શું આ દેશના યુવાનો આટલું કરશે ! ભાગ-13
કે.કે.પટેલ
શ્રી સરદાર
પટેલ વિદ્યાલય
દાણા
તા:-કપડવંજ જિ:-ખેડા
સફળતા નિષ્ફળતાની માયાજાળમાંથી મુક્ત બની જે
દિશાઓ આપણા માટે ખુલ્લી છે તેના પર ધ્યાન કેન્દ્રીત કરીએ.ભવિષ્યની ચિંતા પ્રત્યેક
વ્યક્તિને હોય છે પણ સાથે સાથે વર્તમાનમાં પણ આપણી ઘણીબધી ફરજો હોય છે જે આપણે અદા
કરવી જ જોઇએ.
પરીક્ષા આપ્યા પછીનું લાંબાગાળાનું વેકેશન હોય કે કામના સમયમાંથી મળેલ ફુરસદ હોય
આપણે ઇચ્છીએ તો ઘણાબધા સેવાભાવના કાર્યો કરી શકીએ એમ છીએ. આપણે શહેરમાં હોઇએ કે
ગામડામાં આપણી પરીક્ષા પૂર્ણ થયા પછીનો સમયગાળો એટલે ઉનાળાનો ધોમધખતો તાપ અને તેનો
તીવ્ર પ્રકોપ,આ સમયે ચકલી જેવા પંખીઓ તરસ છીપાવવા દોડાદોડ કરતા આપણે જોતા હોઇએ
છીએ. આપણે આપણા ઘરની બહાર એક નાના પાત્રમાં થોડુ પાણી ભરી યોગ્ય જગ્યાએ લટકાવીએ કે
જેથી કરીને આ પક્ષીઓ પાણી પી શકે. સાથે સાથે
નાના નાના ખોખામાં થોડુ ઘાસ ભરી પક્ષીનો માળો બનાવી લટકાવીએ કે જેથી કરીને
તે પક્ષીઓ પોતે કે તેમના નાના નાના બાળ પંખીઓને ગરમીથી બચાવી શકે.
આવી નાની નાની પ્રવૃતિઓ સાથે સાથે આપણા
ગામના આપણા સાથીદારો સાથે ગામના અને જો ગામમાં ના હોય તો ગામની શાળાના
પુસ્તકાલયમાંથી પુસ્તકો લાવી એક ઝાડ નીચે કે ગામના મંદિરના પ્રાંગણમાં દિવસનો એક
કલાક વાંચીએ,સમાચારપત્રોના વાંચન થકી આપણા જ્ઞાનની ક્ષિતિજોને વિસ્તારીએ,દેશ અને
દુનિયામાં શું ચાલી રહ્યું છે તેનાથી અવગત થઇએ. ગામના મંદિર કે જાહેર જગ્યાએ નાના
બોર્ડ પર સુવિચારો લખી સુસંસ્કારનું વાતાવરણ બનાવીએ. ગામડાના વિદ્યાર્થીઓને આ
મુહીમમાં ખાસ જોડાય તેવી મારી ખાસ વિનંતી છે. ગામડાનો વિદ્યાર્થીસમુહ આ રજાઓના
સમયગાળાનો સદઉપયોગ કરે અને જેની ખાસ જરૂર છે તેવા સ્વચ્છતા અભિયાનમાં પણ જોડાય.આપણા
દેશની છાપ એક ગંદકીપ્રધાન દેશની છે. ટેક્નોલૉજીની એકવીસમી સદીમાં ઇન્ફર્મેશન
ટેક્નોલૉજીના જ્ઞાનમાં સારાયે વિશ્વમાં આપણા યુવાધનની બોલબાલા છે ત્યારે ઘરઆંગણે
ગામડે ગામડે જોવા મળતા ગંદકીના સામ્રાજ્યને ખતમ કરવા આપણે શા માટે પાછા પડી રહ્યા
છીએ ! જાહેર સ્વચ્છતા કે વ્યક્તિગત સ્વચ્છતા બાબતે અન્ય દેશોની સરખામણીએ આપણે ખુબ
જ પાછળ છીએ. આ દેશની સંસ્કૃતિ,યોગ-સાધના વિશ્વના ખૂણે ખૂણે પુજાય છે ત્યારે દેશમાં
