દુ:ખ નીવારણના ભ્રામક ઉપાયો
–નાથુભાઈ ડોડીયા
ભાગ –બે
…હવે આગળ વાંચો…
(16) ગ્રહોની વીપરીત અસરમાંથી મુક્ત થવા લોકો બ્રાહ્મણ પાસે પૈસા આપીને મન્ત્રજાપ કરાવે છે. ધર્મશાસ્ત્રમાં મન્ત્રનો અર્થ વીચારધારા અને જપનો અર્થ તે વીચારધારાનું ચીન્તન કરી તેનો જીવનમાં અમલ કરવાનો છે. પોપટ રટણની જેમ મન્ત્રજાપ કરવાથી મનની એકાગ્રતા અને શાન્તી જપ કરનારને થાય છે; પણ તે માટે પૈસા આપનારને આ લાભ મળતો નથી. આથી નાણાંને જોરે બીજા પાસે જાપ કરાવવાથી દુ:ખ કેવી રીતે દુર થઈ શકે ? તે વીવેકબુદ્ધી ધરાવનારાએ વીચારવું જોઈએ.
(17) સમાચારપત્રોમાં રાશીવાર ભવીષ્યવાણીઓ પ્રસીદ્ધ કરવામાં આવે છે. રામ અને રાવણ તથા કૃષ્ણ અને કંસની એક જ રાશી હતી. તેમ છતાં ઈતીહાસની એક જ ક્ષણે એકનો વીજય અને બીજાનો પરાજય થયો. લવ અને કુશ જોડકા ભાઈઓ હતા, આથી તેમની એક જ રાશી હોવી જોઈએ; પણ તેઓનાં નામ ક્રમશ: મેષ અને મીથુન રાશીનાં છે. આ જ સીદ્ધ કરે છે કે રામાયણકાળમાં રાશી આધારીત નામો રાખવાની પરીપાટી ન હતી. જુદાં જુદાં સમાચારપત્રો કે સામયીકોમાં પ્રસીદ્ધ થતા એક જ સમયના રાશીવાર ભવીષ્યનું તુલનાત્મક અધ્યયન કરવામાં આવે તો, તેમાં સ્પષ્ટપણે વીરોધાભાસ જણાશે. તા. 26મી જાન્યુઆરી, 2001ના રોજ ભુજ–કચ્છમાં થયેલા ધરતીકમ્પમાં મૃત્યુ પામેલા, ઈજાગ્રસ્તો કે મકાન–રોજગારી ગુમાવનાર વ્યક્તીઓની યાદીનું અવલોકન કરશો તો તેમાં બારેય રાશીઓની વ્યક્તીઓ જોવામાં આવશે.
(18) લોકસભાની ચુંટણી પહેલાં શ્રી. નરસીંહરાવ કે શ્રી. દેવગોવડા ભારતના વડાપ્રધાન બનશે એવી રાજકીય આગાહી કોઈ રાજકીય જ્યોતીષે કરી ન હતી; કારણ કે તેઓ લોકસભાની ચુંટણીમાં ઉભા ન હતા તથા વડા પ્રધાનના દાવેદાર ઉમેદવારમાં તેમના નામની ગણતરી જ ન હતી ! આમ છતાં તેઓ ભારતના વડાપ્રધાન થયા હતા.
(19) હસ્તરેખામાં પતી અને પત્નીની સન્તાનરેખા એક જ સરખી હોવી જોઈએ. પત્નીના હાથમાં ચાર સન્તાન અને પતીના હાથમાં ત્રણ કે પાંચ સન્તાનની રેખા હોય તો તેનો અર્થ શો ? સમાજમાં કંઈ બધા મનુષ્યો વ્યભીચારી નથી.
(20) આજકાલ તો કુટુમ્બનીયોજન દ્વારા સન્તાનોની સંખ્યા અંગેની ભવીષ્યવાણી નીષ્ફળ બનાવવી સહજ થઈ ગઈ છે.
(21) ચુંટણીમાં બધા જ ઉમેદવારો શ્રેષ્ઠ મુહુર્ત જોઈને જ પોતાની ઉમેદવારી નોંધાવે છે; પણ ચુંટણીમાં એક જ ઉમેદવાર જીતે છે અને બાકીના બધા પરાજીત થાય છે !
