ટીનાએ તોફાન આદર્યું
ટીનાએ તોફાન આદર્યું
જીલો મુળે અમારા મહેલ્લાનો નહિ પણ લગભગ એની ગણતરી મહેલ્લા વાસીની જેમ થતી. જીલો અને ટીનો બેય ભેગા થાય એટલે કોઈ ને કોઈ ધમાલ થાય જ એવું ટીવી ચેનલ વાળા માને છે. કોઈ એક પત્રકારે એક મહેલ્લા વાસીને સવાલ કર્યો તો એમને એવો જવાબ મળ્યો કે ધમાલ તો છોકરા જ કરે ને; આપણે બેય કરીએ તો થોડા સારા લાગીએ! દંતકથાઓના લખાણ મુજબ એ જવાબ સાંભળીને પેલો કાચી સેકન્ડે તળાવમાં દોડીને નહાવા પડી ગયેલો. આધારભૂત સુત્રોએ આ ઘટના સાચી હતી કે કોઈ મહેલ્લાવાળાના ભેજાની પ્રોડક્ટ એ નક્કી નથી થયું. આ બાબતમાં અમારો જેમ્સ બોન્ડ જીગો પણ મૌન છે.
અમારી તોફાની ટોળી ચોક્કસ પણે માનતી કે જીલો અને ટીનો બે એકલા મળે ત્યારે કોઈક દંગલ કરેજ. પહેલા તો હું તેમનું પુરાણું દંગલ પ્રકરણ આજ તમારી સમક્ષ રજુ કરું છું. ઇતિહાસના નવા નવા આવેલા શાંતિલાલ સાહેબ ખુબ ભલા અને ભોળા. એક એવા સાહેબ જે ધોતિયું પહેરતા. આજે તો જમાનો એવો આવી ગયો છે કે ધોતિયું શું ? એ માટે થી ગુગલ મહારાજની સહાય લેવી પડે. મને યાદ છે ત્યાં સુધી શાંતિલાલ સાહેબનો સ્કુલમાં ચોથો દિવસ હતો અને સ્કુલ ખુલવાનો પાંચમો. નવા નવા સ્કુલ ખુલવાના દિવસો એટલે ભણવાનું ખાસ કઈ ના હોય. શાંતિલાલ સાહેબ અમારા કલાસમાં પહેલી વાર આવ્યા. વાતો કરતા કરતા તેઓ જ્યાં ટીનો બેઠેલો તેની આગળની બેંચ પર એક ખૂણે ટેકો દઈને બેસી ગયા. અને બધા સાથે વાતો કરે. ટીનાની બાજુમાં બેઠેલો છોકરો ટચલી આંગળી બતાવીને બહાર ગયો. અને આ બાજુ જીલા માટે જગ્યા કરતો ગયો.
ક્યારનો સળવળ કરતો જીલો ઉઠીને ટીનાની બાજુમાં બેસી ગયો. આવીને તે પોતાનું મગજ દોડાવવા લાગ્યો; અને ટીનાને ઈશારો કર્યો. કોઈ એક છોકરાનું ધ્યાન એ બાજુ ગયું તો એણે; ડોળા બહાર આવી જાય એટલી હદે ના પાડતો ઈશારો કર્યો. પણ આતો જીલો અને ટીનો; સળી કર્યા વગર રહે તો ને ! વાતોમાં વળગેલ શાંતિલાલ સાહેબના ધોતિયાનો છેડો એક બાજુ હવામાં જુલે. પેલું છોકરીની ઉડતી લટોને હવામાં જુલતી જોઇને કવિગણ ને લખવાની મસ્તી સુજે, એમ બેય ને શાંતિલાલના ઉડતા ધોતીયાના છેડાને જોઇને મસ્તી સુજી. અગર મારું ઓબ્જર્વેશન ખરું હોય તો; ટીચર લોકો વાતો કરતા કરતા ક્લાસમાં ફરે ત્યારે ડસ્ટર સાથે જ રાખે. અમારા ક્લાસ પુરતું એ વાતને સમર્થન આપતી વાત એ હતી કે તેઓ ચાલતા ચાલતા ગમ્ભુ જેવા તોફનીયાને છુટું ડસ્ટર મારતા. બાકી તો વિજાનંદ જાણે.
