ગ્રહો આપણી પાછળ નથી પડ્યા આપણે જ ગ્રહોની પાછળ પડ્યા છીએ
ગ્રહો આપણી પાછળ નથી પડ્યા
આપણે જ ગ્રહોની પાછળ પડ્યા છીએ
–રોહીત શાહ
તમારે નીયરેસ્ટ ફ્રેન્ડ–સર્કલમાં સૌના ડીયરેસ્ટ બની જવું હોય તો એની એક માસ્ટર–કી છે. કોઈ પણ એક વ્યક્તીનો હાથ જોઈને એના વીશે બે–ત્રણ આગાહીઓ કરી દો. ઍસ્ટ્રોલૉજીનો તમને થોડોક અભ્યાસ અથવા અનુભવ છે એવું સૌને લાગવા દો. પ્રથમ બે–ત્રણ વ્યક્તીઓ વીશેની આગાહી વાજબી લાગે એવી હોવી જોઈએ. તમે એ વ્યક્તીથી પરીચીત હશો એટલે યોગ્ય અને ઉચીત આગાહીઓ કરવામાં તમને કોઈ પ્રૉબ્લેમ નહીં નડે.
તમે જોજો, એ વખતે આસપાસમાં ઉભેલા સૌ કોઈને તેમની હથેળી તમારા સુધી લંબાવવાની ચળ ઉપડશે.મહીલાઓ સાથે ખાસ ફ્રેન્ડશીપ કરવા માટે આ રામબાણ ઈલાજ છે, કારણ કે દરેક બીજી મહીલાને જ્યોતીષના આધારે પોતાનું ફ્યુચર જાણવાની ક્યુરીયોસીટી હોય છે. આ કારણે જ તાંત્રીકો–વીધીકારો સામે મહીલાઓ વધુ છેતરાઈ જતી હોય છે.
જે લોકો એમ માને છે કે જ્યોતીષ બહુ મહાન શાસ્ત્ર છે અને એનું જ્ઞાન બહુ ગહન છે એ લોકોને તો જ્યોતીષમાં શ્રદ્ધા અને ઈન્ટરેસ્ટ હોય એ સ્વાભાવીક છે. લેકીન–કીન્તુ–પરન્તુ વીસ્મયની વાત તો એ છે કે જે લોકો જ્યોતીષને બકવાસ, વાહીયાત અને નકામું સમજે છે એવા લોકોનેય પોતાનું ફ્યુચર જાણવામાં ઈન્ટરેસ્ટ હોય છે.
વ્યક્તીગત રીતે જ્યોતીષને હું ધતીંગ જ માનું છું. ભોળા લોકોને ભરમાવીને પોતાની રોજીરોટી રળી ખાવાનો એક બીઝનેસ છે જ્યોતીષ. છતી આંખે આંધળા અને પાંગળા કરી મુકવાનું કામ જ્યોતીષ કરે છે એવું હું ચુસ્તપણે માનું છું. છતાં મનોરંજન ખાતર જ્યોતીષી સાથે સંવાદ કરવાનો ચાન્સ મળે ત્યારે ‘ઈન્ટરેસ્ટ’ બતાવું છું ! મૅજીશ્યન જ્યારે મૅજીક કરે ત્યારે બધું હમ્બગ જ હોય છે એવી ખાતરી હોવા છતાં મનોરંજન માટે આપણે એવા પ્રયોગો જોવા પૈસા ખર્ચીને જઈએ જ છીએને ! મોટા ભાગનું મૅજીક તો બે જ બાબતોમાં સમાયેલું હોય છે : વસ્તુને છુપાવતાં આવડવી અને છુપાયેલી વસ્તુને ચાલાકીપુર્વક પ્રગટ કરી બતાવવી. ઝડપ અને ચપળતા જરુરી છે. જ્યોતીષનુંય તદ્દન એવું જ છે. એમાંય બે બાબતો ઈમ્પોર્ટન્ટ છે : સામેની વ્યક્તીની માનસીકતા અને સામાજીક ભુમીકા જોઈને આગાહી કરવી તથા આગાહી સાવ સાચી–શ્રદ્ધેય લાગે એવી સ્ટાઈલ ઑફ પ્રેઝન્ટેશન રાખવી. ક્યારેક કોઈ આગાહી ખોટી પડી જાય તો એ માટેનું નક્કર કારણ કે વાજબી બહાનું બનાવતાં તમને આવડતું હોય તો પછી સમજો કે તુમ્હારી તો નીકલ પડી, બૉસ !