(22) ફલીત જ્યોતીષ પ્રમાણે એવી માન્યતા છે કે મુળ નક્ષત્રમાં જન્મેલું બાળક, કુળનું નીકન્દન કાઢી નાખે છે. રામચરીતમાનસના રચયીતા ગોસ્વામી તુલસીદાસજીનો જન્મ મુળ નક્ષત્રમાં થયો હતો. તેઓએ પોતાના કુળનું નામ દીપાવ્યું કે ડુબાડ્યું ?
(23) વાસ્તુશાસ્ત્ર મુજબ ધન્ધો કે ઘરમાં નીષ્ફળતા કે હાની માટે ઓરડાની દીવાલ, પ્રવેશદ્વાર, દાદર કે રસોડાની દીશાઓને જવાબદાર માનવામાં આવે છે અને તેમાંથી મુક્તી મેળવવા હજારો રુપીયા ખર્ચ કરી તેની દીશા ફેરવાવી, પુજા–વીધી કરાવવામાં આવે છે. નવા મકાન કે કારખાના નીર્માણ વખતે વાસ્તુશાસ્ત્રીની સલાહ લઈને દીવાલ, દાદર, પ્રવેશદ્વાર કે રસોડાની દીશાઓ નક્કી કરવામાં આવે છે. આ સન્દર્ભમાં જણાવવાનું કે ઋગ્વેદના સાતમા મંડળના 54 અને 55 તથા અથર્વવેદના નવમા મંડળના સાતમા સુક્તમાં ભવનનીર્માણ અંગેનો ઉપદેશ છે. દયાનન્દ સરસ્વતીએ સંસ્કારવીધીમાં ગૃહનીર્માણ અને ગૃહપ્રવેશ વીધીમાં વેદ અને પારસ્કર ગુહ્યસુત્રોના મન્ત્રો ઉદ્ ધૃત કરીને પ્રવેશદ્વાર, બારી–બારણાંની દીશાઓ તથા જુદી જુદી કામગીરી માટે જુદા જુદા ઓરડાઓ રાખવા અંગે, હવાની અવરજવર અને સુર્યપ્રકાશને ધ્યાનમાં રાખીને માર્ગદર્શન આપવામાં આવેલું, જેથી ભવનની મજબુતાઈ અને ગૃહસ્થીઓની તન્દુરસ્તી સારી રીતે જળવાય. બીજું, મનુષ્યનાં સુખ–દુ:ખનો આધાર તેમનું કર્મ છે, મકાનની દીવાલ, પ્રવેશદ્વાર કે રસોડાની દીશા નહીં.
(24) કેટલાક અધીકારીઓ બદલી, બઢતી કે તપાસની કાર્યવાહીમાંથી નીર્દોષ બચવા જ્યોતીષના શરણે જાય છે. તેઓની સુચના મુજબ પોતાના ટેબલ–ખુરશીની દીશામાં પરીવર્તન કરે છે. વહીવટી દૃષ્ટીએ મુલાકાતીઓ સામેથી પ્રવેશ કરે તે શ્રેષ્ઠ બેઠકવ્યવસ્થા છે. આમ છતાં કોઈવાર અધીકારીઓ જ્યોતીષીની સલાહ મુજબ પીઠ પાછળથી મુલાકાતીઓ પ્રવેશે એવી બેઠકવ્યવસ્થા રાખે છે. ખરેખર તો વહીવટની સફળતાનો આધાર કાર્યક્ષમતા અને નીષ્પક્ષતા છે, ટેબલ–ખુરશીની દીશા નહીં.
(25) અજ્ઞાની લોકો વૈદકશાસ્ત્ર અને પદાર્થવીજ્ઞાનના સત્ય જ્ઞાનના અભાવે સન્નીપાત, જ્વર, વગેરે શારીરીક અને ઉન્માદ જેવા માનસરોગોને ભુત–પ્રેતની અસર માની તેના નીવારણ માટે ભુવા–તાન્ત્રીકના શરણે જાય છે. ખરેખર તો આ દુનીયામાં ભુત–પ્રેત નામની યોની જ અસ્તીત્વમાં નથી ! જીવાત્મા પોતાનાં કર્મ મુજબ પુનર્જન્મ કે મુક્તી તરત જ મેળવતો હોવાથી તેને ભટકવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થીત થતો નથી.
