આપણને ધર્મ–અધર્મ, પાપ–પુણ્યનો ભેદ કરવાની સત્તા કેમ નહીં?
–રોહીત શાહ
પાપ અને પુણ્ય વીશે વીચાર કરવાની ફ્રીડમ મને ખરી કે નહીં? ધર્મ અને અધર્મ વીશે મારી પહેલાંના પુર્વજ્ઞાનીઓ જે કહી ગયા હોય એને જ મારે શ્રદ્ધાપુર્વક પકડી લેવાનું કે મારી સમજ પ્રમાણે ધર્મ–અધર્મનો ભેદ કરવાની સત્તા મને ખરી? જેણે શાસ્ત્રો રચ્યાં, જેણે નીયમો બનાવ્યા એના જ્ઞાન વીશે કોઈ શંકા ન કરવી હોય તો ભલે; કીન્તુ નયા યુગમાં કોઈ નવા જ્ઞાનીજનો પેદા થઈ જ ન શકે એવું જડતાપુર્વક માની લેવાની શી જરુર? પ્રજ્ઞા અને પ્રતીભા પર કોઈના કૉપીરાઈટ ન હોઈ શકે.
મને નાનપણથી શીખવાડવામાં આવ્યું છે કે ચોરી કરવી એ પાપ છે. ચોરી કરવી એટલે કોઈકની ચીજ તેને પુછ્યા વગર – તેને ખબર પણ ન પડે એ રીતે લઈ લેવી એટલો અર્થ બાળપણમાં મનની અન્દર ચોંટાડી દીધો હતો. મોટા થયા પછી ચોરીના અનેક અર્થ મળ્યા અને પારાવાર તર્કો સુઝ્યા. મહાત્મા ગાંધીએ કહ્યું છે કે જે વસ્તુની આપણને જરુર ન હોય તે વસ્તુ એના માલીક પાસેથી માગીને લેવામાંય ચોરી છે. ગાંધીજીએ તો ‘ચોરી’ શબ્દનો અર્થ જ બદલી નાખ્યો. અત્યાર સુધી મનમાં એક જ વાત હતી કે કોઈ પણ ચીજ એના માલીકથી છુપાવીને – તેનું ધ્યાન ન પડે એ રીતે લઈ લેવી એને જ ચોરી કહેવાય. હવે નવો અર્થ મળ્યો કે કોઈ પણ ચીજ ભલે તમે એના માલીક પાસેથી માગીને, એની મરજીથી લીધી હોય – પરન્તુ જો એ ચીજની તમારે કશી ઉપયોગીતા કે જરુરત ન હોય તો એ ચોરી જ છે. માલીકને ખબર પડ્યા વગર કે ખબર પાડીને વસ્તુ લેવામાંય પાપ હોય, ચોરી હોય એવો સુક્ષ્મ અર્થ મળ્યો. જરુર વગરની વસ્તુ – બીનજરુરી ચીજ માગીને લેવામાંય ચોરી. એટલે કે પરીગ્રહ એ પણ ચોરી. જરુર વગરની સામગ્રી ભેગી કરવી પણ ચોરી જ છે – ભલે એ ચીજો આપણે રોકડા પૈસા ચુકવીને લાવ્યા હોઈએ!
ચોરી અને પરીગ્રહના મીશ્રણ પછી એક નવો તર્ક સુઝ્યો. મન્દીરમાં પ્રવેશવા માટેની લાંબી લાઈનમાં પ્રથમ નમ્બરે ઉભેલો માણસ ચોરી કરે અને કેરોસીનની લાઈનમાં છેલ્લે ઉભેલો માણસ ચોરી કરી એ બન્ને ચોરી શું એક જ ગણાય?
પાંજરાપોળ જેવી જીવદયાની સંસ્થા ચલાવનાર વ્યક્તી કે કોઈ એજ્યુકેશન ટ્રસ્ટનો પ્રમુખ ચોરી કરે તે અને ફુટપાથ પર ટુંટીયું વાળીને સુતેલી વ્યક્તી ચોરી કરે એ બન્ને ચોરી એકસમાન જ ગણાય ખરી?
બાળપણમાં સાંભળ્યું હતું કે ચોરી કરનારને પરમાત્મા પનીશમેન્ટ કરે છે. પછીથી જાણ્યું કે ચોરી કરનારને પોલીસ પણ પનીશમેન્ટ કરે છે.
