સ્વામી વિવેકાનંદ
વિશેષ
સંન્યાસનું વ્રત લઈ સૌ હળવાફૂલ બન્યા !
સંન્યાસનું વ્રત લઈ સૌ હળવાફૂલ બન્યા !

એવામાં એક શિષ્યની માતાએ બધાને નજીકના આંટપુર ગામમાં થોડા
દિવસો રહેવા નોતર્યા.
બધા ત્યાં ગયા. ગુરુજીએ સોંપેલું કામ નરેન્દ્રને યાદ આવ્યું.
ગુરુજીએ કહ્યું હતું : ‘મારા ગયા પછી આ બધા શિષ્યોને
તારે જ સંભાળવાના છે.’
તેનામાં હવે આંતિરક શક્તિનો ઉદય દિવસે દિવસે તીવ્ર બની રહ્યો
હતો.
એક વાર રાત્રે બધા શિષ્યો બેઠા હતા.
નરેન્દ્ર આજુબાજુથી મોટાં લાકડાં ઊંચકી લાવ્યો અને ધૂણી
સળગાવી.
ચારે બાજુ સૌ ધ્યાનમાં બેઠા. મોડી રાત સુધી ધ્યાન થયા પછી
નરેન્દ્રે ત્યાગ અને વૈરાગ્ય વિશે દ્ષ્ટાંતો સહિત વાતો કરવા માંડી. ‘આત્મકલ્યાણ અને જગત હિતાર્થે આ સંસારની માયામાંથી છૂટીએ તો જ
નક્કર કામ કરી શકીએ.
નરેન્દ્રની વાણીથી સૌ અભિભૂત થઈ ગયા. ત્યાગ અને સંન્યસ્ત
જીવનનું મહત્ત્વ તેમને સમજાઈ ગયું હતું. ગુરુદેવના સ્વપ્નને સાકાર કરવાનો આ
એકમાત્ર રસ્તો હતો. નરેન્દ્રના કહેવાથી સૌ ધૂણીની સામે ઊભા થયા. ત્યારબાદ અગ્નિ, ઈશ્ર્વર અને એકબીજાની સાક્ષીમાં સૌએ આજીવન સંન્યાસ-ધર્મ
પાળવાનું વ્રત લીધું. વ્રત લઈને હળવાફૂલ બની ગયા હોય તેવું અનુભવવા લાગ્યા. તેઓ સૌ
વરાહનગર પણ આવ્યા.
શશી, શરત, રાખાલ, નિરંજન, બાબુરામ, કાલી, સુબોધ, શારદાપ્રસન્ન, ગંગાધર, હરિ, તુલસી વગેરે ઘરબાર છોડી મઠમાં આવી ગયા.
જોગીન લાટુ નામના બે શિષ્યો મા શારદામણિદેવી સાથે યાત્રાએ
નીકળ્યા હતા તે પણ આવી પહોંચ્યા.
આમ એક વરસમાં તો વરાહનગરનું આ ધામ રામકૃષ્ણના પ્રિય શિષ્યોથી
ઊભરાઈ ગયું.
જીવનના ઉદાત્ત હેતુ માટે અને આત્મકલ્યાણને માર્ગે અગ્રેસર
થવા હવે આ સ્થાન જ એકમાત્ર આધાર બની રહ્યું. (મધુકાન્ત
પ્રજાપતિ લિખિત ‘વિવેકાનંદ’ પુસ્તકમાંથી સાભાર)
No comments:
Post a Comment