અનોખું દાન
અનોખું દાન
મારા ત્રાપજ ગામના મિત્ર પાર્થરાજે મારી વાર્તા ગોજારો ટીંબો વાંચીને મને કહ્યું કે એમના ગામમાં એક એવી સત્ય ઘટના બનેલી છે જે કોઈએ લખી નથી. મને લખવા માટે ભલામણ કરી. હું એમજ કાલ્પનિક લખું એનાં કરતા થોડું જાણી ને એમાં મારા શબ્દો ઉમેરું તો જમાવટ થાય. એમને મને એકદમ ટૂંકમાં વાત કહી. અને પછી એક વિડિઓ મોકલ્યો. પછી ખબર પડી કે મેઘાણી એ એના વિષે લખ્યું છે. મને ખબર પડી ત્યાં સુધીમાં તો બે વાક્યો પરથી મેં તો વાત લખી નાખી. “ દીકરાનું દાન
” વાત વાંચશો તો થોડીક સામ્યતા છે. આ વાર્તાની ક્રેડિટ હું પાર્થરાજ જાડેજાને આપીશ…ભાઈ આપનો ખુબ ખુબ આભાર.
અનોખાં દાન
પાદરે ઝૂલતા લીમડા પર લચકેને લચકે કોર બાઝ્યો છે. પીપળ અને આમલીના ઝાડો પણ લળી લળીને ગામમાં આવનારને સલામું ભરે છે. ગામને પાદર આવેલ વાડીના કોરે ઝુમતા જાંબુડાના ઝાડ પર પણ કોર લૂમે ઝૂમે છે. કીચુડ કીચુડ અવાજે સિંચાતો કૉસ નીકમાં પાણી ઠાલવે છે. ડચકારા બોલાવતો ખેડુ પુત્ર બળદોને હલાવીને દુહા અને છંદ લલકારતો પોતાની મસ્તીમાં ચૂર છે. કોયલ પણ પોતાની ધૂનમાં ગીતો ગાઈ રહી છે. કોરા ધાકોડ આભમાં રાજ કરતો સૂરજ દાદો પણ હવે પોતાનું બળુકાપણ બતાવી રિયો છે.
એવા તાપમાં માથે લૂગડાંનો બચકોને કાંખમાં બે વરહનું છોકરું તેડીને એક બાઈ નેળીયામાંથી આવી રહી છે. છોકરાના માથે પોતાના ઓઢણાનો એક છેડો નાખ્યો છે. છોકરું પણ લાલ ટેટા જેવું થયું હોવા છતાં થોડી થોડી વારે માં સામે કિલકિલાટ કરે છે. એ કિલકિલાટ જોઈને માંની છાતીમાં સવાશેર દૂધ ઉભરાય છે. હાલવાનો થાક પણ ભૂલી જાય છે. પોતાના દીકરી સામે જોતી જાય છે ને હરખાતી જાય છે.
“ દીકરા વજેદાન…એ હમણાં મામાના ઘરે પુગી જાશું… ”, “ હા…જોજે ને તારો મામો તુંને તેડી તેડીને ગાંડો થાહે ” એમ વાયરા સાથે વાતું કરતી જાય છે ને દીકરા વજેને બકીઓ ભરતી જાય છે.
તો દીકરો પણ જાણે હોંકારા દેતો હોય ઇમ, માંની કેડમાં હરખના ઉછાળા મારે છે.
