વીધવા અને ત્યક્તા મહીલાઓ
પ્રત્યે સમાજ કેવો વ્યવહાર કરતો હોય છે ?
–રોહીત શાહ
વૈધવ્ય એ કુદરતી બાબત છે, જ્યારે પતીથી છુટા પડવું એ માનવસર્જીત બાબત છે. પહેલી સ્થીતીમાં લોકોની ચપટી સીમ્પથી મળે છે; પરન્તુ બીજી પરીસ્થીતીમાં તો પારાવાર બદનામી અને ટીકાઓનો સામનો કરવો પડે છે
મૅરેજ પછી સ્ત્રીના જીવનમાં આવતી સૌથી વધુ દુ:ખદ પરીસ્થીતીઓ બે છે : વૈધવ્ય અને ત્યક્તા.
આ બે દુ:ખદ પરીસ્થીતીઓમાં પહેલી પરીસ્થીતી પ્રાકૃતીક છે અને બીજી પરીસ્થીતી માનવસર્જીત છે.
લગ્ન વખતે કોઈ પણ સ્ત્રીને ‘અખંડ સૌભાગ્યવતી ભવ’ એવા આશીર્વાદ અપાય છે એમાં સ્ત્રીને પ્રથમ દુ:ખદ પરીસ્થીતી (વૈધવ્ય)થી બચાવવાની વાત છે. તેના જીવનમાં વૈધવ્યના તાપ–પરીતાપ અને સન્તાપ ન આવે એવા આશીર્વાદ અપાય છે. પુરુષપ્રધાન સમાજ રચનામાં સ્ત્રીનું સૌભાગ્ય પુરુષ હોય એ સ્વાભાવીક જ છે. એ સૌભાગ્ય અખંડ રહે એટલે કે પુરુષ (પતી) દીર્ઘાયુષી બને એવો પક્ષપાત પણ એમાંથી સંભળાય છે.
ઘણા વડીલો માને છે કે પાછલી વયે વીધુર થયેલો પુરુષ વીધવા સ્ત્રી કરતાં વધારે રીબાઈ–રીબાઈને જીવતો હોય છે. સ્ત્રી વીધવા થઈ હશે તોય તદ્દન ઓશીયાળી નહીં થાય. બહુ–બહુ તો થોડી આર્થીક સમસ્યાઓ નડે એટલું જ; પરન્તુ બાકીનાં કામકાજ જાતે કરીને તે સમાધાન કરી લેશે. પુરુષને ન તો રસોઈ કરતાં આવડે, ન કપડાં–વાસણ જેવું ઘરકામ આવડે. પાછલી ઉમ્મરે સન્તાનો સાથે વીધુર પુરુષોનો મેળ ન જામે તો આર્થીક રીતે ગમે તેટલો સુખી હોય તોય પુરુષ ડગલે ને પગલે દુ:ખી થતો જ રહે છે. વીધવા સ્ત્રી ગરીબ હશે તો પારકા ઘરે વાસણ–કપડાં કે રસોઈનું કામ કરી આપીનેય પોતાનો નીર્વાહ કરી લેશે. વીધવા માતાએ પોતાનાં બે કે ત્રણ–ચાર સન્તાનોને ઉછેર્યાં હોય, ભણાવ્યાં–ગણાવ્યાં હોય એવું ઘણે ઠેકાણે જોવા મળે છે. વીધુર પુરુષને જો નાનાં સન્તાનોની જવાબદારી હશે તો તેણે મોટે ભાગે સેકન્ડ મૅરેજ કરી જ લીધાં હશે !
વીધવા થવું અને ત્યક્તા થવું આ બે બાબતોમાં પ્રથમ બાબત માટે સમાજ થોડો ઉદાર અને સહાનુભુતીસભર વ્યવહાર રાખે છે જ્યારે બીજી બાબત માટે સમાજ (ભલે કશું સત્ય જાણતો ન હોય) ટીકાખોર બની જાય છે. પુરુષનો દોષ હશે તોય બદનામી તો ઘણું ખરું ત્યક્તા સ્ત્રીની જ થશે.
