ઘમ્મર વલોણું
ઉભા થઈને બહાર જવાની ઈચ્છા વ્યક્ત કરું છું ત્યાંજ કોઈની સલાહ યાદ આવી; કે આળસ ખંખેરી લેવાથી સ્ફૂર્તીમંત બનાય છે. એ પ્રમાણે અનુસર્યો અને નક્કી કર્યું કે આળસ ખંખેરવી. વળી બેસી જવાનું મન થયું કે સામેજ પેલી સલાહ તરવરવા લાગી. પોતાનામાં આળસ છે ખરી ? એવો વિચાર કર્યો. મનમાંથી તીર આવ્યું કે આળસ ખંખેરીને ક્યાં જવાનું છે, તે તો નક્કી કર!
ડહાપણ તો ઘણું છે એવું માની લેવાથી સિદ્ધ નથી થતું. આ તો વિપરીત વાત થઇ. કોઈ પણ દિશામાં જવાનું નિર્ધાર કર્યા વગર, પગલાને ચાલવાનો હુકમ કરવો. અંધારામાં ફાંફા મારવાથી કશું ના મળે તેવું તો ઘણી વાર સાંભળ્યું છે. મન મક્કમ હશે તો આળસ નજીક નહિ આવે તેવું તો જાણમાં હતું. મક્કમતા તો હાથવગી હોવા છતાં પકડાય નહિ તેવી કઠોર !
મક્કમતાનો ડગલો પહેરીને ઉભો થયો અને નક્કી કરેલ નિર્ધારને પહોંચી વળવા આગળ વધ્યો. મક્કમતાનો ડગલો પહેર્યો એટલે આળસ તો દુર ભાગી ગઈ. નિરાશા અને નકારાત્મક વિચારો પણ નજીક ના આવી શકયા. આજે પહેલી વાર પોતાના પર ગર્વ થયો. નહિ, આ મારી જીતનું પરિણામ નથી. આ તો મક્કમ મનનું મનોવલણે સ્થપાયેલું સામ્રાજ્ય છે. મારે વાતને સ્વીકારવી જ પડી. વળી મનમાંથી હુંકાર આવ્યો કે; “ નિર્ધાર ને પહોંચી વળવું તે જ મંઝીલ છે; તો પછી કોઈના પણ થકી ”
આવા તો ઘણી વાર મનોને મક્કમ કરેલા છે. શરૂઆતની ગતિ તો એટલી જડપી હોય કે મંઝીલ એકદમ સમીપે આવી જશે તેવી ભાસે. મધ્યે જતા તો મન ભાંગીને ભુક્કો થઇ જાય અને મંઝીલ દેખાતી બંધ ! પછી તો પામવું કેવું ને જીતની ખુશી કેવી !
આવા બધા સમીકરણો ને રચ્યા કે બનાવ્યા વગર જીવન જીવાય છે ખરું ? હજી તો બે ડગલાં આગળ ગયો કે પગલાં જમીન સાથે જડાઈ ગયા. સામેજ યમરાજ હાજર થઇ ગયા છે. હજી તો…..આગળ કશું વિચારું તે પહેલા જ મન સંમત થયું કે, યમરાજ નો હાજર થવાનો કોઈ માપદંડ નથી. માણસ જન્મે ત્યાર થી લઈને કોઈ પણ ઉંમરે તે આવી પહોંચે છે. કંપન સાથે મારાથી બોલાઈ જવાયું. “ મારી પાસે…. ”
“ એજ ને કે ખુબ પૈસા છે ? અરે એ બધા પૈસાના પાવર મનુષ્યોને બતાવજે. ”
“ યમરાજ, બીજું પણ કશું સંભળાવવાનું હોય તો કહી દો પછી મારી વાત પૂરી સાંભળો ! ”
“ ના, તું કહે. શું છે તારી પાસે ? ”
“ મારી પાસે હજી ઘણા લેખોને ન્યાય આપવાનો બાકી છે. ”
“ તું ન્યાયધીશ છે ? ”
“ ના જી, હું તો મારી લેખન પ્રવૃત્તિની વાત કરતો હતો, મારા અધૂરા સ્વપ્નોની વાત કરતો હતો. મારા લેખો ની વાત કરતો હતો. હું લેખ લખું છું. ”
“ અરે રે વિધાતા લેખ લખે ને આવો આ પણ લેખ લખે છે ? ” નવાઈ પામતાં તેઓ જતા રહ્યા.
આળસ ને લઈને જે બધા વિચાર કરેલા તે આળસ હજી હતી ત્યાં ને ત્યાંજ ડેરા તાણીને બિરાજી છે.
મુખવાસ : ફુલ કદી જાતે કદી ખીલી ના શકે
કરમાય ભલે મહેક છોડી ના શકે
કરમાય ભલે મહેક છોડી ના શકે
No comments:
Post a Comment