નેળીયામાં તો સમશાન સમો ભેંકાર ભાસે છે. ખેતરમાં મરગજળોના હિલોળા મનમાં ભ્રાંતિ પેદા કરે છે. બાઈની સપાટુ વાંહે ધૂળ ઉડાડે છે. નેળિયું વટીને બાઈ તો હવે ગામની એકદમ સમીપ આવી ગઈ છે. ગામ દેખાયું કે એના મોઢા પર એક રાહતનો શેરડો ફૂટયો. એક નજર ધોમ ધખતા સુરજ સામું કરી. એના કોમળ ગાલ ઉપરથી પરસેવો હેત કરતો નિતરી રિયો છે. ઓઢણાના છેડે પરસેવો લૂછતી તે આગળ વધી. પાદરે, વાડીના છેડે જામ્બુડા નીચે આવીને ઉભી કે એક રાહતનો આહ્કારો દેહમાંથી નીકળ્યો. પોતાના છોકરા સામે જોયું, એને પોતાને તરશ લાગી’તી તો દીકરો તો નાનું બાળ. બેય પર દયા ખાઈને બાઈએ છોકરાને હેઠે ઉતાર્યો. છોકરો પણ કેડમાંથી મુક્ત થયો હોય ઇમ કૂદવા લાગ્યો. માથેથી બચકો નીચે ઉતારીને તે બેઠી. દીકરો વજેદાન તો ધૂળમાં રમવા લાગ્યો.
હેઠે બેઠી કે થોડી વારમાં કૉસમાંથી નીકમાં પાણી પડ્યું તેનો અવાજ આવ્યો.
“ વાહ મારા વાલા, મારા કાળીયા ઠાકર…..શંભુનાથ…હું માગું ને તું આપી દે, પણ આતો મી માંઈગુ નંઈ કે તી’ આપી દીધું ભોળિયા ” દીકરાને હેતેથી છાતી સરીખો ચાંપીને પોતાનો રાજીપો બતાવવા લાગી. દીકરાને અળગો કરી ને તે ઉભી થઇ અને આમતેમ જોયું કે વાડીમાં જાય એવો રસ્તો માલુમ કીધો.
“ મારા વજે…. આઇંજ રે’જે…હું હમણાં પાણી ભરી ને આવી ” કહીને તેને બચકામાંથી વાટકો કાઢ્યો. અને પાણી ભરવા હાલી નીકળી. વાડીમાં જતા પહેલા વળી પાછું ફરીને એક વાર વજેદાન હામું જોયું. “ આ જઈ ની આ આઈવી….તાંજ રેજે ” એમ હાઉકલી કરતી તે વાડીમાં દાખલ થઇ. ભીની માટીમાંથી સિંચાઈને આવતું મીઠું મધુર પાણી જોઈને કોઈને પણ તરસું બમણી થાય. જામ્બુડા પર કોયલું એક બીજાના કુહૂ કુહૂ…ચાળા પાડતી હોય ઇમ વાદે ચડી છે. બાઈએ ખોબો ભરીને પાણી મોઢે માંડવા કર્યું કે પાણીમાં કીકીયારું કરતો પોતાનો દીકરો વજેદાન દેખાયો.
“ રે ફટ રે ભૂંડી…બે વરહનાં દીકરાને મૂકીને પોતાની તરહુ બૂઝશે ? ” ખોબો તો પાછો ઠાલવી દીધો. નિર્મળ વહેતા નીરમાંથી ધોઈને છલોછલ વાટકો ભર્યો. અને લઈને પાછી વળી.
“ આટલો લગણ તરહુ ને રોકી તી’ બે મલટમાં હું ફેર પડહે ? ” પોતાની જાતને વઢતી એ વાડી બહાર આવી.
પોતાને આટલી તરહ લાગેલી તો દીકરો હજી નાનું બાળ. ભર ઉનાળે નદીયું જેમ પોતાની છાતીના દૂધ પણ ખૂટી ગિયા ની’તો ઈ થોડો ઓશિયાળો રી. ઇમ મનમાં બોલાતી ઉતાવળે ડગલે વાડી બાર આવી. જેવી ઈની નજર પોતાના દીકરા બાજુ કરી તો હાથમાંથી પાણીનો વાટકો પડી જિયો. અને ડોટ મૂકી..મોઢમાંથી હાથ એક જીભ નીકળી. જઈન જુએ તો પોતાનો બે વરહનો દીકરો વજેદાન તડફડે છે. ડોટ મૂકીને એને વજે ને છાતી સામો વળગાડી દીધો અને જોયું તો મોઢામાંથી ફીણ !