(26) મનુષ્ય રોગ દુર કરવા, દેવામાંથી મુક્ત થવા, રોજગારી બદલી કે બઢતી મેળવવા, ચોરાયેલી કે ખોવાયેલી વસ્તુઓ પરત મેળવવા, સગપણ–લગ્ન જલદી થાય વગેરે માટે વીવીધ પ્રકારની બાધા–માનતાઓ–વ્રત રાખે છે અથવા મન્ત્રેલું પાણી, ભસ્મ, માંદળીયાંનો ઉપયોગ કરે છે. આ સન્દર્ભમાં રામાયણ આપણને આદર્શ માર્ગદર્શન આપે છે. શ્રીરામે સ્વયંવરમાં સીતાને પ્રાપ્ત કરવા કે સીતાજીને શોધવા પુરુષાર્થ કરેલો; પણ કોઈ બાધા–માનતા કે વ્રત રાખેલાં નહોતાં તથા કોઈ જ્યોતીષીનો સમ્પર્ક પણ સાધેલો નહીં. બીજું, લક્ષ્મણની મુર્છા દુર કરવા મન્ત્રેલું પાણી, માંદળીયાં કે બાધા–માનતા–વ્રત રાખવાને બદલે વૈદ્યરાજને બોલાવી તેની સારવાર કરી હતી.
(27) આપણે લગ્ન વગેરે શુભપ્રસંગો મુહુર્ત જોવડાવીને રાખીએ છીએ. લગ્નની મોસમમાં ઉત્તમ મુહુર્તના દીવસે ગાડી–બસમાં અતીભીડ, વાડી, ગોરમહારાજ કે રસોયાની અછત વગેરેનો અનુભવ કરીએ છીએ. ખરેખર તો મુહુર્ત સમયના માપનું એક સાધન છે. એક દીવસમાં 30 મુહુર્ત આવે છે. એટલે એક મુહુર્તનો સમય 48 મીનીટનો છે. શુક્રનીતીમાં રાજાની દીનચર્યાના વર્ણનમાં મુહુર્તનો, સમયના એક માપ તરીકે ઉલ્લેખ છે. કાળ(સમય) જડ, નીષ્ક્રીય અને નીત્ય છે. તે અનન્ત, અનાદી સર્વત્ર અને સર્વદા એક સમાન જ રહે છે. કોઈ કાર્યની સફળતા કે નીષ્ફળતા માટે તે નીમીત્ત નથી. નીતીકારોએ સ્પષ્ટ ઘોષણા કરી છે – ‘શુભસ્ય શીઘ્રમ્’ (શુભકાર્ય તરત કરો) અને ‘આલસ્યાદમૃતં વીષમ્’ (ઢીલ કરવામાં અમૃત પણ ઝેર બને છે).
(28) પીતૃઓના ઉદ્ધાર માટે લાખ–બે લાખ રુપીયાનો ખર્ચ કરી ભાગવત સપ્તાહ બેસાડવામાં આવે છે અને તેમાં સગા–સમ્બન્ધી, મીત્રોને આમન્ત્રણ આપવામાં આવે છે. ઈશ્વરી ન્યાયવ્યવસ્થા અને કર્મના સીદ્ધાન્ત મુજબ, મૃત્યુ પામેલા દરેક પીતૃઓ એટલે કે વડીલોને, તેમના કર્મ મુજબ પુનર્જન્મ કે મુક્તી તરત જ મળે છે. આથી ભાગવત સપ્તાહ દ્વારા મૃત્યુ પામેલ પીતૃઓનો ઉદ્ધાર કેવી રીતે સંભવીત થઈ શકે ? આવી જ રીતે પૈસાના જોરે મુક્તી મળતી હોય તો ધનવાનોના પીતૃઓ સ્વર્ગમાં જાય અને ગરીબોના પીતૃઓ નરકમાં અટવાયા કરે !
