કાચબો ફરવા ચાલ્યો
કાચબો ફરવા ચાલ્યો
આળસ ખંખેરીને જંગલની ઝૂંપડીમાંથી બહાર આવ્યો. શરીર આખું અરજ કરવા લાગ્યું કે પ્લીઝ આજ નહિ, હવે તો બહુ થયું. મેં પણ શરીરને આશ્વાશન આપ્યું કે આજે તો બસ આમ તેમ ટહેલીને જંગલની ખુબસુરતી માણીશ. હર્યું ભર્યું જંગલ તો દરેક પળે મારું સ્વાગત કરે છે. થોડોક આમ તેમ ફર્યો કે એક કાચબો મારાથી આગળ આગળ જતો હતો. થોડી વાર એને નીરખ્યા કર્યું. મારાથી એક પત્થરને ઠોકર વાગી ગઈ.
આથી એના સ્વભાવ મુજબ કાચબાએ તો પોતાનું મોઢું અંદર લઈને જડ બની ગયો. હું પણ મારા સ્વભાવ મુજબ ત્યાજ ઉભો રહ્યો. થોડી વાર થઇ કે વળી તેને ડોકી બહાર લાવીને ચાલવાનું શરુ કર્યું. સહેજ જડપ વધારીને આગળ થયો કે વળી તે જડ બની ગયો.
“ કાચબાભાઇ, હું તને કોઈ ઈજા નહિ પહોંચાડું. ”
“ અમને અમારા વડીલો કહીને ગયા છે કે કોઈ પણ ખડખડાટ થાય એટલે જડ બની જવું. ”
“ સાચું કહી ગયા હશે; પણ મારા પર વિશ્વાસ મુક તો મને ગમશે ”
“ તને ગમે એમાં મને શું લાભ ? ”
“ તારે મારી પાસેથી જે લાભ લેવો હોય તે કહે, બનશે તો તારી મનોકામના પૂરી કરીશ ”
“ સાચે…..? ”
“ ટ્રાય કરી જો ”
તેને મને કહ્યું કે મારી સાથે સીટીમાં ફરવા આવવું છે. મારે તો એમાં ખાસ કઈ કરવાનું નહોતું. મારૂ જંગલ રોકાણ ટૂંકાવીને હું અને કાચબો ઉપડ્યા મારા ગામ ભણી. હું જેવો કાચબા સાથે મહેલ્લામાં ગયો કે સામેજ ટીનો મળ્યો
“ આ સસલાને લઈને ક્યાં નીકળ્યો ? ”
“ સસલું નથી ટીના, કાચબો છે. ”
“ હું સસલાને કહું છું. ”
મને સસલા સાથે સરખાવીને ટીનો જોક મારીને નીકળી ગયો. એના ગયા બાદ મનમાં ભય પેઠો કે દિલો ના મળે તો સારું ! સારું થયું કે જીગો મળ્યો
“ કાકરીયામાં કાચબાનું સેલ લાગ્યું છે ? ”
“ ના કેમ ? ”
માંડ માંડ જીગાને મનાવીને વિદાય કરીને ઘરે આવ્યો. મનમાં સવાલ ઘુમરાયો કે સાલું જીગાને કેમ ખબર પડી ? ને વળતી પળે માની લીધું કે લોકો એને જેમ્સ બોન્ડ જીગો કહે છે તે વ્યાજબી છે. ગમે ત્યાંથી પણ એને બાતમી કે ગુપ્ત વાતો મળી જાય ખરી !
બીજા દિવસે કાચબાને લઈને સિટીમાં ગયો. સીટી અમારું એવડું મોટું કે; આખા સિટીમાં ફરતા બે એક કલાક લાગે(ચાલતા).અમારા ગામના રીવાજ અને સંસ્કૃતિ મુજબ પહેલા એને મંદિર લઇ ગયો. હું તો ભગવાન સામે બે હાથ જોડીને આંખો બંધ કરું છું ત્યાં કાચબાની ચિંતા થઇ. જેવુ તેવું નમીને કાચબાને આગળ થવા કહ્યું.