ગયા અઠવાડીયે જ એક અખબારમાં લગ્ન–વીષયક ઍડ્વર્ટાઈઝમેન્ટ વાંચી હતી : ‘કૅનેડાથી માત્ર દસ દીવસ માટે ઈન્ડીયા આવેલા પટેલ બીઝનેસમૅન માટે કન્યા જોઈએ છે. બાયોડેટા અને કુંડળી સહીત તરત કૉન્ટૅક્ટ કરશો.’ માણસ એજ્યુકેટેડ હોય અને વીદેશમાં જઈને બીઝનેસ કરતો હોય એટલે પોતાનું ભોટપણું છોડી જ દે એવું કંઈ થોડું હોય ?
કુંડળી શાના આધારે બને છે ? જન્મના ગ્રહોની પરીસ્થીતીના આધારે. જન્માક્ષરમાં જન્મની તીથી–તારીખ અને જન્મનો સમય પર્ફેક્ટ હોવો જોઈએ એમ કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે પૃથ્વી પર દરેક દેશમાં સમય જુદો–જુદો હોય છે. ભારતમાં ઈન્ડીયન સ્ટાન્ડર્ડ ટાઈમ એક જ છે, અમેરીકામાં ત્રણ–ત્રણ સ્ટાન્ડર્ડ ટાઈમ છે. આ ઉપરાન્ત દરેક ઘડીયાળનો પણ કોઈ એક ફીક્સ સમય નથી હોતો. વ્યક્તીના જન્મ વખતે કઈ ઘડીયાળનો અને કયા દેશનો ટાઈમ, સ્ટાન્ડર્ડ ટાઈમ તરીકે માન્ય રાખવો ? જન્મની ક્ષણનો પ્રભાવ, શું વ્યક્તીના આયુષ્યની અન્તીમ ક્ષણ સુધી પડતો રહે છે ?
જ્યોતીષી કદી સ્પષ્ટ ભાષામાં આગાહી કરતો નથી એવું કેમ ? રાહુલ ગાંધી ભારતના વડા પ્રધાન થશે જ અથવા રાહુલ ગાંધી ભારતના વડા પ્રધાન નહીં જ થાય – આ બેમાંથી જ કોઈ એક રીઝલ્ટ આવવાનું ફીક્સ છે. જ્યોતીષીઓ આપણને આ બે અન્તીમોની વચ્ચે ઝુલાવ્યા કરે છે. છાતી ઠોકીને તેઓ કોઈ એક જ રીઝલ્ટ ડીક્લેર કરતા નથી. વૈજ્ઞાનીકોની આગાહીની ભાષા સ્પષ્ટ હોય છે. ફલાણી તારીખે અને ફલાણા સમયે – અમુક સેકન્ડે સુર્યગ્રહણ થશે એમ આગાહી કરે છે અને દર વખતે એવું અવશ્ય બને જ છે. જ્યોતીષનું શાસ્ત્ર ગણીતના આધારે રચાયેલું છે એમ કહેવાય છે, તો પછી એની આગાહીની ભાષા પારદર્શક કેમ નથી ? એ હંમેશાં ગોળ-ગોળ જ કેમ હોય છે ?
ભવીષ્ય જાણવાનું કુતુહલ માણસની બડી કમજોરી છે. જ્યોતીષીઓ એ કમજોરીના મુડીરોકાણ પર પોતાની ઈન્ડસ્ટ્રી ચલાવતા હોય છે. મારી દૃષ્ટીએ જ્યોતીષશાસ્ત્ર આદમીને ગુમરાહ કરનારું, કમજોર બનાવનારું એક ભયાનક પૉલ્યુશન છે. જ્યોતીષને કારણે કોઈની જીન્દગી સુધરી ગઈ હોવાનું કદી નથી જાણ્યું; પરન્તુ જ્યોતીષના કારણે અનેક લોકોની લાઈફ ડીસ્ટર્બ થઈ છે અને કેટલાકની લાઈફ તો બરબાદ થઈ ચુકી છે.
