ફરકતી ચોટલી
ફરકતી ચોટલી
રાતો ચોળ ચાંદો બે ત્રણ દિવસમાં દુધે ધોયો હોય તેવો થઈ ગયેલો. રાત્રે બધા જમીને તળાવની પાળે આવ્યા કે ધોળો દેખાતો ચાંદો મેલો દાટ લાગવા મંડ્યો. અમે બધા એ એવું માની લીધું કે નક્કી ચાંદો પણ આજે તળાવની પાળે ગુલાંટો મારીને ધૂળમાં આળોટ્યો હશે. થોડી વારમાંતો એને જાણે અમારી વાતો સાંભળી લીધી હશે કે; શરમાઈને વાદળની ઓથે લપાઇ ગયો. મેં થોડા બરાડા પાડયા કે “ કેવા મજાના બધા રમતા હતા, વચ્ચે ચાંદાને ભાંડવાની શું જરૂર હતી ? હવે રમો અંધારામાં !”
હજી તો હું બોલી રહુ ત્યાંતો જાણે પવને ચાંદાનું ઉપરાણું લીધું હોય તેમ મંડ્યો આડો ને અવળો ફૂંકાવા. લીમડા, પીપળો, અને બીજા ઝાડવાંઓ ને એવા હલાવી નાખ્યા કે હમણાં બધા મૂળમાંથી ઉખડી જશે. પાંદડા, કાગળ ને બધો કચરો તો હવે ઉડીને અમારી આંખોને બંધ કરી દેતો હતો. ઉગમણી કોરેથી માટીનો એવો ખુશ્બૂ ધોધ છૂટ્યો કે અમારો હકો બોલી ઉઠ્યો ” અલ્યા અત્યારે બગીચામાં કોણ પાણી પાતું હશે? ”
જો કે એ વ્યાજબી બોલ્યો હતો. અમે લોકો ઘણી વાર બગીચામાં રમતા હોય અને સૂકા છોડના ક્યારામાં માળી પાણી છાંટે ત્યારે; આવીજ સોડમ આવતી. બીજા બધાને એ સોડમ ગમતી કે, કેમ પણ મને તો ખૂબ ગમતી. અને એમાંય પહેલો વરસાદ આવે ત્યારે ડમરી ચઢીને જે વર્ષાના ટીપા પડે તેની ખુશ્બુ તો નાક ભરીને મન ભરી લઉં.
રાત્રે ધોધમાર વરસાદ પડ્યો, અને અમે બધાં પલળી ગયેલા. મને પલળવાનો ઘણો શોખ એકવાર તો પલળી જ લઉં પછી ભલે ને નાક ધંધે લાગતું.( નાક જોડે જોડે હું પણ ધંધે લાગી જતો, પણ જાહેરમાં આપણી પોતાની પોલ ખોલવી હાનિકારક સાબિત ના થાય એટલે એવું કોઈને ના કહેવાય)
આજના આ લેખમાં કલ્પનાની દુનિયામાં થોડો અસલ જીવનનો અંશ ઉમેર્યો છે. હું જે ગામડામાં ઉછર્યો છું તે એકદમ નાનું ગામડું, આશરે ચારેક હજારની વસ્તી વાળું ગામ. ગામના પચાસ ટકા લોકો ખેતી પર નિર્ભર ને બાકીના એમની ખેતી પર નિર્ભર. એકાદ સારો વરસાદ પડી જતો પછી ખેડૂત લોકોને ખબર પડી જતી કે હવે, બીજનું રોપણ કરી શકાય. મગફળીનું સૌથી વધુ વાવેતર સૌરાષ્ટ્રમાં થાય. ત્યારના આંકડા મુજબ સુરેન્દ્રનગર જિલ્લાનું સૌથી વધુ મગફળીનું વાવેતર અમારા ગામનું. અમે લોકો પણ ખેડૂતમાં ગણાતા. પણ મારા પિતાજી એક નાનું સિમેન્ટ પાઈપનું કારખાનું ચલાવતા, આથી ખેતી એ અમારો સેકંડરી પ્રોફેશન હતો. હું જે મિત્રો સાથે મોટો થયો છું, તેઓ બધા બિનખેતી વાળા મિત્રો હતા.
વાવણી ચાલુ થાય એટલે થોડા દિવસમાં કાળી કે ભૂરી જમીનમાં લીલાશ આવી જતી. અત્યારે એ દ્રશ્યોની કલ્પના કરું ત્યારે એવું થાય છે કે મારી આંખોએ એ લીલા રંગોની કોઈ કદર નહોતી કરી. આજે કલ્પનામાં પણ, એ લીલો રંગ મારી આંખોને ઠારે છે. એ ટાઈમે વાવણીમાં મુખ્યત્વે મગફળી, બાજરી, જુવાર, તલ, મગ, મઠ અને કળથીની થતી. વાવણી ના થોડા દિવસ બાદ કોંટા ફુંટીને અનાજના નાના બાળ જન્મીને છોડવા થાય તે પહેલા અમે લોકો એમનું ઓડિટ કરવા જતા.ગામની રચના એવી હતી કે, ભાગોળે જ ખેતર ચાલુ થઈ જાય. અમને બીજા બધા પાક કરતા મગફળીના કોંટા ફૂંટે તે ઓડિટ કરવામા વધુ રસ. રસ એટલા માટે કે મગફળીના નાના બાળ કોંટા અમને સ્વાદિષ્ટ લાગતા.
