ધર્મ અને ધાર્મીકતા વચ્ચેનો ભેદ સમજવો જરુરી છે
–બીરેન કોઠારી
2016ના આગમન સાથે એક તરફ એકવીસમી સદી સોળ
વર્ષની નવયૌવના બની હોવાની મુગ્ધ, ગળચટ્ટી વાત કરવામાં આવે છે. એ રીતે આપણે
આગળ વધ્યા હોવાનું ગૌરવ પણ લેવામાં આવે છે. બીજી તરફ એવા સમાચાર જાણવા મળે
છે કે આપણને થાય કે એકવીસમી સદીના દોઢ દાયકાની સમાપ્તી પછી પણ આપણી ગતી
ખરેખર કઈ તરફની છે ? એ જાણીને નવાઈ લાગે, ચીન્તા થાય અને પુનર્વીચાર કરવા
જેવો પણ લાગે.
એક અહેવાલ મુજબ તમીલનાડુનાં મંદીરોમાં
2016ના નવા વર્ષથી ડ્રેસ કોડ લાગુ પાડવામાં આવ્યો છે. એ મુજબ સ્કર્ટ,
લેગીંગ કે હાફ પેન્ટ જેવાં એટલે આધુનીક ગણાતાં વસ્ત્રો પહેરેલી મહીલાઓ
પ્રવેશને પાત્ર ગણાશે નહીં. ખરેખર તો વરસોથી ત્યાંનાં મોટાં ભાગનાં
મન્દીરોમાં એ કાયદો છે કે પુરુષોએ ધોતી અને મહીલાઓએ સાડી પહેરીને જ પ્રવેશ
કરવો. હવે આ નીયમના અમલ માટે ચુસ્તી દેખાડવાનો આદેશ હાઈકોર્ટની બેન્ચ
દ્વારા આપવામાં આવ્યો છે. નાગરીકોને સ્પર્શતા, તેમના મુળભુત હકો કે સવલતો
સાથે સંકળાયેલા અનેક મુદ્દાઓને બદલે મન્દીરોમાં ડ્રેસ કોડ જેવી બાબતોમાં
હાઈ કોર્ટે દરમીયાનગીરી કરવી પડે એ કેવી વક્રતા !
આ સમાચાર વાંચીને વીચારવું રહ્યું કે શું
આપણી ધાર્મીકતા હજી સુધી વસ્ત્રોમાં જ અટવાયેલી રહી છે ? સૌન્દર્ય માટે
કહેવાય છે કે એ જોનારની આંખોમાં હોય છે. પવીત્રતા અને ભક્તીભાવ બાબતે પણ એમ
જ કહી શકાય. એ જે તે વ્યક્તીના મનમાં હોય છે. વસ્ત્રો સાથે તેને શી
લેવાદેવા ?
મન્દીર એક જાહેર સ્થળ છે અને ત્યાં અનેક
લોકોની આવનજાવન રહેતી હોય છે. સમયના બદલાવાની સાથે વસ્ત્રપરીધાનની શૈલી પણ
બદલાતી રહે એ સ્વાભાવીક છે. રોજબરોજનાં વસ્ત્રોમાં ફેશનની સાથેસાથે
હલનચલનની અનુકુળતા મુખ્ય હોય છે. વીસમી સદીના છેલ્લા દાયકામાં વૈશ્વીકીકરણ
પછી દરેક ક્ષેત્રે પરીવર્તન અકલ્પનીય રીતે ઝડપી બન્યું છે, જેની અસર
જીવનશૈલીનાં અનેક પાસાંઓ પર પડી રહી છે. ઘણાં પરીવર્તનોને લોકો છુટથી
અપનાવતા અને સ્વીકારતા થયા છે. આવા માહોલમાં કેવળ વસ્ત્રોના પ્રકારને
લાયકાત ગણીને પકડી રાખવામાં આવે ત્યારે થાય કે આપણે બે ડગલાં આગળ વધીને ચાર
ડગલાં પાછળ જઈ રહ્યા છીએ.
વસ્ત્રોની
સાથેસાથે બીજી પણ ઘણી બાબતોની ચુસ્તતા, અનેક સમ્પ્રદાયોના અભીન્ન ભાગ અને
ઓળખ જેવી છે. તમીલનાડુનાં મન્દીરોની એકલાંની વાત શા માટે કરવી ? લગભગ દરેક
મન્દીરમાં મહીલાઓને માસીકચક્ર દરમીયાન દર્શનનો નીષેધ કરવાથી લઈને તેમણે
ગાઉન, સ્કર્ટ જેવાં વસ્ત્રો પહેરીને દર્શન માટે ન આવવું, જેવી હાસ્પાસ્પદ
લાગતી; પણ આદેશાત્મક સુચનાઓ લખાયેલી જોવા મળે છે. આ સુચનાઓ વાંચીને એમ જ
લાગે કે મન્દીરો આપણા દેશના બંધારણથી પર છે. આવી સુચનાઓ વાંચીને નહીં; પણ
તેના ભંગથી કોઈની ધાર્મીક લાગણી દુભાઈ જતી હોય તો એવી વ્યક્તીઓએ ધર્મ
અંગેની પોતાની સમજણને નવેસરથી કેળવવી રહી.