“ ઓ મારા કાળિયા ઠાકર આને શું થિયું ? ” અને તેને આજુબાજી નજર કીધી….તો વાડમાં પાંદડા ખખડ્યાં.
“ નકે આને એરૂ આભડી જિયો…. ” વજેને ઉપાડીને દોડીએ વાડીમાં જઈને પાણીથી એના ફીણ ધોયા અને પાણી પાયું. પણ હવે તો વજેની આંખુના ડોળા પણ ફરી જીયા. નીકની બાજુમાં ઢગલો થઈને એ ચારણ બાઈ ઢળી પડી. એના પડવાનો અવાજ સાંભળીને વાડી વાળો ભાઈ કોહને એકબાજુ મૂકીને દોડી આવ્યો. જોવે તો બાઈ તો બેભાન થઈને પડી છે. છોકરાના મોઢે હજી ફીણ ચાડી પુરે છે.
પાણી છાંટીને ભાઈએ બાઈને હોંશમાં આણી. “ બેન..ઓ બેન….આ…. ” ને એ ભાઈએ છોકરા હામું જોઈને ઈશારો કરીયો. સવારનો પાણીમાંથી કૉસ કાઢીને બાથ ભીડતો અડીખમ જુવાન એ જોઈને ટાઢો ઘેંશ ! એક પણ હરફ આગળ બોલી નો શક્યો. બેનને ગળે ડૂમો અને છાતીએ મણ મણની શીલાનો ભાર. ગળાના ડૂમાને ઠાણીને તેણે એવું રુદન આદરું કે ઉપર તપતો કાળઝાળ સુરજ પણ આ જોઈને દયાળો થઇ જિયો.
“ તું મુંજા નહિ બેની…તું તો લૂગડાં ઉપરથી તો ચારણ બાઈ માલમ પડેશ. હાલ મારી ભેળી.” કહીને ભાઈએ દીકરા વજેને ખંભે નાખ્યો “ આ તારો બચકો લઈલે હાજી મોડું નથી થિયું ”
“ શું…? મોડું નથી થિયું….વજેદાન જીવી જશે ? હઈશ હો વરહને થાજે મારા વીરા….ઝટ દોડ ..હવે મોડું નો કર…. ” કહી, એ બાઈએ તો ભાઈ ભેગી હડી કાઢી. માથે પોટલું ઉપાડીને ચારણબાઈ તો પેલા વાડીવાળા ભાઈની વાંહે વાંહે હડી કાઢે છે. ભાઈ તો હડી કાઢતો એક ખડકીમાં ગયો, પાછળ ચરણ બાઈ પણ ગઈ.
“ જીવાબાપા… ..અઅઅઅ. ” લુહારની ધમણ જેમ હાંફતા એણે દીકરાને હેઠે મુક્યો. એક બાઈ ઘરમાંથી દોડી આવી અને જે દેખાયું તે જોઈને બુમ પાડી “ દાદા..આ ”
અને દોડતા એક જેઈફ ઉંમરના દાદા દોડી આવ્યા. એમને તો આવીને પેલા દીકરાને ખોળામાં લઇ લીધો અને શરીર આખું જોવા લાગ્યા. પગમાં બે ડંખ જોયા ને નિહાહો નાખ્યો. પછી દીકરાના દેહ હારે કાન જોડીને એકાકાર કર્યો. એમની આંખો અને મોઢાના ઉડેલા નૂરને જોઈને વાડી વાળો ભાઈ તો સમજી ગયો કે હવે દીકરાના પ્રાણ પંખેરું ઉડી ગયા છે. જોકે એને તો વાડી બહાર જ દીકરાને જોઈને ખબર પડી ગયેલી પણ બાઈ માણહ અને નાના બાળને જોઈને એનો માંહ્યલો સ્વીકારી નો શક્યો.