(29) યુવાન પુત્રનું અવસાન થાય તો તેના ઉદ્ધાર માટે અને તે વડીલોને નડતરરુપ ન થાય એ હેતુથી લીલ પરણાવવાની વીધી કરવામાં આવે છે. આ લીલમાં ગાય–વાછરડાને પરણાવવાની વીધી કરવામાં આવે છે. આ વીધીનો મુખ્ય હેતુ અવસાન પામેલા પુત્રની લગ્નની અભીલાષા પુરી કરવાનો છે, જેથી તેના આત્માની તૃપ્તી થાય. કર્મના સીદ્ધાન્ત સાથે આ વીધી સુસંગત નથી; કારણ કે મૃત્યુ પામેલા યુવાનને તો તેના કર્મ મુજબ બીજો જન્મ મળી ગયો છે. બીજું, મા–બાપના ભવીષ્યના આધાર સ્તમ્ભે આ દુનીયામાંથી વીદાય લીધી હોય તે સમયે લીલ પરણાવવાની વીધી દ્વારા તેની ઉપર બીજો આર્થીક બોજો નાખવો કેટલો વાજબી છે ? ત્રીજું, ઘણી વખત અવસાન પામેલા યુવકની ઈચ્છા ઉચ્ચ અભ્યાસની હોય, લગ્નની નહીં; તેને માટે ગાય–વાછરડાનાં લગ્નના નાટકને બદલે અભ્યાસનું નાટક વધુ વાજબી છે. ચોથું, ગાય અને વાછરડાનો સમ્બન્ધ મા–દીકરાનો છે જે સમાજમાં સૌથી પવીત્ર સમ્બન્ધ છે; તેને પરણાવવાનું નાટક કેટલું ઉચીત છે ?
(30) ઘણી વખત પીતૃઓની અતૃપ્તી કે નડતરને દુ:ખનું કારણ માનવામાં આવે છે અને તેના નીવારણ માટે નારાયણબલીનો વીધી કરવામાં આવે છે. છોરું કછોરું થાય; પણ માવતર કમાવતર ન થાય. જે પીતૃઓ અગાઉ અવસાન પામ્યા છે, તે પોતાના કર્મ અને ઈશ્વરી ન્યાયવ્યવસ્થા મુજબ બીજો જન્મ કે મુક્તી પામ્યા હશે જ. આથી તેઓ પોતાનાં સન્તાનને નડતરરુપ થાય તે વાત ધર્મશાસ્ત્ર કે તર્કના આધારે સંભવીત નથી. મહર્ષી દયાનન્દ સરસ્વતીએ જન્મપત્રીકા, ભુત–પ્રેત, મુહુર્ત વગેરે અન્ધશ્રદ્ધા અંગે સત્યાર્થ પ્રકાશના બીજા અને અગીયારમાં સમુલ્લાસમાં સ્પષ્ટ માર્ગદર્શન આપેલ છે, જેનું જીજ્ઞાસુઓએ અધ્યયન કરવું.
નાના નાના મચ્છરો કરતાં જંગલી વાઘ–સીંહ ભયંકર પ્રાણીઓ છે અને મનુષ્યો તેનાથી વધુ ડરે છે. પણ વાઘ–સીંહથી મરનારની સંખ્યા નહીંવત્ હોય છે; જ્યારે નાનકડા મચ્છરોથી ફેલાતા મલેરીયાથી વધુ મનુષ્યો મૃત્યુને ભેટે છે. આવી જ રીતે ફલીત જ્યોતીષ, પીતૃદોષ, ભુત–પ્રેત વગેરે નાનકડી અન્ધશ્રદ્ધા જણાય છે; પણ ઉંડાણપુર્વક ચીન્તન–મનન કરીશું તો સમજાશે કે આ અન્ધશ્રદ્ધા શારીરીક, આર્થીક, સામાજીક કે રાષ્ટ્રીય રીતે વ્યક્તી અને સમાજને અતીનુકસાનકર્તા છે. આજે તો આ અન્ધશ્રદ્ધાને વૈજ્ઞાનીકતાનો ઓપ આપી એનો બચાવ કરવામાં આવે છે ! આશ્ચર્ય તો એ વાતનું છે કે મોટા ભાગના ધર્માચાર્યો અને ધર્મધુરન્ધરો આ ફલીત જ્યોતીષ, પીતૃદોષ કે ભુત–પ્રેતની અન્ધશ્રદ્ધા નીવારણ માટે કોઈ વીશેષ પ્રયત્ન જ કરતા નથી !
છેલ્લે, શીક્ષીત અને આર્થીક રીતે સમૃદ્ધ મીત્રોને વીનન્તી છે કે, પોતાની શક્તી મુજબ ઉપર્યુક્ત અન્ધશ્રદ્ધા નીવારણ માટે પ્રયત્ન કરે.
આ નાનકડી પુસ્તીકા પ્રકાશનનો કૉપી રાઈટ જનતા જનાર્દનને આપવામાં પણ આવે છે. કોઈપણ વ્યક્તી કે સંસ્થા આ પુસ્તીકાને છપાવી કે ઝેરોક્ષ કરાવી તેનું વીતરણ કરી શકે છે.
–નાથુભાઈ ડોડીયા
No comments:
Post a Comment