શેરને માથે સવા શેર – હાસ્ય સપ્ત રંગી- વિનોદ પટેલby Vinod R. Patel |
“સ્ત્રીની બુદ્ધિ પાનીએ” જેવી સ્ત્રીઓને ઉતારી પાડતી કહેવતોનો જમાનો આજે તો ક્યારનો ય પાછળ વહી ગયો છે. આજે મહિલાઓ પુરુષ સમોવડી જ નહી પરંતુ કેટલાક સ્થાનોએ તો એમના કરતાં એક કદમ આગળ ચાલી રહેલી જોઈ શકાય છે.એમ છતાં સદીઓ જૂની ટેવના માર્યા કેટલાક પુરુષો હજુ પણ સ્ત્રીઓ તરફ નિમ્ન અને અપમાનિત દ્રષ્ટીએ જોતા હોય છે.
સ્ત્રીઓની બુદ્ધિને પડકારવાની હરકત કોઈ વાર પુરુષોને કેવી ભારે પડી શકે છે અને એના જવાબમાં સ્ત્રીઓ શેરને માથે સવા શેર કેવી રીતે સાબિત થાય છે એ નીચે આપેલ બે રમુજી હાસ્ય કથાઓમાં જોઈ શકાશે.આ બે કથાઓ રમુજ પીરસી હળવા તો કરે છે જ એની સાથે સાથે સ્ત્રી શશક્તિકરણની ભાવનાને પણ ઉજાગર કરે છે.
શેરને માથે સવા શેર .... રમુજ કથા -૧
અમેરિકાના ૪૨મા પ્રેસીડન્ટ બીલ ક્લીન્ટનનાં પત્ની અને ૨૦૧૬ ની પ્રેસીડન્ટની ચુંટણીમાં ડેમોક્રેટિક પક્ષનાં ઉમેદવાર હિલરી ક્લીન્ટન બુદ્ધિ ચાતુર્યમાં એમના પતિની ચોટી મંત્રે એવાં ચબરાક છે.અમેરિકાની જનતા અને દુનિયાની નજર જેમની તરફ હંમેશાં તકાયેલી રહે છે એવાં આ બે પતી-પત્નીને લગતી એક રમુજ કથા એક મિત્રના ઈ-મેલમાં અંગ્રેજીમાં વાંચી હતી એને યાદ કરી એનો ગુજરાતીમાં ભાવાનુવાદ કરીને નીચે આપેલ છે એ જરૂર માણવી ગમે એવી છે.
ઉનાળાની એક બપોરે અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસીડન્ટ બીલ ક્લીન્ટન એમના જન્મ સ્થળ અને વતન આર્કાન્સાસ સ્ટેટના એક પર્યટન સ્થળે ઉનાળુ વેકેશન માણતાં હતાં.
આ સ્થળેથી કોઈ કામ અંગે રોડ ઉપર કારમાં લાંબી મુસાફરી કર્યા પછી રસ્તામાં આવતા એક ગેસ સ્ટેશન ઉપર તેઓ એમની ગાડીમાં ગેસ પુરાવવા માટે રોકાયાં.
ગેસ સ્ટેશન ઉપર એના માલિક સાથેની ઔપચારિક વાતચીત દરમ્યાન હિલરીને આશ્ચર્ય સાથે માલુમ પડ્યું કે એનો માલિક અને હિલરી ક્લીન્ટન બન્ને હાઈસ્કુલમાં એક સાથે એક વર્ગમાં જ અભ્યાસ કરતાં હતાં એટલું જ નહિ એ વખતે એ હિલરીનો બોય ફ્રેન્ડ હતો.
આ ગેસ સ્ટેશનના માલિકની સાથે થોડી ઔપચારિક વાતચીત પતાવી ભૂતકાળમાં વાઈટ હાઉસમાં રહેતી આ પ્રખ્યાત બેલડીએ ફરી રોડ ઉપર એમની મુસાફરી આગળ શરુ કરી દીધી.
એમનું કામ પતાવી જ્યારે તેઓ બન્ને એમની ગાડીમાં એ જ રસ્તે પાછાં ફરતાં હતાં ત્યારે બીલ ક્લીન્ટને દુરથી પેલું અગાઉ નીચે ઉતરી જ્યાં ગેસ પુરાવેલો એ ગેસ સ્ટેશન જોયું.એ જોઇને એમનાં પત્ની હિલરીની થોડી મજાક કરી એમને ચીડવવાનું મન થયું .
