ચાર્વાકદર્શન’ સામેના આક્ષેપો
–એન. વી. ચાવડા
અનેક ભાષ્યકારોએ અને ચીન્તકોએ ચાર્વાકદર્શન સામે અનેક આક્ષેપો કર્યા છે અને આક્ષેપો લગાવ્યા છે. કોઈકે નીન્દા યા ઠેકડી ઉડાવવાના પ્રયાસો પણ કર્યા છે, જેમાંના મુખ્ય આ પ્રમાણે છે.
♦ ચાર્વાકદર્શન વીધાયક એવું કંઈ કર્તવ્ય કહેતું નથી. –જયંત ભટ્ટ
♦ ચાર્વાકે સારી, ઉચ્ચ અને શુદ્ધ એવી પ્રત્યેક વાતમાં અવીશ્વાસ દર્શાવ્યો. –ડૉ. રાધાકૃષ્ણન્
♦ બ્રહ્મસુત્રકાર બાદરાયણ મહર્ષીએ આ દર્શનનો (ખંડનીય) પુર્વપક્ષ તરીકે પણ આદર કર્યો નથી. – વાસુદેવશાસ્ત્રી અભ્યંકર
♦ ચાર્વાકદર્શનના સંસ્થાપકના સુત્રો સર્વત્ર ખંડનાત્મક છે.
♦ ચાર્વાકદર્શન કોઈ જ મુલ્ય માનતું નથી, તે સમાજવ્યવસ્થાનો નાશ કરવા બેઠેલું વીષમય તત્ત્વજ્ઞાન છે, તેથી તે સર્વથા ત્યાજ્ય છે.
ચાર્વાકદર્શન વીશે ઉપરોક્ત મન્તવ્યો આપનાર મહાનુભવોની પ્રથમ ભુલ એ છે કે તેમણે આપેલાં આ મન્તવ્યો, તેમને ઉપલબ્ધ ફક્ત સોળેક સુત્રોને આધારે આપ્યાં છે. જે સુત્રો વીવીધ ભાષ્યકારોએ તેનું ખંડન કરવા માટે પોતપોતાના ભાષ્યોમાં લીધાં છે. ચાર્વાકદર્શનના આ સોળ સીવાયના સુત્રો કયાં છે ? શું ચાર્વાકદર્શનમાં માત્ર સોળ જ સુત્રો હોઈ શકે ? ચાર્વાકદર્શનના જે સુત્રો ઉપલબ્ધ નથી એ કેમ અને શા માટે? એ વીશે તેઓ મૌન શા માટે છે ? ખંડન કરવા માટે લીધેલાં ફક્ત સોળ સુત્રોને આધારે ચાર્વાકદર્શનનું મુલ્યાંકન કરવું શું ન્યાયી છે ? ચાર્વાકદર્શનનાં તમામ સુત્રો ઉપલબ્ધ ન હોય ત્યારે તેના વીશે તેમાં વીધાયક કે રચનાત્મક એવું કશું જ નથી અને તેમાં માત્ર નકારાત્મક તથા ખંડનાત્મક વીચારો જ ભર્યા છે, એમ કેવી રીતે કહી શકાય ?
ડૉ. રાધાકૃષ્ણન્ જ્યારે એમ કહે છે કે ‘ચાર્વાકે સારી, ઉચ્ચ અને શુદ્ધ એવી પ્રત્યેક વાતમાં અવીશ્વાસ દર્શાવ્યો’ ત્યારે પ્રશ્ન એ ઉપસ્થીત થાય છે કે એ સારી, ઉચ્ચ અને શુદ્ધ વાતો કઈ છે કે જેમાં ચાર્વાકે અવીશ્વાસ દર્શાવ્યો ? પ્રચલીત ચાર્વાકદર્શનના સોળેક જેટલા શ્લોકોમાં જોઈ શકાય છે કે તેમાં ચાર્વાકે આત્મા–પરમાત્મા, પરલોક, સ્વર્ગ–નરક, પાપ–પુણ્ય, વર્ણવ્યવસ્થા, પશુબલીવાળાં યજ્ઞો અને મરણોત્તર ક્રીયાકાંડો આદીનો ઈનકાર અને વીરોધ કરેલો જણાય છે. એ સંજોગોમાં ચાર્વાકે પ્રત્યેક ‘સારી, ઉચ્ચ અને શુદ્ધ’ બાબતોનો ઈનકાર કરેલ એવું કેવી રીતે કહી શકાય ? વાસ્તવીકતા તો એ છે કે આત્મા–પરમાત્મા અને સ્વર્ગ–નરક આદીનો પ્રાચીનકાળથી આજપર્યન્ત કોઈને અનુભવ થયો નથી; તેમ જ એનો અનુભવ થયાનો દાવો કરનારાઓ બીજાને એની ખાતરી કરાવી