તો એ ધર્મના ખોળામાંથી તરત ઉભા થઈ જજો
–રોહીત શાહ
એ કોઈ એક જ બાજુથી સત્યને જોવા–સમજવાનો પ્રયત્ન કરનારો છે. એ પોતાની આંખો પર અંગત માન્યતાઓ અને પુર્વગ્રહોની પટ્ટીઓ બાંધી દઈને, સ્વેચ્છાએ અન્ધાપો સ્વીકારનારો છે. બીજા ધર્મગ્રંથોમાં વધારે સારી અને વધારે સાચી વાત કહેલી હશે તોય એ નહીં જ સ્વીકારે. કોઈ પુછશે કે એમાં ખોટું શું છે ? પોતાના ધર્મને વફાદાર રહેવામાં શો વાંધો ?
વાંધો અહીં વફાદારી સામે છે જ નહીં. વફાદારી તો સ્વયમ્ ધર્મ છે. એની સામે શાનો વાંધો ? વાંધો તો પેલી જડતા સામે છે. બીજો કોઈ ધર્મગ્રંથ વાંચવાનો જ નહીં, એમાં રજુ થયેલાં સવાયાં સત્ય સ્વીકારવાનાં જ નહીં, પોતાના ધર્મ સીવાયના અન્ય તમામ ધર્મો ઉણા–અધુરા અને ખોટા છે એમ માનીને એની આભડછેટ પાળવી; આ બધી સંકુચીતતાઓ અને જડતાઓ સામે વાંધો છે.
ધર્મ આપણને ખુલ્લા મનના થવા દે એવો હોવો જોઈએને ! ધર્મ આપણા મસ્તીષ્કને બંધીયાર અને અવાવર બનાવનારો થોડો હોય ? અન્ય ધર્મો પ્રત્યે સદ્ભાવ રાખવામાં આપણા ધર્મ પ્રત્યેની વફાદારી ક્યાં ખતરામાં પડી જાય છે ? તમે બીજા ધર્મ પ્રત્યે સમભાવ ભલે ન રાખી શકો, સદ્ભાવ તો રાખી જ શકો ને ! બીજા ધર્મને ભલે તમે તમારા ધર્મની સમાન ન માનો; છતાં એ ધર્મ પ્રત્યે–એ ધર્મમાં, શ્રદ્ધા રાખનારાઓ પ્રત્યે સદ્ભાવ જરુર રાખો. અને જો તમારો ધર્મ તમને એટલું કરવાની છુટ ન આપતો હોય તો, તમે તમારા એ તથાકથીત ધર્મના ખોળામાંથી તરત જ ઉભા થઈ જાવ એ તમારા હીતમાં છે.
ક્યારેક આના કરતાં સાવ વીપરીત પરીસ્થીતી જોવા મળે છે. કેટલાક તથાકથીત ભક્તો કોઈ એક સમ્પ્રદાય કે ઈશ્વરને માનવાને બદલે જ્યાંથી વધારે અને જલદી લાભ મળવાની સમ્ભાવના દેખાય ત્યાં કીર્તન કરવા કતારમાં ખડા રહી જાય છે. એમની શ્રદ્ધા ભારે લપસણી હોય છે. જ્યાં લાલચ સાકાર થતી હોય ત્યાં લપસી પડવા એ તત્પર રહે છે. ક્યારેક ચુંદડી ચઢાવશે તો ક્યારેક ચાદર ચઢાવશે, ક્યારેક શ્રીફળ વધેરશે તો ક્યારેક બલી ચઢાવશે. ક્યારેક માળા ફેરવશે તો ક્યારેક ડુંગર ચઢશે, ક્યારેક નદીમાં ડુબકી મારશે તો ક્યારેક બ્રહ્મચર્ય પાળશે, ક્યારેક ધુપ–દીવા કરશે તો ક્યારેક અભીષેક કરશે. કાંઈ પણ કરવા એ હરપલ તૈયાર રહે છે. બસ, એમ કરવાથી કંઈક લાભનાં એંધાણ વર્તાવાં જોઈએ. ક્યારેક સાંઈબાબા તો ક્યારેક સન્તોષી માતા, ક્યારેક હનુમાનજી તો ક્યારેક ઘંટાકર્ણ, ક્યારેક શંકર તો ક્યારેક બુદ્ધ ! ઘણા ભક્તો તો ઈષ્ટદેવ પાસે લાઈફ પાર્ટનર મેળવવા જતા હોય છે ! કોઈને નોકરી જોઈએ છે તો કોઈને તરક્કી જોઈએ છે. કોઈકને સન્તાન જોઈએ છે તો કોઈકને રોગમુક્તી જોઈએ છે. જ્યાંથી આ બધું મળી શકવાની સમ્ભાવના દેખાય ત્યાં જઈને એ આળોટવા મંડી પડે છે.
