સફળતાની ટોચે પહોંચેલ માનવીએ પણ ક્યારેક તો એ સફર અંતરના તળિયેથી શરૂ કરી હોય છે. શરૂઆતના સંઘર્ષનો એ સમય તેના મનના એક ખૂણામાં આજીવન સચવાયેલો રહે છે. સંઘર્ષના સમયે તેને જે-જે લોકોએ સાથ આપ્યો હોય તેમના પ્રત્યે એક વિશેષ કૃતજ્ઞભાવ તેના મનમાં કાયમનો અંકિત થઈ જાય છે. પણ સાંપડેલી સફળતાના પાયામાં રહેલું સૌથી અગત્યનું પાસું એ તેનો પોતાના સ્વ સાથેનો, શ્રદ્ધા સાથેનો અને ઈશ્વર સાથેનો સંબંધ છે.
નરેન્દ્ર મોદી પણ યુવાનીના દિવસોમાં ડાયરી લખતા હતા. ડાયરી તો આપણામાંથી ઘણા લખતા હશે, પણ આ ડાયરી જરા જુદી હતી. આ ડાયરી તેમના જગજ્જનની જગદંબા સાથેના સંવાદ સ્વરૂપે હતી. તેમના પોતાના શબ્દોમાં “નિયમિત રીતે જગજ્જનની માને પત્ર લખી મારા અંતરમનને પ્રગટ કરી, મા શક્તિનાં ચરણોમાં ધરી મનને મોકળું કરવા ટેવાયેલ હતો. તેમાં મને અલૌકિક મૌન સંવાદની અનુભૂતિ થતી.” તે સંવાદની એક ઝલક અને તે વિશે સ્વયં નરેન્દ્રભાઈના બે શબ્દો, લખાણની સાથે સાથે વિડીયો સ્વરૂપે નરેન્દ્રભાઈના જ અવાજમાં તેમાંથી બનેલ પુસ્તકસાક્ષીભાવમાંથી, ‘આજનો ઈ-શબ્દ’માં …

વહાલા વાચક મિત્રો, સપ્રેમ નમસ્તે.
સાક્ષીભાવે ‘સાક્ષીભાવ ’ આપના હાથમાં મૂકું છું.
આ કોઈ સાહિત્યરચના નથી, લગભગ પચીસ વર્ષ પૂર્વે ડાયરીના પાને વહેતી લાગણીઓની આ તો ભીનાશ છે. ઘણી વાર જાહેર જીવનમાં ખૂબ મોટા પડદે ઊપસતું વ્યક્તિનું ચિત્ર એટલું મોટું હોય છે કે, તેમાંથી માણસ શોધવાનું ફાવે જ નહીં. વળી ઇચ્છા પણ ન થાય. બીજી બાજુ, સામાન્ય માનવી તરીકેની જિંદગીનો આનંદ કંઈક ઓર જ હોય છે. મારો પાકો વિશ્વાસ છે કે, આપણા સહુની ભીતર એક તદ્દન સામાન્ય – સહજ માનવ વસતો હોય છે જે પ્રકૃતિદત્ત સકારાત્મક અને નકારાત્મક આવિર્ભાવથી પર નથી હોતો. ગુણ-અવગુણ, ઇચ્છા-અનિચ્છા, તૃષ્ણા-તૃપ્તિ, અનુરાગ-વિતરાગ, ભાવ-અભાવ, લાગણી-ઊર્મિ, વેદના-સંવેદના, ગમા-અણગમા, અપેક્ષા-આકાંક્ષા – તેનાથી કોઈ પર નથી હોતું. હું પણ તમારી જેમ ગુણ-દોષસભર સામાન્ય માનવી જ છું. બધાંની જેમ હું પણ મારા વ્યક્તિત્વના વિકાસની નિરંતર મથામણ કરતો રહ્યો છું.
ભૂતકાળમાં આ મથામણના ભાગ રૂપે એક સુ-ટેવ વિકસી હતી. નિયમિત રીતે જગજ્જનની માને પત્ર લખી મારા અંતરમનને પ્રગટ કરી, મા શક્તિનાં ચરણોમાં ધરી મનને મોકળું કરવા ટેવાયેલ હતો. તેમાં મને અલૌકિક મૌન સંવાદની અનુભૂતિ થતી. પ્રત્યેક વરસે સમયાંતરે બે ચાર મહિને મારા ભાવવિશ્વને પ્રગટ કરતાં આવાં પાનાંને હું અનાસક્ત ભાવે સળગાવી દેતો. અગ્નિને શરણે જનારા આવા ભાવપત્રોની સંખ્યા કદાચ સેંકડોમાં થવા જાય.
એક વેળાએ આ બધું નષ્ટ કરતો હતો ત્યારે, મારા એક અંગત વડીલ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.) ના પ્રચારક આદરણીય નરેન્દ્રભાઈ પંચાસરાની બારીક નજર આ કાગળો પર પડી.
જગજ્જનની માને સંબોધીને લખેલા પત્રોમાંથી જે થોડા ઘણા બચી ગયા હતા તેને સાચવવા તેઓએ આગ્રહ કર્યો. તેમના પ્રેમપૂર્ણ આગ્રહને કારણે સચવાયેલાં આ ભાવપુષ્પ જે મેં જગજ્જનની માને ચઢાવેલાં તે આપના સમક્ષ રજૂ કરું છું. આદરણીય નરેન્દ્રભાઈ પંચાસરાનો પ્રેમપૂર્વકનો આગ્રહ ન હોત તો આટલાં પાનાં પણ ન સચવાયાં હોત! હું તેમનો આદરપૂર્વક
ઋણ સ્વીકાર કરું છું અને આ ‘સાક્ષીભાવ’ માનનીય શ્રી નરેન્દ્રભાઈ પંચાસરાને અર્પણ કરું છું.
વહાલા વાચક મિત્રો, મારી અંદર વસતા એક સામાન્ય માનવીને તમારા હૃદયમાં સહજ રીતે
સ્થાન મળશે તેવો પૂરો ભરોસો છે.
જગજ્જનની માનાં ચરણોમાં પ્રણામ.
ઇતિ શુભમ્!
સૌનો
Signature_of_Narendra_Modi