શક્યા નથી. વળી, આ કલ્પનાઓ સારી, ઉચ્ચ અને શુદ્ધ છે જ એવું પણ નથી. કારણ કે તે વીવાદાસ્પદ છે એટલું જ નહીં; કોઈ એના ફાયદા ગણાવે, તો કોઈ એના ગેરફાયદા પણ ગણાવી શકે છે. ઉપરાન્ત વર્ણવ્યવસ્થા, પશુબલીવાળા યજ્ઞો અને મરણોત્તર ક્રીયાકાંડો તો સ્પષ્ટરુપથી વ્યર્થ, હાનીકારક અને અધ:પતન નોતરનારાં છે, એવું ઐતીહાસીક અને વૈજ્ઞાનીક દૃષ્ટીએ પુરવાર થયેલું સત્ય છે. એ સંજોગોમાં ચાર્વાકે જો આ બધી બાબતોનો વીરોધ કર્યો હોય તો તે વીરોધ એક ઉમદા ક્રાન્તીકારી બાબત છે. ચાર્વાકના આ વીરોધને ખંડનાત્મક કે નકારાત્મક બાબત હરગીજ કહી શકાય નહીં; બલકે વાસ્તવમાં ચાર્વાકની એ હકારાત્મક વાત છે. કારણ કે આત્મા–પરમાત્મા અને સ્વર્ગ–નરક જેવી નીરાધાર કલ્પનાઓને સ્થાને તેઓ વાસ્તવીકતાને સ્થાન આપે છે. ચાર્વાક પૃથ્વી પરની નક્કર હકીકત દર્શાવે છે. તે કહે છે કે ‘ચેતનયુક્ત દેહ એ જ આત્મા છે. દેહ અને આત્મા એક જ છે, ભીન્ન નથી’ તથા ‘રાજા એ જ ઈશ્વર છે’; કારણ કે આપણો ન્યાય રાજા જ આપે છે અને રાજા જ આપણા યોગક્ષેમનું રક્ષણ કરે છે. કાલ્પનીક અલૌકીક ઈશ્વર આપણને કંઈ કામનો નથી. ચાર્વાક અહીં શાસન અને પ્રશાસનના કાયદા–કાનુનોને પાળવાની અને તેના દ્વારા જ આપણું ભલું થશે અને આપણી સમસ્યાઓ હલ થશે એમ કહી, સામાજીક–રાજકીય નીતી–નીયમોને વળગી રહેવાની સલાહ આપે છે. ચાર્વાકની આ સલાહમાં ખંડનાત્મક કે નકારાત્મક એવું શું છે ?
વાસ્તવીકતા એ છે કે ચાર્વાકની આ વાત વીધાયક યા રચનાત્મક તથા ઉમદા સામાજીક સુવ્યવસ્થા સ્થાપવા માટેની છે.
ઈશ્વરવાદીઓ આત્મા–પરમાત્માને અગમ્ય, અગોચર, નીરાકાર અને અલક્ષ્ય તત્ત્વ માને છે. માત્ર પંચેન્દ્રીય દ્વારા જ નહીં; પરન્તુ મન અને બુદ્ધી દ્વારા પણ તે જાણી શકાતો નથી અને વળી, તે તર્કનો વીષય તો છે જ નહીં. આવું કહેનાર ઈશ્વરવાદીઓને આવા ઈશ્વરની જાણ શેના વડે થઈ હશે ? તે પ્રશ્ન આજપર્યંત અનુત્તર રહ્યો છે. ઈશ્વરવાદીઓ કહે છે કે ઈશ્વર આસ્થાનો વીષય છે; પરન્તુ તો પછી પ્રશ્ન એ ઉપસ્થીત થાય છે કે ઈશ્વર તર્ક અને બુદ્ધીનો વીષય શા માટે નથી ? ઈશ્વર જો આસ્થાથી બંધાઈ જતો હોય તો તર્ક અને બુદ્ધી દ્વારા બાંધવામાં એને કઈ આપત્તી છે ? આખરે આ આસ્થા વળી શું છે ? આ સવાલનો પ્રતીસવાલ એ છે કે આ જગતનો કર્તા અને સંચાલક ઈશ્વર છે, એવું વીના સાબીતીએ સ્વીકારી લેવું તેને શું આસ્થા કહેવાય ? પરન્તુ એમ તો કોઈ એમ કહે, કે આ જગતની રચના કરનાર કોઈ શયતાન છે, તો એની પણ એને સાબીતી આપવાની કોઈ જ જરુર નથી; કારણ કે એ પણ એની શ્રદ્ધા–આસ્થાનો