અલબત્ત, મૅરેજ પછી એક–બે વર્ષમાં જ પતીનું અવસાન થાય તો સ્ત્રીને ‘કાળમુખી’, ‘છપ્પરપગી’, અને ‘અભાગણી’ જેવાં વીશેષણોથી હડધુત કરવાની ક્રુરતા પણ આપણો સમાજ બતાવતો હતો. નાની ઉમ્મરે પતીના અવસાન માટે પત્નીને (તેનાં અપશુકનીયાળ પગલાં–આગમનને) દોષીત માનવામાં આવતી હતી. એવી વીધવાને સાસરીયાં મહેણાં–ટોણાં મારીને તેના પર ત્રાસ ગુજારતાં. તેના પુનર્લગ્ન કરાવવાની વાત તો દુર રહી; તેનું જીવવું હરામ કરી મુકવામાં આવતું ! એક તરફ કુદરતે તેનો લાઈફ–પાર્ટનર નાની ઉમ્મરે છીનવી લઈને તેના હૈયાને જખમી કર્યું હોય, એ જખમ પર સમાજના કહેવાતા ઠેકેદારો અને કઠોર સાસરીયાં મહેણાં–ટોણાંનું મીઠું ભભરાવતાં હોય, એવી ક્ષણે તે યુવાન વીધવાને કેવી પીડા થતી હશે !
હા, જો કોઈ સ્ત્રી મોટી ઉમ્મરે વીધવા થઈ હશે તો સમાજ તેના પ્રત્યે સહાનુભુતી બતાવશે. તેને બીચારી–બાપડી કહીને મદદ પણ કરશે. જો તેનાં સન્તાનો સંસ્કારી હશે અને ઠરીઠામ થયેલાં હશે તો તેવી વીધવા સ્ત્રીને ઝાઝા સન્તાપ નહીં પજવે. જ્ઞાતીબન્ધુઓ, આડોશ–પાડોશના લોકો, સાસરીયાં અને સ્વજનો ઉપરાન્ત પીયર પક્ષ તરફથી પણ વીધવા સ્ત્રીને હુંફ–રાહત મળતાં રહેતાં હોય છે.
વીધવા કરતાં ત્યક્તા સ્ત્રીની દશા ભારે ભુંડી હોય છે. ત્યજાયેલી સ્ત્રી ગમે તેટલી સંસ્કારી હશે તો પણ તેને ચારીત્ર્યહીનનું લેબલ લાગી જશે. લોકો છાની રીતે ટીકાઓ કરવા માંડશે. ‘બહેનબાનાં લખ્ખણ પહેલેથી જ ખરાબ હતાં. તેના પતીએ તેને તગેડી મુકી!’ એટલું જ નહીં; જો ત્યક્તા સ્ત્રી યુવાન અને થોડીક રુપાળી હશે તો હવસખોર પુરુષોનાં ઝુંડ તેને ઘેરી વળશે. ઉપર–ઉપરથી તેને હેલ્પ કરવાનો ઢોંગ કરશે, તેના પ્રત્યે સહાનુભુતી રહેશે. ત્યક્તા સ્ત્રીઓનો પક્ષ લેનારું ભાગ્યે જ કોઈ મળી આવતું હોય છે. જો તેવી સ્ત્રી કોઈ પરાયા પુરુષની બદદાનતનો શીકાર બની હશે તો સમાજ તે સ્ત્રીની ટીકા કરવામાં ઓર ક્રુર થઈ જશે. સમાજ કહેશે : ‘તેના આ કુચરીતરને કારણે તેના પતીએ તેને તગેડી મુકી તોય હજી તે સુધરી નથી ! હજી તો તે કેટલાય પુરુષોના પડખે જઈને પોતાનું મોઢું કાળું કરાવતી રહે છે !’ તેને રાંડ–રંડી જેવાં હલકાં વીશેષણોથી ઉતારી પાડવામાં આવશે.