દાદા પણ જમાનાના ખાધેલા હતા, એમને તો દીકરાના પગે જ્યાં ડંખ હતા ત્યાંથી ઝેરને બા’ર કાઢવા માટે મોઢું લગાડ્યું. કે એમને જોઈને ચારણ બાઈ તો થર થર ધ્રૂજે છે. અને મનમાં માં જગદંબાના જાપ ચાલુ થઇ ગિયા છે.
“ હે માડી, માં જનની…મારા દીકરાને જીવાડી દે…ઈની આવરદા પુરી થી હોય તી મારી આવરદા ઈને આપી દે માવડી. ઇના બાપુને ધીરે જાય તી શું મોઢું દિખાડીશ ? ”
બાપા તો દીકરા વજેદાનના ડંખમાંથી ડંકીની જિમ ઝેર ચૂસીને થૂંકે છે. બાપા ઝેર ચૂસે છે એની અડોઅડ વાડી વાળો બેઠો છે. એને લાગ્યું કે બાપા પણ ખાલી ખાલી ઝેર ચૂસે છે. રખે ને ઝેરની અસર બાપાને થાય ઈના કરતા હવે જે છે તે સત સ્વીકારી લેવાય, ઇમ માનીને એને બાપાને ધીરેથી પગે અડાડ્યો. બાપા પણ સમજી ગયા. ઉભા થયા ને માથે ફાળિયું નાખ્યું અને બેય હાથને માથે ટેકવીને બેહી ગયા.
આ જોઇને ચારણ બાઈ પણ ઢગલો થઈને ફસકી પડી. અને મોઢું ઢાંકીને રુદનના રાગ છેડ્યા. ઘરની બાઈઓ પણ એની સાથે થોડું રોઈને ચારણ બાઈને છાની રાખી. પરાણે પાણી પાયું.
વાડી વાળા ભાઈએ બેનનો પોટલો લીધો અને કીધું “ હાલ બેની…..આ તો ત્રાપજ ગામ છે…અને તારે ચ્યાં જવાનું છ ? હાલ હું તુને મૂકી જવ ” દીકરા વજેને છાતીએ લગાડીને ચારણ બાઈ લથડતા દેહે વાંહે વાંહે જાય છે. જેવું ત્રાપજનું પાધર આવ્યું કે ઢગલો થઈને ઢળી પડી.
“ ભાઈ…તું જા…તારી વાડી રેઢી પડી છ….જગદમ્બા તને સો વરહનો કરે…જા મારા ભાઈ જા વીરા ” સમ દઈને ચારણ બાઈએ પેલાને મોકલી આપ્યો. એક નજર ઈને દીકરા ઉપર નાખી. ઘડી પેલા તો ઈ એય મજાનો કેડમાં કલબલાટ કરતો હતો. દિલમાંથી હજી રુદન સુકાણાં નથી…માંના હૈયાનો વીરડો છલકાવા મંડ્યો. છોકરાને ખોળામા નાખીને ચારણ બાઈએ માથે ઓઢણું નાખ્યું અને રુદન માંડ્યું.
નવ નવ માંહ તને સેવીઓ ઉદર માંહે
તે દી હરખાતી તારી માવડી ઘર માંહે
એકવાર મને માવડીનો કોલ દે વજેદાન
તારા કલબલાટ ઘર શોભતું
ને આંગણે બચપણ રમતું તું
કાલી પગલીઓ પાડ તું વજેદાન
હે મારા જીવન હાર….મારા ગઢપણે લાકડહાર વજેદાન…. એક વાર હોંકારો દે મારા કાન…. ચારણ બાઈએ તો એવા રુદન આદરીયા કે સીમમાં ઝાડવે ઝાડવા પણ હારે રોવે છે. નાના છોકરા પણ એનું રુદન જોઈને ભેગા થઇ જીયા છે. ગામનાં બીજા લોકો પણ એને જોઈને ઓશિયાળા થઈને બાઈ પર દયા લાવે છે.
