મન સે રાવણ જો નીકાલે; રામ ઉનકે મન મેં હૈ…
–રશ્મીન શાહ
કોઈને મદદ કરવાની ભાવના જ્યારે મનમાં જાગે, કોઈની બાજુમાં ઉભા રહેવાની ઈચ્છા જ્યારે બળવત્તર બને અને કોઈના માટે લાભદાયી થવાની તૈયારીઓ થવા માંડે ત્યારે માનવું કે અંદર રહેલો ‘રામ’ અત્યારે કામ કરી રહ્યો છે અને જો તે રામ જ કામ કરતો રહેવાનો હોય તો પછી તેણે ફરી પૃથ્વી પર આવવું જોઈએ એવી આશા રાખવી જરુરી છે?
શ્રીમદ્ ભગવદ્ગીતાના કોઈ એક ખુણે ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે : ‘ઘોર કળીયુગ સમયે તે ફરીથી આવશે અને અસત્યનો, પાપાચારનો અને અધર્મનો નાશ કરશે.’ સાંભળ્યું પણ છે અને શ્રીકૃષ્ણએ કરેલું આ કમીટમેન્ટ વાંચ્યું પણ છે. સાંભળ્યું ત્યારે જે સવાલ મનમાં જન્મ્યો હતો એ જ સવાલ વાંચ્યો ત્યારે પણ મનમાં જન્મી ગયો હતો. ભગવાને કહ્યું છે એ ઘોર કળીયુગની વ્યાખ્યા શી ? એ સવાલ ત્યારે પણ થતો હતો અને આજે પણ થાય છે. ઘોર કળીયુગ એટલે શું?
સગો બાપ દીકરીને વેચી દેતો હોય એ ઘોર કળીયુગ ગણાય ખરો? કોઈના બાપની સાડીબારી વીના મન્દીરની મુર્તી પરથી દાગીનાઓ ચોરી થઈ જાય એની ગણતરી ઘોર કળીયુગમાં ન થાય? અત્યન્ત પવીત્ર એવા ગીરનાર પર્વત પર જ એક છોકરી પર બળાત્કાર થાય એ તો ઘોર કળીયુગની આલબેલ ગણાયને? દાદર સ્ટેશનની ભીડમાંથી માંડ જગ્યા કરીને પસાર થતી છોકરીનાં સ્તન સાથે ખભો ઘસીને પસાર થઈ જવાની માનસીકતા ઘોર કળીયુગમાં જ સામેલ થતી હશે? વીકૃતીની ચરમસીમા જેવી દીલ્હીની નીર્ભયા રેપ–કેસની ઘટના સાંભળીએ તો પણ રુંવાડાં ઉભાં થઈ જતાં હોય તો હવે તો ઘોર કળીયુગ આવી ગયો કહેવાય કે પછી નીઠારી કાંડમાં કુમળાં બાળકોનાં અંગો સાથે કુચેષ્ટા કર્યા પછી, એ જ બાળકોને અવનમાં પકાવીને એને જમી જવાની ઘટના પછી ઘોર કળીયુગ શરુ થયો હશે? ધારાવીમાં જીવી રહેલાઓને જોતી વખતે અરેરાટી છુટી જાય ! શું આ ઘોર કળીયુગ હશે કે પછી ધારાવી ઐશ્વર્ય છે ? એક પણ પ્રકારની સુવીધા વીના જીવી રહેલા નાગાલૅન્ડના જંગલના આદીવાસીઓના જીવનને ઘોર કળીયુગ ગણી લેવો જોઈએ? એ ઘોર કળીયુગ નથી તો પછી ઘોર કળીયુગ કયો છે? તીહાડ જેલમાં સગી દીકરીની હત્યાની સજા ભોગવી રહેલા તલવાર દમ્પતીમાં ઘોર કળીયુગ કે પેલી નર્ભયાના પ્રાઈવેટ પાર્ટ્સમાં ઈજા કરીને સ્વર્ગનો આનન્દ અનુભવી રહેલા પેલા દીલ્હીના ટીનેજરને નીર્દોષ ઠેરવતો ચુકાદો આપ્યો એ ચુકાદો એટલે ઘોર કળીયુગ?
