Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

22 August 2016

સફળતાની ચાવી – પારસ છત્રોલા

સફળતાની ચાવી – પારસ છત્રોલા

[આ કૃતિના સર્જક શ્રી પારસ છત્રોલા, સી.યુ. શાહ કૉલેજ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી (વઢવાણ, સુરેન્દ્રનગર)ના ચોથા વર્ષમાં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થી છે. અભ્યાસની સાથે સાહિત્ય-વાંચન અને લેખનનો તેમને શોખ છે.  તેમનો વાર્તા લખવાનો આ પ્રથમ પ્રયાસ છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે પારસભાઈનો ખૂબ ખૂબ આભાર. લેખન અને નવસર્જન માટે તેમને શુભકામનાઓ. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : paras6464@yahoo.com ]
ડેલીની સાંકળ ખોલીને પિતાંબરભાઈ અંદર પ્રવેશ્યા. ખેતીના ઓજારો પરસાળમાં મૂકીને તેમણે ચારેકોર નજર ફેરવી. ખાટ પર ખૂણામાં રમેશ ચૂપચાપ બેઠો હતો. તેમને નવાઈ લાગી. રોજ જ્યારે ડેલીની સાંકળ ખખડે કે તરત રમેશ દોડી આવે. હાથમાંથી સાધનો લઈને બાજુએ મૂકે. પાણીનો જગ ભરીને તૈયાર ઊભો રહે. આજે આમ કાં ? કંઈ બોલ્યા વગર રમેશ સૂનમૂન બેસી કાં રહ્યો હશે ? ચોક્કસ કંઈક નવાજૂની થઈ હશે. શાળામાં કોઈની સાથે ધમાલ કરી હશે ? કંઈક મૂકી આવ્યો હશે એટલે બા વઢી હશે ? અરે હા… આજે તો એની ત્રિમાસિક પરીક્ષાનું પરિણામ હતું…. કંઈક ગરબડ લાગે છે… પિતાંબરભાઈ મનોમન વિચારી રહ્યા.
ગામડાગામમાં પિતાંબરભાઈનો પેઢીઓથી ખેતીનો વ્યવસાય. પોતે તો કંઈ ભણેલા નહીં પરંતુ બદલાતા જમાનાની રજેરજની ખબર રાખતા; અને એટલે જ બાળકોના અભ્યાસ માટે ખાસ કાળજી રાખતા. શિક્ષણનું મહત્વ સમજાવીને ગામડાના અભણ લોકોને જાગૃત કરવાની કોશિશ કરતા. રમેશને શહેરની શાળાએ મૂકવાની વાત આવી ત્યારે સુલોચનાબહેને ધરાર વિરોધ કર્યો હતો. પહેલા ધોરણમાં ભણતું બાળક સ્કૂલબસમાં એકલું કેવી રીતે જઈ આવી શકે એ જ તેમને નહોતું સમજાતું. પરંતુ પિતાંબરભાઈની પ્રેમભરી સમજાવટ પછી દીકરાના ભવિષ્ય માટે તેઓ તૈયાર થયા હતા. તેમની દીર્ધદષ્ટિને કારણે ગામના છોકરાઓ રમતગમતમાં સમય પસાર કરતા હતા ત્યારે રમેશ પહેલા ધોરણથી સ્કૂલબસમાં બેસીને શહેરની શાળામાં ભણતો થયો હતો.
સમય વીતતાં રમેશ આજે સાતમા ધોરણ સુધી પહોંચ્યો હતો. પરંતુ પિતાંબરભાઈને મન ચિંતાની વાત એ હતી કે તે દિવસે દિવસે અભ્યાસમાં નબળો પડી રહ્યો હતો. ભણવા કરતાં તેનું મન રમત-ગમત તરફ વધારે લાગવા માંડ્યું હતું. જો કે પિતાંબરભાઈ સમજતા હતા કે જીવનમાં રમતગમતનું પણ એક સ્થાન છે; ઉંમર પ્રમાણે તેની પણ એક જરૂરિયાત છે. આથી તેઓ રમેશને ઘણીવાર સલાહ આપતાં કે ‘ભણવાના સમયે ભણી લેવું અને રમવાના સમયે રમી લેવું.’ શિક્ષણ પ્રત્યે તેમનું વલણ જડ નહોતું. રમેશનો સર્વાંગી વિકાસ થાય એ માટે તેઓ જુદા જુદા રમતગમતના સાધનો, ઈતર વાંચનના પુસ્તકો, સાયન્સ મેગેઝીન અને વાર્તાના પુસ્તકો વગેરે લાવતા રહેતા. પોતે અભણ હોવા છતાં બાળકને વૈચારિક પરિપક્વતા કેવી રીતે ખિલવવી તે બાબતે તેઓ ઊંડી કોઠાસૂઝ ધરાવતા હતા. પરંતુ આ બધા સાથે રમેશનું અભ્યાસમાં મન લાગવું પણ અત્યંત જરૂરી હતું.