પાદર તારે ત્રાપજ મેં ખોયું મારું રતન
હવે શું બતાવીશ મોઢું ઈશને દી જતન
તું એક વાર હોંકારો દે દીકરા વજેદાન
આમ ઉપરા ઉપર રૂંગા લઈને રોવે છે. પાદરાના કાંકરે કાંકરા પણ બાઈ હારે રૂવે છે.
તે દી ત્રાપજ ગામમાં રૂડા આયરનું મોટું નામ. ભગવાનના બારેય હાથ એના ઉપર. ખાધે પીધે ખુબ સુખી અને કોઈ વાતનું દુઃખ નહિ. ત્રણસો વીઘા જમીન અને દોઢસો ઢોર ઢાંખર. બાર બાર ગાઉ સુધી એમનું નામ. આંખુંમાં કાયમ હિંગોળો આંજ્યો હોય એવી કડિયાળી આંખુ. લાંબો અને ખડતલ દેહ. બપોરનું શિરામણ પતાવીને રૂડા આયર ખાટલાએ આડા પડ્યા છે. મૂછે તાવ દેતા દેતા; ગમાણે ચાર ચરતાં ઢોર બાજુ જુએ છે. હજી તો ઇમની નજર ઢોરને બરાબર જુએ છે ત્યાં ડેલીએ કોકનો સાદ પડ્યો.
“ રૂડા બાપા છે ? ”
“ હા ભા..કોણ છે ? આવો માલપા આવતો રે ભાઈ… ” એમની સામે એક જુવાન હાંફતો હાંફતો ઉભો રિયો.
“ કાં ભા….ચ્યમ આજ અટાણે…..? ”
“ ગજબ થઇ જિયો છે બાપા…ત્રાપજ ગામને પાદરે એક ચારણ બાઈના રૂંગાએ/રુદને ગામના તળાવ ભરવા માંડ્યું છે.”
અડધી પડધી વાત સાંભળીને રૂડા આયર તો સડક દઈને બેઠા થયા અને માથે પાઘડી નાખીને થીયા હાલતા. બેઉ જણ પાદરે આવીયા. જઈને જોવે તો ચારણ બાઈનું રુદન હાજી ચાલુ જ છે.
ત્રાપજ તારા આંગણે નંદવાયો મારો નન્દ
કોને કેવું મારા દુઃખદ ને કોને વિપત માંડ
હવે ઉઠીને એક હોંકારો દે મારા વજેદાન
બાઈના રોણા હાંભળીને ખુદ રૂડા આયર પણ ડગી ગયા. બાઈને માથે હાથ મુક્યો; એક ને પાણીનો લોટો લઇ આવવા ઈશારો કર્યો. દોડતો એક છોકરો જઈને પાણીનો લોટો લઇ આવ્યો.
“ બેન…ઉભી થા….લે થોડું પાણી …. ” ચારણ બાઈના માથે એક વડીલનાં હાથનો સ્પર્શ થયો. તેને લાગ્યું કે કોઈ માવતર આવીને મારી દુખતી આંતરડીને ઠારવા આઈવું છે. બાઈએ ઉપર જોયું તો એના દિલમાં કોઈ પ્રસાર થિયો. પાણીનો લોટો હાથમાં લીધો અને બે કોગળા કરીને બે કોગળા દેહમાં આણ્યાં.
“ મારો ભાણો તો ઉપરવાળાના માર્ગે હાલી નીકળ્યો છે. જી થઇ જીયું ઈને તો તું તો શું પણ અમેય રોઈ રોઈને જીવ દેશું. પણ બેની મારા બનેવીલાલનું પણ કંઈક વિચાર ”
“ માર વીરા…ઈજ તો ડંખેહ….વજેના બાપૂને કેમ કરીન મુઢુ દિખાડી ? ”
“ તું મારા ભેગી હાલ…તારે માવતરે હાલ…આ તારા ભાઈના ઘરે હાલ; આપણે ભેગા કાણ કરીહું ” એમ બોલીને રૂડા આયર બાઈને લઈને પોતાને ઘરે આવ્યો. મ્હોં ઢાંકીને બધાએ ફરી એક વાર કાણ કરી. ઘરની બાયું એ બેનીને છાની રાખી. કોઈએ માથે બેડું નાખીને નવરાવી. અને નવા લૂગડાં આપીયા.
