સીંધુ સંસ્કૃતી અને વૈદીક સંસ્કૃતીનો તુલનાત્મક અભ્યાસ
(ભાગ–2)
–એન. વી. ચાવડા
આપણા દેશના પુરાતત્ત્વ વીભાગના બે નીષ્ણાતો રખાલદાસ બેનરજી અને સર જ્હૉન માર્શલના વડપણ હેઠળ ઈ.સ. 1922માં સીંધુઘાટીની સંસ્કૃતીની શોધ થઈ. આપણી ભારતભુમીના પેટાળમાં દટાયેલાં 5000 વર્ષ પુરાણા મોહેં–જો–દડો અને હડપ્પા નગરોના અવશેષો ખોદકામ દ્વારા પ્રાપ્ત થયાં. જેના અવશેષોમાંથી ભારતીય ઈતીહાસને લગતી જે કેટલીક નોંધનીય અને અતી મહત્ત્વની માહીતીઓ પ્રાપ્ત થઈ છે તે આ પ્રમાણે છે.
સીંધુઘાટીના 5000 વર્ષ પુરાણા જે અવશેષો પ્રાપ્ત થયા છે તેમાં ઋગ્વેદ, ઋગ્વેદની છન્દસ્ ભાષા, ઋગ્વેદના દેવી–દેવતાઓ તથા રાજા–મહારાજાઓ અને ઋષી–મુનીઓનું કોઈ નામ–નીશાન નથી. ઉપરાંત તેમાં ઋગ્વેદના યજ્ઞકુંડો અને યજ્ઞમંડપો, વર્ણવ્યવસ્થા મુજબના ભીન્ન–ભીન્ન મહોલ્લાઓ, રાજાના રાજમહેલો અને દેવી–દેવતા કે ઈશ્વરના મન્દીરો કે ધર્મસ્થાનોનું તેમાં નામ–નીશાન નથી.
દેશ–વીદેશના પુરાતત્ત્વવીદો અને સંશોધનકાર વીદ્વાનોના અભ્યાસ મુજબ સીંધુઘાટીમાં 5000 વર્ષ પુર્વે વસનારાં ભારતીય લોકોની સંસ્કૃતી વીજ્ઞાનવાદી અને આધુનીક વીક્સીત સંસ્કૃતી હતી. તેમાં વસનારાં લોકો શીક્ષીત અને સુસભ્ય હતાં તથા ખેતી, પશુપાલન ઉપરાંત વેપાર–વાણીજ્ય કરનાર સાહસીક અને સુધરેલ પ્રજા હતી. આધુનીક સુખ–સગવડોવાળાં વ્યવસ્થીત રીતે બન્ધાયેલાં નગરોમાં વસનારી તે નાગરીક પ્રજા હતી. તેમના આવાસો સંડાસ–બાથરુમ અને વીશાળ સ્નાનાગારોયુક્ત તથા તેમાં ગટરપદ્ધતી પણ અસ્તીત્વમાં હતી. સર જ્હૉન માર્શલ લખે છે કે વેપાર, ખેતી, પશુપાલન, રાજનીતી, યોગશાસ્ત્ર, આયુર્વેદ, સ્ત્રી–પુરુષ સમાનતા અને ધાર્મીકતાનો અભાવ (અર્થાત્ ધર્મસ્થાનો અને રાજમહેલોનો અભાવ) એ આ સંસ્કૃતીની ખાસ વીશીષ્ટતાઓ હતી. આ સંસ્કૃતીમાં વસનારાં લોકોમાં સામુહીક શાસન હતું. તે પ્રકૃતીપુજક, લીંગયોનીપુજક અને માતૃપુજક પ્રજા હતી.
સીંધુ સંસ્કૃતીનો આ અભ્યાસ દર્શાવે છે કે સીંધુઘાટીની સંસ્કૃતી વૈદીક સંસ્કૃતી કરતાં પુરાણી અને તદ્દન ભીન્ન છે. સીંધુઘાટીની સંસ્કૃતી 5000 વર્ષ પુરાણી હોવાથી અને વૈદીક સંસ્કૃતી ત્યાર પછીની હોવાથી એમ કહી શકાય કે ઋગ્વેદ વધારેમાં વધારે 4000 વર્ષથી પુરાણો કદાપી હોઈ શકે નહીં.સીંધુઘાટીમાં મન્દીરો અને રાજમહેલો નથી તે બાબત દર્શાવે છે તે સંસ્કૃતીમાં ઈશ્વરવાદનું અને રાજાશાહીનું કોઈ અસ્તીત્વ નહોતું. પ્રજામાં સામુહીક શાસન હતું જેને કારણે જ તેમાંથી ભારતમાં ત્યારબાદ લોકશાહી–ગણતન્ત્રનો વીકાસ થયો હોવો જોઈએ. બુદ્ધના સમયમાં દેશમાં 16 રાજાશાહી અને 09 ગણતન્ત્રો હતા. તે દર્શાવે છે કે ત્યાં સુધીમાં વીદેશી આર્યો દ્વારા 16 ગણતન્ત્રોનો નાશ કરીને ત્યાં તેમણે રાજાશાહીની સ્થાપના કરી દીધી હતી. જેમાં તેમણે વર્ણવ્યવસ્થાવાદી સમાજરચનાનો અમલ કરી દીધો હતો. પ્રો. રા. ના. દાંડેકર જેવા અનેક ઈતીહાસકારો માને છે કે સીંધુઘાટીની સંસ્કૃતીનો નાશ ઈન્દ્રાદી આર્યોએ કર્યો હોવાના ઐતીહાસીક પ્રમાણો મળે છે. ઋગ્વેદમાં ઈન્દ્રે દાસ અને દસ્યુઓનાં અનેક નગરોનો નાશ કર્યાના ઉલ્લેખો છે. લાખો દસ્યુઓને મોતને ઘાટ ઉતારી તેમની તમામ સમ્પત્તી અને સ્ત્રીઓ લુંટીને પોતાની પ્રજામાં વહેંચી દેવાના ઉલ્લેખો પણ ઋગ્વેદમાં ઠેર ઠેર છે. દસ્યુ પ્રજા આર્યોનો ધર્મ યાને વર્ણવ્યવસ્થા અને યજ્ઞ સંસ્કૃતી સ્વીકારી નહોતી, તેથી જ તેમનો નાશ કરી નાખવામાં આવ્યો હતો એવાં ઉલ્લેખો પણ ઋગ્વેદમાં છે. લીંગયોની પુજક પ્રજા સામે આર્યોને સખત તીરસ્કાર હતો, અને લીંગયોની પુજક પ્રજા સીંધુઘાટીની સંસ્કૃતીમાં વસનારી પ્રજા હતી એ ઐતીહાસીક હકીકત છે.
