ગુરુઓ અને સમ્પ્રદાયોના ‘અચ્છે દીન’નો અધર્મ
ગુરુઓ અને સમ્પ્રદાયોના ‘અચ્છે દીન’નો અધર્મ
–રાજ ગોસ્વામી
મથુરામાં ગયા સપ્તાહે 23 લોકોનો જેમાં જીવ ગયો તે અથડામણમાં ધર્મ, રાજકારણ, રીયલ એસ્ટેટ અને ક્રાઈમના છેડા નીકળે એમાં કોઈ આશ્ચર્ય નથી. ભારતમાં પ્રકાર–પ્રકારના સમ્પ્રદાયો નીયમીત રીતે સમાચારો પુરા પાડતા રહે છે. ‘જય ગુરુદેવ’ નામના બાબા (મૃત્યુ : 18મે, 2012)ના અનુયાયી ગણાતા રામવૃક્ષ યાદવે ભારતમાં ક્રાન્તી લાવવા ‘સ્વાધીન સુભાષ ભારત સેના’ નામનો સમાન્તર સમ્પ્રદાય શરુ કર્યો હતો. જેના ભક્તો કરોડો રુપીયાની સરકારી જમીન પર એમનું અતીક્રમણ બચાવવા જતાં પોલીસ અને પ્રશાસન સામે લોહીયાળ જંગ કરી બેઠાં.
એમ તો બાબા જય ગુરુદેવનો આશ્રમ પણ વીવાદો માટે નવો નથી. ઉત્તર પ્રદેશ સ્ટેટ ઈન્ડસ્ટ્રીયલ કૉર્પોરેશને આશ્રમ સામે 16 અને મથુરાની આસપાસના ખેડુતોએ 23 કેસ દર્જ કરાવ્યા હતા. આર્કીઓલોજીકલ સર્વે ઑફ ઈન્ડીયાએ 14 જેટલા પૌરાણીક ટીલા(ટેકરા) ખોદી નાખવા બદલ કેસ કર્યા હતા. 1975માં કટોકટી દરમીયાન બાબા પોલીસની ઝપટમાં ચઢી ગયા હતા અને બે વર્ષ સુધી જેલમાં બન્ધ રહ્યા હતા. એમની મુક્તી પછી ઈન્દીરા ગાંધી મથુરાના આ આશ્રમમાં ‘સોરી’ કહેવા ગયેલાં. બાબાએ ઈન્દીરાને ચુનાવ જીતવાના આશીર્વાદ આપેલા. બાબાના ભક્તો એમની જેલમુક્તીના દીવસને ‘મુક્તી દીવસ’ તરીકે ઉજવે છે અને એ દીવસે સાંજના 3.00 વાગ્યા સુધી ઉપવાસ કરવાનો હોય છે; કારણ કે બાબાને 23 માર્ચ, 1977ના દીવસે સાંજે 3.00 વાગ્યે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. ગુરુદેવે ‘દુરદર્શી પાર્ટી’ નામનો એક રાજકીય પક્ષ 1980માં અમદાવાદથી રચ્યો હતો, અને ત્રણ (નીષ્ફળ) ચુનાવ પછી એનો વીંટો વાળી દીધો હતો. ‘અચ્છે દીન’ કંઈ આજકાલના નથી. ઉત્તર પ્રદેશ વીધાનસભા ચુનાવમાં બાબા–પાર્ટીનું સ્લોગન હતું : ‘હું આ દેશને સ્વર્ગ બનાવી દઈશ’.
આ દેશમાં નાના-મોટા, પ્રાદેશીક–રાષ્ટ્રીય રાજકીય પક્ષો આમ નાગરીકોને જીન્દગી બહેતર બનાવવાની પ્રતીજ્ઞા પર ટકે છે. બાબાઓ અને એમના સમ્પ્રદાયો રાજકીય પક્ષોથી ભીન્ન નથી. એ પણ ‘અચ્છે દીન’ના વાયદા પર ફલે–ફુલે છે. 1980 અને 1990ના દાયકામાં ભારતભરનાં શહેરોમાં દીવાલો પર ‘જય ગુરુદેવ આયેંગે’ એવાં સુત્રો વાંચવાં મળતાં હતાં.
