ચાર્વાકદર્શન : પ્રાચીન ભારતીય લોકધર્મ
–એન. વી. ચાવડા
બૃહસ્પતીએ ચાર્વાકદર્શનની વીચારધારા યા પ્રેરણા અસુરો પાસેથી લીધી એવું પુરાણો કહે છે. બૃહસ્પતીની આ ઘટના મુળે પૌરાણીક ઘટના છે. કોઈ કહેશે કે પુરાણમાં વર્ણવેલ ઘટનાઓને ઈતીહાસ કેવી રીતે માની લેવાય ? પુરાણમાં તો મીથકો છે, રુપકકથાઓ છે, બોધકથાઓ, કલ્પના કથાઓ છે વગેરે વગેરે.. પરન્તુ વાસ્તવીકતા એ છે કે આપણાં પુરાણો, રામાયણ, મહાભારત, વેદો અને ધર્મગ્રંથોમાં ઈતીહાસ છે જ. જો એમાં ઈતીહાસ નથી એમ કહેવામાં આવે તો રામ, કૃષ્ણ, રાવણ, કૌરવ, પાંડવ, કપીલ, વ્યાસ, બુદ્ધ અને મહાવીર આદી તમામને આપણે કાલ્પનીક માનવા પડે. એ બાબત ઈતીહાસકારને કે સામાન્ય જનતાને પણ માન્ય થઈ શકે એમ નથી જ. અલબત્ત, આ બધા ગ્રંથોમાં જેવો લખાયેલો છે એવો બેઠ્ઠો ઈતીહાસ હોઈ શકે નહીં; પરન્તુ તેથી તેમાં ઈતીહાસ બીલકુલ નથી એમ તો કહી શકાય એમ જ નથી. વાસ્તવીકતા એ છે કે આપણી પાસે ધર્મગ્રંથોના સ્વરુપમાં જે કંઈ લેખીતસામગ્રી છે તેમાં ઈતીહાસ છે જ. આવશ્યક્તા છે એમાંથી સાચો ઈતીહાસ શોધી કાઢવાની દૃષ્ટીની. જેની પાસે સત્ય પ્રત્યે અને ઈતીહાસ પ્રત્યે નીષ્ઠા હોય અને તર્કદૃષ્ટી હોય તો તે વ્યક્તી આ ધર્મગ્રંથોમાંથી પણ ઈતીહાસ અવશ્ય શોધી શકે છે. આ ધર્મગ્રંથોમાં સીધે સીધો ઈતીહાસ – ઈતીહાસ જેવો ઈતીહાસ – કેમ લખવામાં નથી આવ્યો ? એ પ્રશ્ન પણ સંશોધનકારની તીવ્ર દૃષ્ટીમાં સતત રમતો રહે અને ઈમાનદારીથી દરેક ઘટનાનું તાર્કીક અને વૈજ્ઞાનીક દૃષ્ટીએ મુલ્યાંકન થતું રહે તો જ તેમાંથીસાચો ઈતીહાસ સાંપડી શકે અથવા સાચા ઈતીહાસની વધુમાં વધુ નજીક જઈ શકાય.
બૃહસ્પતીએ ચાર્વાકદર્શનની પ્રેરણા અસુરો પાસેથી લીધી હતી. તો પ્રશ્ન એ ઉપસ્થીત થાય છે કે આ અસુરો એટલે કોણ ? ઈતીહાસના વીષયમાં એવું જ છે કે જેમ એક નાના સરખા બીજમાં એક આખું વીશાળ વૃક્ષ છુપાયેલું હોય છે તેમ એક નાનકડા શબ્દમાં પણ વીશાળ ઈતીહાસ સમાયેલો હોય છે. શબ્દમાં મહાન શક્તી ગુપ્તરુપે અંતર્નીહીત હોય છે. જેમ ચપ્પુનો ઉપયોગ કેવો કરવો એ જેના હાથમાં હોય છે તે એની ઈચ્છા અને મનોવૃત્તી ઉપર આધાર રાખે છે, તેમ શબ્દશક્તીનો ઉપયોગ પણ તેના પ્રયોગકાર ઉપર આધાર રાખે છે.