આ અને આવા કોઈ પ્રશ્નનો જવાબ મળ્યો નહીં; એટલે પ્રતીપ્રશ્ન પણ જન્મી ચુક્યો છે. જો એ ઘોર કળીયુગ ન હોય તો પછી ઘોર કળીયુગમાં શું બનશે અને એ બનશે ત્યારે ખરેખર શ્રીમદ્ ભગવદ્ગીતામાં કમીટમેન્ટ કરનારાની લીફ્ટ, આકાશ ફાડીને નીચે આવશે ખરી? એ આવશે ત્યારે તેના હાથમાં સુદર્શન ચક્ર હશે કે પછી હાથમાં વાંસળી સાથે તે જમીન પર પગ મુકશે? જમીન પર પગ મુકીને તે પોતાના ડીવાઈન પાવરથી પાપીઓનો નાશ કરશે કે ફરી એક વખત અર્જુનને શોધીને તેને સલાહસુચન–બોધ આપી, લાંબું મહાભારત ખેલવાનું પસંદ કરશે? ભલે ખેલે મહાભારત, વાંધો નહીં; પણ એ વાંધો તો જ નથી જો તે પૃથ્વી પર પ્રયાણ કરવાના હોય અને આકાશ ફાડીને લીફ્ટ જમીન પર ઉતરવાની હોય. એવી કોઈ લીફ્ટ આવશે ખરી?
વીજ્ઞાન પર વધુ શ્રદ્ધા છે એટલે એ જ શ્રદ્ધાને આંખ સામે રાખીને જો આ સવાલનો જવાબ આપવાનો હોય તો કહેવું પડે કે ના, એવું કંઈ બનવાનું નથી અને જો એવું બનવાનું હોય તો ધર્માધીકારીની લીફ્ટ અત્યાર સુધીમાં ક્યારની નીચે આવી ગઈ હોત. પણ એ નથી આવી અને આવતા સમયમાં પણ આવે એવી શક્યતા છે નહીં અને જો એ શક્યતા ન હોય તો ભલા માણસ, કોઈ ‘કૃષ્ણ’ની અને કોઈ ‘રામ’ની રાહ જોવાની જરુર પણ નથી; કારણ કે રાહ તેની જોવાય જેનામાં પોતાનું વચન અને પોતાના શબ્દો પાળવાની ક્ષમતા હોય, રાહ તેની જોવાય જેનામાં પોતાના કથનને વળગી રહેવાની ત્રેવડ હોય અને સાહેબ, રાહ તેની જોવાય જેનામાં આજનો અધર્મ કાપવાની ભાવના હોય અને જો એવી રાહ જોવાની ન હોય તો અદબ સાથે જાવેદ અખ્તરે લખેલી પેલી પંક્તીઓ યાદ કરી લેવાની છે : ‘મન સે રાવણ જો નીકાલે; રામ ઉનકે મન મેં હૈ…’
આજનો અધર્મ તમારે જ કાપવાનો છે અને આજના પાપાચારનો તમારે જ નાશ કરવાનો છે. આજે મદદ પણ તમારે જ કરવાની છે અને સંહારશક્તીનું સીંચન પણ તમારે જ તમારામાં કરવાનું છે. તમારી જ અંદર તમારે કૃષ્ણને જગાડવાનો છે અને તમારી જ અંદર રહેલા પેલા કંસનો વધ પણ તમારે જ કરવાનો છે અને તમારે જ તમારા રામ બનીને રાવણનો નાશ કરવાનો છે. જાવેદ અખ્તરની વાત સહેજ પણ ખોટી નથી : ‘મન સે રાવણ જો નીકાલે; રામ ઉનકે મન મેં હૈ.’ આ પંક્તીને સાચી રીતે સમજવા માટે થોડી વધુ લાઈનો તમારે વાંચવી પડશે.