“ પણ હું કેમ આગળ વધુ ? લોકો મારી પીઠ પર હાથ મુકીને જાય છે થોડું ય ખસવા નથી દેતા. ”
મહામુસીબતે એને લઈને ઘરે આવ્યો. મંદિરમાં એટલું સારું થયું કે લોકોએ અફવા ના ફેલાવી કે શિવના મંદિરમાં કાચબો જીવતો થયો. જોકે મંદિરમાં જાય એટલે મારા જેવા ભક્તો વધુ પડતા શ્રદ્ધાળુ બની જાય છે. એમને એ પણ નહિ ખબર પડી હોય કે તેઓ સાચા કાચબાને અડીને નમન કરતા હતા.
મહેલ્લામાં જતા જ ટીનાએ સસલું કહીને મશકરી કરી લીધેલી; એ ધોરણે કાચબાને બહુ પબ્લિક પ્લેસ પર ના લઇ ગયો. ખાસ કરી ને જ્યાં લોકો મને ઓળખતા હોય. ખાનગી માં કહું તો મારો આખો મહેલ્લો પણ મને નથી ઓળખતો. જોકે એવું કહેવું પડે, કેમ ? માનવ સહજ સ્વભાવ યાર, સમજી જાવ ને !! જોકે અમારું ગામ બે ત્રણ મંદિર, રાજમહેલ અને એમાંનું મ્યુજીયમ સિવાય ખાસ કંઈ જોવા જેવું નહિ. આથી જ ગુજરાત ટુરીઝમ વાળા ગામમાં ફાવ્યા નથી. જો કે કાચબાને પૂછ્યું કે કેવું લાગ્યું ?
“ શું, કેવું લાગ્યું ? ” એને પણ મારી મજાક કરી લીધી. એટલે મેં સિટીની સફર વિષે પૂછ્યું.
હજી તો સાંજ પડી એ નથી કે અમારી તોફાની ટોળી મારા ઘરે આવી ગઈ. કાચબાને લઈને બધા અમારા અડ્ડા પર, મતલબ તળાવની પાળે. બધા લોકોની જીદ અને મમતને ધ્યાનમાં લઈને એવું નક્કી કર્યું કે બધાને ત્યાં એક એક દિવસ કાચબો રહે. આથી કાચબાએ પણ એક શરત મૂકી.
“ મને ફાવે તેવો વયવહાર કરવો અને માન આપવું, જો એમાં શરત ચૂક થાય તો પાછો રીત્યાના ઘરે મૂકી જવો. ”
“ અલ્યા તું યે રીત્યો કહીશ ? ” મેં રોષ કર્યો કે ટીનાએ ઘા બોલિંગ કરી.
“ હવે એક જણ વધારે કહે એમાં શું ખાટું મોળું થઇ જવાનું છે ? ”
અંતે હું માન્યો ય ખરો, આપણ ને એવું અભિમાન નહિ. પહેલા દિવસે હકો લઇ ગયો. હકાનો ટર્ન પહેલો કેમ ? એવો સવાલ કોઈએ ઉઠાવવો નહિ.
હકો તો એને લઈને ઉપડ્યો વીડમાં ( નાનું જંગલ જેમાં હિંસક પ્રાણી ના હોય ). અને કાચબો અકળાયો. હકો તો હાંફળો ફાંફળો થઇ ગયો. ઘરે આવીને એની મમ્મીને કહે “ આજે તો સેવખીર અને ભજીયા બનાવ; આપણે ઘેર કાચબાજી પધાર્યા છે. ”
બધા જમવા બેઠા અને જેવું ભોજન પીરસાયું કે કાચબો રૂમમાં ચકરીયું મારવા લાગ્યો.
