તમે શા માટે દોડો છો?…મધુવનની મહેક”…ડો. સંતોષ દેવકર ..ચિંતન લેખ
૧૮૯૪ માં શિકાગોથી મૈસૂરના મહારાજાને લખેલા પત્રમાં સ્વામી વિવેકાનંદજી નોંધે છે :
"હે રાજવી ! આ જીવન ટૂંકુ છે. અને તેના તુચ્છ મોજશોખો ક્ષણિક છે. જેઓ બીજા માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે,બાકીના તો જીવતા કરતાં મરેલા વધુ છે."
એક મજાની વાત સાંભળો :
એક વાર એક કૂતરો સસલાની પાછળ પડયો. એ શિકારી કૂતરો હતો. એટલે દોડવાની ઝડપ સારી હતી. સસલો આગળ અને કૂતરો સસલાની પાછળ. લાંબો સમય દોડયા બાદ સસલાને એક બખોલ દેખાઈ અનેે તેમાં ઘૂસી ગયો. બખોલ નાની હતી. કૂતરો અંદર જઈ ન શક્યો અને સસલાની બહાર નીકળવાની રાહ જોતો બખોલની બહાર ઊભો રહ્યો. કૂતરાને વિચાર આવ્યો કે હું શિકારી કૂતરો, ઝડપથી દોડી શકનારો અને હું એક નાનકડાં સસલાને પકડી ન શક્યો ? કૂતરાએ પોતાની જાતને પ્રશ્ન પૂછયો. હવે તેને થયુ કે હું સસલાને કહું કે, ભાઈ બહાર નીકળ, મારે તને સવાલ પૂછવો છે.
કૂતરાના અભય વચન પછી સસલો બહાર આવ્યો. કૂતરાએ સવાલ કર્યો : મારી દોડવાની ઝડપ તારા કરતાં વધુ હોવા છતાં હું તને પકડી કેમ ન શકયો ? સસલાએ સુંદર જવાબ આપ્યો : તુ તારા પેટનો ખાડો પૂરવા માટે દોડતો હતો. અને હું મારી જિંદગી બચાવવા માટે. કૂતરાને ખાસ સમજ પડી નહિ. કૂતરાએ પૂછયું : એટલે ? સસલાએ કહયું : એટલે એમ કે જેઓ જીવન માટે દોડે છે, તેઓ પેટ માટે દોડનારા કરતાં હંમેશા આગળ નીકળી જાય છે.
અત્યારે આપણે જે કાર્ય કરી રહ્યાં છીએ તે પાછળનો સંદર્ભ તપાસવો જોઈએ. અભ્યાસ, નોકરી કે ધંધો કરતાં હોઈએ તે પાછળના આપણા સંબંધો તપાસીએ,કાર્ય પાછળના હેતુની યથાર્થતા અને યોગ્યતાને સમજીએ. સ્વાર્થ માટેની દોડ છે કે પરમાર્થ માટેની?આપણા કાર્યમાં જયારે પરમાર્થની સુગંધ ભળે છે ત્યારે કાર્યનો વિશાળ હેતુ સાર્થક બને છે.
"માનવી મટી, બનું વિશ્વમાનવી' મૂર્ધન્ય સાહિત્યકાર ઉમાશંકર જોશીની આ પંકિતનું સાર્થકય તો જ જળવાશે જયારે આપણું કાર્ય સમષ્ટિ માટે બની રહે.
સંદેશમાં પ્રગટ ડો. સંતોષ દેવકર ના પ્રેરક લેખ "તમે શા માટે દોડો છો?
...મધુવનની મહેક" માંથી સાભાર ...
આખો લેખ પ્રેરક લેખ વાંચવા આ ચિત્ર પર ક્લિક કરો.
મીસરી
કોઈનું પણ આંસુ લૂછયું હોય તે બેસે અહીં
ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં
હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં
કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં
(સ્નેહી પરમાર)
No comments:
Post a Comment