સંસારધર્મ : શ્રેષ્ઠ ધર્મ
–રોહીત શાહ
સડી ગયેલી ધાર્મીક પરમ્પરાઓ વીશે લખવાને કારણે મને ઘણી વખત ‘નાસ્તીક’ હોવાનું ગૌરવયુક્ત સન્માન પ્રાપ્ત થયું છે. જો કે હજી વધસ્તંભ પર ચડવાનું કે ગોળીએ વીંધાઈ જવાનું સદ્ ભાગ્ય નથી મળ્યું. અધ્યાત્મની ભાષામાં કહું તો વધસ્તંભ પર ચડવા માટે કે ગોળીએ વીંધાઈ જવા માટે મારાં પુણ્ય ઓછાં પડે છે. ધમકીઓ મળે છે, ત્યારે મારું શુરાતન પ્રબળ બને છે; પણ પછી રહસ્ય સમજાઈ જાય છે કે : ‘ગરજતા મેઘ કદી વરસતા નથી.’
મારું ચાલે તો હું આ સંસારમાં માત્ર બે જ ધર્મો રહેવા દઉં :
- રાષ્ટ્રધર્મ અને
- સંસારધર્મ.
જગતમાં 84 લાખ જીવયોની (એટલા પ્રકારના જીવો) હોવાનું કહેવાય છે. એમાં એકમાત્ર માણસ જ એવો જીવ છે જેણે પરીવારની અને સમાજની અદ્ ભુત વ્યવસ્થા બનાવી છે. બાળકને વહાલ અને જતન મળે, વૃદ્ધોને સેવા અને આદર મળે, યુવાનોને તક અને સ્વતંત્રતા મળે, સૌ પરસ્પરને સહયોગ આપે અને સ્નેહની આબોહવામાં મોજથી જીવન જીવે એવી કુટુમ્બવ્યવસ્થા–સમાજવ્યવસ્થા જેણે સૌ પ્રથમ સોચી હશે તેને લાખ–લાખ વંદન અને અભીનંદન…
ફૅમીલી–લાઈફમાં કુદરત સાથેનું અનુસન્ધાન છે. પ્રાકૃતીક જીવન જીવવાની સાથે–સાથે સામુહીક જીવનનું સન્માન પણ એમાં છે. સમાજવ્યવસ્થામાં શરીરની ઉપેક્ષા નથી. ફૅમીલી–લાઈફમાં શારીરીક જરુરતોનો પુરો ખ્યાલ રાખવામાં આવ્યો છે એટલું જ નહીં; એમાં ભાવાત્મક અને ભાવનાત્મક બાબતોને મહત્ત્વ આપીને માનવજીવનને ધન્ય બનાવવાનો રચનાત્મક કૉન્સેપ્ટ છે. માત્ર કુદરતી જીવન જીવવાનું હોત તો પરોપકારનાં આટલાં બધાં મહાન કાર્યો આપણી સામે ન હોત. સંસારધર્મ મારે મન એ કારણે જ શ્રેષ્ઠ ધર્મ છે કે એમાંકુદરતી જીવનશૈલીની સાથે કલાત્મકતા અને સામાજીકતાનો સમાવેશ થયેલો છે.
લેકીન–કીન્તુ–પરન્તુ : ગરબડીયા ગામના બાવાએ આખી બાજી બગાડી નાખી. તેને આનન્દથી જીવતાં ન આવડ્યું, એટલે તેણે બીજાઓને આનન્દ નહીં માણવાનો ઉપદેશ આપ્યો. તેને પ્રસન્નતાથી છેટું પડી ગયું, એટલે તેણે સૌને પ્રસન્નતાથી દુર ધકેલી દીધા. ગરબડીયા ગામના બાવાને આખો સંસાર સ્વાર્થમય દેખાયો, તેને દરેક કાર્યમાં નર્યું પાપ જ પાપ દેખાયું. ઉપયોગી થતાં ન આવડ્યું, એટલે પોતે યોગી બની ગયો અને જરાય પુરુષાર્થ કર્યા વગર બીજાના રળેલા રોટલા ખાતો થઈ ગયો. ધર્મના નામે ત્યાગ–વૈરાગ્યનાં આવાં વાહીયાત જુઠાણાં જેણે સૌ પ્રથમ ફેલાવ્યાં હશે તેને લાખ-લાખ ધીક્કાર !
પ્રામાણીક પુરુષાર્થ કરીને પેટ ભરવું એમાં વળી પાપ શાનું ? પરીવારને પ્રેમ કરવો એમાં વળી પુણ્યને ગોબો શેનો પડે ? હળીમળીને મોજથી જીવવાની ત્રેવડ ના હોય એવા લોકો વળી શાના મહાત્મા ? ગરબડીયા ગામનો બાવો ધર્મનો પુજારી નથી; સમ્પ્રદાયનો સન્ત્રી છે. કહેવાતા (તથાકથીત) ધર્મને કારણે સાચો માણસ પણ પોતાને પાપી સમજતો થયો અને પેલા પાખંડીને પુણ્યાત્મા માનવા લાગ્યો. માનવમુલ્યો બાજુમાં ધકેલી દઈને, આ ખવાય અને આ ન ખવાય–આમ કરાય અને આમ ન કરાય; એવાં ફાલતુ ત્રાગાં કરવામાં વ્યસ્ત થઈ ગયો. ‘દેહાલય’ને ભુલીને ‘દેવાલય’ તરફ તેણે આંધળી દોટ મુકી. રુડો–રુપાળો સંસાર છોડીને વૈરાગ્યના વગડામાં ભટકી જવું એને ધર્મ કેમ કહેવાય ? જીવતા–જાગતા માણસ કરતાં મુર્તી મહત્વની બની જાય એવો ધર્મ કોઈ પણ સમજુ માણસ માટે ઍક્સેપ્ટેબલ ગણાય ખરો?
