ભાઈનો વટ
ભાઈનો વટ
પા પા પગલી ભરતા છોડવા હવે મોટા થવા લાગ્યા છે. લીલા રંગની ચૂંદડી ઓઢીને ધરતી આજે યૌવને ચઢી છે. પવનની ધીમી લહેરખીઓ પાકના છોડને લહેરાવે છે. પાકથી લહેરાતા ખેતરો પણ ઝૂમી ઉઠ્યા છે. કોયલો પોતાની ખુશી બતાવતી ગાઈ રહી છે. કુણું કુણું ઘાસ ચરતાં બકરા અને ઘેટાં મસ્ત બનીને ભેંસ સાથે હરીફાઈએ ચઢે છે. એનો રખેવાળ ગોવાળ પણ ડચકારા બોલાવતો જાય છે ને પોતાના ઘેટાં બકરાનું ધ્યાન રાખતો જાય છે. કોઈ બકરું કે ઘેટું અગર ખેતર બાજુ જાય તો દોડીને એને વાળી લે છે. ‘કીડીને કણ ને બકરાને ચાર’ ભગવાન આપી જ રે એવું માનતો ક્યારેક ક્યારેક દુહા પણ લલકારી લે છે.
કોઈ કોઈ ખેતરમાં એને ખેડવા વાળો ખેડૂત પોતાના પાકને જોઈને હરખાતો, એમની સાથે સંગાથ કરે છે. એમની મૌન વાતો આખા ખેતરમાં સંભળાઈ રહી છે. એક એક છોડવાને રાહત અને ખુશ કરતો એ ખેતરમાં ફરી રહ્યો છે. ક્યારેક ક્યારેક ખેતરની બાજુમાં ચરતાં બકરા કે ઘેટાં અંદર તો નથી આવી જતા ને ? એ પણ ચકાસી લે છે. “ રબારી તો એમને બરાબર સાચવીને ચરાવે પણ એ ભામને થોડી ખબર પડે કે દિન આખો મહેનતર કરીને તિયાર થિયેલા પાકને રંજાડાય નહિ ! ” એમ મનમાં બબડતો એ સામેના શેઢે જોવા લાગ્યો. “ હમ…મારી શંકા હાચી નીકળી…..એકાદ આવી ગયું લાગે છ ” એમ બબડતો એ અવાજ બાજુ ગયો.
“ કોણ છે ? અલ્યા ગોવાળ તારા બકરાને હાચવ ” બોલતો બોલતો એ રસ્તા બાજુના શેઢે જાય છે. પેલો ગોવાળ તો દુહા લલકારતો અઠીંગ સાધુડા જેમ મસ્ત બની ગયો છે.
થોડા ઉતાવળા પગે ખેડૂત છેક ગયો અને ફરી કોણ છે ? એમ બોલ્યો કે એનું મોઢું બીડાઈ ગયું. હાંફતી હાંફતી એક જુવાન વહુવારું ઢગલો થઈને ખેતરમાં બેઠી હતી. જેવો એને ખેડૂત ને જોયો કે બે હાથ જોડીને કરગરવા લાગી. સિંહ ને જોઈને શિયાળ ગભરાઈ જાય તેમ; તેની આંખોમાં ભો નો ઓછાયો તરી આવતો હતો. એ ગભરાઉં બાઈને જોઈને ખેડૂત પણ થોડુંક કળી ગયો કે નક્કી એ કોઈ કાળમૂખાથી બિયાએલી છે.
“ એ ભાઈ મને બચાવી લો. હું એક માંબાપ વગરની અબળા છું…મને… ” એ આગળ બોલવા જતી હતી કે એના શબ્દો એના શરીરમાં ભંડારાઈ ગયા. એના મોઢા પરનો ભય અજગર ભરડો લે તેવો માલમ પડ્યો.
ખડ ખડ કરતા ભારેખમ જોડાનો અવાજ આવ્યો કે ખેડૂતે પાછળ ફરીને જોયું. કાળને ઓઢીને વિકરાળ રૂપ ધારણ કરેલો એક પાંચ હાથ ઊંચો જુવાન ઘસી આવ્યો. ખેડૂત એક નજર પેલી પારેવા જેમ તરફડતી સ્ત્રી તરફ કરી, એની આંખોમાં દયા ડોકાણી. અને પોતાને બચાલી લેવાના કોલ કળાયા.
“ હાલ હવે બારી નીકળ આંહીથી…. ” ને એ ભડવીરે લાચાર હરણીનો હાથ પકડીને ઘસડી. એ જોઈને ખેડૂતનો માંહ્યલો પીગળવા મંડ્યો. એક જ જાટકે પેલાનો હાથ છોડાવી લીધો. એટલે એ જુવાન પણ છંછેડાયો.
“ એય છોડ એને એ મારી ઘરવાળી છે ”
“ જો તુંને તારો જીવ વ્હાલો હોય તો અહીંથી પોબારા ગણ નહિ તો આ આખો દી’ મહેનતુ કરીને ઘડાયેલા હાથનો એક ઘૂમ્બો બસ થઇ રિયો ” એમ કહ્યું કે પેલી સ્ત્રી થોડી બળમાં આવી.