ઈતીહાસની બાબતમાં બીજી મહત્ત્વની બાબત એ છે કે એ ઈતીહાસ કોના દ્વારા, ક્યારે, કયા સંજોગોમાં અને કયો હેતુ સીદ્ધ કરવા માટે લખવામાં આવ્યો છે, તેની વીચારણા અત્યન્ત આવશ્યક બાબત છે. સામાન્ય રીતે ઈતીહાસ હમ્મેશાં જીતેલા પક્ષ દ્વારા લખાય છે, જીતેલા પક્ષના શાસનકાળમાં લખાય છે, તેથી એ ઈતીહાસ જીતેલા પક્ષની તરફેણમાં જ હમ્મેશાં લખાય છે. જેથી તેમાં જીતેલા પક્ષે જીત મેળવવા માટે જે કુડ–કપટ, અનીતી, અન્યાય, દગો અને વીશ્વાસઘાત આચર્યા હોય તેને છાવરવામાં આવ્યા હોય એટલું જ નહીં; તેમાં હારેલ પક્ષ ઉપર જ એવા આરોપો લગાવ્યા હોય અને તેની બદબોઈ કરવામાં આવી હોય તે પણ સ્વાભાવીક છે. તેથી ઈતીહાસના સંશોધનકાર પાસે શબ્દશક્તીની જાણકારીની સાથે તટસ્થતા, સચ્ચાઈ અને પ્રામાણીકતા જો ન હોય તો એવું સંશોધન વ્યર્થ જ નહીં; પરન્તુ આત્મઘાતક પણ પુરવાર થાય છે.
બૃહસ્પતીએ લોકાયતદર્શનની પ્રેરણા અસુરો પાસેથી લીધી એ વીધાનમાં મહાન વીશાળ ઈતીહાસ છુપાયેલો હોઈ શકે છે. એટલું જ એક ‘અસુર’ શબ્દ પણ એવો જ ભવ્ય ઈતીહાસ ધરાવતો હોઈ શકે છે. આ વીધાન કોના દ્વારા, ક્યારે, શા માટે લખાયું હશે, એ પણ અત્યન્ત મહત્ત્વની વીચારણીય બાબતો છે.
એ હકીકત છે કે પુરાણો, રામાયણ, મહાભારત આદી ધર્મગ્રંથો ‘બ્રાહ્મણ’ તરીકે ઓળખાતા આર્યપંડીતો દ્વારા લખવામાં આવ્યા છે. જેમણે પોતાના પક્ષને સુર અને વીરોધી તથા વીજીત પક્ષને ‘અસુર’ તરીકે તેમાં વર્ણવ્યા છે. વળી, એ હકીકત ઈતીહાસ પ્રસીદ્ધ છે કે સાડા ત્રણ હજાર વર્ષ પહેલાં ભારતમાં આવેલ યુરેશાઈ આર્ય પ્રજાએ ભારતની મુળ નીવાસી પ્રજાને હરાવીને એમને ગુલામ બનાવીને અહીંની શાસક બની ગઈ. ત્યાર બાદ તેમણે ભારતીય પ્રજાને કાયમ ગુલામ બનાવી રાખવા માટે ‘વર્ણવ્યવસ્થા’ સ્થાપી અને તેને ‘ધર્મ’નું નામ આપ્યું. તેમ જ તદ્જનીત યજ્ઞસંસ્કૃતી દ્વારા, વીના પરીશ્રમની પોતાની આજીવીકાને પણ ધાર્મિક સ્વરુપ આપ્યું. સ્પષ્ટ છે કે આર્ય પંડીતોએ વેદાદી ધર્મશાસ્ત્રોમાં જેમને ‘અસુર’ કહ્યા છે તે ‘ભારતના મુળ નીવાસીઓ’છે. બૃહસ્પતીએ અસુરો પાસેથી લોકાયતદર્શનની પ્રેરણા લીધી એનો અર્થ એવો થાય કે તેમણે ભારતની પ્રજા પાસેથી લોકાયતદર્શનની પ્રેરણા લીધી. અર્થાત્ તે સમયે ભારતની પ્રજામાં જીવન જીવવાની જે સ્વાભાવીક અને પારમ્પરીક પ્રણાલી હતી તેને બૃહસ્પતીએ અપનાવીને, તેમાં સુધારા–વધારા કરીને, તેમણે આર્યોના વૈદીકદર્શન સામે ભારતના લોકોનું દર્શન મુક્યું હતું. લોકાયતદર્શન એવું તેનું નામ જ દર્શાવે છે કે તે લોકોનું યાને ભારતના લોકોનું દર્શન છે. અલબત્ત, તે પહેલાં તે ગ્રંથકારે નહીં જ હોય; પરન્તુ ભારતના લોકોના જીવનવ્યવહારમાં તે ઓતપ્રોત હશે. બૃહસ્પતીએ તેને સુત્રના રુપમાં ઢાળીને પ્રથમવાર ગ્રંથનું સ્વરુપ આપ્યું. વીદ્વાનોએ તેને ‘બ્રાર્હસ્પત્ય અર્થશાસ્ત્ર’ યા ‘બ્રાર્હસ્પત્યસુત્ર’ કહ્યું છે. ત્યારબાદ તે ક્રમશ: તેના અનુયાયીઓ અને વીરોધીઓ દ્વારા પણ તે ‘લોકાયતદર્શન’ અને ‘ચાર્વાકદર્શન’ને નામે પ્રચલીત બન્યું છે.