2014માં જય ગુરુદેવના આશ્રમની જેમ જ હરીયાણા પોલીસ સામે અથડામણમાં ઉતરેલા ‘સતલોક’ આશ્રમના સ્થાપક ‘બાબા રામપાલે’ પોતાને કબીરના અવતાર ગણાવીને જાહેર કહેલું કે હીન્દુ ત્રીમુર્તી શીવ, વીષ્ણુ અને બ્રહ્મા મીથ્યા–દેવ છે અને લોકોને ગેરમાર્ગે દોરે છે અને સાચા-ઈશ્વરનો (સત્ પુરુષનો) રસ્તો પોતે રામપાલ છે. હજારો ભક્તોને એમાં વીશ્વાસ પડી ગયેલો, અને રામપાલ જે દુધમાં નહાતા હતા એમાંથી બનેલી ખીરને ચમત્કારી માની પી જતા હતા. આ લોકો જ મરવા અને મારવા પણ તૈયાર થયા હતા.
કાયદા–કાનુન અને સામાજીક નૈતીકતાથી બચવા માટે રાજનીતીમાં આવેલા અપરાધીઓ, ભ્રષ્ટાચારીઓ, વેપારીઓ અને સ્વાર્થી લોકોને જેમ ‘સાચા જનસેવક’ ન કહી શકાય, તેવી જ રીતે હીન્દુ ધર્મના નામે આશ્રમો ખોલીને બેસી ગયેલા સમ્પ્રદાયી લીડરોને પણ ‘ગુરુ’ કે ‘સન્ત’ કહી ન શકાય. એને હીન્દુવાદ પણ ન કહી શકાય. આ અધર્મ છે. હીન્દુ ધર્મમાં એટલી વીવીધતા છે કે અધર્મ પણ ધર્મના ખભે ચઢીને વૈતરણી પાર ઉતરી જાય છે.
આમ છતાં, શા માટે હજારો–લાખોની સંખ્યામાં લોકો આવા ગુરુઓ અને સમ્પ્રદાયોના અનુયાયી બને છે? કારણ કે આ ગુરુઓ અને બાબાઓ પોતાને તારણહાર તરીકે સ્થાપીત કરવામાં સફળ રહે છે. દુનીયાના તમામ ધર્મોમાંથી માત્ર હીન્દુ ધર્મમાં જ સૌથી વધુ બાબાઓ, સન્તો, બાપુઓ, મહારાજાઓ, ગુરુઓ અને ભગવાનો હોવાનું કારણ એ છે કે, હીન્દુ ધર્મમાં (જે એક્ચુઅલી ધર્મ નથી; પણ સંસ્કૃતી છે), ઈસાઈ, યહુદી અને ઈસ્લામની જેમ મસીહા અથવા મુક્તીદાતા અથવા ઉદ્ધારકની કોઈ ભુમીકા નથી.
સાલ્વેશન અથવા નીર્વાણ અથવા મુક્તી અથવા મોક્ષની ધારણા સર્વલૌકીક અને સર્વકાલીન છે. હીન્દુ ધર્મમાં મોક્ષનો અર્થ જીવન અને મૃત્યુની સાઈકલમાંથી મુક્ત થવાનો છે. એના માટે ત્રણ માર્ગ છે : જ્ઞાન, ભક્તી અને કર્મ. આ ત્રણેય માર્ગ પર જવા માટે શુદ્ધતા, સંયમ, સત્ય, અહીંસા અને કરુણા પુર્વશરત છે. કોઈપણ વ્યક્તી આ ત્રણેમાંથી કોઈ એક માર્ગ પર પુર્વશરત પ્રમાણે ચાલીને પરમતત્ત્વમાં ભળી જઈ શકે છે, અને પુનર્જન્મના ક્રમમાંથી છુટી શકે છે.