‘હર હર મહાદેવ.’ મહાદેવનો આ નારો જો ધ્યાનપુર્વક વાંચો તો સમજાશે કે એમાં કહેવામાં આવ્યું છે કે :‘મહાદેવ એક નથી; હર એક મહાદેવ છે.’ હર હર મહાદેવ. બસ, આવું જ છે પથ્થરના બનીને મન્દીરમાં બેસી ગયેલા ભગવાનનું. તે બહાર આવવાનો નથી; પણ અન્દર બેસીને પણ તે યાદ દેવડાવવાની કોશીશ તો કરે જ છે કે : ‘ભગવદ્ગીતાને વાંચીને આકાશ સામે આંખો ફાડીને બેસી નહીં રહો. જો, તારી અન્દર, ક્યાંક હું તને જડી જઈશ. એક ‘સારા કામ’ની સાથે મારો ઉદય થશે, એક ‘મદદગારી’ના બદલામાં હું તારી આંખોમાં ચમકારો બનીને ઉભરી આવીશ, એક ‘સારી ભાવના’ની સાથે હું તારામાં ગર્ભાધીન થઈશ અને ઉત્તરોત્તરની તારી આ ભાવના સાથે હું તારામાં જ આવાસ બનાવી લઈશ.’
‘મન સે રાવણ જો નીકાલે; રામ ઉનકે મન મેં હૈ…’
કોઈની રાહ જોવાની જરુર નથી અને કોઈની રાહ જોવાની પણ ન હોય. રાહ તો એની જોવાની હોય જેની ગેરહાજરી હોય. જેની રાહ જુઓ છો તે તો હાજર જ છે ! પણ ઈર્ષ્યા, લાલચ, સ્વાર્થની ભેળસેળ એવી તે થઈ ગઈ છે કે તે તમારી જ અન્દર હવે ગુંગળાઈ રહ્યો છે. કોઈને ‘ઔકાત દેખાડી દેવાની ઈચ્છા’ સાથે જે ‘રાવણ’ જન્મે છે એ રાવણને કોઈ અને કોઈ સ્તર પર નાથવાનો છે અને કોઈનું ‘અહીત કરી લેવાની મનસા’ સાથે જે ‘કંસ’ જન્મે છે એ કંસને હણવાનો છે. શાસ્ત્રોના એ રાવણ અને એ કંસનો પણ ક્યાંય નાશ નથી થયો. એ આજે પણ હયાત જ છે. જીવે છે ક્યાંક, મારા અને તમારામાં. સુર્પણખા આજે પણ નાક વીનાની થઈને ફરી રહી છે, ક્યાંક મારા અને તમારામાં. હીડીમ્બા અને પેલો બકાસુર અત્યારે પણ શ્વસે છે, ક્યાંક મારા અને તમારામાં. એ રાવણ અને એ બકાસુર, એ હીડીમ્બા અને એ શુર્પણખાનો અન્ત લાવવા માટે આકાશમાંથી કોઈ નથી આવવાનું. નો આવે. એવો તેને ટાઈમ પણ ક્યાં છે, યાર ? ગોવર્ધન ઉપાડવાનું કામ તે એક વાર કરે, દર વખતે થોડી કંઈ તે ગોવર્ધન નામની છત્રી લઈને તમને ઓથ આપે? ઓથ જાતને આપવાની છે, ઓથ જાતે ઉભી કરવાની છે.
એવી પુર્ણ તૈયારી સાથે : ‘મન સે રાવણ જો નીકાલે; રામ ઉનકે મન મેં હૈ…’
–રશ્મીન શાહ
No comments:
Post a Comment