આર્યપંડીતોએ પોતાને સુર અને ભારતના મુળ નીવાસીઓને અસુર કેમ કહ્યા હશે ? તે પ્રશ્ન પણ વીચારણીય છે જ. આર્યો સુરા યાને સોમરસ પીતા હતા, તેથી તેમણે પોતાને સુર અને ભારતના મુળ નીવાસીઓને યાને અનાર્યો (જે આર્ય નથી તેઓ) સુરા યાને મદીરા પીતા નહોતા, તેથી તેમને અસુર કહેવામાં આવ્યાં હોય એવું બની શકે. સુરનો અર્થ દેવ પણ થાય છે, તેથી આર્યો પોતાને સુર એટલે દેવ અને અનાર્યોને અસુર એટલે જે ‘દેવ નથી તે’ કહેતા હોય એવું પણ બની શકે. ઉપરાન્ત દેવ–દેવી અને ઈશ્વરાદી અલૌકીક શક્તીમાં વીશ્વાસ રાખનારા તે સુર અને અનાર્યો આવી કોઈ અલૌકીક શક્તીઓમાં આસ્થા કે શ્રદ્ધા રાખતા નહોતા, તેથી પણ તેમને અસુર કહ્યા હોય એવું બની શકે.
આર્યો ભારતમાં આવ્યા ત્યારે ભારતમાં વસનારી પ્રજા આત્મા–પરમાત્મા, પરલોક, સ્વર્ગ–નરક, પ્રારબ્ધ અને પુનર્જન્મ જેવી અલૌકીક ધારણાઓમાં વીશ્વાસ ધરાવતી નહોતી. ઉપરાન્ત વર્ણવ્યવસ્થા જેવી અસમાનતાયુક્ત સમાજવ્યવસ્થા પણ ભારતીય પ્રજામાં નહોતી. માનવમાત્ર એક જ કુળના અને સમાન હોવાની તેમની ધારણા હતી. આ બાબત ચાર્વાકદર્શનના જે ગણ્યા–ગાઠ્યા શ્લોકો આર્યપંડીતો પાસેથી તેમના લખેલા ગ્રંથોમાંથી ઉપલબ્ધ થયા છે, તેમાં જોઈ શકાય છે.
ઋગ્વેદમાં રુદ્ર(શીવ) અને કૃષ્ણને પણ અસુર કહેવામાં આવ્યા છે. આ બન્ને આર્યોની વર્ણવ્યવસ્થા અને યજ્ઞ સંસ્કૃતીના પ્રખર વીરોધી અને બળવાન ગણનાયકો હતા. અર્થાત્ રુદ્ર(શીવ) અને કૃષ્ણ બન્ને અનાર્ય હતા યાને આર્ય નહોતા; પરન્તુ ભારતની મુળ નીવાસી પ્રજાના પ્રીય અને પ્રભાવશાળી નાયકો હતા. આ ઐતીહાસીક ઘટના પણ દર્શાવે છે કે અસુર એ ભારતની મુળ નીવાસી અનાર્ય પ્રજાને ઓળખવા માટે આર્યોએ પ્રયોજેલો શબ્દ હતો.