એટલે અમારી તોફાની ટોળી, કોઈના પણ મગફળીના ખેતરમાં છાનીમાની ઘુસી જતી. અને ખીસા ભરીને તળાવની પાળે પહોંચી જતી. લીમડાના ઝાડ પર ચઢીને, એકબીજાની ખપાવતા મન ભરીને કોંટાની લજ્જત માણતાં. ઘણાં બધા માટે આ ટેસ્ટ નવો હશે. બેકગ્રાઉન્ડમાં ગયા બાદ હવે વાત ને આગળ વધારું તો, વાવણી થયા ને અઠવાડીયા બાદ અમારી તોફાની ટોળી તળાવની પાળે મળી. એ દિવસે તો ફૂલ હાજરી હતી, હું, હકો, નરીયો, ટીનો, દિલો, જીલો, દલો, અશ્કો, જીગો અને વજો. આ સિવાયના કોઈ પાત્રો હું ઉમેરતો હોય તો એમને પણ ગણી લેવા કૃપા કરવી. જેમ્સ બોન્ડ જીગો ખબર લઈ આવ્યો કે અશ્કના ખેતરમાં સૌથી મોટી અને દળદાર મગફળીના કોંટા ફૂંટ્યા છે. આટલી સારી અને મજેદાર બાતમી મળ્યા પછી અમારી ટોળી કોઈની પકડે રોકાય ખરી ? અમે બધાં ઉપડ્યા અશ્કના ખેતરમાં આક્રમણ કરવા. મિત્રો અમે કેટલા નાદાન અને ન્યાયી હતા, એનો આ બેનમૂન દાખલો. અશ્કના ખેતરમાં ચોરી અને અશ્કો ખુદ પણ ભેગો ખરો.
“ બીજું બધું તો ઠીક પણ મારો ડોહો (એના દાદા) આવા ટાઈમે બધા ખેતરે ચક્કર મારે છે. ” અશોકે બધાને ચેતવ્યા.
“ તું ચિંતા ના કર, આપણે ફટાફટ પાછા આવીને અહીંયા આ લીમડા પર ચડી જઈશું ”તોફાનીયા ટીનાએ બધાને પાછી રાહત આપી
“ એ ચોટલીયા દાદાથી બીવાની જરૂર નથી ” હકાએ વળી બધાની હિમ્મતમાં ઓર વધારો કર્યો.
ચોટલીયા દાદા, એટલે એમની સરનેમ ચોટલીયા નહોતી, પણ માથે ચોટલી રાખતા. બધાએ ‘ યા હોમ કરીને ચાલો અશ્કાનું ખેતર છે આગે ’ કહીને આગળ વધ્યા.
અમારી આખી ટોળીમાંથી બે જણ ફોસી, (ડરપોક) એક હું અને બીજો દલો. મને હકાની હૂંફ, એટલે એનો હાથ પકડીને ચાલવા લાગ્યો. હું હકાનો હાથ, બીકને લીધે પકડતો ને બધા એવું માનતાં કે હું અને હકો પાક્કા ભાઈબંધ. હાથાજોડી કર્યા વગર ચાલીયે પણ નહીં. મારું આ સિક્રેટ હકાએ આજ સુધી અકબંધ રાખ્યું છે, એટલે હું પાકો ભાઈબંધ માનું છું.
જે લોકોએ ખેતર જોયા છે એમને રિફ્રેશ કરાવી દઉં અને ના જોયા એમને નવીન વસ્તુ બતાવું. ચોમાસાની સીઝનમાં, ખેતર ફરતે વાડ થતી. જેથી પ્રાણીઓ અને અમારા જેવા અજડ લોકોથી ખેતરના પાકને રક્ષણ મળે. ખેતરમાં કેમ ઘુસવું ? એની માસ્ટરી વજામાં. જે જે લોકોની જે તે ક્ષેત્રમાં માસ્ટરી હતી તે લોકો ટાઈમે ટાઈમે ને પ્રસંગે, કોઈ પણ જાતનું અભિમાન કર્યા વગર આગળ થઈ જતા. એ ધોરણે વજાએ વાડમાંથી અંદર ઘૂસે એવું કરી આપ્યું. નીચું માથું કરીને બધા ગુફામાં જાય તેમ વારાફરતી અશ્કના ખેતરમાં ઘુસ્યા. જઈને બધાએ શક્તિ એટલી ભક્તિના ત્રીજા નિયમ પ્રમાણે, મગફળીના બાળ છોડને ખિસ્સમાં ભરવા લાગ્યા.