પુખ્ત થયા પછી પ્રૅક્ટીકલી, સગી આંખે જોયું કે ચોરી કરનારા લીલાલહેર કરી રહ્યા છે અને બેઈમાન માણસોની જ બોલબાલા છે. ‘ઈમાનદારી’–‘સચ્ચાઈ’, ‘નીતી’ અને ‘નીષ્ઠા’ આ શબ્દો તો મન્દીરની મુર્તી જેવા જ છે – જે માત્ર પુજા કરવાના કામમાં જ આવે છે – બીજા કશામાં નહીં! જેણે ડગલે ને પગલે ચોરી કરી હોય એ માણસ મોજથી જીવતો હોય, કૌભાંડો આચરીને કરોડોની ચોરી કરી હોય એવા લોકોને તો પોલીસ પણ નથી પકડતી અને પરમાત્મા પણ કશીયે પનીશમેન્ટ નથી કરતો; એ જોઈને બાળપણમાં સાંભળેલી વાતો મીથ્યા લાગે છે.
ધર્મ અને શ્રદ્ધાના પાયા હચમચી ઉઠે છે. કોઈ રંગીનમીજાજી માણસ વેશ્યા પાસે જઈને એન્જૉય કરી આવે અને નારાયણ સાંઈ પોતાની સાધીકા સાથે સહવાસ માણે એ બે ઘટનાઓ વચ્ચે કોઈ અન્તર ખરું? સપોઝ, એક આદમી એક યુવાન વ્યક્તીની હત્યા કરે છે અને બીજો આદમી એક યુવાનનું લાઈફટાઈમ શોષણ કરતો રહે છે – તો એ બેમાં મોટું પાપ કયું? એક પુત્રવધુ ઘરડા પેશન્ટને કઠોર થઈને ઘરડાઘરમાં મુકી આવે છે અને બીજી પુત્રવધુ તેનાં સાસુ–સસરા પાસે વેઠ કરાવીને, તેમને સતત મેણાં–ટોણા સંભળાવીને પોતાની પાસે રાખે છે – તો એ બેમાંથી કઈ પુત્રવધુને સારી કહેવી?
પાપ અને ચોરીની વ્યાખ્યાઓ આપણા પુર્વજો–પુર્વજ્ઞાનીઓ આપી ગયા અને તેમણે જે ડૉટેડ બાઉન્ડ્રી લાઈન (લક્ષ્મણરેખાઓ) દોરી નાખી એની સામેની તરફ આપણે પગ પણ ન મુકી શકીએ એ ઉચીત ગણાય ખરું? જો એમ જ હોય તો મારા પોતાના અસ્તીત્વનો તો કશો અર્થ જ ન રહેને! મારે ઉછીના અનુભવો અને ઉધારના જ્ઞાનનાં જ પોટલાં ઉંચકીને જીવવાનું હોય તો એ ગુલામી નથી શું? મને સ્વતન્ત્ર રીતે જીવવા માટે સ્વતન્ત્ર લાઈફ મળી છે અને આવી લાઈફ કદાચ ફરીથી ન પણ મળે – એવી લાઈફને મારે બીજાઓના ગાઈડન્સ મુજબ વેડફી મારવાની? પુર્વજ્ઞાનીઓને જેમાં પાપ લાગ્યું એને જ મારે પાપ માનવાનું અને તેમને જેમાં પુણ્ય લાગ્યું એને જ મારે પુણ્ય માની લેવાનું? પાપ–પુણ્યની વ્યાખ્યા કરવાનો મને કશો રાઈટ જ નહીં? શું આ ધર્મ છે? જે ધર્મ કોઈ વ્યક્તીને પોતાની લાઈફ વીશે નીર્ણયો કરવાની છુટ પણ ન આપે એ ધર્મ પરલોકમાં આપણો છુટકારો શી રીતે કરાવી શકશે?
જ્ઞાન એટલે શું માત્ર ભુતકાળ?
આપણે પાછળ જોઈ–જોઈને આગળ ચાલ્યા કરવાનું? શું આપણને સૌને માત્ર અનુકરણ કરવા અને અનુયાયી બનવા માટે જ માણસ તરીકેનો જન્મ મળેલો છે? બે માણસ અલગ હોય તો એ બન્નેના જ્ઞાન અને તર્ક પણ અલગ હોઈ જ શકે અને તેમના ધર્મ પણ અલગ હોઈ જ શકેને!
–રોહીત શાહ
No comments:
Post a Comment