–દીનેશ પાંચાલ
માણસ નીત્ય નવી શોધખોળો કેમ કરતો રહે છે તે પ્રશ્નમાં થોડા વધુ ઉંડા ઉતરીએ તો વાત પેલી કહેવત પર આવીને અટકે : ‘નેસેસીટી ઈઝ ધ મધર ઓફ ઈન્વેન્શન’ (જરુરીયાત એ શોધખોળની જનેતા છે). વાત ખોટી નથી. ભુખ ના જન્મી હોત તો ખેતીની શોધ થઈ હોત ખરી ? વસતી–વધારાથી માણસ પરેશાન ના થયો હોત તો એણે કુટુમ્બ–નીયોજનની શોધ ના કરી હોત. ઉંદરો નુકસાન ના કરતા હોત તો માણસે છટકું ના બનાવ્યું હોત. મચ્છરો સખણાં રહ્યાં હોત તો ડી.ડી.ટી. છાટવાની જરુર ના પડી હોત. માણસે વાહનોની ગતી પર નીયન્ત્રણ રાખવા માટે બ્રેક બનાવી; પણ યુવાનો જીવલેણ ગતીની છન્દે ચઢયા તેથી ડામર રોડ વચ્ચે માણસે ટેકરા ઉભા કરવા પડ્યા. અમારા મીત્ર બચુભાઈ કહે છે : ‘ઍક્સીલેટર સાથેનો માણસનો અબૌદ્ધીક વ્યવહાર હદ વટાવે છે ત્યારે ઓર્થોપેડીક હૉસ્પીટલના પાયા નંખાય છે !’
ભાલા, ખંજર, છુરા, ગુપ્તી, તલવાર… એ બધા હીંસા–સંસ્કૃતીના પુર્વજો ગણાય. ભાલા–સંસ્કૃતીનું મોર્ડન કલ્ચર એટલે મશીનગન, રાઈફલ, હેન્ડગ્રેનેડ, અણુબોમ્બ. ફાંસીના માંચડાનો જન્મ તો બહુ પાછળથી થયો. ટુંકમાં જુલ્મગાર, ગુનેગાર અને સીતમગર સમાજમાં હાહાકાર મચાવે ત્યારે કાયદો, કારાગાર અને ફાંસીગરની જરુર પડે છે. તાત્પર્ય એટલું જ કે ચોરી ના થતી હોત તો માણસે તાળાં ના બનાવ્યાં હોત. તાળાં તુટતાં ના હોત તો માણસ ઘરવખરીનો વીમો ના ઉતરાવતો હોત. વીમા કંપની જો અખાડા ના કરતી હોત તો ગ્રાહકસુરક્ષા કોર્ટ સ્થાપવાની જરુર જ ના પડી હોત ! માણસની સમસ્યાઓ અને સમાધાનો એકમેક સાથે(દાંતાવાળાં ચક્રોની જેમ) જોડાયેલાં છે. ઉંટે ઢેકા ના કર્યા હોત તો માણસે કાંઠા કરવાની જરુર પડી હોત ખરી ? ‘જરુરીયાત’ અને ‘શોધખોળ’ એ જીન્દગીના સમાન્તર પાટા પર હાથમાં હાથ નાખીને દોડતી બે સગી બહેનો છે.
માણસે જીવનમાં કાપકુપ ભેગી સાફસુફ પણ કરવી પડે છે. કાતર અને સોય બન્ને વીના એને ચાલતું નથી. મદારીના કરંડીયામાં સાપ અને નોળીયા સાથે રહે, તેમ દરજીના ખાનામાં સોય અને કાતર સાથે રહે છે. સોય અને કાતરની કામગીરી શરુ થાય એ પહેલાં મેઝરટેપ પોતાનો ચુકાદો સંભળાવે છે. ક્યાંથી કેટલું કાપીને દુર કરવું અને ક્યાં કેટલું સાંધવું તેનું સાચું માપ મેઝરટેપ બતાવે છે. મેઝરટેપની ભુમીકા, સોય અને કાતર કરતાં વધુ મહત્ત્વની છે.
મેઝરટેપ એટલે સત્યનો ધરમકાંટો ! દરજીની મેઝરટેપ સીવાય પણ સમાજ પાસે બીજી ઘણી મેઝરટેપો છે.ધર્મની મેઝરટેપ, શીક્ષણની મેઝરટેપ, સમાજની મેઝરટેપ ! પણ એ સૌમાં એક મેઝરટેપ અનોખી છે, અને એ છે ‘વીજ્ઞાન અને સત્ય’ની મેઝરટેપ. તેનું નામ છે : ‘રૅશનાલીઝમ !’ શ્રદ્ધાળુઓની મેઝરટેપ સાથે તેના આંકડા મળતા નથી. તેથી રૅશનાલીઝમનું નામ પડતાં જ તેમનું મોં ચઢી જાય છે. આસ્તીકોની ફુટપટ્ટીમાં દશ ઈંચ હોય છે. નાસ્તીકોની ફુટપટ્ટીમાં ચૌદ ઈંચ હોય છે. એક માત્ર વીજ્ઞાન પાસે ‘બાર ઈંચની સાચ્ચી’ ફુટપટ્ટી છે. દરેક વૈજ્ઞાનીક તારણ પર આઈ.એસ.આઈ.નો માર્કો લાગેલો હોય છે. થોડા વધુ નવા પ્રયોગો કરવાથી પોતાનું જુનું તારણ જુઠ્ઠું સાબીત થાય તો વીજ્ઞાન કશીય નામોશી વગર નવાં સત્યનો સ્વીકાર કરે છે. વીજ્ઞાનની એક ટેવ પર અમે આફરીન છીએ કે તે ‘સોનાને સોનું’ અને ‘કથીર ને કથીર’ કહી દેવામાં કોઈની સાડાબારી રાખતું નથી. પણ માણસ એટલો ચોક્કસ નથી. પાકી ચકાસણી કર્યા પછી જ સોના–ચાંદીને ખરીદતો માણસ, ભગવાનના મામલામાં જરાય ગંભીર નથી. તે જ્યાંથી જેવો મળ્યો તેવો ભગવાન હોલસેલના ભાવમાં તે ખરીદી લે છે. વીજ્ઞાનના ઘડીયાળમાં તો સત્યના સાચા ટકોરા જ પડે છે.