મર્સીડીઝ ગાડીની આગળ
લીંબુ–મરચાં લટકતાં જોઉં છું ત્યારે મને ખાતરી થઈ જાય છે કે અન્ધશ્રદ્ધાને ગરીબ–શ્રીમન્તનો ભેદભાવ નડતો નથી. ક્યારેક તો શ્રીમન્તોને અન્ધશ્રદ્ધાની દીશામાં દોડવાનું વધુ માફક આવે છે અને પાખંડીઓ તો શ્રીમન્તોને અન્ધશ્રદ્ધા તરફ દોડાવવા જ ટાંપીને બેઠા હોય એ સ્વાભાવીક સત્ય છે.
ધનવર્ષા અનુષ્ઠાન થશે
મને લાગે છે કે ગ્રહો કદી માણસની પાછળ નથી પડતા, માણસ જ ગ્રહોની પાછળ આદુ ખાઈને પડેલો રહે છે. ગળચટ્ટી ભ્રાન્તીઓની પાછળ ભટકવાનું આપણને બહુ ગમે છે. કોઈ સાધુને વાહીયાત સપનું આવે અને જમીનમાંથી 1000 ટન (પછીથી 21000 ટન) સોનું મેળવવા ખોદકામ કરીને લાખો રુપીયા વેડફવા આપણે રઘવાયા થઈ ઉઠીએ છીએ. પબ્લીસીટી સ્ટન્ટ કરનારા પાખંડીઓને પુજનારો બહુ મોટો જથ્થો આપણી પાસે છે. એક બ્રેકીંગ ન્યુઝ પ્રમાણે ભારતને આર્થીક સંકટમાંથી બચાવવા માટે અમદાવાદમાં 1,25,000 ધનવર્ષા શ્લોકનો મંત્રજાપ થવાનો છે. 20 થી 28 નવેમ્બર દરમ્યાન 500 બ્રાહ્મણો તથા અનેક સાધુ–સન્તો ભેગા મળીને આ મન્ત્ર–અનુષ્ઠાન કરવાના છે. શું આ અનુષ્ઠાન પછી સાચે જ ધનવર્ષા થશે ? થશે તો ક્યાં થશે ? ગુજરાતમાં કે પછી સમગ્ર ભારતમાં ? અને જો આ અનુષ્ઠાન પછીયે કોઈ જ ધનવર્ષા ન થાય તો એના સમર્થક સાધુ–સન્તો કબુલ કરવાની નૈતીક હીમ્મત બતાવશે ખરા કે આ નર્યું જુઠાણું જ હતું ?
એક જ સમસ્યા છે
આપણા દેશમાં જેટલો ફેસ–પાઉડર નથી વપરાતો એટલાં અબીલ, ગુલાલ અને કંકુ વપરાય છે. લાલ–કાળા દોરા, નાડાછડીઓ, રક્ષાપોટલીઓ, વાસક્ષેપ, ભભુતીઓ, માદળીયાં, તાવીજો આ બધાંની એક બહુ જ મોટી ઈન્ડસ્ટ્રી આપણે ત્યાં સદીઓથી ચાલી રહી છે, જે દર વર્ષે અન્ધશ્રદ્ધાનો મબલખ નફો રળે છે. સન્તાન ન થતું હોય, સન્તાનનાં લગ્નનો મેળ ન પડતો હોય, બીઝનેસમાં બરકત ન હોય, ફાઈનૅન્શીયલી તંગી રહેતી હોય, પત્ની બીજા પુરુષ જોડે ભાગી ગઈ હોય, પતીને કોઈકની સાથે લફરું હોય, કોઈને કશો વળગાડ હોય, કોઈ દીમાગી પરેશાની પજવતી હોય – આવી અનેક સમસ્યાઓના માત્ર પાંચ જ મીનીટમાં ઉકેલ લાવી આપનારા લોકોની બહુ મોટી ફોજ આપણા દેશમાં છે. સમસ્યા એટલી જ છે કે એવા તાંત્રીકો–વીધીકારોની સમસ્યાનાં કોઈ સૉલ્યુશન્સ ખુદ તેમની પાસેય નથી !
–રોહીત શાહ
No comments:
Post a Comment