એમ્બેસેડર
એમ્બેસેડર
હજી તો હું ન્યુઝ પેપર વાંચીને બાથરૂમ બાજુ જવા નીકળું જ છું ત્યાં હકો દોડતો દોડતો આવ્યો. આવા ટાઈમે હકા સિવાય કોઈ મારા ઘરે આવે નહિ. જો કે એવો કોઈ નિયમ કે પાબંધી નહોતી પણ રોજનું થઇ ગયેલું. હાંફતા હાંફતા જ તે બોલ્યો “ રીતેશ, મહેલ્લામાં લોકો ભેગા થઇ ગયા છે ”
“ હસમુખ, લોકો ભેગા થાય એનું જ નામ મહેલ્લો નહિ જાણે ? ” મેં પણ એને સન્માન આપ્યું. ( કેમ આપ્યું તે માટે બેય વાક્ય ફરી વાર વાંચો)
“ અરે આજની વાત અલગ જ છે. સતુ લોઢાના ચણા ચાવવાનો છે. ”
“ હકલા, આમ સવાર સવારમાં જાટકા ના આપ. સતુ એકતો મારી જેમ પહેલવાન અને ઉપરથી લોઢાના ચણા ચાવવાની વાત ?? સાલું મને વાત સાંભળીને પણ હજમ નથી થતું. સતુ લોઢાના ચણા હજમ કરી શકશે ? ”
“ તારી આજ તકલીફ….. ” કહીને તે પાછો વળ્યો.
“ હકા, તું જા….દશેજ મિનીટમાં આવ્યો. ” હકો તો પાછું વળીને જોવા પણ ના રોકાયો. પણ મને એના શબ્દો સંભળાયા. “ ત્યાં સુધીમાં તો ચણા ખવાઈ પણ ગયા હશે. ”
હકાના ગયા બાદ હું પણ અવઢવમાં પડી ગયો કે આજે પહેલી વાર નહાયા વગર ઘર બહાર નીકળું. ના, ના….આ તો મારો મહેલ્લો; મહેલ્લાના ઇતિહાસમાં આવા તો ઘણા દંગલો ખેલાઈ ગયા છે. જટ પટ નહાવા ગયો પણ નહાતા નહાતા ય લોઢાના ચણા વાળી વાત ઘુમરાતી હતી. હું પણ એક અદના આદમી તો ખરો જ ને ! જટ પટ નાહીને ટોળામાં ઘુસી ગયો. ટોળાની વચ્ચોવચ્ચ સતુ ઉભો છે. એની બાજુમાં એક ટોપલી પડી છે. ટોપલીને એક લીલા કપડાથી ઢાંકી છે.
સતુ એટલે આ સીરીઝનું એકદમ નવું નામ. સતુ ઉર્ફે સત્તારના પપ્પા નવા નવા અમારા મહેલ્લામાં રહેવા આવેલા. તાજીજ રેલ્વેમાં નોકરી લાગેલી અને એમને અમારું ગામ મળ્યું. સતુ આમતો નાનો પણ હાઈટમાં મારા કરતા મોટો. પણ આજે પરાક્રમ બતાવીને તે પોતાની હાઈટ ઓર વધારવા માંગતો હશે, એમ માનીને હું પણ ખેલ જોવા ઉભો રહી ગયો. ચારે બાજુ નજર કરી, તો મારી જ બાજુમાં દલો અને ટીનો દેખાયા. સામે છેડે નરીયો, જીલો અને અશ્કો દેખાયા. મેં દલાને ઈશારો કર્યો કે તે સમજી ગયો. બાકીના જીગો, હકો, દિનો, દિલો વેગેરે પણ હાજર દેખાડ્યા. મેં એક હાશ કારો લીધો. નવો આવેલો સતુ કોણ જાણે શું સાબિત કરવા માંગે છે કે બતાવવા માંગે છે ? એમ અનુમાન કરતો હું દલા બાજુ સર્યો.
“ આ ટોપલીમાં શું છે લ્યા ? ” દલો દાટ્યો ના રહે
“ હું તો હાલ જ આવ્યો; ટીના તું કહે ” મેં ટીના બાજુ પ્રશ્નને મોકલી આપ્યો.
