કાનાના દામ
કાનાના દામ
મથુરા શહેરમાં માનવ મહેરામણ ઉભરાયો છે. બજારમાંમાં કોલાહલ છવાયેલો છે. ચૂડીયો લઈલો ચૂડીઓ લઈલો…કોઈ છૂંદણાં કરાવો રે કોઈ છૂંદણાં કરાવો…દુકાનદારો ગ્રાહકને આવકારી રહયા છે. ગોકુલ, વૃંદ વિગેરે જેવા નાના ગામના લોકો મથુરા શહેરમાં હટાણું કરવા આવે છે. વેપારીઓ ઘર વખરી અને પહરેવાંની ચીજોનો વેપાર કરે છે. તો વળી કરિયાણા વાળા વેપારીઓ પણ છુટા છવાયા છે. મને આ આપો, મને પેલું આપો..ચાલ હવે જઈએ…જટ ઉતાવળા કરો….અરે મોડું થઇ ગયું….જેવી બૂમો પણ સંભળાય છે.
વેપારી લોકો રસ્તે આવતાં જતાં લોકોને આવકારે છે, કોઈ પ્રલોભન આપે છે તો કોઈ વળી પોતાની ચીજ વસ્તુને મોલીને હરખાય છે.
ગામડાની ભોળી પ્રજાને પણ જે ચીજ વસ્તુની જરૂર છે તે મુલ કરીને ખરીદી લે છે. તો વેપારી પણ પોતાની ચીજ વસ્તુ વેચીને દોકડા ભેગા કરવા એટલાંજ તત્પર છે. એક મણિયારાએ સવારથી પોતાની હાટડી ખોલી છે, બધાને સાદ દઈ દઈને બોલાવે છે પણ હજી સુધી એકપણ ગ્રાહક આવીને વસ્તુ લઇ નથી ગયો. ગામડાની એક જુવાનડી આવતી દેખાઈ કે એના મુખ પર ચંદ્રમા જેવી લાલિમા છવાઈ ગઈ. મુખ પર પ્રસન્નતાના વાદળો છવાઈ ગયા.
“ ક્યાં ગામથી આવો છો બેન ? આવો પાણી બાણી પીવો ને રૂડા મજાના બલોયા જુઓ. ” એક મીઠો આવકાર તેને આપ્યો.
“ ભાઈ આવું છું તો ગોકુળ ગામથી પણ મારે કઈ લેવું નથી. ”
“ અરે બેની ના લેવું હોય તો કઈ નહિ, જોવાના કોઈ દામ નથી લેતા અમે ” પેલા વેપારીએ લાગણી બતાવી.
એના શૂરમાં એને પવિત્રતાની સાથે સાથે મધુતાની મીઠાશ વર્તાણી. ના ઈચ્છા હોવા છતાં તે દુકાનમાં ગઈ. દૂધના માવાનો ખાલી ટોપલો એકબાજુ મૂકીને તે આસન પર બેઠી. અને વેપારી ભાઈ સામે એક મીઠું સ્મિત કર્યું. પેલો ભાઈ તો બલોયા વારાફરતી બતાવવા લાગ્યો.
“ મેં તમને કીધું તો ખરું કે ભાઈ મારે કાંઈજ લેવું નથી. ”
“ બેન મારી, કોઈ વાંધો નહિ, જોઈ રાખો, ક્યારેક લઇ જજો. અને હાં જો પૈસા અત્યારે ના હોય તો કાલે આપી દેજો. ”
વેપારી તો હરખ બતાવી ને બલોયા અને ચૂડીઓ બતાવે છે.
“ પૈસા તો છેય નહિ પણ મારે કઈ લેવું નથી. જયારે લેવું હશે ને ત્યારે પુરા દામ લઈને આવીને લઇ જઈશ.”
“ તમારા માટે નહિ તો તમારા નાની બેન કે ભાઈ માટે લઇ જાવ. ”
ભાઈ માટે કીધું કે બાઈને નાનો કાનો યાદ આવી ગયો. કાના માટે લઇ લઉ. એમ વિચારીને તેણે વેપારીને વાત કરી
“ કેટલા વર્ષનો હશે ? ”
“ આઠ નવ વર્ષ તો ખરા ”
વેપારી પણ જોમમાં આવી ગયો, હાશ હવે બોણી તો થશે. ઉત્સાહમાં આવીને તે નાની કડલી અને છલીઓ બતાવી. એક સારી લાગતી કડલી જોઈને એને પૂછ્યું.
“ આના કેટલા દામ છે ? ”
“ ખાલી એક આનાની છે ”
દામ સાંભળીને તે એકદમ મૂઢ બની ગઈ. પોતાના પાસે પૈસા તો છે નહિ. આજે જે માવો વેચાયો તેના પૈસા પણ નથી આવ્યા. પોતાના વ્હાલા કાના માટેથી ઉધાર તો લેવું નથી. એનો મુંજાતો ચહેરો જોઈને વેપારી સમજી ગયો.
“ બેન જરા પણ મુંજાઈશ નહિ, અને ગોકુળ ગામના દરેક લોકો એટલે શિવના માણસ. જા પૈસા પછી આપજે ”
“ ના હો ભાઈ…” અને તેને અચાનક કશું યાદ આવ્યું….બટવામાંથી મોરપીંછ કાઢ્યું. ” લો ભાઈ આ કાનાનું મોરપીંછ છે. કાલે અમારા ઘરે આવેલો તે બહુ ધમાલ કરતો હતો. આથી મેં એનું મોરપીંછ લઇ લીધેલું. ”
“ કોણ કાનો ? ”
“ એજ કે જે વાંસળી વગાડીને અમને ઘેલીયુ કરે છે. એજ કે જે અમારા મહી માખણ ચોરી જાય છે. એજ કે જેણે માસી પૂતનાને મારેલી ”
“ ઓ…….. ”
“ સાચી વાત છે ભઈલા આનું શું આવે ? ગોકુળની સીમમાં તો આવા મોર પીંછ….. ”
“ બસ મારી બેન….લાવ એ પીંછું અને લે લઈજા આ કડલી અને એક આ તારા માટે બલોયુ. ” વેપારીએ તો માથે લગાડીને પીંછા ને થડાંમાં મૂક્યું.
“ હજી વધુ જોઈએ તો કાલે હું ટોપલો ભરીને પીંછા લઇ આવીશ ” કહીને તે ગોપિકા હાલી નીકળી.
તેના ગયા બાદ વેપારી બોલ્યો. “ મારી આખી જિંદગીનો પહેલો વકરો ને વકરા કરતા નફો વધારે ”
No comments:
Post a Comment