“ કહું છું ? ભગવાનના મઢમાં નાડાછડી કે સુતર હશે…..” એમ રૂડા આયર બોલિયાં કે દોડતી એમની વહુ જઈને સુતરનો દડો લઈ આવી.
“ લે બેન…રાખડી બાંધ તારા ભાઈને… ” કહીને આયરે હાથ લાંબો કર્યો. આ જોઈને ઘરની બધી બાયું અને દીકરાવ તો મનોમન એટલા હરખ્યા કે આનાથી રૂડો બીજો વિચાર હોય જ નંઈ.
બેને તો ભાઈને સૂતરનો તાંતણો બાંધ્યો અને મોઢામાં ગોળનો કટકો આપ્યો. ભાઈએ પણ બેનીના મોઢામાં ગોળની કટકી મૂકી.
“ બેન….તારી રાખડીને બદલે કાપડાનું માંગી લે….જરાય દયા નો લાવીશ….તારો ભાઈ ખુબ દિલનો મોટો છે ” રૂડા આયરની વહુએ ચારણ બાઈને માથે હાથ મૂકીને કીધું.
“ ભા…મારી ભાભી…માં જગદંબાની કૃપાથી કોઈ દુઃખ નથી…પણ…આ… ” દીકરા વજેદાન સામે બતાવીને રડવા જાતીતી પણ રૂડા આયરે એને માથે હાથ મૂકીને કીધું.
“ તું મારી બેનને હજી ઓળખતી નથી….બેન થોડી માંગે ભાઈને ખબર પડવી જોઈ કે ઈને શું દેવું ? ” રૂડા આયરનાં મોઢે આજ માં સરસ્વતીએ વાસ કર્યો હોય ઇમ…બાજુમાં રમતા પોતાના નાના દીકરાને બોલાવ્યો. “ લે બેન આ તારું કાપડું….મારે બીજા દેવના દીધેલા બે છે. અરે બે શું ? આ એક હોત તો પણ બેનીના કાપડાથી વધુ ના હોય ”
આવું સાંભળીને તો ઘરનાં બધાના મોઢા પર એક ચમક આવી. રૂડો આયર બોલે એટલે અફર ! એનું વેણ તો બાર બાર ગાઉ સુધી કોઈ ના ઉથામે જ્યારે આજ તો પોતે પોતાના ઘરમાં ઉભો હતો. ઘરના કાંગરે કાંગરા મહેકવા લાગ્યા. મોભારે દીવડા પ્રગટ્યા અને દિવાળીમાં રંગોળી પુરાણી. એક ફાળિયા(સફેદ કપડું) માં દીકરા વજેદાનને બાંધીને રૂડા આયરે ઉપાડ્યો છે બાઈએ માથે બચકો મુક્યો છે અને એક હાથે નવા દીકરાને જાલ્યો છે. ત્રણે જણ ગામને પાદર આવિયા ત્યાંતો ગામ આખું બેનીને વિદાય આપાવા ભેગું થઇ ગયું છે.
વળી એજ પાદરે પોંકુ મંડાણી…પણ આ આંસુઓમાં કરુણતા નહોતી પણ વિદાઈ ડોકાતી હતો. ભારે હૈયે ગામ આખાએ ચારણ બેનને વિદાઈ કરી. રૂડો આયર બેનેને મુકવા જાતો હતો ને ગામ આંખના મોઢે એક જ વાત હતી કે આવા દીકરાના દાન તો રૂડો આયર જ આપી શકે !
No comments:
Post a Comment