના બન્ધાણી હો તો તમારે માટે થોડી સુચનાઓ અને ભવીષ્યવાણી નીચે મુજબ છે :
“……પાડોશમાં પોપટ હોય તો સંભાળશો. ઑક્ટોબરમાં તમે પ્રાણીબાગમાં જાઓ એવા સંજોગો છે. આ જુન સુધીમાં તમને ફક્ત બે જ સ્ત્રીઓ પ્રેમ કરે એવા યોગ છે. દીવાળી સમયે એક બંગાળી તમને તમારો વીમો ઉતરાવવા માટે ચેષ્ટાઓ કરશે; પણ તમે એમાંથી છટકી જશો. પ્રથમ છ માસ તમને તમારા ટેલીફોન તરફથી કોઈ તકલીફ નહીં રહે. વરસાદના દીવસોમાં તમારી વર્ષો જુની એક પ્રીયા તમને યાદ કરશે અને બેએક વાર ગુંડા મોકલશે; પણ તમારો સુર્ય તપી રહ્યો છે. આપઘાત કરવા માટે આ અઠવાડીયું સારું નથી. રેસકોર્સમાં ‘યુ’ કે ‘ડબલ્યુ’ નામથી શરુ થતા ઘોડા પર જુગાર રમવાથી ફાયદો થશે. જેના પીતાનું નામ મુળજી કે હરીદાસ કે ચમનલાલ હોય એવા શખ્સથી દુર રહેજો. જુલાઈમાં વાળ કપાવશો નહીં અને નવું ટી.વી. ખરીદશો નહીં. સપ્ટેમ્બરમાં પેન્ટ સીવડાવશો તો સીટમાંથી ટાઈટ થઈ જશે. આ વર્ષે અત્તરની શીશીઓ લેવી નહીં અને લેશો તો ખોલતી વખતે એના બુચ તુટીને અંદર ચાલ્યા જશે. આ વર્ષે પાંચ ફીટ સાડા ત્રણ ઈંચ ઉંચી એક સ્ત્રીથી તમને સન્તાપ છે; પણ શીયાળામાં એને લગભગ પરણી જવાનો યોગ ઉભો થશે. વૃશ્ચીક રાશીમાં જન્મેલા એક જાડા બેંક મેનેજર સાથે બોલાચાલી થશે. તમને ટેબલ ટેનીસના બૉલની ઘાત છે માટે એનાથી સંભાળશો. આ વર્ષે તમારે એકન્દરે સન્તાનયોગ નથી.”
અને હા,  હું જ્યોતીષમાં માનતો નથી.
ક્લોઝ અપ
ગ્રાહકોને વીનન્તી છે કે વચ્ચે વચ્ચે એમણે સીલીંગના પંખાઓ તરફ તાકતા રહેવું, જ્યારે પંખાઓ ફરતા દેખાય (અમારા પંખાઓ તો ચાલતા જ નથી !) ત્યારે સમજવું કે હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે. [કલકત્તામાં એક શરાબના બારમાં લટકાવેલી સુચના] (પુસ્તક : અતીક્રમ)
–ચન્દ્રકાન્ત બક્ષી

No comments:

Post a Comment

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી