માતૃ વંદના... અછાંદસ રચના
ઓ મા સદેહે હાજર નથી એ કેમે કરી મનાય ના,
સ્મરણો તમારાં અગણિત છે,જે કદી ભૂલાય ના.
કોઈની પણ મા મરશો નહી એવું જગે કહેવાય છે,
જીવનસ્ત્રોત માના વિયોગની ખોટ સદા વર્તાય છે.
માનવીના હોઠ પર સુંદર શબ્દ જો હોય તો તે મા,
વરસાદ કરતાં ય પ્રેમે ભીંજવતો સાદ હોય એ મા.
સ્મિત કરતી તસ્વીર ભીંતે પૂજ્યભાવે નીરખી રહ્યો,
ભૂલી સૌ વિયોગ દુખ તવ મુક આશિષ માણી રહ્યો.
ભજન,ભક્તિ વાચન અને યાદ આવે એ રસોઈકળા,
ખુબ પરિશ્રમી હતી તમારી રોજે રોજની દિનચર્યા.
કર્તવ્ય પંથે અટલ રહીને,સૌની ચિંતાઓ માથે લઇ,
અપૂર્વ ધીરજ બેશબ્દ રહીને વેદનાઓ સહેતી રહ્યાં.
પડકારો ભર્યા કાંટાળા રાહે માંડી ચરણો ધૈર્યથી,
ગુલાબો ખીલવી ગયાં ,અમ જીવન પંથમાં પ્રેમથી.
ચંદન સમું જીવન તમારું ઘસાયું હતું કાળ પથ્થરે,
લેપ હૃદયમાં કરી એનો, સુગંધ માણી રહ્યાં અમે.
પ્રેમ,નમ્રતા,કરુણા,પ્રભુમય જીવનને હું વંદી રહ્યો,
દીધેલ સૌ સંસ્કાર બળે આજ ખુમારીથી જીવી રહ્યો.
શબ્દો ઓછા પડે ગણવા ઉપકારો મા-બાપના,
અલ્પ આ શબ્દોથી માતા,કરું હૃદયથી વંદના.
No comments:
Post a Comment