વૃદ્ધાવસ્થાનું ડહાપણ
સોક્રેટિસ ગ્રીસનો મોટો તત્ત્વજ્ઞાની પુરુષ થઈ ગયો.
એ ભારે વાતોડિયો. આખો દિવસ શહેરમાં રખડવું, લોકો સાથે જાત જાતની વાતો
કરવી, અને
વાતો કરતાં કરતાં પ્રશ્ર્નોત્તરીથી લોકોને સાચા જ્ઞાનનું ભાન કરાવવું એ એનું કામ.
એક દિવસ એ શહેરમાં ફરતો ફરતો એક વૃદ્ધ પાસે જઈ ચઢ્યો. આદત
પ્રમાણે એણે વાતો શરૂ કરી. વૃદ્ધને બાળપણથી વૃદ્ધાવસ્થા પર્યંતની ઘણી વાતો પૂછી
નાખી.
સોક્રેટિસે સંતોષ વ્યક્ત કરતાં કહ્યું : ‘તમારું આજ સુધીનું જીવન તો
બહુ સારી રીતે ગયું કહેવાય, પણ હવે ઘડપણમાં કેવી રીતે જીવો છો એ જરા કહેશો ?’
ડોસાએ કહ્યું : ‘આખી જિંદગી સુધી જે કંઈ માલ-મિલકત, કીર્તિ વગેરે પેદા કર્યું તે
છોકરાને આપી દીધું છે. હવે છોકરો બેસાડે ત્યાં બેસું છું, ખવડાવે તે ખાઉં છું, ને છોકરાનાં છોકરાંને રમાડું
છું. એના કામમાં જરાયે આડો આવતો નથી. છોકરો કંઈક ભૂલ કરી બેસે તોય કંઈ બોલતો નથી.
પણ સલાહ લેવા આવે તો આખી જિંદગીના અનુભવનો નિચોડ ઠાલવું છું; પણ પછી, મારી સલાહ પ્રમાણે એ ચાલે છે
કે નહીં એ જોતો નથી. મારા કહ્યા પ્રમાણે જ એ ચાલે એવો આગ્રહ પણ રાખતો નથી. ફરી ભૂલ
કરે તો ટોકતો પણ નથી. અને ફરીથી સલાહ માટે આવે તો એની એ વાતો ફરીથી કહું છુંય ખરો.’
વૃદ્ધની વાતો સાંભળી સોક્રેટિસને બહુ આનંદ થયો.
એણે કહ્યું : ‘ઘડપણમાં કેમ જીવવું એ તમને આવડે છે ખરું !’
No comments:
Post a Comment