ઘમ્મર વલોણું-૧૯
રાત્રે પથારીમાં પડું કે મન એકદમ સ્વતંત્ર બની જાય છે. આમ તો એ સ્વતંત્ર જ હોય છે; એ ક્યાં કોઈની લગામે બંધનમાં રહે ? સુતા સુતા વિચાર કર્યો કે સવારે શ્રીહરિના સન્મુખ બેસીને જે સ્મરણ કરીશ તે એક ચિત્તે કરીશ. બીજા કોઈ વિચારો કરવા માટે મનને ખુલ્લું નહિ મુકું. સાચી વાત છે; હું તો કોઈ પણ કામ પ્લાનિંગથી કરવામાં માનું, પછી ભલે એ પ્લાનિંગ મુજબ ના થાય. મારે પણ ડાહ્યા માણસોની ડાયરીમાં લખાવું છે. સવારે ઉઠીને નિત્યક્રમ પતાવીને મારી જાતને સ્વચ્છ અને સુઘડ બનાવીને આત્મસંતોષ માન્યો. ધુપસળીને સળગાવીને રૂમમાં ચારેકોર સુંગંધ ફેલાવી. આંખો બંધ કરીને શ્રી હરિના સન્મુખ બેસી ગયો. વળી એક વાર રાત્રે ચિતમાં વાગોળેલ વાત યાદ કરી લીધી. આંખોના પોપચાની પકડ એક વાર સજ્જડ કરી.
ઊંડો શ્વાસ લઈને ફરી એક વાર મનને કેન્દ્રમાં રાખીને નક્કી કરી લીધું. મન અને ચિતને એક કરી ને ફરી એક વાર આંખો ખોલીને ખાત્રી કરી લીધી કે મારી નજર તો શ્રીહરિના સન્મુખ જ છે ને ! આંખો બંધ કરીને હરિ સ્મરણ માટે સ્તબ્ધ થયો. વળી મારું ધ્યાન શ્રીહરિની સામેથી હટ્યું ને આસનને એક વાર સરખું કર્યું. આમ ને આમ પળો વીતતી જાય છે. આંખો તો બંધ છે પણ કોણ જાણે મનની આંખો કેમ બંધ નથી થતી ?
એ તો ઘડી એવું વિચારે છે કે ઘરે કોઈ આવ્યુતો નથી ? હજી બે ત્રણ કામ તો જલ્દીથી પતાવવા પડશે, ઓફીસ જવામાં મોડું તો નહિ થઇ જાય ને ? વિગેર વિગેરે. ઘણી પળો વહી ગઈ પણ હજી તો મુખ પર કે ચિતમાં શ્રીહરિનું તો નામ પણ નથી.
ઓહ આ બધું શું થઇ રહ્યું છે ? રાત્રે તો નક્કી કરેલું કે કોઈ પણ આડવાતને મગજમાં ના આવવા દેવી. આંગણે જેને ઝંખ્યું નહોતું તેને તો મુખ્ય મહેમાન બનાવી દીધું.
લાવ હજી પણ ટ્રાય કરી લઉં; સમય હજી સરી નથી ગયો. અને ફરી શ્રીહરિના સ્મરણ માટે કૃતજ્ઞ થયો. વળી ફરી મન એકાકાર કરીને તત્પર થયો. તો મન હજી ચંચળતા છોડતું નથી.
“ વત્સ, જા હવે તારા બીજા કામોમાં રચ્યો પચ્યો રહે ” અંતે તેમને મૌન વ્રત તોડ્યું.
“ પ્રભો, મેં આજે ઘણો પ્રયત્ન કરેલો કે બે ઘડી ફક્ત તમારું જ સ્મરણ કરીશ ”
“ કોઈ વાંધો નહિ, તને એવું હશે ને કે તુંજ ફક્ત મનને મક્કમ કરી શકે છે ? તારે તો કમાવાની ચિંતા છે અને સબંધો સાચવીને રહેવાનું છે. ”
“ પણ મારે તો … ”
“ વત્સ એમ મન ને કોચવ નહિ. હજી દિવસો તો ઘણા છે, કાલે, બીજી કાલે, આવતા મહીને..આવતા વર્ષે કે આવતા જન્મે…..હું તો તને અહીજ મળીશ ” બાકીના શબ્દો તો મારા કાનમાં જ ગુંજી રહ્યા.
No comments:
Post a Comment