“ મને આવું ભોજન નહિ ફાવે. હકા, કયાંકથી અળસિયા સલાડનો મેળ પાડ ને ”
તારું ભલું થાય ભગલા, તોબા પોકારતો હકો કાચબાને મારે ઘરે લઈ આવ્યો. મેં વજાને બોલાવીને કાચબો લઇ જવા સોંપ્યો. એ તો જેવો ગયો એવો પાછો આવ્યો.
“ ભાઈ મારે આજે મંગળવાર છે ” કહીને તે તો નાઠો.
“ વજા, આજે મંગળવાર નથી.” એ તો સંભાળવા પણ ઉભો ના રહ્યો.
આમ વારાફરતી બધા કાચબાને પાછો મૂકી ગયા. અને વળી સંમેલન ઉપડ્યું પાછું અડ્ડા પર.
“ તું આને લઇ જ કેમ આવ્યો ? ” દિલો અકળાયો; હકાએ એને શાંત પાડ્યો. ત્યાં નરીયો ચિલ્લાયો
“ અરે આને તો કોઈ નોનવેજ ડીશ જોઈએ, અને મારો ડોહો તો પ્યોર વેજ. ”
“ મારા ઘરે પણ એવીજ હાલત હતી. ”
“ તો મારા ઘરે પણ એવીજ હાલત હતી. ”
વારાફરતી બધાં એ પોત પોતાની વ્યથાને વાગોળી.
હું વચ્ચે વચ્ચે સૌને સમજાવવા બોલું પણ કોઈ મને સાંભળે તો ખરું ને ! બધા બસ પોત પોતાની આપવીતી કહેવામાં જ પડ્યા છે. એમાં મારા પ.પુ.ક.ધુ. મિત્ર હકેશ્વરે બુમ પાડી
“ અરે ચુપ થઇ જાઓ…..બધા જેનાં માટેથી આપણે શોરબકોર કરીએ છે તે કાચબો ક્યાં ? ”
અરે આ શું ? બધા તો બહાવરા બહાવરા થઇ ગયા. સૌથી વધુ તો મને દુખ થયું. બધા દોડાદોડી કરીને જોવા લાગ્યા. કોઈ બાવળ માં જુએ છે તો લીમડાની ડાળ પર જુએ છે. તો કોઈ પત્થર ની બાજુમાં જુએ છે. તો કોઈ દીવાલ પાછળ જુએ છે. અમને બધાને તપાસ કરતા જોઇને એક ભાઈએ પૂછ્યું. એટલે એના દ્વારા જાણવા મળ્યું કે એક કાચબો વીડ બાજુ જતો હતો.
“ જુઓ હું કહેતો ને કે હું એને વિડમાં લઇ ગયો હતો તો બિચારો ભૂખ્યો થયો હશે આથી ઉપડી ગયો ફરવા. ”
“ અરે મેં કશુક તળાવમાં પડતું જોયેલું. ” અમારામાંથી કોઈ એકે કહ્યું
ઘણી બધી તપાસ પછી મને કાચબો હાથ ના લાગ્યો. હું તો ઘણો ઓશિયાળો થઇ ગયો. બધા મને ઘણું સમજાવે. અંતે હું પણ ‘ એ ક્યાં મારો કાચબો હતો ’ એવું માનીને માની ગયો.
એ બનાવ પછી એકવાર હું તળાવની પાળે લટાર મારવા નીકળેલો તો કાચબો મારી રાહ જુએ.
“ અરે યાર તારી શોધમાં હું કેટલો દુઃખી થયો ને તું અહી……? ”
“ મારું તો કામ બની ગયું. મારો જન્મ આ તળાવમાં થયેલો. કોઈ રાક્ષશ મને જંગલમાં ઉપાડી ગયેલો. તમે લોકો વાતો માં ગુલ હતા ને મારી મમ્મી મને જોઈ ગઈ. હવે હું મારા માંબાપ સાથે અહીં જ રહીશ. તને હું મળતો રહીશ…થેંક યુ દોસ્ત. ” અને તે પાછો પાણીમાં ગરકાવ થઇ ગયો.
“ ધતતારી……”
No comments:
Post a Comment