શમા માસી
શમા માસી
એમનું અસલ નામ શમા હતું કે કોઈ કોઈ ઓર; પણ ગામ આખું એમને શમા માસી કહીને બોલાવતું. એમના પતિ કાયનાત છોડીને અલ્લાહને પ્યારા થઇ ગયેલા. તેમના બેનના ગામમાં શમા રહેવા આવેલી. શમાની બેનનાં છોકરા તેને માસી કહેતા, આથી બધા લોકો એને માસી કહીને જ બોલાવતા. આમ એનું નામ શમા માસી પડી ગયું. તેનો શોહર રહીમ અહી આવીને વસ્યો અને દુકાનનો ધંધો સારો એવો વિકસાવ્યો. તેમને એ પણ ખબર હતી કે ગામ એકદમ છેવાડાનું અને અસુરક્ષિત હતું. ગામનાં લોકોમાં સંપ હતો; સાથ અને સહકારની ભાવના હતી. જો કે એવી ગુણવત્તા રાખવા પાછળનો હેતુ એ પણ હતો કે, ગામમાં કયારેક ઘુસણખોરો હુમલાઓ કરતા રહેતા.
દીકરો પણ કમાવા માટે આરબ દેશમાં રહેતો. ખાધે પીધે સુખી. એમના પતિ રહીમ ચાચા પણ ઘણું બધું છોડીને ગયેલા. આથી શમા માસીને કોઈ કામ કરવાની જરૂર નહોતી. ખુદાતાલાની મહેરબાનીથી પાછલી ઉંમર એશો આરામમાં ગુજારતાં હતા. ચાલીસી વટાવી ગયા છે. પણ એમના ચહેરા પર કે માથા પર કોઈ અંશ એવા નથી કે ચાલીસી વટાવી ગયા હોય તેવું લાગે. મહેલ્લા વાળા બધાં એમને મજાકમાં કહેતા કે
“ માસી, તમે ઘઉં દળાવવા માટે પરદેશ મોકલો છો ? ”
“ ના રે ના ભાઈ, આપણા જુમાને ત્યાંજ તો વળી; જ્યાં તમે બધા જાવ છો. ” ને તેઓ પણ હસવા લાગતા.
તેઓ એટલાં કાચા પણ નહોતા કે સામે વાળો શું કહેવા માંગે છે. જો કે લોકો ખોટા નહોતાં. તેમની સુંદરતા અજોડ હતી.
એમના માટે એવું કહેવાતું કે, વા (પવન) સાથે પણ વાતો કરે એ શમા માસી. કાયમ હસતો ચહેરો અને કોઈની પણ સાથે વાતો કરતા હોય. તેમનો દીકરો સારું કમાતો હોઈ પૈસા મોકલતો. ખુદાતાલા એમના ઉપર ખુબ રહેમ રાહે, એવું માનીને રહેતા. ઘરે હોય તો કુરાન અને બીજા પુસ્તક વાંચતા. છોકરા ખુબ ગમે; વિશેષ તો છોકરીઓ ઉપર વધુ મમત.
શમા માસી, બે ત્રણ દિવસ થી દેખાતા નહોતા.
“ અલી, આ શમા ક્યાંક બહાર ગામ ગઈ લાગે છે ? ” એક વૃદ્ધ માજીએ બીજી બાઈને પૂછ્યું.
“ હા કાકીમાં, મનેય એવુંજ લાગે છે. ”
“ પણ તેમના ઘરે તાળું તો લટકતું નથી ”
” કાકીમાં, એ જમાના ગયા. અને એમનો તો દીકરો પરદેશ રહે છે. પેલું ખટ..ખટ..તાળું મારીને કશે ગયા હશે. ” તેઓ બોલ્યા કે બીજી બે સ્ત્રીઓ આવી ગઈ. અને જોત જોતામાં ઘણા મહેલ્લા વાળા ભેગા થઇ ગયા; શમા માસીને લઈને જ વાતો ચાલતી હતી.
“ ભલે તમે બધા ગમે તે કહેતા હોય પણ મારું મન હજી માનતું નથી કે તેઓ બહાર ગામ ગયા હોય ” એક જૈફ ઉંમરના વ્યક્તિએ કહ્યું.
“ હા, અરે ઘરની બહાર જતા હોય તો પણ હાઉકલી કરતા જાય. ” બીજાએ સાથ પુરાવ્યો.
“ ચાલો માર્કેટમાં જાઉં છું, આવવું હોય તો તૈયાર થઇ જાવ. ” બીજી એક બાઈએ કહ્યું.
મહેલ્લાનું ટોળું તો પોત પોતાના ભાગે આવતું બોલીને વિખેરાઈ ગયું. ટોળામાંથી છૂટી પડીને જેબુન પોતાને ઘરે આવી. છોકરાઓ હજી સ્કુલેથી આવ્યા નહોતા. તેને શમા માસી જોડે ખુબ ફાવતું. નવરી હોય તો એના ઘરે ચાલી જાય. અથવા તો એમને પોતાના ઘરે બોલાવી લેતી. એની પડોસણ નીતુ બેન ઘણી વાર વાતોમાં જોડાતા. જેબુનના મનમાં ચિંતા ઘૂમરાવા લાગી, આથી તેણે નક્કી કર્યું કે નીતુબેન ને લઈને તેમના ઘરે જાય. તેઓ નીતુબેનના ઘરે પહોંચી ગયા.