આ પણ વાહીયાત અને વ્યર્થ પ્રયોગ છે.
કોઈ પણ પરમતત્ત્વ પાસે અંગત સ્વાર્થની ચીજ માગીએ તો એ એનું ઈન્સલ્ટ કર્યું કહેવાય. પરમ તત્ત્વ જો હોય અને આપણે તેને જેટલું મહાન માનીએ છીએ તેટલું મહાન એ તત્ત્વ હશે તો આપણા હજાર અપરાધો માફ કરીનેય, એ કૃપા કરશે અને જો એનું અસ્તીત્વ જ નહીં હોય તો લાખ વખત માથાં પટકવા છતાં કશું મળવાનું નથી.
જે ધર્મગ્રંથ આપણા પોતાના પર વીશ્વાસ કરવાનું શીખવાડે એ જ સાચો ધર્મગ્રંથ છે. તમને ઈશ્વર પર શ્રદ્ધા છે કે નહીં તે એટલું ઈમ્પોર્ટન્ટ નથી; પણ તમને ખુદ તમારા પર શ્રદ્ધા હોય એ ઈમ્પોર્ટન્ટ બાબત છે. ઈશ્વર કાલાવાલા કરનારને ચાહે કે કર્મવીરને ચાહે ? ઈશ્વર બાધાઓનાં વળગણોને પકડી રાખનારને વરદાન આપે કે પછી પોતાના માર્ગની બાધાઓ (અડચણો) દુર કરવાનું સામર્થ્ય ધરાવનારને વરદાન આપે ?
પોતાના ધર્મ પ્રત્યે મમભાવ જાળવી રાખીને, બીજાના ધર્મ પ્રત્યે સદ્ભાવ રાખી શકાય તો નો પ્રૉબ્લેમ.
–રોહીત શાહ
હરે કૃષ્ણ
તેં વાંસળીના જોરે જે કર્યું એ મોબાઈલથી કરી શકે તો માનું;
એસેમેસ કરીને પેલી ગોપીઓનાં દીલ હરી શકે તો માનું.
એસેમેસ કરીને પેલી ગોપીઓનાં દીલ હરી શકે તો માનું.
કેસરીયાળી ધોતીમાં તું કેટલીય વાર રાસ રમી આવ્યો હશે;
જીન્સનું પેન્ટ પહેરીને તું જો ગરબામાં ગોળ ફરી શકે તો માનું.
જીન્સનું પેન્ટ પહેરીને તું જો ગરબામાં ગોળ ફરી શકે તો માનું.
ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઉંચકી લીધો તેથી શું થયું ?
લાચાર પ્રજાને હેરાન કરનારા દાઉદને તું અડી શકે તો માનું.
લાચાર પ્રજાને હેરાન કરનારા દાઉદને તું અડી શકે તો માનું.
તેં અર્જુનને તો એના સગાઓ સામે લડવાની પ્રેરણા આપી;
બે ભાઈઓનાં કાળજાંમાં એકબીજા માટે પ્રેમ ભરી શકે તો માનું.
બે ભાઈઓનાં કાળજાંમાં એકબીજા માટે પ્રેમ ભરી શકે તો માનું.
ચમત્કારો કરીને તો તેં કંઈ કેટલીયને તારા વશમાં કરી લીધી;
રાધાની આંખોમાં ખોવાઈ, મીરાની આંખોમાં જડી શકે તો માનું.
રાધાની આંખોમાં ખોવાઈ, મીરાની આંખોમાં જડી શકે તો માનું.
તું તો ઘણી બધી ગોપીઓ સાથે ખુબ છુટથી હરતો–ફરતો હતો;
કેટરીના કેફને એક વાર એપોઈન્ટમેંટ વગર મળી શકે તો માનું.
કેટરીના કેફને એક વાર એપોઈન્ટમેંટ વગર મળી શકે તો માનું.
–મૃગાંક શાહ–
No comments:
Post a Comment