“ ટોપલીમાં કંઈક છે….. ” એ આગળ બોલવા જતો હતો કે ટોળામાં ઉત્સાહ વધી ગયો.
સતુના મોઢા પર જનુન સવાર છે. યુધ્ધે જવાનું હોય એવું ખુન્નસ સવાર છે. નસોનસો ફૂલેલી છે. એમાંથી લોહી છલકીને બહાર આવે એટલી હદે ફૂલેલી છે. બાજુમાં ઉભેલ કોઈક બોલ્યું “ જીંગા ને મચ્છી ખાઈને ફાટ્યો છે. ”
ટોળું આખું જાણે મદારીનો ખેલ જોતા હોય તેમ મંત્રમુગ્ધ બની ગયું છે. સૌ કોઈની નજર સતુ ઉપર છે. ઘણા બધાને એ પણ ખબર નથી કે ટોળું કેમ એકઠું થયું છે ? પણ સૌની ઇંતેજારીનો અંત સતુ એ આણ્યો.
“ મારા વ્હાલા ભાઈ અને વડીલો…..આ ટોપલીમાં લોઢાના ચણા છે. લોકો એ કહ્યું કે એમ્બેસડર એ કોઈ નાની વાત નથી, લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. તો હું પણ બતાવી દઈશ કે લોઢાના ચણા કેમ ચવાય…….. ” એ આગળ બોલવા જતો હતો કે ટોળાને વીંધતા એના પપ્પા આવ્યા.
“સતુ, જા જઈને બે કિલો ખાંડ લઈ આવ ” સતુના હાથમાં થેલી પકડાવીને તેઓ ઉભા રહ્યા. ( કોઈ ખાનગી શાસ્ત્રોના લખાણ અનુસાર, એ વખતે સતુને એના ફાધર રાક્ષસ જેવા લાગેલા.)
અમે લોકો ફાધરની આજ્ઞાનું પાલન કરતા. એ નિયમ અનુસાર સતુ તો બે ઘડીમાં બકરી જેવો બની ગયો. ઘડી પહેલા સિંહ ગર્જના કરતો, ઘેટા જેમ ટોળામાંથી વિદાય થયો. નિત મુજબ ટોળું પણ વિખેરાઈ ગયું. એક પણ વ્યક્તિના મોઢા પર અફસોસની એક રેખા પણ ના દેખાઈ બોલો ! મહેલ્લામાં મિત્રો આવું બનતું જ હોય. લોકોનું કામ ટોળું કરવાનું અને વિખેરવાનું.
ટોળું તો વિખેરાઈ ગયું પણ મારા મગજમાંથી વિચારોનું ટોળું હજી ઘુમરાયે જતું હતું. મારી બાજુમાં આવીને હકો ઉભો હતો પણ મને એની ય ખબર ના પડી.
“ બધા ગયા ચલ હવે ”
“ એક મિનીટ ” મેં હકાનો હાથ પકડ્યો અને સતુ જે બાજુ ગયો તે બાજુ લઇ ગયો. “ વાતમાં કંઈક દમ તો છે જ ” એમ બબડતો હું અને હકો, સતુની લગોલગ થઇ ગયા.
મારો શક ખોટો નહોતો. વાતમાં કંઈક દમ જરૂર હતો.વાત થોડી આવી હતી.
સતુને ખબર પડી કે સલમાનને એમ્બેસેડર બનાવ્યો છે. તો આ વખતે સ્કુલમાં શરદોત્સવ યોજાય તેમાં પોતાને એમ્બેસેડર કેમ ના બનાવે ? પોતાને જ કેમ એમ્બેસેડર બનાવવો; એની સમાનતા સતુએ કંઈક આવી બનાવી છે.
બેય એક જ રાશિના, બચપણમાં બેય સિંગલ હડ્ડી, બેયના પપ્પા લેખક. ઓત્તારી, એના પપ્પા પણ સ્ટોરી રાઈટર ? એમણે વળી કઈ ફિલ્મની સ્ટોરી લખી ? તો એનો ખુલાસો એવો હતો કે એના પપ્પા ફિલ્મ જોયા પછી ફિલ્મ વિષે લખે છે ( ફિલ્મ સમીક્ષા ). સાંભળનારે થોડું ઘણું માન્ય રાખ્યું.