અને તેમાંય ખાસ કરીને ગામડાઓમાં ગંદકી બાબતે કેમ દુર્લક્ષ સેવાય છે તે સમજાતું
નથી. આ કાર્યમાં સફળતા મેળવવા યુવાનોએ કટિબધ્ધ બનવું પડશે. ગ્રામ્યકક્ષાએ જોવા
મળતો કાદવ-કીચડ,પ્રાણીઓના મળમૂત્ર,ખૂલ્લામાં હાજતે જતા લોકો,પાન-મસાલા ખાઇને
રસ્તામાં કે જાહેર મકાનોની દિવાલો પર પિચકારી મારતા લોકો,જાહેરમાં થૂંકતા લોકો,નાક
સાફ કરતા લોકો,નદી-તળાવોમાં જાતભાતનો કચરો નાંખતા લોકો,જ્યાં નજર કરો ત્યાં
પ્લાસ્ટિકનાં ઝભલાં,ઉકરડા... જાણે ચારે કોર ગંદકીનું સામ્રાજ્ય.જાણે ગંદકી આપણી
રાષ્ટ્રીય કુટેવ બની ચૂકી છે. આ ગંદકીને દૂર કરી સ્વચ્છ ભારતનું નિર્માણ જો કોઇ
કરી શકશે તો તે ભારતનો યુવાન જ છે. આવો ગંદકી દૂર કરવા આપણે આપણા ઘરથી આ મુહીમની
શરૂઆત કરીએ. આપણા ઘરે સ્વચ્છતા રાખવા,કે ઘરની સાફસફાઇ કરવા આપણે જાતે સહયોગ આપીએ.
પાણીનો બગાડ ના થાય,વપરાશમાં લીધેલું પાણી રસ્તા પર ના ફેંકતાં આપણા ઘરની બહાર
શોષખાડો કરી તેમાં સંગ્રહિત કરીએ અને બીજાને આમ કરવા પ્રેરણા આપીએ. અઠવાડિયે એક
વાર ગામના બધા જ વિદ્યાર્થીમિત્રો ગામના રસ્તાની સાફસફાઇ કરીએ. ગામની દુધ ઉત્પાદક
સહકારી મંડળી, કે સહકારી ખાતર બિયારણ મંડળી કે ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓના
સહયોગથી ગામના ચોકમાં કે જ્યાં જરૂર લાગે તે વિસ્તારમાં કચરાપેટી મુકીએ,તે
કચરાપેટીમાં જ કચરો નાખવા ગ્રામજનોને સમજાવીએ,કચરાપેટી ભરાઇ જતાં ગ્રામપંચાયત
દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ના થાય ત્યાં સુધી સ્વયં આપણી જાતે તેનો યોગ્ય નિકાલ
કરીએ. જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. ગંદકીના સામ્રજ્યમાંથી આપણે આપણા ગામને બહાર
કાઢીએ,ગ્રામજનોને સુંદર આરોગ્ય પ્રદાન કરવામાં આપણે સહભાગી બનીએ.. આ બધુ જ શક્ય છે
બસ એક વખત આ કાર્ય આપણે શરૂ કરીએ. સારા કાર્યની
શરૂઆત કરવા માટે કોઇ શુભમુર્હત જોવાની જરૂર હોતી નથી. આવા કાર્યો માટે તો ઇશ્વરના
આશીર્વાદ સદાયે આપણને મળેલા હોય છે. આવો આપણે આપણા ઘરથી આ ચિનગારીને પ્રજવલીત કરી
આપણા ગામ અને આપણા દેશને સુંદર,સ્વચ્છ બનાવીએ.
“સ્વચ્છ ભારત…સ્વસ્થ ભારત”
“ચોખ્ખું ઘરનું આંગણું..ચોખ્ખો ઘરનો ચોક”
“સ્વચ્છતા કી ઔર કદમ ઉઠાયે ચલો”
“સ્વચ્છ ભારત..સુંદર ભારત”
“સ્વચ્છતા કા દીપ જલાઓ ચારો ઔર ઉજાલા ફેલાઓ”
No comments:
Post a Comment