“ ના ભાઈ…એને મારશો નહિ…. ”
“ અરે મારવા વાળીની; કોની માં એ સવાશેર શુંઠ ખાધી કે મને હાથ પણ અડાડે ”
“ જો ભાઈ….એ તારી ઘરવાળી ભલે રહી, પણ અત્યારે એ એના પિયરમાં ઉભી છે. અને એક ભાઈની હાજરીમાં બેનને માર પડે એ વાતમાં માલ નહિ….રામ રામ ભજો. ”
“ ભાઈ તમને કાંઈ ખબર છે નહિ અને ઉછીની ઑરો નહિ ”
“ હા તો ભસી નાખો મારી બેનના વકરમ…..” ખેડૂતે એમ કહ્યું કે પાકના છોડવા ઉમંગે હલવા મંડ્યા. અને પેલી ગભરુ બાઈ તો ભાઈ સામે જોઈજ રહી. અને આકાશ સામે જોઈને બે હાથ જોડાયા. અને મનોમન બોલી “ મારા વીર,ઘણી ખમ્મા અને સો વરહનો થાજે, ને જાજી સંપત્તિ પામજે ”
ત્રણેય જણે એકબીજા સામે જોયું. અને પછી વિકરાળ રૂપ ધારેલ જુવાન થોડો ઠંડો થયો અને બધી વાત કરી.
બાઈને બાજુના ગામમાં પરણાવી હતી. વાત એવી બનેલી કે, બાઈના પિયરના ગામનો એક છોકરો ખુબ તરસ્યો થયેલો તે એક ઘરે પાણી માંગતો હતો. એનો અવાજ ઓળખીને બાઈ પોતાને ઘરે લઇ ગઈ. પાણી પાયું અને જમવાનું ટાણું હતું તો પાસે બેસીને જમાડ્યો. ગામડામાં તો પિયરનું કૂતરું પણ સન્માન પામે. જયારે આવેલ છોકરો તો એમની બાજુની શેરીનો જ હતો. એને તાણ કરીને જમાડતી હતી ત્યાં એનો ધણી આવી ગયો. પોતાની પત્ની કોઈ પરાયા મરદ ને આમ જમાડતી જોઈને એના મનમાં શંકાનો કીડો સળવળ્યો.
છોકરાને શાંતિથી જમાડી લીધા બાદ બાઈએ એને વિદાય કર્યો. પેલા જુવાને બેનને અંતરના આશીર્વાદ આપ્યા અને ખિસ્સ્માંથી બે આના કાઢીને આપ્યા.
“ ના મારા ભાઈ…જા ” કહીને બેને વિદાઈ આપી. પણ એનો ધણીના મનનો કીડો તો હવે મોટું રૂપ ધારણ કરી બેઠો હતો. છોકરો જેવો ગયો કે લીધી બાઈને મારવા. એનો માર સહન ના થયો; એટલે તે દોડીને આ બાજુ ભાગી આવેલી. આવીને તે ખેતરમાં ઘૂસી, ખેડૂત બકરું માનીને દોડી આવ્યો.
“ ભાઈ હવે તમે જ કો, આવી બયરીને મારું નહીતો શું કરું? ”
“ એક મલટ…..બેન ઉભી થા….આ ખેતરમાં જે પાક ઉભો છે ને ઈ મારા સગા છોકરાથી પણ વિશેષ છે. એના સમ ખાઈને જે હોય તે કહી દે….કોઈ ભો નો રાખીશ જે હાચુ હોય ઈજ કે જે. પછી એવું નો થાય કે આજ જ બનેલી બેન પર ભાઈને હાથ ઉપાડવો પડે ” ખેડૂતે બેનને ખેતર વચાળે ઉભી રાખી. ભાઈએ એમ કીધું કે એને શરીરને અક્કડ કર્યું. માં જગદંબા શરીરમાં પ્રવેશ્યા હોય તેમ બેય આંખોમાં હિંગોળ અંજાણા. શરીરમાં કુમક આવી. એનું મોઢું ઝગારા મારવા લાગ્યું. ત્વરાથી એક છોડવો ઉપાડ્યો…અને છાતી સાથે લગાડ્યો….
“ મારા ભાઈ….મારા વીર…આ મારા ભત્રીજાના સોગન ખાઈને કહું છું કે મારા પેટમાં થોડું પણ પાપ હોય તો મારો પંડ ભડ ભડ સળગી ઉઠે. અને મને અઢારે નરકનું ભોગવટુ ! ” અને તે થર થર ધ્રુજીને ભાઈના પગમાં ઢગલો થઇ ગઈ.
“ ઉઠ મારી બેન…..સતીયુંના સત નો લેવાય. હા બનેવી લાલ….બોલો શું કો છો ? ”
“ ઓ…ઓ…તું એની વાતુંમાં ભોળાઈ નો જા..”
“ હવે એક પણ શબદ બોલ્યા છો તો …..”