હજીતો ખિસ્સા થોડાજ ભરાયા હશે કે, દલાએ બૂમ પાડી “ અલ્યા અશ્કા તારો ડો…: ” એ પૂરું બોલી પણ ના શક્યો ને થર થર ધ્રુજવા લાગ્યો. મેં દોડીને દિલાને પકડી લીધો.
“ કોઈએ બીવાની જરૂર નથી, અવાજ કર્યા વગર, પીલુડી પર આવી જાઓ. ” કહીને દોડતો દિલો પીલુડી પર ચઢી ગયો. હકો પણ મને લઈને આગળ વધ્યો. હરીફાઈ રાખી હોય તેમ થોડી સેકન્ડમાં તો આખી ટોળી ઝાડ પર. ઝાડ પર ચડવામાં કોઈ કાચો નહીં સાહેબ. પણ અશ્કના દાદાના નસીબ સારા કે વજાના બૂંદિયાર નસીબ ! વજાનો ઝાડ પર ચડતા પગ લપસ્યો ને ‘ ઓંય માં ’ એવી તીણી ચીસ નીકળી ગઈ. પેલા દાદા બિચારા, એક નજર ખેતરમાં કરીને બીજે જવા જતા હતા કે ચીસ સાંભળી. ચીસ કોઈ છોકરાની હતી; એમ માન્યું. અમારી ટોળી સિવાય, ઘણા બધા છોકરા અમારી જેમ કરી લે, એની બધાને ખબર. એમને ખાતરી થઈ કે નક્કી કોઈ ખેતરમાં ઘુસ્યું છે. એમનું ધ્યાન અમારી બાજુ જાય ત્યાં તો વજો પણ ઝાડ ઉપર ચડી ગયેલો. દાદાએ ચારે બાજુ નજર કરી પણ ખેતરમાં કોઈ દેખાય નહીં. તેઓ ખેતરમાં આમતેમ ફરીને, અમે જે ઝાડ પર હતા તેની નીચે આવીને ઉભા રહ્યા. જે ડાળી નીચે તેઓ ઉભેલા, તેને વળગીને ટીનો વાંદરાની જેમ લટકે.
“ કોઈકનો અવાજ હતો, ક્યાં ગયો હશે ? નક્કી એ અવાજ ટીનિયાનો કે વજલાનો જ હોવો જોઈએ. ” એમ બબડે. ઉપર રિયા રિયા અમે બધા મનમાં હસીયે. જીગાનું હસવાનું થોડું મુક્ત, આથી મેં એના મોઢે મારો એક હાથ રાખી દીધો. દાદા બબડતાં જાય ને માથે હાથ ફેરવતા જાય. પવનથી એમની ચોટલી ફર ફર ફરકે. એને ફરકતી ચોટલીને જોઈને, ટીનાને ગાંડપણ સુજ્યું. ધીરેથી હાથ લાંબો કરીને એમની ચોટલીને અડ્યો. આથી જીગો જોરથી હસવા જતો હતો પણ મેં એને મહાપરાણે ચૂપ રાખ્યો. ટીનો એટલાથી અટકે તેમ નહીં, એને બીજી વાર ચોટલીને પકડીને સીધી ટટ્ટાર કરી.ચોટલી સિદ્ધિ ટટ્ટાર થઈ એમાં ત્રણ જણ ઝાડ પરથી પડયા. કેમ પડયા ? એની એક ઝલક.
જેવી ટીનાએ ચોટલી પકડી કે દાદાનું ધ્યાન નીચે ગયું. પડછાયામાં એમને દેખાયું કે કોઈ એમની ચોટલી સાથે મજાક કરે છે. અર્જુને જેમ પાણીમાં માછલીનો પડછાયો જોઈને તીર ચલાવેલું, તેમ આ દાદાએ પડછાયામાં જોઈને ટીનાનો હાથ પકડ્યો. અને ટીનો ધબ્બ દઈને નીચે. ચોટલી સીધી કરી એટલે જીગો હસ્યા વગર ના રહી શક્યો, એટલે મેં એના મોઢા પર જોરથી હાથ દબાવ્યો કે એ ય પડી ગયો. અને ત્રીજો, વજો તો બિચારો બીકનો માર્યો પડ્યો. અર્જુન પછી અશ્કાનાં દાદાએ પડછાયા સામે નીચું જોઈને ધાર્યું નિશાન લગાવેલું. જો કે મહાભારતમાં કે બીજા કોઈ ગ્રંથમાં આ ઉલ્લેખ નથી.
ત્યાર બાદ અમારી ટોળી એક અઠવાડિયું તળાવની પાળે મળી શકી નહોતી. કેમ ? બધાને થોડા ઘણા અંશે માર પડેલો. (એકદમ ખાનગી વાત, નરીયાને તો બાથરૂમમાં પૂરી રાખેલો)
No comments:
Post a Comment