આપણે ત્યાં અગ્નીપરીક્ષા આપવાની હોય કે સતી થવાનું હોય એ બધું સ્ત્રીઓ માટે જ હોય છે. આજે પણ અગ્નીપરીક્ષાઓમાંથી અનેક સ્ત્રીઓને સતત પસાર થવું જ પડતું હોય છે. આજની એજ્યુકેટેડ અને વર્કીંગ વુમન હવે પહેલાંના જેટલી ઓશીયાળી–પરાવલમ્બી રહી નથી. વળી, કાનુન પણ તેને હેલ્પ કરે છે એટલે આજની સ્ત્રી પ્રમાણમાં ખુબ સેલ્ફ–ઈન્ડીપેન્ડન્ટ બની છે. તે કોઈના માથે બોજરુપ નથી બનતી; ઉલટાનું આખા પરીવારનો બોજ નીર્વાહ કરવાની ક્ષમતા તે બતાવે છે ! તો પણ બૉસ ! ત્યક્તા સ્ત્રીએ તો સમાજની ટીકાઓનાં તીર આરપાર વેઠવાં જ પડતાં હોય છે. બહુ ઓછી સ્ત્રીઓ બીન્દાસ થઈને જીવતી હોય છે. બીન્દાસ સ્ત્રીને સમાજની કશી પરવા નથી હોતી કે બદનામીનો તેને ભય નથી હોતો.
સમાજ ક્યાંથી ટકશે ?
ત્યક્તા સ્ત્રીઓ પ્રત્યે સમાજે તટસ્થ વ્યવહાર કરવાનું શીખવું જોઈએ. જો સ્ત્રીનો વાંક હોય, તેણે કંઈ ખોટું કર્યું હોય અને તેના પતીએ તેનો ત્યાગ કર્યો હોય તો તેવી સ્ત્રીને પ્રાયશ્ચીત્ત કરવાની તક આપવી જોઈએ. સ્નેહ અને સહાનુભુતીપુર્વક તેની પાછલી જીન્દગી વીતી શકે એવી વ્યવસ્થા પુરી પાડવી જોઈએ. જો પતી કે સાસરીયાં દોષીત હોય તો તેમને તે સ્ત્રી તરફ સારો વ્યવહાર કરવા સમજાવવાં જોઈએ. લગ્ન ભલે વ્યક્તીગત બાબત છે; પરન્તુ આખરે તો એ એક સમાજ–વ્યવસ્થા છે. એનો આદર નહીં થાય તો સમાજ ક્યાંથી ટકી શકશે ?
ના હેલ્પ, ના હુંફ !
ઘણી વખત ત્યક્તા સ્ત્રીને તેનાં સાસરીયાં તરફથી જે નહોર માર્યાં હોય છે એના ઉઝરડા તેને લાઈફ–ટાઈમ દઝાડ્યા કરતા હોય છે. ક્યારેક તો જડ પીયરીયાં પણ ત્યક્તા સ્ત્રી માટે સહાનુભુતી રાખતાં ન હોય એવું બને છે. પીયરમાં મા–બાપ હોય તો ચપટી હુંફ કદાચ મળી જાય; પણ મા–બાપ ન હોય અને ભાઈ–ભાભીના શરણે જઈને રહેવાનું હોય ત્યારે તેને ભાગ્યે જ આવકાર અને હુંફ મળતાં હોય છે. જે બહેન સાથે બાળપણમાં ભરપુર મસ્તી–તોફાન કર્યાં હોય, જેને હાથે રાખડી બન્ધાવીને પોતે રાજી–રાજી થતો હોય, તે જ બહેન ત્યક્તા બનીને આવે તો ભાઈ પણ મોઢું મચકોડતો હોય છે ! સાસરે રહેતી સુખી બહેન પ્રત્યે ભાઈઓ ગમે તેટલું વહાલ વરસાવતા હશે; પરન્તુ કોઈ દુર્ભાગી પળે બહેનને ભાઈની હેલ્પ કે હુંફ જોઈતી હશે, ત્યારે ભાઈ ભાગ્યે જ તેની સાથે રહેશે ! ક્યારેક ભાઈ ઈચ્છે તો પણ ભાભી રીમોટ કન્ટ્રોલ દ્વારા ભાઈના મોઢે ‘ના’ પડાવી દે છે અને બહેનને સ્વતન્ત્ર–એકલાં રહેવાનું કહી દેવામાં આવે છે. ઘણી ત્યક્તા સ્ત્રીઓને બે–બે, ત્રણ–ત્રણ ભાઈઓ હોવા છતાં એકલાં રહીને ઢસરડા કરવા પડે છે. (જો કે કેટલીક રંગીન–શોખીન મીજાજની સ્ત્રીઓ સ્વતન્ત્ર રહેવાનું જ પસન્દ કરતી હોય છે.)
–રોહીત શાહ
No comments:
Post a Comment