આસ્તીક–નાસ્તીક વચ્ચે હમ્મેશાં એક અદૃશ્ય ગજગ્રાહ ચાલતો આવ્યો છે. બન્ને સમ્પુર્ણ સાચા ના હોઈ શકે અને સમ્પુર્ણ ખોટા પણ ના હોઈ શકે. પણ સત્ય તો એક જ હોય છે ! અર્થાત્ બેમાંથી કોઈ એકની પાસે અસત્ય છે. દરેક જણ પોતાની વાત જ સાચી છે એવી જીદ પર અડી જાય ત્યારે વીજ્ઞાનની બાર ઈંચવાળી અસલી ફુટપટ્ટીની જરુર પડે છે. આસ્તીક સમકક્ષ કોઈ અજાણ્યા બાળકને એમ કહી રજુ કરવામાં આવે કે, આ તમારો નાનપણમાં ખોવાઈ ગયેલો દીકરો છે, તો તે કોઈપણ ચકાસણી વીના સ્વીકારી લે છે. નાસ્તીકોનું દુ:ખ એ છે કે ખુદ તેમનાં માબાપ હાથ જોડીને કહે કે અમે જ તારાં માબાપ છીએ તો પણ તેઓ ડી.એન.એ. ટેસ્ટ કરાવવાની જીદ પકડે છે. બન્ને વચ્ચે કેવળ સત્યની જ લડાઈ હોત, તો સત્ય સાબીત થયા પછી હાર–જીતની નામોશી વીના સૌએ તે સ્વીકારી લીધું હોત. પણ બન્ને ઈચ્છે છે કે મારી પાસે જે છે તેને જ સામેવાળો સત્ય તરીકે સ્વીકારે. કોઈ પોતાની મમત છોડવા માગતું નથી.
ન્યાયનો તકાદો એ છે કે પ્રત્યેક બૌદ્ધીકે એવું વલણ રાખવું જોઈએ કે આસ્તીક–નાસ્તીક જે માનતા હોય તે, પણ વીજ્ઞાન દ્વારા જે છેવટનું સત્ય બહાર આવે તે જ સાચું. મુશ્કેલી એ છે કે વીશ્વભરના તમામ વીજ્ઞાનીઓમાં પણ ઈશ્વર અંગે મતમતાન્તરો પ્રવર્તે છે. એ સંજોગોમાં શું કરવું ? આખો પ્રશ્ન ભવીષ્ય પર છોડી દઈ સૌએ પોતપોતાનું કામ કરતાં રહેવું જોઈએ. આમેય ઈશ્વરની ચર્ચા કેવળ બૌદ્ધીક વ્યાયામ છે. ઈશ્વર હોય કે ન હોય, માનવીની રોજીન્દી જીન્દગીમાં તેનાથી કશો ફરક પડતો નથી. ઈશ્વરનું અસ્તીત્વ સાબીત થવાથી આસ્તીકોના દુ:ખ–દર્દો ઓછાં થઈ જવાનાં નથી. ઈશ્વર નથી એવું સાબીત થાય તો નાસ્તીકોનું કલ્યાણ થઈ જવાનું નથી.
આનન્દની વાત એ છે કે વીજ્ઞાનના મન્દીરમાં રૅશનાલીઝમનો દીવડો જલે છે. એ દીવડાનું ‘તેલ’ એટલે ‘બુદ્ધી’ ! એ બુદ્ધીના બલ્બ વડે ઉત્તમોત્તમ સંશોધનો થઈ રહ્યાં છે. વીજ્ઞાનના આકાશમાં રૅશનાલીઝમનો ધ્રુવતારક સદા ચમકતો રહેશે. બાવીસમી સદીમાં પણ સાયન્સનો સુરજ ઝળહળતો રહેશે. ચીન્તનના ચોકબજારમાં ચર્ચાની ચોપાટ પર સત્યનાં સોગટાં રમાતાં રહેશે. રૅશનાલીઝમ અને વીજ્ઞાન હવે પ્રચારના ઓશીયાળાં રહ્યાં નથી. એકવીસમી સદી, ‘વીજ્ઞાન’ અને ‘સત્ય’નાં બીમ–કૉલમ પર ઉભી છે. આજનાં બાળકો રૅશનાલીસ્ટ બનીને જન્મે છે. તેઓ ખેલદીલીથી સત્યનો સ્વીકાર કરે છે. એ બાળકો દોરા–ધાગા, તાવીજ–માદળીયાં અને લીંબુ–મરચું મ્યુઝીયમમાં રાખી મુકશે. બાવીસમી સદીમાં તેમનાં બાળકો તેમને પુછશે, ‘ડેડ, વૉટ ઈઝ ધીસ?’ તેઓ જવાબ આપશે, ‘ધીઝ આર ધ ‘સીમ્બોલ્સ’ ઓફ ‘બ્લાઈન્ડ ફેઈથ’ ઓફ અવર ફોરફાધર્સ !’
–દીનેશ પાંચાલ
No comments:
Post a Comment