પિતાંબરભાઈના સતત માર્ગદર્શન નીચે આ વખતે રમેશે ત્રિમાસિક પરીક્ષાની બરાબર તૈયારી કરી હતી. તેને આશા હતી કે આ વખતે પોતે સારા માર્ક્સે જરૂર ઊતીર્ણ થશે. પરંતુ આજે તેનું આમ મૌન થઈને બેસી જવું પિતાંબરભાઈને અકળાવી રહ્યું હતું. કંઈક અજૂગતું બની ગયાની તેમને શંકા હતી. હાથ-પગ ધોઈને તેઓ રમેશની પાસે જઈને ખાટ પર બેઠા. ધીમે રહી તેના માથે હાથ મૂકીને પૂછ્યું :
‘શું થયું બેટા ? કેમ આજે આટલો શાંત બેઠો છે ?’
રમેશે કંઈ જવાબ ન આપ્યો.
‘બેટા, કંઈ તકલીફ છે ? વાત કરે તો સમજ પડે ને ?…..’
રમેશ હજુ કંઈ બોલવાની શરૂઆત કરે એ પહેલા જ બહાર આવતાં સુલોચનાબહેને ધડાકો કર્યો : ‘તમારો ગગો પરીક્ષામાં નાપાસ થઈને આવ્યો છે. તમે કહેતા હતા ને કે એ તો શહેરમાં જઈને સારું સારું ભણશે અને બહુ આગળ વધશે, તે જુઓ આ પરીક્ષામાં મીંડુ વાળીને આવ્યો છે. હું તો પહેલેથી જ કહેતી હતી કે એને ગામની નિશાળમાં ભણાવો. આપણો ખર્ચો અને સમય બેઉ બચે. એની પર ધ્યાન પણ રહે. નિશાળેથી છૂટીને બે કામમાં આપણને મદદેય કરે. પણ તમને તો…..’
‘બસ… હવે તો બંધ થા !’ પિતાંબરભાઈએ વાત કાપી નાખતાં કહ્યું, ‘છોકરો હજી નાનો છે. એણે મહેનત કરી હોવા છતાં એ નાપાસ થયો છે. શું તારી બૂમો પાડવાથી એ પાસ થઈ જવાનો છે ? ભણે તો ક્યારેક નપાસ પણ થાય. એમાં બગડી શું ગયું ? આમ ખિજાવવાથી બાળકના મનમાં કેવા ખરાબ વિચારો ઘર કરી જાય એનો ખ્યાલ છે તને ?’
પિતાંબરભાઈએ રમેશ તરફ ફરીને કહ્યું : ‘બેટા, ચિંતાના કરીશ. જે થયું તે ભૂલી જા. તેં મહેનત તો કરી જ છે. હજી થોડી વધારે મહેનત કર. જે જે વિષયમાં તને ઓછા માર્ક્સ મળ્યા હોય એમાં કાળજી રાખીને એકધ્યાનથી તૈયારી કર. જેમાં તારો પાયો કાચો પડતો હોય એમાં શિક્ષકની સલાહ લે. તારા અભ્યાસની જે નબળી બાજુ તને દેખાય એને એવી મજબૂત કરી દે કે ફરી નાપાસ થવાની નોબત જ ન આવે. તું જો બરાબર અભ્યાસ કરીશ તો આવતી ત્રિમાસિક પરીક્ષામાં ચોક્કસ પાસ થઈ જઈશ. ગભરાવાની કોઈ જરૂર નથી. ભણીયે તો ક્યારેક એવું થાય પણ ખરું.’
‘હા પપ્પા. હું જરૂર ફરીથી બરાબર મહેનત કરીશ. રમતમાં ધ્યાન નહીં આપું.’
‘ના બેટા. હું તને રમતગમત બંધ કરવાની નથી કહેતો. તારી ઉંમર પ્રમાણે તારે બધી જ વસ્તુમાં રસ લેવો જરૂરી છે પરંતુ અભ્યાસ ફક્ત રમતો બંધ કરવાથી નથી થતો. તારે એમાં બીજી પ્રવૃત્તિ જેટલો જ ઊંડો રસ અને એકાગ્રતા રાખવા પડશે તો જ તું સારા માર્કથી પાસ થઈ શકીશ.’
‘જી પપ્પા. હું હવે એ વાતનું બરાબર ધ્યાન રાખીશ.’