હાથમાં પકડેલ ડસ્ટરને બેંચ પર મુકીને વાતે વળગી ગયા. તેમને તો એમજ હતું કે પોતે હજી એજ સ્કુલમાં છે અને બધું રાબેતા મુજબ છે. આ બાજુ બેયના મનમાં મસ્તીના મોજાઓ ઉછળવા લાગ્યા. ધોતીયાના છેડે ડસ્ટર બાંધી દીધું. જેવું ડસ્ટર બંધાઈ ગયું કે સાહેબ ને એક જોક યાદ આવ્યો. જોકની સાથે પીરીયડ પણ પૂરો થયો. બધાએ ડસ્ટર ને લટકતું જોયું ને ખુબ હસ્યા. એટલું તો બધા જોક સાંભળીને પણ નહિ હસેલા. જતા જતા શાંતિલાલ સાહેબ ને એમ કે એમનો જોક બધાને મોડે મોડે સમજાયો.
તેઓ સ્ટાફ રૂમમાં ગયા કે બે ત્રણ સાહેબનું ધ્યાન પેલા લટકતા ડસ્ટર પર ગયું. એક બે એ તો એને નજર અંદાઝ કર્યું કે કદાચ એવું હોઈ શકે. પણ ચકોર અને ચેતનવંતા ત્રિપાઠી સાહેબ થી ના રહેવાયું.
“ શાંતિલાલ, તમારો ડસ્ટર હાથવગું રાખવાનો અંદાઝ ગમ્યો.”
“ હા, એ તો મારે હાથવગું રાખવાની ટેવ છે. તમને ખબર છે ? હું ભણતો ત્યારે કાયમ સાહેબોને ડસ્ટર ખંખેરી આપતો. ”
“ સ્કુલ માં ડસ્ટરની પણ ચોરીઓ થતી કોઈ જાણમાં નથી ”
“ ડસ્ટર તો વળી કોણ ચોરે ? ”
“ હું પણ એજ કહું છું ”
ત્યાર બાદ ટીના અને જીલાને જે સજા થઇ તે સજાના ઇતિહાસમાં પહેલી વારની હતી. શાંતિલાલે બેયને એવી સજા કરી કે એમનાં પીરીયડ દરમ્યાન બેસવાનું નહિ; ક્લાસમાં ચાલ્યેજ રાખવાનું. શાંતિલાલ મનોમન હરખાય અને આ બેય ગઠીયા પણ મનોમન હરખાય. આ પુરાણી ઘટના બાદ બેયના ઘણા દંગલો પ્રસારિત થઇ ચુક્યા છે. આજે જે દંગલ થયું તે અલગ હતું.
જો કે મારો મિત્ર હકો આ વાત સાથે સહમત નથી. હકાની વાત નીકળી છે તો બીજી આડવાત કહી દઉં. કે બે મિત્રોએ મને પૂછ્યું કે હમણા હમણા ના લેખમાં હકો કેમ નહિ ? તો મિત્રો મારે હકા સાથે કોઈ અણબનાવ બન્યો નથી. પણ મહેલ્લાના બીજા મિત્રો કહે છે કે સાથે તો આપણે બધા રમેલા તો; લેખો એકલા હકા વિષે જ કેમ વધુ ? એ બધા મહેલ્લા મિત્રોની ફરીયાદને ધ્યાનમાં રાખીને બીજા મિત્રોને પણ ન્યાય આપવો જોઈએ એવું મને લાગ્યું છે. પાછી ટ્રેન ને પાટા પર લાઈએ.