આજે સંસારને એવા ગુરુની ગરજ છે જે ફૅમીલી–લાઈફ માટે તાજું–તાજગીસભર ચીન્તન કરતો હોય. ચાલો, એક ક્ષણ માટે માની લઈએ કે પેલો ગરબડીયા ગામનો બાવો કહે છે તેમ, આ સંસાર સ્વાર્થના સમ્બન્ધોની માયાજાળ છે; તો પણ આપણે એનો ત્યાગ શા માટે કરવાનો ? સંસારમાં રહીને સ્નેહનાં સમીકરણો ન રચી શકાય ? આપણે ની:સ્વાર્થ રહીને તથા પરોપકારી બનીને કહેવાતા સ્વાર્થી સંસારને સુન્દર બનાવવાનો પુરુષાર્થ કરવો એ શું પુણ્યકાર્ય નથી ?
પહેલી વાત તો એ છે કે આ સંસાર જરાય સ્વાર્થી નથી. જો સંસાર માત્ર સ્વાર્થથી ખદબદતો હોત તો આપણું જીવન ક્યારનુંય સમાપ્ત થઈ ગયું હોત. આપણે અત્યારે જીવી રહ્યા છીએ એમાં આપણાં માતા–પીતાનો, સ્વજનો–મીત્રોનો ભરપુર અને ભવ્ય–દીવ્ય સહયોગ કેન્દ્રમાં છે. એ સૌએ આપણી અનેક ભુલો વારંવાર માફ કરી છે, એ સૌએ આપણને પ્રેમ કર્યો જ છે. કેટકેટલા અજાણ્યા લોકોના ઉપકારોને કારણે આપણે આ જગતમાં વસી રહ્યા છીએ, એ ભુલી જવું એ તો ગદ્દારી જ ગણાય.
મારી દૃષ્ટીએ સંસારનું શ્રેષ્ઠ સુખ પારીવારીક સુખ છે. પરીવારમાં જેને સુખ શોધતાં નહીં આવડ્યું હોય, તેને આખા જગતમાંથી સુખ નહીં જડે. તે માત્ર ભ્રાન્તીઓ–ભ્રમણાઓમાં ભટક્યા કરશે. ખોટી જગ્યાએ સુખ શોધવા જવાનું વૈતરું ન કરવું પડે એ માટે, કુદરતે જ આપણને દેહ આપ્યો છે. હું તો ‘દેવાલય’ કરતાં ‘દેહાલય’ને અધીક પવીત્ર સમજું છું.
એક માણસ પાસે દસ કરોડની સમ્પત્તી હોય અને એ માણસ એ સમ્પત્તી ફેંકી દઈને પુરુષાર્થહીન–પરાવલમ્બી જીવન જીવે એમાં એની ધન્યતા ગણાય કે એ માણસ પોતાની સમ્પત્તી ખર્ચીને એક ઈન્ડસ્ટ્રી ખડી કરીને એમાં પાંચસો–હજાર માણસોને રોજીરોટી રળવાની તક આપે, તેમને સ્વાવલમ્બી બનાવે એમાં તેની ધન્યતા ગણાય ? એક માણસ પોતે પણ પરાવલમ્બી બને છે; જ્યારે બીજો માણસ અનેકને સ્વમાની–સ્વાવલમ્બી બનાવે છે : તમે આ બેમાંથી કોને મહાત્મા કે પુણ્યાત્મા માનશો ? કટાઈ ગયેલા જુના ધાર્મીક ખ્યાલો પકડી રાખવામાં જીવનની સાર્થકતા છે કે પછી પરીવર્તન પામતા જગત સાથે તટસ્થ, તાજા અને તંદુરસ્ત ખ્યાલો સ્વીકારવામાં જીવનની સાર્થકતા છે ?
તમારી કેવી ગતી થશે ?
મનને મારી–મારીને જીવવાનું શીખવાડતા ગરબડીયા ગામના બાવાથી હવે દુર રહેવું પડશે. મન્ત્ર–ધર્મની ઉપાસના છોડીને હવે મૈત્રી–ધર્મની ઉપાસના આરંભવી પડશે. સીધું જીવન જીવતાં આવડતું હશે, તેને સાધુજીવન જીવવાની જરુર નહીં રહે. એક ભાઈ મને પુછતા હતા, ‘તમે તો ધાર્મીક વીધી–વીધાનમાં માનતા જ નથી, વ્રત–તપ કાંઈ કરતા જ નથી; પણ સપોઝ, એ બધું સાચું હશે તો મર્યા પછી તમારી કેવી દુર્ગતી થશે ?’
મેં તેમને કહ્યું, ‘મારી દુર્ગતીની ચીન્તા ન કરો, વડીલ ! મેં તો અહીં પુરેપુરાં સુખો ભોગવી જ લીધાં છે. અને હજી જીવીશ ત્યાં સુધી પ્રામાણીકપણે તમામ સુખો દીલથી ભોગવીશ. પણ સપોઝ, તમે જે વીધી–વીધાન અને વ્રત–તપમાં માનો છો એ બધું મીથ્યા હશે, તો તમે તો અહીં પણ કાંઈ ભોગવ્યું નથી અને મર્યા પછીયે કશું નહીં પામો ! તમારી કેવી ગતી થશે ?’
–રોહીત શાહ
No comments:
Post a Comment