અશિક્ષિત હોવાને કારણે પિતાંબરભાઈ રમેશને ભણવામાં મદદ કરી શકે તેમ નહોતા પરંતુ દરેક બાબતમાં તેમનો રમેશને ખૂબ સહકાર રહેતો. તેઓ અણીના સમયે તેને હિંમત બાંધી આપતા અને એ હિંમતને સહારે રમેશ આગામી છમાસિક પરીક્ષાની તૈયારીમાં પૂરેપૂરો લાગી ગયો હતો. આ વખતે તેણે ખૂબ વ્યવસ્થિત મહેનત કરી. પરીક્ષાના દિવસો વીત્યાં અને ફરી પરિણામની તારીખ આવીને ઊભી રહી. પિતાંબરભાઈને વિશ્વાસ હતો કે આ વખતે રમેશની મહેનત જરૂર રંગ લાવશે. તેણે આ વખતે બરાબર મન લગાવીને અભ્યાસ કર્યો છે એટલે સારા માર્ક્સ તો આવવા જ જોઈએ. પરંતુ આ ઉત્સાહ બહુ લાંબો સમય ટક્યો નહિ. ખેતરેથી ઘર તરફ આવતાં, રસ્તામાં પાડોશના છોટુએ સમાચાર આપી દીધા કે રમેશ આ વખતે પણ નાપાસ થયો છે… પિતાંબરભાઈ કંઈક ઉદાસ બની ગયા. શું કરવું એમને સમજાયું નહિ. ઘરે આવતાંની સાથે ફરી રમેશનો ઉદાસ ચહેરો દેખાયો. પિતાને જોઈને રમેશ રડી પડ્યો….
‘રડ નહિ બેટા… મને છોટુએ વાત કરી. ગભરાવાની કોઈ જરૂર નથી…. જીવન છે તો એવું ચાલ્યા કરે.’
‘પણ પપ્પા… મેં બરાબર મહેનત કરી હતી…. સાચું કહું છું.’
‘હા બેટા, હું જાણું છું કે તેં ખરેખર બરાબર મહેનત કરી હતી. મને ખ્યાલ છે. તેમ છતાં તું નાપાસ થયો છે એટલે જરૂર તારા લખાણમાં હજી કંઈક કચાશ છે. શું તે બધા જ ઉત્તરો બરાબર લખ્યા હતા ?’
‘હા પિતાજી. પરંતુ પરીક્ષાના સમયમાં એક ડર પેસી ગયો હતો કે હું ફરી નાપાસ થઈશ તો ? આથી જે પ્રશ્નો મેં બરાબર તૈયાર કર્યા હતા, એમાં કેટલાકના જવાબ હું ભૂલી ગયો હતો….’
જીવનના અનુભવી પિતાંબરભાઈને હવે કંઈક ગેડ બેઠી. આ તો અણીના સમયે વાવેતર ચૂકી ગયા જેવું થયું ! જે સમયે બીજ રોપાવું જોઈએ એ સમય ચૂકી જવાય પછી તો શા કામનું ? રમેશના ડરને તેઓએ ઓળખી લીધો. આ એક લઘુતાગ્રંથી હતી જે રમેશના બાળચિત્તમાં સજ્જડ બનીને ચોંટી ગઈ હતી. રાત્રે પથારીમાં સૂતાં સૂતાં પિતાંબરભાઈનું ચિત્ત વિચારોના ચગડોળે ચઢ્યું. કેમ કરતાં રમેશની આ ગ્રંથી તોડી શકાય ?…. શું કરતાં એનો આત્મવિશ્વાસ પાછો લાવી શકાય ?….. આ ભયને કારણે રમેશ મહેનત કરવા છતાં પાછો પડી જાય છે…. એનો ઉકેલ શું…. ? પોતે ભણેલા હોત તો કોઈ પુસ્તક વાંચીને પણ એના મનનું સમાધાન કરી શકયા હોત…. પિતાંબરભાઈને થોડો અફસોસ થયો… પરંતુ અચાનક એમને એમના મિત્રે કહેલી એક ઘટના યાદ આવી અને એમાં તેમને રમેશની સમસ્યાની ચાવી જડી ગઈ.
થોડા વર્ષ અગાઉ એમના મિત્રે પિતાંબર ભાઈને વાતવાતમાં એક ઘટના કહી સંભળાવી હતી… કે એક ડૉક્ટર હતા. સ્વભાવે સારા અને બધાનો ઉપચાર પણ સારી રીતે કરતા. એક સમયે કોઈક કારણસર તેઓ સાજામાંદા રહેવા લાગ્યા. તપાસ કરાવતાં ખબર પડી કે તેમને કેન્સરની ગાંઠ છે. ઘણી સારવાર કરી પણ આ મહારોગે કંઈ મચક આપી નહીં. આખરે તેઓ થાક્યા અને એમણે નક્કી કર્યું કે રોજ રાત્રે એમ બોલીને સૂવું કે ‘મને સારું થઈ જશે. હું નિરોગી છું અને નિરોગી રહીશ.’ પાંચથી દસ મિનિટ આમ બોલીને સૂઈ જવું. નિયમપૂર્વક તેમણે અભ્યાસ આદર્યો અને પરિણામ એ આવ્યું કે કોઈપણ ઑપરેશન વગર એમને એ ગાંઠ મટી ગઈ…. પિતાંબરભાઈને રમેશ માટે આ પ્રયોગ કરવાની ઈચ્છા થઈ આવી.