બીલ ક્લીન્ટને પ્રેમથી હિલરીના ખભે પોતાનો હાથ વીંટાળીને કહ્યું :
” હની, જો તું હાઈસ્કુલ વખતના તારા પેલા ગેસ સ્ટેશનના માલિક બોય ફ્રેન્ડ સાથે વધુ સમય રહી હોત તો તું આજે એક ગેસ સ્ટેશનના માલિકની પત્ની બની ગઈ હોત !”
ક્લીન્ટનના આ શબ્દો સાંભળી હિલરી થોડો આંચકો તો ખાઈ ગયાં પણ પછી થોડા સ્મિત સાથે જવાબમાં ક્લીન્ટનને લાગલું જ ચોપડાવ્યુ :
” ના બીલ, ત્યાં જ તારી ભૂલ થાય છે. જો હું એ બોય ફ્રેન્ડ સાથે વધુ સમય ટકી હોત તો એ એક દિવસ અમેરિકાનો પ્રેસીડન્ટ બની ગયો હોત! ”
શેરને માથે સવા શેર –રમુજ કથા ૨.
સ્ત્રીઓ પુરુષો કરતાં બમણું કેમ બોલે છે ?
આનંદ અને મંજરી સાંજનું ડીનર પતાવીને હંમેશના નિત્યક્રમ પ્રમાણે નિરાંતે પોતાના હાઉસમાં સોફા ઉપર અલક મલકની વાતો કરતાં બેઠાં છે.
આનંદ સોફ્ટવેર એન્જીનીયર છે અને મંજરી પણ એક લેબમાં મેનેજરની જોબ કરે છે.તેઓ નવે નવાં પરણેલાં છે. દિવસે તો જોબને લીધે વાતો કરવાનો બહું સમય મળતો નથી એટલે સાંજે ડીનર પતાવીને દિવસ દરમ્યાનની ગતિવિધિઓ અંગે વાતો કરી ટીવી જોઇને સુઈ જવાનો એમનો રોજનો નિત્યક્રમ થઇ ગયો છે.
મંજરી આનંદને પૂછે છે : “બોલ આનંદ ,આજની શી નવાજુની છે ?”
આનંદ : “અરે હા, મંજરી આજે જોબ પર રીસેસમાં મેં ન્યુજ પેપરમાં વાંચ્યું કે સામાન્ય રીતે પુરુષો દરરોજ જેટલા શબ્દો બોલે છે એનાથી બમણા શબ્દો સ્ત્રીઓ બોલતી હોય છે.હું જાણું ને ,દરેક સ્ત્રી સ્વભાવે જ બોલકી હોય છે.”
મંજરી થોડી વાર તો ચુપ રહી ,પછી કઇક વિચારીને આનંદ તરફ જોઇને બોલી :
“આનંદ,સ્ત્રીઓ પુરુષો કરતાં બમણું બોલે છે એનું એક કારણ છે .”
આનંદ:“બોલ, શું કારણ છે ?”
મંજરી :“કારણ એ કે સ્ત્રી જ્યારે એક વાર પોતાના પતિને કોઈ વાત કરે છે ત્યારે પહેલી વખત તો જાણે એને કશું સમજાતું ન હોય એમ એ જ વાત ફરી પૂછે છે.પછી પત્નીને એજ વાત ફરી કહેવી પડે છે.”
આનંદ :“શું કહ્યું ?”
મંજરી :“જો, મારી વાત સાચી નીકળી ને ?”
આ સાંભળી આનંદ ઘડીક તો ચુપ થઇ ગયો.પછી થોડી વાર પછી એણે ફરી મંજરીને પોતાની બુદ્ધિનો પરચો બતાવવાના આશયથી કહ્યું :
“મને એ નથી સમજાતું કે તું એક સાથે આટલી સુંદર અને બુધ્ધુ બન્ને કઈ રીતે હોઈ શકે છે ?”
મંજરીએ જવાબ આપ્યો :“જુઓ હું તમને સમજાવું, ભગવાને મને સુંદર બનાવી કે જેથી તમે મારા તરફ આકર્ષાવો અને ભગવાને મને બુધ્ધુ એટલા માટે બનાવી કે જેથી હું તમારા તરફ આકર્ષાઉં !”
વિનોદ પટેલ ,સાન ડીએગો
બે એરિયાની બેઠક સાહિત્ય સંસ્થાના વિષય "હાસ્ય સપ્ત રંગી " ના જવાબમાં તૈયાર કરેલ અને સુ.શ્રી પ્રજ્ઞા દાદભાવાલાના બ્લોગ "શબ્દોનું સર્જન"માં પ્રગટ મારો એક હાસ્ય લેખ "શેરને માથે સવા શેર "
No comments:
Post a Comment