“ પણ સલમાને તો એક વાર લાંબી દોડમાં ભાગ લીધેલો ”
“ ઓયે, તને ખબર છે ગઈ વખતે હું આઠસો મીટર દોડમાં ફર્સ્ટ આવેલો ? ” એ વાત એની સાચી હતી.
“ એમ કાંઈ એમ્બેસેડર બનવું સહેલું નથી લોઢાનાં ચણા ચાવવા જેવી વાત છે. ” પેલાએ સત્ય વાત કરી.
“ બસ ? હું લોઢાનાં ચણા ચાવી જાવ તો ? ”
“ તો તું, બ્રાંડ એમ્બેસેડર બન ખરો. ” પેલાએ એમ માન્યું કે જેમ તેમ વાતની બલા ટળે.
સતુને બ્રાંડ એમ્બેસેડર બનવાના કોડ જાગ્યા હતા. એના ખાસ મિત્રોમાં ટીના, મના અને ઈસ્માઈલે ઘણું સમજાવેલો કે
“ સતુ, આ ધમાલ રહેવા દે, સલમાનને પ્રકાશમાં આવવું છે. એ રહ્યો હીરો, એની ઈર્ષ્યા ના કર ”
“ એ હીરો છે તો હું ક્યા ઝીરો છું ? એની ex. GF એ પણ કહ્યું કે સલમાન એમ્બેસેડરને લાયક છે ખરો ? મને એની કોઈ ઈર્ષ્યા નથી; મને મારી આવડત પર માન છે. ”
“ અમને એનું ભાન છે પણ તું ભાનમાં આવ સતુડા ”
આ સતુ તો ખાલી ચણા ખાતો હોય ને કાંકરો આવી જાય તો થું થું કરીને થૂંકી નાખે. જો કે અમે બધા લોકો પણ અભિમાન કર્યા વગર થૂંકી નાખતા. આ લોઢાના ચણા ચાવવાની વાત તો કહેવત છે. સતુ એને હકીકતમાં પુરવાર કરવા તુલ્યો હતો. સતુ એકનો બે ના થયો. અને અંતે ટોપલીમાં લોઢાના ચણા લાવીને મહેલ્લાને ભેગો કરે છુટકો કર્યો. જો એ હકીકતે પુરવાર કરે તો તો અમારા મહેલ્લાને આખા જગમાં રોશન કરે.
રોશન પરથી મને યાદ આવ્યું, એની બેન રોશનને એના બધાં કરતુતની ખબર હોય. રોશન સાથે વાત કેમ કરવી ? એક તો અમારા બધાથી મોટી, અને ઉપરથી છોકરી. ગુમાન નહિ કરીએ, પણ અમે લોકો છોકરીઓને માન બહુ આપતા. એની નસ એટલે એનો ભાઈ ઇભલો. બસ હવે એનો તોડ નીકળે છૂટકો.
ઇભલાને જ પૂછી લીધું. “ ઈભલા જો મારી વાત તું જાણી લાવ્યો તો એકવાર તને આઉટ હોય તો પણ નોટ આઉટ અપાવીશ ” મારી ઓફર જાણીને તો ઇભલો ખુશ ખુશ. કાયમ પહેલી જ ઓવરમાં આઉટ થનારો ઇભલો કાચી સેકન્ડે બાતમી લઇ આયો.
સતુએ ચણાને કાટવાળો કલર કરી દીધેલો અને ટોપલીમાં ભરીને લઈ આયેલો. પણ એને એ નહોતી ખબર કે મહેલ્લામાંથી કોઈ એને લોઢાના ચણા ખાતો જોઇને બ્રાંડ એમ્બેસેડર બનાવી આલે. અમારા મહેલ્લામાં કોઈની પાસે એમ્બેસેડર કાર નહોતી ત્યાં બ્રાંડ એમ્બેસેડરની વાત જ ક્યાં કરવાની ?
No comments:
Post a Comment