વીષય છે. કોઈ એમ કહે કે આ જગત ખુબ વ્યવસ્થીત રીતે ચાલી રહ્યું છે, માટે તે ઈશ્વરની રચના હોઈ શકે. તેના પ્રત્યુત્તરમાં કોઈ એમ કહે કે આ જગતમાં પ્રત્યેક પળે હીંસા, ક્રુરતા, અન્યાય, અત્યાચાર અને બળાત્કાર ચાલી રહ્યાં છે, માટે તે કોઈક શયતાનની રચના છે. સ્પષ્ટ છે કે શ્રદ્ધા અને આસ્થા પણ ભારે વીવાદાસ્પદ છે તથા સચ્ચાઈથી ખુબ દુર છે. આવી આસ્થા યા શ્રદ્ધા, અન્ધશ્રદ્ધા સીવાય કશું જ નથી. સ્પષ્ટ છે કે આસ્થા દ્વારા સ્વીકારેલ આત્મા–પરમાત્મા, સ્વર્ગ–નરક, પરલોક, મોક્ષ, પાપ–પુણ્ય આદી કેવળ અન્ધશ્રદ્ધાઓ છે. આ બધી કલ્પનાઓ અવાસ્તવીક અને અસત્ય છે. આવાં અસત્યોને સહારે, સ્થાપીતહીતો જ્યારે આમજનતાને વીવીધ ક્રીયાકાંડો દ્વારા લુંટીને વીના પરીશ્રમે ધન કમાઈ મોજમજા કરતા હોય ત્યારે સત્યનું પ્રતીસ્થાપન કરી સમાજને અન્ધશ્રદ્ધાઓમાંથી છોડાવી, શોષણમાંથી છોડાવનાર ચાર્વાકને ખંડનાત્મક કહેવાય કે રચનાત્મક ?
ઈશ્વરની પુજા–પ્રાર્થના–બંદગી તથા યજ્ઞાદી ક્રીયાકાંડો કરવાથી ઈશ્વર ખુશ થાય અને પુણ્ય પ્રાપ્ત થાય તેથી સ્વર્ગ અને મોક્ષ મળે અને એવું ન કરનાર ઉપર ઈશ્વર નાખુશ થાય અને તેને પાપ લાગે તેથી તે નરકમાં જાય. આવી છેતરપીંડીને ખુલ્લી કરતાં જો ચાર્વાક એમ કહે કે ‘કોઈ સ્વર્ગ નથી, કોઈ નરક નથી, કોઈ પરલોકમાં જનારો નથી અને વર્ણાશ્રમની ક્રીયા ફળદાયક નથી’ તો આવું માનવહીતકારી સત્ય ઉચ્ચારનાર ચાર્વાકને ઉચ્ચ અને ઉદાત્ત મુલ્યોમાં નહીં માનનાર કેવી રીતે કહી શકાય ? આશ્ચર્યની વાત એ છે કે આત્મા–પરમાત્મા આદીને આધારે જુઠું બોલનારાં અને છેતરીને ફોલી ખાનારાં તત્ત્વોની અધમતા વીશે ચાર્વાકના ટીકાકારો બહુધા મૌન રહે છે.
એક સુત્રમાં ચાર્વાકે ‘વર્ણાશ્રમધર્મની કોઈ ક્રીયાઓ ફળદાયક નથી’ એવી જે ટીકા કરે છે, તે ખાસ વીચારણીય છે. અત્રે ખાસ નોંધનીય બાબત એ છે કે આજથી 3000 વર્ષ પર ઋગ્વેદકાળમાં બૃહસ્પતીએ વર્ણાશ્રમધર્મની કોઈ જ ક્રીયાઓ આવકારદાયક નથી એવું સ્પષ્ટરુપથી કહ્યું છે. જેમાં એમનું કહેવાનું છે કે આ બધા અન્ધવીશ્વાસોનું મુળ વર્ણાશ્રમધર્મ છે.
ચાર્વાક કહે છે ‘જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખેથી જીવો, દેવું કરીને ઘી પીઓ, મૃત્યુ પછી ભસ્મીભુત થઈ ગયેલો દેહ પાછો આવવાનો નથી.’ આ સુત્ર ઉપરથી ચાર્વાક ઉપર એવો આક્ષેપ છે કે તેઓ ફક્ત ભોગવાદી છે. તેઓ બસ ખાઈ–પીને મોજ કરવામાં જ માને છે. કામકાજ કરવામાં માનતા નથી, તેથી દેવું કરીને ઘી પીવાની અર્થાત્ મેવા–મીઠાઈ ઉડાવવાની સલાહ આપે છે.