“ ભાઈ…એ ગમે તેમ તો એ મારા ઘરવાળા છે. ”
“ બહુ વેવલીની થા માં …તારું પાપ… ”
“ તમે હવે હાલતાં થાવ….મારી બેન થોડા દી’ પિયરમાં રોકાઈને આવશે, જાવ… ” ખેડૂતે માન્યું કે થોડી ભડાશ છે તે નીકળી જાશે એટલે આફુરી શાન ઠેકાણે આવશે.
“ ઠીક છે રાખ તારી બેન ને હું તો આ હાલ્યો… ”
“ જાવ લાલ જાવ…. ”
“ ના ભાઈ….દીકરી તો પોતાને ઘરે જ શોભે….અને સાસરું દોહ્યલું થાય તો કૂવે શોભે. ” બેન વિનવવા લાગી
“ ખબરદાર હવે આગળ બોલી તો…અરે તું મુને ભારે નઈ પડે…. આવશે બે દી’ પછી થાકીને કરગરતો. ”
ખેડૂત એને બેન બનાવીને પોતાને ઘરે લઇ ગયો. બાઈ ના સારા ભાગ્ય કે ખડૂત પત્નીએ પણ નવી નણંદને વધાવી લીધી.
બેન તો ભાઈ ભેગી દિવસો કાઢે છે, તોયે બાઈનો અંદર રિયો રિયો માંહ્યલો હજી પણ પોતાનો ધણી આવશે અને તેડી જાશે એવું માને છે.
થોડા દિવસ તો એમ ને એમ પસાર થઇ ગીયા. એક વાર તો ભાઈ એના સાસરીમાં જઈ આવ્યો પણ પેલો અકડુ થઇ ગીયો અને તેડી જવાની ધરાર ના પડતો હતો.
“ બહુ મોટા ઉપાડે ભઈ થિયો છે તો હાચવ તારી બોન ને ”
“ અગર તું મારો બનેવી નો હોત તો, તારી જીભડી અટાણે જ બાર કાઢેત….એક અબળા પર જુલમ નો કર… માંબાપ વગરની છોડી છે બિચારી….એની આંતરડી કકળાવીને તું સારું નહિ ભાળ ”
“ ઈને તારી શોક તરીકે રાખ તો એ મુને વાંધો નથ….. ”
“ બનેવી લાલ….હું માનું છું કે દીકરી વાળાનો હાથ નીચો હોય…લો મને ખાસડું મારો. ” કહીને ખેડૂતે પોતાનું જોડું આપીને માથું નીચું કરીને ઉભો રિયો. આ જોઈને ઘરના નળિયા પણ ખસિયાણા બની ગયા. ગમાણે ચાર ચરતા પશુઓની આંખો નિતરવા લાગી. પણ પેલો જુવાન તો હઠીલો ટીમ્બા જેવો એક બુંદ પણ ઓગળતો નથી.
“ તમને માન વ્હાલું હોય તો જતા રો, બાકી ગામ ભેળું થાશે ને તો જોવા જેવી થાશે. ”
આથી ખેડૂતને લાગ્યું કે એ કાગડાના રુદિયામાં હવે રામનો વાસ નહિ થાય.
“ ઠીક છે તારે…આજથી તારો ને મારી બેનનો છેડો ફાડી નાખું છું….હવે જો મારા ઘર સામું પણ જોયું છે ને તો બેય આંખુ ને કાઢીને કાગડાને ખવરાવી દઈશ.” કહીને તે તો હાલી નીકળ્યો પોતાને ગામ.
બેન તો હવે ભાઈના ઘરે રહે છે, અંદરનો માંહ્યલો એના ભાઈને આશીર્વાદ સાથે એના ભલા માટે પ્રાર્થના કરે છે. ભગવાનનો પાડ માને છે કે માંબાપની છત્રછાયા ગુમાવી પણ વિશાળ વડલા જેવા ભાઈનો પ્યાર અને છાયા પામીને ધન્ય બની છે.
તો ભાઈ પણ નવી બેન પામીને ઉલ્લાસમાં પોતાના કુટુંબમાં એને દૂધમાં ખાંડ નાખે તેમ ભેળવી દીધી.
સુખનો સમય બહુ ઝડપથી પસાર થયા, બે વર્ષના પાક લઈને ખડુતે એની બેનને બીજા સારા મુરતિયા સાથે વળાવી દીધી. વિદાય વખતે તો બેની સાત સમુન્દર ભરાય એટલું રડી.
“ ભાઈ, તારા જેવા આ સંસારમાં હશે ત્યાં લગી, કોઈ બેનને કુવા ગોઝારા નહિ કરવા પડે. તમે તો મને ભાઈ સાથે માંબાપનો પણ પ્રેમ આપીને સમૃદ્ધ કરી દીધી. ”
“ જરાયે ઓછું ના આણ બેની, તેં તો મારો વટ જાળવવામાં સાથ આપ્યો છે ” ભાઈ બોલ્યો કે નળિયે નળિયામાં દીવડા પ્રગટયાં
ભાઈ બેનના હેત પર સૌ વારી ગયા.
No comments:
Post a Comment