ઘમ્મર વલોણું-૨૫
ક્યારેક તો મારું મન ખિન્ન થઈ જાય તે સ્વાભાવિક તો ખરું કે નહીં ? અનિર્ધારીત પરિણામો, અનિશ્ચિત બનાવો, અમંગળ કાર્યો જ્યારે આપણી સમક્ષ ખડા થાય તો પછી; ખિન્ન તો બની જ જવાય ! મારે પ્રસન્ન રહેવું હોય તો આ બધાનો જડમુળમાંથી નાશ કરવો પડે. નાશ કરવા માટે બીજાનો સામનો અથવા તો મૂઠભીડ કરવી પડે. એવું બધું કરવા જતા સ્વમાન હણાય અને શત્રુતા પણ વ્હોરાઈ જાય એનો ડર લાગે છે. મારે માટે તો છેલ્લો આશરો ભગવાન. ઘણી વાર તો જતાં પહેલા એવા વિચારો મારા પગલાં ઘીમાં પાડી દે છે; કે ભગવાન પણ મારાથી ત્રાસી જતો હશે. એમના સિવાય તો મારો ઉદ્ધાર જ નથી; એમ માનીને મેં મંદિરની વાટ પકડી.
“આવ વત્સ, તારીજ રાહ જોતો હતો.”
“મારી રાહ તમે….?”
“કેમ હું કોઈની રાહ ના જોવું એવું લાગે છે?”
“તમારી બધી વાતો સાથે સંમત; પણ મને….”
“કોઈ દિવસ મને પણ પ્રસન્ન ના કરી શકે ?”
“ઠીક છે બે વાર તમારી સામે બેસીને જે પૂજન-અર્ચન કરું છું તે ઓછું પડતું હોય તો ત્રણ વાર કરીશ.”
“તું એવું કેમ માની લે છે કે, તું જે પૂજન-અર્ચન કરે છે તેનાથી હું પ્રસન્ન થાઉં છું ? જો કે પ્રસન્ન તો હું થાઉં છું, પણ એટલા માટે નહીં કે તું પૂજન અર્ચન કરે છે.”
“તમને પ્રસન્ન કરવાની આ એક જ રીતની મને ખબર છે. અને કમળ-પૂજા (શિરચ્છેદ પૂજા) કરવામાં મારો જીવ નહીં ચાલે.”
“વત્સ, આ બ્રહ્માંડમાં મનુષ્ય સિવાય પ્રાણીઓ અને વનસ્પતિ પણ સજીવ છે. પ્રાણીઓ તમને દૂધ આપે છે, માંસ આપે છે, નખ આપે છે, ચામડી આપે છે અને અમુક પ્રાણીઓ તો જીવ પણ આપી દે છે.”
“સાચી વાત છે પ્રભો. ” મારે નત મસ્તક ઉભા રહેવા સિવાય છૂટકો નહોતો.
“વનસ્પતિઓ તો તમારો છોડેલ અંગાર વાયુ જીલી ને તમને પ્રાણ વાયુ આપે છે. તેમનાં ફળથી લઈને છેલ્લે તેઓ બળી જાય તો પણ રાખ આપીને દમ તોડે છે.”
“અમારી તો રાખ પણ કામમાં નથી આવતી એવું પણ કહી દો ને પ્રભુ.”
“એ તો મારી પાસે કોઈ પ્રાણી કે વનસ્પતિ ફરિયાદ લઈને આવે ત્યારે કહેવાનું શસ્ત્ર છે.”
મારા હાથ ભગવાનની મૂર્તિ સામે જોડાયેલા રહ્યા.
No comments:
Post a Comment