અલબત્ત, અહીં ખાઈ–પીને મોજ કરવાની બૃહસ્પતીની વાત જરા પણ અનુચીત નથી જ. પરન્તુ વાસ્તવીકતા તો એ છે કે ખાઈ–પીને આનન્દ કરવાનો મનુષ્યનો સહજ સ્વભાવ છે જ. મનુષ્યને એવી સલાહ આપવાની કોઈ આવશ્યક્તા જ નથી. એવી સલાહ વીના પણ દરેક મનુષ્ય ખાઈ–પીને મોજ કરવાનો જ છે. તો પછી પ્રશ્ન એ ઉપસ્થીત થાય છે કે બૃહસ્પતી જેવા મહર્ષી મનુષ્યને આવી સામાન્ય સલાહ આપવાની કેમ આવશ્યક્તા ઉભી થઈ ? વાસ્તવીકતા એ છે કે મનુષ્ય સ્વર્ગ યા મોક્ષ મેળવવાની લાલચમાં અને નરકના ભયથી બચવા અહીં પૃથ્વી પર વ્રત, ઉપવાસ, સાધના–ભજન, પુજા–પાઠ, તીર્થયાત્રા આદી અનેક પ્રકારની દેહદમનની ક્રીયાઓ કરે છે. એકાન્તમાં ધ્યાનસાધના, યોગક્રીયાઓ આદી કરે છે અને એવું માને છે કે દેહને અહીં જેટલું કષ્ટ આપવામાં આવશે, બ્રહ્મચર્ય આદી જેટલા સંયમ પાળવામાં આવશે; એટલાં જ વધારે સુખ સ્વર્ગમાં પ્રાપ્ત થશે. આમ, સ્વર્ગમાં મળનારાં સુખોની આશામાં મનુષ્ય પૃથ્વી પરનાં સુખોનો ત્યાગ કરી વ્યર્થ દુ:ખી થાય છે. આવી પરલોકની ભ્રમણામાં અહીં દુ:ખી થતાં માણસોને ઉદ્દેશીને બૃહસ્પતી કહે છે કે ‘જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખેથી જીવો’, શરીરને કહેવાતી વીવીધ તપશ્ચર્યાઓ દ્વારા કષ્ટ ન આપો. પરન્તુ અહીં બૃહસ્પતી દેવું કરીને ઘી પીવાની વાત કરે છે તે આપણને ગળે ઉતરતી નથી કે બરાબર સમજાતી નથી તથા વીચીત્ર લાગે છે. આપણી આર્થીક પરીસ્થીતી જેવી હોય તે પ્રમાણે આપણે ખાઈ–પીને જલસા કરીએ તે બરાબર છે; પરન્તુ દેવું કરીને મોજ–મજા કરવાનું બૃહસ્પતીનું સુચન અજુગતું લાગે છે. એનું કારણ એ છે કે સમસામયીક પરીસ્થીતીને અનરુપ રીતે લખ્યું હોવાથી આજની પરીસ્થીતીમાં તેને સમજવું મુશ્કેલ બની ગયું છે, યા ગુઢાર્થયુક્ત બની ગયું છે.
બૃહસ્પતીએ ચાર્વાકદર્શનની રચના કરી ત્યારે પુરોહીતો આત્મા–પરમાત્મા, સ્વર્ગ–નરક, પુણ્ય–પાપ, ધર્મ, મોક્ષ–પરલોક આદીનાં નામ પર વીવીધ ક્રીયાકાંડો કરાવી, અન્ધશ્રદ્ધાઓમાં ફસાવી, છેતરપીંડી દ્વારા લુંટતા હતા, અને વીના શારીરીકશ્રમે આજીવીકા પ્રાપ્ત કરતા હતા. બૃહસ્પતીનો ઉક્ત શ્લોક પુરોહીતોની આ કુચેષ્ટાની વીરુદ્ધનો છે. બૃહસ્પતી લોકોને ઉપદેશ આપે છે કે આવશ્યક્તા ઉભી થાય તો તમે દેવું કરીને અર્થાત્ વ્યાજે કે ઉછીના પૈસા લઈને તમારું પેટ ભરજો; પરન્તુ જુઠનું, વીના પરીશ્રમનું, હરામનું, ચોરી કે છેતરપીંડી કરીને પ્રાપ્ત કરેલા ધનથી પોતાનું પેટ ભરશો નહીં.
–એન. વી. ચાવડા
No comments:
Post a Comment