હીન્દુ ધર્મમાં આધ્યાત્મીક જીવન એ વ્યક્તીગત પુરુષાર્થનું પરીણામ છે. એના માટે કોઈ તારણહારની ન તો જરુર છે કે ન તો એવો કોઈ તારણહાર છે. આત્મબળ વગર ઉદ્ધાર શક્ય નથી એ હીન્દુ ધર્મનો કેન્દ્રવર્તી વીચાર છે. હીન્દુ ધર્મ માને છે કે માનવ આત્મા પ્રકૃતીના લૌકીક અસ્તીત્વમાં ફસાયેલો છે અને એ અસ્તીત્વમાં એ કર્મોનું નીર્માણ કરે છે. જ્યાં સુધી એ કર્મબદ્ધ છે ત્યાં સુધી એ પુનર્જન્મ લેતો રહે છે. સુખ–દુ:ખ અને સારાં–નરસાં કર્મોની આ નહીં અટકતી સાઈકલમાંથી મુક્ત થવાનો જે માર્ગ બતાવે તે ધર્મ. એ અર્થમાં આપણે ત્યાં ધર્મનો શબ્દશ: અર્થ થાય છે ‘પથ’. ત્યાં કોઈ મદદગાર નથી, કોઈ સંગાથ નથી. જે. કૃષ્ણમુર્તીએ એમના ઓર્ડર ઑફ ધ સ્ટારને વીખેરી નાખતી વખતે આ જ વાત સમજાવતાં કહેલું, ‘સત્ય એક દુર્ગમ ભુમી છે. કોઈ પણ રસ્તેથી, કોઈ પણ ધર્મથી, કોઈ પણ સમ્પ્રદાયથી એ ભુમી પર જઈ શકાતું નથી.’ કૃષ્ણમુર્તીને થીયોસોફીકલ સોસાયટી ઑફ ઈન્ડીયાએ ‘ક્રાઈસ્ટ’ અને ‘મૈત્રેયી’ (બુદ્ધ)ના અવતાર તરીકે ઘોષીત કરેલા. આ અવતારની ભુમીકાને કાયમ માટે ફગાવી દેતી વખતે તેમણે ઉપરની વાતમાં કહેલું, ‘ટ્રુથ ઈઝ અ પાથલેસ લેન્ડ’.
એની સામે બહુ બધી ચોપડીઓ વાંચીને સન્ત બની ગયેલા ઓશો રજનીશે પોતાને ‘ભગવાન’ જાહેર કરેલા કારણ કે એમને ખબર હતી કે સામાન્ય માણસ આત્મબળમાં નબળો છે, પુરુષાર્થમાં કમજોર છે અને એને ઈનસ્ટન્ટ નીર્વાણ જોઈએ છીએ. રજનીશ કહેતા ‘તમે જેવા છો તેવા મારી પાસે આવો. હું તમને મોક્ષ અપાવી દઈશ.’ કૃષ્ણમુર્તી, રમણ મહર્ષી, મહર્ષી અરવીન્દ, બુદ્ધ, મહાવીર કે રામકૃષ્ણ કહેતા કે મોક્ષના માર્ગમાં ‘ગુરુ’જ આડખીલી રુપ છે.
ભક્તોને ભવસાગર પાર તરાવી દેવાની પ્રૉમીસરી નોટ તો રામ કે કૃષ્ણ કે અન્ય ઈશ્વરીય અવતારોએ પણ કરી ન હતી. હીન્દુ ધર્મમાં અવતારોની જે ધારણા છે તે પશ્ચીમના મસીહાઈ ખયાલથી સાવ જુદી છે. અબ્રાહ્મીક ધર્મોમાં મસીહાનો અર્થ ‘અભીષીક્ત’ (નીયુક્ત) થાય છે. આ મસીહા એની ઈનાયત કે કૃપાદૃષ્ટીથી જીવાત્માને પાપમાંથી મુક્તી અપાવે છે. અબ્રાહ્મીક ધર્મો (ઈસાઈ, યહુદી અને ઈસ્લામ) મોક્ષ માટે પ્રાયશ્ચીત્ત અને તપશ્ચર્યા જેવા વ્યક્તીગત પુરુષાર્થ તથા મસીહાની દીવ્ય કૃપા બન્નેના સંયોગ પર ભાર મુકે છે.