“ નીતુબેન શું કરો છો ? ” તેમના ઘરમાં જતા જ જેબુને પૂછ્યું.
“ આવો આવો, શું હમણા આખો મહેલ્લો કઈ ભેગો થઇ ગયેલો ? ”
“ એટલે જ તમારી પાસે આવી છું. ”
“ કંઈ ચિંતા જેવું તો નથી ને ? ”
“ ખાસ તો કઈ નથી પણ શમા માસી દેખાતા નથી એને લઈને સૌ ચિંતામાં હતા. ”
“ એ ક્યાં નાના કીકુ હતા કે ચિંતા કરવાની હોય. આવી જશે જ્યાં ગયા હશે ત્યાં ”
“ હું એમ કહેતી કે ચાલો ને એમનાં ઘરે જોઈ આવીએ. ”
“ તમારે કોઈ કામ ધંધો ના હોય તો જાવ બાકી હું તો નવરી નથી…..”
“ શું કહ્યું મમ્મી ? ” રૂમમાંથી બહાર આવતા તેમની પુત્રી રુચા એ પોતાની માં ને પૂછ્યું.
“ જો ને આંટી આવ્યા છે તો શમા માસીને ત્યાં જવાની વાત કરે છે. ”
“ અને તું એમની તપાસ કરવા માટે નવરી નથી….એમ ને ? આજ તો તને મોમ કહેતા પણ મને શરમ આવે છે. ” કહીને રડતી રડતી રુચા રૂમમાં જતી રહી. તેની પાછળ પાછળ જેબુન અને નીતુ પણ ગઈ. બંને એ થઈને ને માંડ માંડ શાંત પાડી. રુચાએ જે વાત કહી તે સંભાળીને ઘરની દીવાલો પણ શમા માસીને વંદન કરવા લાગી.
થોડા દિવસ પહેલા સુર્યાસ્ત બાદ મહેલ્લામાં પાંચ છ ઘુસણખોરો આવી ગયેલા. નીતુ બેન નો પતિ તો આખો દિવસ દુકાન પર હોય. ઘરમાં નીતુબેન અને તેના બે છોકરાઓ ચારુ અને ચિંતન જ હોય. તે દિવસે ચિંતન અને નીતુબેન કોઈ કામે બહાર ગયેલા. ઘરમાં ચારુ એકલી હતી, એનો લાભ લઈને ઘુસણ ખોરો ઘરમાં ઘુસી ગયા. એકે ચપળતાથી ચારુના મોઢે ડૂચો મારી દીધો. બીજા લોકો તેના ઘરમાં બધે દાગીના કે રૂપિયા માટે શોધખોળ કરવા લાગ્યા. આ તો નીતુબેનનું ઘર હતું; પાક્કા ને ચકોર. કોઈને કશું ના મળ્યું એટલે ઘુસણખોરો ગિન્નાયા. ચારુ તો માંડ હજી વયસ્કતાને ઉંબરે પગ મુકીને આગળ વધતી હતી. જે વડો ઘુસણખોર હતો તે બબડ્યો.
“ સાલો ઘરમાં વાસણો સિવાય કશું નથી રાખતો, ઠીક છે આ કુડીને જ લઈલો. ” આ સાંભળીને તો ચારુના મોતિયા મરી ગયા. છૂટવા માટે ધમ પછાડા કરવા લાગી.
“ આને લઇ જઈને શું કરીશું ? ઉલટાની પોલીસ બબાલો વધી જશે. ” કોઈ એક બોલ્યો.
“ તમે લોકો એને છોડી દો પણ હું જરા હાથ……હમ ..? ” ને તેણે ચારુ સામે જોઇને એવા ગંદા ઈશારા કર્યા કે ચારુ તો હેબતાઈ ગઈ. નથી તો એ બુમો પાડી શકતી કે નથી તો ભાગી શકતી. તેની આંખો ઉભરવા લાગી. એજ ટાઈમે શમા માસીએ બારીમાંથી નજર કરી ને બુમ પાડી.
“ અલી નીતુ બેન, ચારુ માટે સેવપાક……” અધ ખુલ્લી બારીમાંથી તેમની નજરે જે દેખાયું તે કમકમાટી ભર્યું હતું.
શમા માસી તો પાછળના દરવાજેથી અંદર ઘુસી ગયા; અને ચારુને છોડાવી. પણ ચારુને છોડાવવા માટે થી પોતાનું શરીર એ હવસખોરને શરણે કરવું પડ્યું.
આ બાબતને લઈને શમા માસી ઘર બહાર નીકળતા નહોતા. ચારુને કસમ આપેલી કે વાત કોઈને ના કરે. પણ પોતાની મોમે વાત કરવા મજબુર બનાવી દીધી.
આજે પણ દર વર્ષે મહેલ્લામાં આવીને ચારુ, શમા માસીના ફોટા પર હાર પહેરાવીને ઋણ અદા કરે છે.
No comments:
Post a Comment