બીજા દિવસે પુત્ર રમેશને બોલાવીને પિતાંબરભાઈને કહ્યું કે : ‘તારે રોજ અભ્યાસ નિયમિતરૂપે કરવો પરંતુ રાત્રે સૂતી વખતે દશ મિનિટ એમ બોલીને સૂવું કે… “હું બરાબર મહેનત કરું છું અને મારું પરિણામ સારું જ આવશે.” એમ બોલીને અભ્યાસના પાઠ મનોમન યાદ કરીને સૂઈ જવું….’ રમેશે પિતાની વાતનો તાત્કાલિક અમલ શરૂ કરી દીધો. રોજના નિયમિત અભ્યાસ સાથે પિતાજીએ કહેલી વાત એ મંત્રની પૂર્વક રટવા લાગ્યો. પિતાંબર ભાઈને પણ વિશ્વાસ હતો કે આ વખતે રમેશ તેની બધી નબળાઈઓ પર જરૂર વિજય મેળવશે.
વાર્ષિક પરીક્ષાના દિવસો શરૂ થયા. એક પછી એક પેપર સરસ રીતે જવા લાગ્યા. પિતાજીએ કહેલી વાત રમેશ હજી ભૂલ્યો નહોતો. પરીક્ષાના પેપરોની તૈયારી સાથે તેનું પેલું રટણ પણ ચાલું જ હતું. આ વખતે તેનો ઉત્સાહ બેવડાયો હતો અને એટલે જ તમામ પેપરો સ્વસ્થતાથી પસાર કરીને રમેશ ઉનાળુ વેકેશનની મજા માણવા મામાને ઘેર નિશ્ચિંત બનીને પહોંચી ગયો. આ તરફ પિતાંબરભાઈ થોડી ચિંતા સાથે પરિણામના દિવસો ગણી રહ્યા હતા. બે દિવસ બાકી રહ્યા એટલે તેમણે રમેશને મામાને ઘેરથી તેડાવ્યો.
પરિણામના દિવસની સવારથી જ સૌના મન અદ્ધર હતા. પરીક્ષા તો સામાન્ય પ્રાથમિક શાળાની હતી પરંતુ રમેશના ત્રિમાસિક અને છમાસિક પરિણામોને જોતાં પિતાંબરભાઈને થોડો ઉચાટ હતો. જો કદાચ વાર્ષિક પરીક્ષામાં એવું કંઈક થશે તો એનું એક આખું વર્ષ બગડશે અને લોકો મહેણું મારશે એ જુદું. પરિણામ લેવા પિતાંબરભાઈ અને રમેશ સમયસર શાળાએ જઈ પહોંચ્યા.. શાળામાં પગ મૂકતાંની સાથે જ તેના વર્ગના વિદ્યાર્થીઓ રમેશને ઘેરી વળ્યા… રમેશ વિચારમાં પડી ગયો. કે જે લોકો તેને ઠોઠ ગણીને તેની આસપાસ પણ ફરકતા નહોતા, એ આજે પોતાને ઘેરીને કેમ ઊભા છે ?… ત્યારે ટોળામાંથી એક વિદ્યાર્થીએ રમેશને બૂમ પાડીને કહ્યું કે તે વર્ગમાં દ્વિતિય ક્રમે ઊતીર્ણ થયો છે…!! આનંદમાં રમેશ પિતાજીને વળગી પડ્યો… પિતાંબરભાઈ પણ રમેશને ભેટીને ખુશખુશાલ થઈ ઊઠ્યા. એક હકારાત્મક અભિગમ કેટલું સુંદર પરિણામ લાવી શકે તેનો તેમને જાણે સાક્ષાત્કાર થયો. જો પોતે ખિજાઈને રમેશને ધમકાવ્યો હોત તો આજે આટલું સુંદર પરિણામ મળી શકત નહીં. રમેશના પરિણામથી તેમણે પરમ શાંતિ અને સંતોષનો અનુભવ કર્યો.

બધા વિદ્યાર્થીઓ રમેશને જ્યારે આ સફળતાનું રહસ્ય પૂછતાં ત્યારે તે હસીને કહેતો કે એની ચાવી તો મારા પિતાજી પાસે છે…..

No comments:

Post a Comment

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી