સમાજને સાચો રાહ ચીંધનાર ‘ગુરુઓ’ને વન્દના…
–ડૉ. શશીકાન્ત શાહ
‘કોઈ પણ માણસ અને સમાજનો વીકાસ ‘સદ્ ગુરુ’ને આભારી છે. આ સૃષ્ટી પર ગુરુ વગરનું કોઈ નથી. એક સન્ત કહે છે, ‘માતાની ગોદ વીશ્વની શ્રેષ્ઠ યુનીવર્સીટી છે.’ માતા–પીતા અને મીત્રો, માણસના જીવનમાં નીરન્તર ‘ગુરુ’ની ભુમીકામાં હોય છે. આજે ‘ગુરુપુર્ણીમા’ છે. મને જીન્દગીના અમુલ્ય પાઠો શીખવનારા સૌ ગુરુઓને વન્દન પાઠવું છું. આજે આપણે એવા એક કાર્યક્રમની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેણે સદવીચારોનો પ્રચાર–પ્રસાર કરીને સમાજને બદલવામાં પોતાનું યોગદાન આપ્યું છે. સારાં પુસ્તકો માણસના જીવનને ધરમુળથી બદલી શકે છે.’
આજે ‘ગુરુપુર્ણીમા’ છે. ગુરુનું કાર્ય શીષ્યને સાચી દીશામાં દોરવાનું છે. મને ‘ગુજરાતમીત્ર’ની દીશા ચીંધનારા બે સદ્ ગુરુઓ શ્રી. ગુણવન્ત શાહ અને શ્રી. ભગવતીકુમાર શર્માને ‘ગુરુપુર્ણીમા’ના મંગલ અવસરે ભાવપુર્વક વન્દન પાઠવું છું.
ગુરુનું કાર્ય સમાજને સાચો માર્ગ બતાવવાનું છે. આ અર્થમાં સારાં પુસ્તકો જેવા સદ્ ગુરુ બીજા કોઈ નથી. જેઓ પુસ્તકોના માધ્યમથી સારા વીચારો સમાજ સુધી પહોંચાડે છે અને સમાજની ગુણવત્તા સુધારવામાં મહત્ત્વનું યોગદાન આપે છે, એવા ગુરુઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની આજે તક છે. ગયા અઠવાડીયે સુરતના શ્રી. જીતેન્દ્ર દાળીઆ (મોબાઈલ : +91 98255 74604)એ પોતાનાં પત્નીની પાંચમી પુણ્યતીથી નીમીત્તે વાસણો વહેંચવાને બદલે, એક ‘ઑડીયો–બુક’ વહેંચીને, સમાજને બદલવા, સ્થાપીત નીરર્થક રુઢીઓને ત્યાગવા માટેનો સંદેશ પાઠવ્યો. ‘ગુજરાતમીત્ર’ દેનીકની ‘માણસ નામે ક્ષીતીજ’ કૉલમમાં પ્રસીદ્ધ થયેલા શ્રેષ્ઠ લેખોનું સમ્પાદન ધરાવતી, ‘આનન્દનું આકાશ’ નામની પુસ્તીકા પ્રસીદ્ધ થયેલી.
એક દીવસ મારા પર જીતેન્દ્રભાઈનો ફોન આવ્યો : ‘મારાં પત્ની શકુંતલાબહેનની પાંચમી પુણ્યતીથીએ સૌ મીત્રો અને સ્વજનોને ‘આનન્દનું આકાશ’ પુસ્તકની ‘ઑડીયો–બુક’ વહેંચવા ઈચ્છીએ છીએ. એ માટે આપની અનુમતી જોઈએ છે.’ સ્વ. શકુંતલાબહેન તમામ સન્નારીઓને પ્રેરણા મળે એવી કારકીર્દી ધરાવતાં હતાં. તેઓ એસ.એસ.સી.ની પરીક્ષા પાસ કરીને કલેક્ટર કચેરીમાં કારકુન તરીકે જોડાયેલાં. એક્સટર્નલ સ્ટુડન્ટ તરીકે, અંગ્રેજીના વીષય સાથે બી.એ. કર્યું અને નીવૃત્ત થયાં ત્યારે આસીસ્ટન્ટ કમીશ્નર હતાં! એમની અહીં નોંધ લેવાનું કારણ એટલું જ કે તેમણે કદી શાસકોના અનૈતીક આદેશો સ્વીકાર્યા નહોતા. ધારાસભ્યો કે પ્રધાનો ખોટાં કામો લઈને આવતા ત્યારે તેઓ રોકડું પરખાવતાં, ‘મને લખીને આપો કે, હું ફલાણા પદ પર છું; તેથી મારું આ ખોટું કામ હોવા છતાં તમારે કરી આપવાનું છે!’ શકુંતલાબહેનની સ્મૃતીમાં જીતેન્દ્રભાઈએ કદી ‘વાસણો’ નથી વહેંચ્યાં. તેઓ દાયકાઓથી ‘ગુજરાતમીત્ર’ના પ્રેમમાં પડેલા છે. (શકુંતલાબહેન આ વાત જાણતાં હતાં!) જીતેન્દ્રભાઈએ અગાઉની પુણ્યતીથી નીમીત્તે સમ્બન્ધીઓને મારી ‘આનન્દની ખોજ’ અને ‘ચીંતામુક્ત રહેવાની માસ્ટર કી’ એ બે પુસ્તીકાઓ વહેંચી હતી. તેઓ કહે છે, ‘વાસણો વહેંચવાની પરમ્પરાને વળગી રહું, તો શકુંતલાને જ એ ન ગમ્યું હોત. તે જીન્દગીભર સારાં પુસ્તકો અને સદવીચારોની સમર્થક રહી હતી.’
No comments:
Post a Comment