ઘણા સમ્પ્રદાયોમાં મહીલાઓ સાથે કશા
વ્યવહારનો તો ઠીક; તેમને જોવાનો પણ બાધ હોય છે. અને આ મહીલાઓમાં એક મહીનાની
બાળકીથી લઈને સો વર્ષની વૃદ્ધા સુધીની ઉંમરની શ્રેણીનો સમાવેશ થાય છે. આ
વીભાવના પાછળ મુળભુત રીતે સમ્ભવીત વીજાતીય આકર્ષણને ટાળવાનો હેતુ હોય છે,
જેથી ધર્મના મુળભુત હેતુમાંથી નીષ્ઠા ચલીત ન થાય. પણ આનો અમલ એ હદે
જડતાપુર્વક કરવામાં આવે છે કે હસવું આવે. જે તે સમ્પ્રદાયના સાધુઓનું આગમન
યજમાનના ઘરે થાય ત્યારે ઘરની તમામ ઉંમરની મહીલાઓ રસોડામાં પુરાઈ જાય છે અને
રસોડામાંથી વીવીધ ખાદ્ય ચીજો સમયાન્તરે મોકલતી રહીને સન્તોની આગતાસ્વાગતા
કરે છે. આ વ્યવહાર એટલો સ્વીકૃત અને સાહજીક બની ગયો છે કે બન્ને પક્ષોમાંથી
કોઈને આમાં કશું અજુગતું લાગતું નથી. અને છતાં પોતાનો સમ્પ્રદાય અત્યન્ત
પ્રગતીશીલ તેમ જ સમય સાથે તાલ મીલાવનારો હોવાનો મીથ્યા સન્તોષ ગૌરવની હદે
લેવામાં આવે છે. જે તે સમ્પ્રદાયના સાધુઓ પોતે પોતાના સમ્પ્રદાયના આદેશ
મુજબ સંયમ ભલે પાળે ! પણ તે બીજાઓ પર લાદવાની શી જરુર ? એટલો સાદો વીચાર
તેઓ કરતા નથી. પોતાના વ્રતપાલનને કારણે અન્યોએ કોઈક ઓરડામાં પુરાઈ રહેવાનું
! અને એમ હોય તો એ વ્રતના પાલનમાં ખુદને શંકા કે અવીશ્વાસ છે, એમ આપોઆપ
પુરવાર થાય. સૌથી નવાઈની, અને આજના જમાનામાં તો આઘાતની લાગે એવી બાબત એ છે
કે, પોતાને કેવળ મહીલા હોવાને નાતે અન્દર ફરજીયાત પુરાઈ રહેવાનું આવે છે
એની મહીલાઓની ખુદની સ્વીકૃતી. બીજી અનેક બાબતોમાં સ્વતન્ત્રતા ઈચ્છતી
મહીલાઓને આમાં ધાર્મીકતાનું અનુસરણ દેખાય છે; જાતીભેદ કે લીંગભેદ નહીં.
ધર્મ અને ધાર્મીકતા બન્ને અલગ બાબતો છે.
આપણે ધાર્મીકતાને ધર્મ સમજીને જીવી કાઢીએ છીએ. તેને પરીણામે અનેકાનેક
બાહ્યાચાર, તેનું જડતાપુર્વકનું પાલન અને તેમાંથી શોધેલી છટકબારીઓ દ્વારા
કરાતાં સગવડીયાં અર્થઘટનો થકી, ધર્મપાલનનો સન્તોષ લેતા રહીએ છીએ. આ બાબત,
ખરું જોતાં મોટા ભાગના ધર્મોને લાગુ પાડી શકાય. કેમ
કે, છેવટે જે તે ધર્મ તેના હાર્દને બદલે તેના બાહ્યાચાર થકી જ ઓળખાતો રહે
છે. આવા બાહ્યાચાર, મોટે ભાગે સ્વઓળખનો હીસ્સો બની રહેતા હોવાથી તેને વળગી
રહેવાનું ઝનુન પણ વધુ હોય છે. ક્યાંક એ ઝનુન સાત્ત્વીક રીતે પ્રગટે, ક્યાંક
તામસી રીતે કે ક્યાંક રાજસી રીતે; પણ તેની આક્રમકતામાં ભાગ્યે જ કશો ફરક
હોય છે.
ધર્મને સ્પર્શતા તમામ મુદ્દા એ હદે
સંવેદનશીલ હોય છે કે તેની યોગ્યાયોગ્યતા વીશે ખુલ્લી ચર્ચા ભાગ્યે જ કરી
શકાય. અને હવે તો ગમે એ બાબતને ધર્મ સાથે સાંકળીને તેને સંવેદનશીલ બનાવી
દેવામાં આવે છે. આવા સંજોગોમાં સમુહને અનુસરવાને બદલે, વ્યક્તીગત સ્તરે
ધર્મ વીશેની સાચી સમજણ કેળવીએ અને તેનો અમલ કરી શકીએ તોય ઘણું ! સમાજ
પુરુષપ્રધાન છે એ હકીકત છે; પણ ધર્મ પુરુષપ્રધાન ન હોઈ શકે. સૌ માટે સમાન હોય એ જ ખરો ધર્મ. આટલી પાયાની સમજણ કેળવાય, દૃઢ થાય અને તેના અમલીકરણ તરફ પ્રયત્ન થાય ત્યારે ધર્મની સમજણ તરફની ગતી યોગ્ય દીશાએ છે એમ મનાય.
–બીરેન કોઠારી
No comments:
Post a Comment