ટ્રેન ને એક્ચ્યુલ પાટા પર લાવવાની વાત છે મિત્રો. હું જે વાત કહેવા જઈ રહ્યો છું તે કદાચ માનવામાં આવે એવી નથી પણ તમારે કયારેક તો મને ટેકો આપવો જોઈએ કે નહિ ! એ ધોરણે કહું છું. અમારો મહેલો રેલ્વે સ્ટેશનથી એકદમ નજીક. બપોરે સાડા બાર વાગ્યે ટ્રેન આવે. બધા પેસેન્જર ઉતરીને સ્ટેશન બહાર નીકળે પછી ટ્રેનનું શન્ટિંગ થાય. શન્ટિંગનો મતલબ એ ટાઇમના ગુગલ મુજબ એ થતો કે એન્જીનને એક બાજુના છેડેથી બીજી બાજુના છેડે કરી દેવાનું. કારણ ટ્રેન અમારા ગામેથી આવીને તરત પછી જાય. તો આગળ બધા ડબ્બા અને એકદમ છેલ્લે પાછળ એન્જીન જતું હોય તો કેવું લાગે ? અને બીજું કે રીવર્સમાં ટ્રેન જતી પણ કેવી લાગે ? એ બધા ટૈકનોલિક કારણો ને ધ્યાનમાં રાખીને શન્ટિંગ કરવું ફરજીયાત હતું. ક્યારેક ડ્રાઈવર; કે જેઓ અમારા મહેલ્લાના હતા તે, અમને શન્ટિંગ દરમ્યાન એન્જીનમાં બેસવા દે. એકવાર એવું થયું કે શન્ટિંગ દરમ્યાન એન્જીનમાં જીલો અને ટીનો બેઠેલા. તારી ભલી થાય ભૂરા. આગળ લખ્યું તેમ ટીના સાથે જીલો ભળે એટલે કોઈને કોઈ ટીખળ થાય જ.
શન્ટિંગ કરતા કરતા એન્જીન એક સાઇડ રાખીને ડ્રાઈવર કોઈ કામે ગયા. આથી ફાયરમેન પણ ગયા. પાછળ રહી ગયા ટીનો-જીલો. જીલો તો શાંતિથી બેઠો હતો પણ ટીનાને સળવળ ઉપડી. ગિયરમાં પડેલું એન્જીન ફ્રી કરી દીધું અને એક્સીલેટર દબાવ્યું. એન્જીનમાં એક્સીલેટર એટલે એક મોટો હાથા જેવું હોય. થોડુક દબાયું કે એન્જીન લાગ્યું ચાલવા. જીલો તો ગભરાયો.
“ અલ્યા ટીનીયા એન્જીન કેમ ચાલવા લાગ્યું ? ”
“ મને શું ખબર, હું તો હાથાને ખાલી અડેલો જ ”
હવે એન્જીન તો ધીરે ધીરે ચાલવા લાગ્યું. અને ચાલતું ચાલતું બાધા ડબ્બાને વટાવી ગયું. હવે બેયની ફાટી.
“ જીલા કંઈક કર યાર…અને આજ તો બેય ગયા. ”
“ અરે હું શું કરું આ થોડી મોટર છે કે…… ”
ટીનાના મગજમાં વિચાર આવ્યો ને તરત અમલ. મોટા મોટા કોલસા નીચે ફેંકવા લાગ્યો અને જીલાને ધક્કો મારીને નીચે ઉતાર્યો. ટીનો કોલસા ફેંકે અને જીલો આગળ પાટા પર ગોઠવે. એવડા ભારે એન્જીન સામે એવડા કોલસાની શી વિસાત. એન્જીન તો ધૂની બળદ જેમ કોલસાના ભુક્કા બોલાવતું આગળ ને આગળ જાય છે. ટીનો તો કોલસા ફેંકીને થાકી ગયો અને જીલો કોલસા મુકીને. આ બાજુ એન્જીન ડ્રાઈવર આવીને જુએ તો એન્જીન ગાયબ. પણ એમને જીલા-ટીનાના જોખમોનો ખ્યાલ. દોડાતક ને એન્જીન પર ચડી ગયા. અને શન્ટિંગ કરવા લાગ્યા.
“ એક દિવસ તમે લોકો મારી નોકરી હોડમાં મુકશો ” કહીને બેયને દબડાવ્યા.
હરિની( હરી કાકા સ્ટેશન માસ્તરનું નામ હતું ) કૃપાથી કોઈને કોઈ નુકશાન ના થયું પણ મહેલ્લાના ઇતિહાસમાં સુવર્ણ પાને આ દંગલ લખાઈ ગયું.
No comments:
Post a Comment