અસુરની જેમ જ સમય–સમય પર આર્યપંડીતોએ ભારતના લોકો માટે રાક્ષસ, દૈત્ય, દાનવ જેવા શબ્દો પણ પ્રયોજ્યાં છે. અલબત્ત, પ્રારમ્ભમાં એ શબ્દો ખાસ વીશીષ્ટ અર્થ ધરાવતા હતા; પરન્તુ બાદમાં આર્યપંડીતોએ એ શબ્દોને તીરસ્કારજનક બનાવી દીધા હતા. રાક્ષસનો અર્થ થાય છે, ‘રક્ષણ કરનારા.’ અનાર્યો પોતાના સમાજ, જમીન અને ધનસમ્પત્તી તથા ધર્મ–સંસ્કૃતીનું આર્યોથી રક્ષણ કરતા હતા તેથી આર્યોએ તેમને ‘રાક્ષસ’ સંજ્ઞા આપી. પોતાને મનુના વારસદારો તરીકે માનવ કહ્યા ત્યારે અનાર્યોને દાનવ કહ્યા. અનાર્યોની મુળ ઓળખ ભુલાવવા માટે તેમને દીતીના પુત્ર તરીકે ‘દૈત્ય’ સંજ્ઞા આપી.
તાત્પર્ય એ છે કે બૃહસ્પતીએ ચાર્વાકદર્શનની જે વીચારધારાની પ્રસ્થાપના એક દર્શનશાસ્ત્ર તરીકે કરી તે વીચારધારા મુળભુત રીતે જ ભારતની પ્રજાની જીવનકળા છે, જેનું સૌથી મોટું અને પ્રબળ પ્રમાણ એ છે કે 5000 વર્ષ પુરાણી સીંધુખીણની સંસ્કૃતીનાં જે અવશેષો 1922માં આપણને મળ્યાં છે, તે અવશેષોમાં ચાર્વાકદર્શનની વીચારધારાના પ્રમાણો મળી રહે છે. અર્થાત્ સીંધુખીણની સંસ્કૃતીમાં ઋગ્વેદ, ઋગ્વેદની છાંદસ ભાષા, ઋગ્વેદના રાજા–મહારાજાઓ અને ઋગ્વેદની વર્ણવ્યવસ્થા, રાજાશાહી તથા ઈશ્વરવાદી ધર્મ–સંસ્કૃતીના કોઈ અવશેષો જોવા મળતાં નથી. તેનાથી પુરવાર થાય છે કે સીંધુખીણની સંસ્કૃતી ઋગ્વેદ કરતાં પુરાણી છે અને ઋગ્વેદની સંસ્કૃતી કરતાં તદ્દન ભીન્ન છે. સ્પષ્ટ છે કે આર્યો ભારતમાં આવ્યા ત્યારે ભારતમાં આ સીંધુખીણની સંસ્કૃતી પ્રવર્તમાન હતી, જેમાં મોહેં–જો–દડો અને હડપ્પા જેવાં આધુનીક સુખ–સગવડવાળાં નગરો અને સુસભ્ય, સુસંસ્કૃત અને વીકસીત પ્રજા તેમાં વસતી હતી. આર્યોએ આ સીંધુઘાટીની સભ્યતાનો નાશ કર્યો છે એના પણ પ્રબળ પુરાવા એમાંથી જ પ્રાપ્ત થયાં છે.
સીંધુખીણની સંસ્કતીમાં 5000 વર્ષ પહેલાં જીવનારી ભારતની પ્રજા વીકસીત, સાધન–સમ્પન્ન, સુખી, શાન્ત અને આધુનીક નગરોમાં વસનારી હતી. તેનો અર્થ એમ થાય કે એ ઈહલોકમાં માનનારી અર્થાત્ પરલોક, સ્વર્ગ–નરક આદીમાં નહીં માનનારી પ્રજા હતી. ધરતી પર જ સ્વર્ગ બનાવનારી પ્રજા હતી. જે ચાર્વાકદર્શનના સુત્રોમાં જોઈ શકાય છે. જેમ કે જ્યાં સુધી જીવો, સુખેથી જીવો, દેવું કરીને પણ ઘી પીઓ, મૃત્યુ પછી દેહ ભસ્મીભુત થઈ ગયા પછી તેનો પુનર્જન્મ થવાનો નથી, સ્વર્ગ નથી, નરક નથી, પરલોકમાં જનારો કોઈ આત્મા નથી, વર્ણાશ્રમધર્મની ક્રીયાઓનું કોઈ ફળ મળતું નથી, વગેરે વગેરે..
–એન. વી. ચાવડા
No comments:
Post a Comment