હીન્દુ ઈશ્વરીય અવતારો અહીં જુદા પડે છે. હીન્દુ અવતારો ધર્મની રક્ષા કરવા (જેથી પ્રત્યેક વ્યક્તી આધ્યાત્મીક પુરુષાર્થ કરી શકે) અને અધર્મનો નાશ કરવા પૃથ્વી પર અવતરે છે. પરમ્પરાગત રીતે આવા દસ અવતારોની કલ્પના છે. આ અવતારો ઈશ્વર અને મનુષ્ય વચ્ચે કોઈ મધ્યસ્થી માટે નથી આવતા. એટલે એ ઈશ્વરના દુત પણ નથી. એ ઈશ્વર જ છે અને પૃથ્વીને અધર્મથી મુક્ત કરીને જતા રહે છે.
ઈશ્વર મનુષ્યની પાપમુક્તી માટે પ્રત્યક્ષ (કે સન્દેશવાહક મારફતે પરોક્ષ) વ્યવહાર કરતા નથી એટલે ‘બાવાઓ–ગુરુઓ–સન્તો–મહારાજો’ એ ખાલી જગ્યામાં બેસી ગયા છે અને પોતાને ઈશ્વરના દુત ગણાવીને એમના અનુયાયીઓને ‘અચ્છે દીન’નાં સપનાં બતાવી રહ્યા છે. ભલા–ભોળા માણસો એમની સામાજીક–પારીવારીક જરુરીયાતો અને મજબુરીઓના પહાડ નીચે એવા દટાયેલા છે કે એમનામાં ‘પાપ’ની જીન્દગી ત્યજીને પ્રાયશ્ચીત્ત કે તપશ્ચર્યા કરવાની ધીરજ નથી. એમને રક્ષણ જોઈએ છે, એમને ‘પુણ્ય’ જોઈએ છે, એમને સ્વર્ગ જોઈએ છે, એમને કરેલાં કર્મોમાં માફી જોઈએ છે, એમને પૃથ્વી પર જ ભગવાનનાં દર્શન અને ભગવાનની કૃપા જોઈએ છે.
‘નીર્મલબાબાઓ’ આવી રીતે જ સમોસા અને ચાની સાથે ‘સ્વર્ગ’ અને ‘સુખ’ વહેંચતા હોય છે. સીધા–સાદા લોકોને આવા ઈન્સ્ટન્ટ સુખ ગમે છે; કારણ કે એમાં વ્યક્તીગત પુરુષાર્થની કોઈ જરુર રહેલી નથી. આ જ કારણથી આપણે રાજકારણીઓ પર ભરોસો મુકીએ છીએ; કારણ કે એમણે આપણા વતીથી ધરતી પર સ્વર્ગ લાવવાની કસમ ખાધી હોય છે. રાજકારણમાં તો ખેર ગુણ–અવગુણ જોવાની ગુંજાઈશ હોય છે; પણ સામ્પ્રદાયીક શ્રદ્ધામાં તો આર્મી જેવું આંધળું અનુશાસન જ હોય છે.
એટલા માટે જ ગુરુઓ અને સમ્પ્રદાયોના પોતાની આચાર–સંહીતા, પોતાની ભાષા, પોતાના ડ્રેસ કોડ, પોતાનાં ચીહ્નો અને પોતીકા રીવાજો હોય છે. આર્મીની જેમ જ સમ્પ્રદાયમાં પણ ભય, અપરાધ–બોધ અને ઘમંડ જેવી પ્રબળ લાગણીઓ સક્રીય હોય છે. આપણા જેવા પામર જીવો મોટાભાગે અનુયાયી વૃત્તીવાળા છીએ, અને કો’ક આપણી રક્ષા કરે, દરકાર કરે, સ્વર્ગ–સુખ લઈને આવે એવી ખ્વાહીશમાં ‘ગેંગસ્ટર’થી લઈને ‘ગુરુઓ’ના ચરણે માથું મુકી દઈએ છીએ.
અનુયાયીપણાની આ ટ્રેજેડી અનુયાયીઓ સીવાય બીજા બધાને દેખાય છે. એટલે જ ગુરુઓ અને સમ્પ્રદાયો ફળતા–ફુલતા રહે છે.
–રાજ ગોસ્વામી
No comments:
Post a Comment