પરન્તુ સીંધુઘાટીની સંસ્કૃતી અને વૈદીક સંસ્કૃતીના તુલનાત્મક અભ્યાસમાંથી પ્રગટ થતું આ સત્ય આપણા દેશના વર્ણવાદી માનસીકતાથી પીડાતા વીદ્વાનો સ્વીકારવા જેટલી સ્વસ્થતા ધરાવતાં નથી. તેમ જ તાર્કીક, ઐતીહાસીક, વાસ્તવીક અને વૈજ્ઞાનીક દૃષ્ટીથી આ સત્યનો સામનો કરવા માટે સક્ષમ પણ નથી, તેથી સામ્પ્રત સમયના વીદ્વાનોએ સીંધુઘાટીની સંસ્કૃતી પ્રત્યે બે અભીગમ અપનાવ્યા છે. જેમાંનો એક અભીગમ એવો છે કે જેમાં તેમણે એવું વલણ લીધું છે કે સીંધુઘાટીની સંસ્કૃતીનું ક્યાંય નામ લેવું જ નહીં; અર્થાત્ તેનો કોઈ જગ્યાએ ઉલ્લેખ કરવો નહીં; પરન્તુ તેના પ્રત્યે પ્રગાઢ મૌન જ સેવવું. બીજો અભીગમ એવો અપનાવ્યો છે કે સીંધુઘાટીનું નામ લીધા વીના તેના વીશે બુદ્ધીહીન બકવાસ કરવો અને પુરાતત્ત્વ વીજ્ઞાનનો જ જડમુળમાંથી વીરોધ કરવો અને એવો વીરોધ કરવા માટે અતાર્કીક લવારા કરવા. દા.ત. સુરતના એક વર્તમાનપત્રના એક કટારલેખક સીંધુઘાટીની સંસ્કૃતીનો ઉલ્લેખ કરવાનું ટાળીને સાવ અસમ્બદ્ધ રીતે પોતાના એક લેખમાં લખે છે કે ‘પુરાણા અવશેષોમાંથી કોઈ ધનુષ્ય મળે તો કેવી રીતે કહી શકાય કે એ ધનુષ્ય અર્જુનનું છે કે એકલવ્યનું? …કોઈ બોરનો ઠળીયો મળે તો કેવી રીતે કહી શકાય કે શબરીએ રામને આપેલા બોરનો એ ઠળીયો છે ?
વાસ્તવમાં આ વીદ્વાન લેખક સીંધુઘાટીની સંસ્કૃતીમાંથી ઉજાગર થતાં સત્યોનો સીધો સામનો કરી શકે એમ નથી, તેથી તેમણે આખા પુરાતત્ત્વ વીજ્ઞાનને જ મુળમાંથી ઉખેડી નાખવાનો એમનાં આ વીધાનો દ્વારા પ્રયાસ કર્યો છે. વાસ્તવમાં તેમનો આ પ્રયાસ કેટલાંક વર્ણવાદી સાધુ–બાવા યા ધર્માચાર્યો જેવો છે. આ વીદ્વાન લેખક આ સાધુ–બાવાની જેમ એમ પણ કહી શક્યા હોત કે પૃથ્વી ગોળ છે અને તે સુર્યની આસપાસ ફરે છે એની શી ખાતરી ? સુર્ય વાયુઓનો ગોળો છે એની શી ખાતરી ? પૃથ્વીને ગુરુત્વાકર્ષણ બળ હોવાની સાબીતી શું છે ? વગેરે વગેરે…
વાસ્તવમાં સીંધુઘાટીની સંસ્કૃતીના અવશેષોના અભ્યાસમાં ધનુષ્યબાણ અને બોરના ઠળીયાનો કે એના જેવી બીજી કોઈ વસ્તુઓનો આવો કોઈ પ્રશ્ન જ નથી. વાસ્તવીકતા એ છે કે ઋગ્વેદ, વર્ણવ્યવસ્થા, રામ, પરશુરામ, વશીષ્ઠ, ધ્રુવ, પ્રહલાદ, આદીને લાખો વર્ષ પહેલાના ગણવામાં આવે છે તેમનું 5000 વર્ષ પુરાણી સીંધુઘાટીની સંસ્કૃતીમાં નામોનીશાન કેમ નથી એના કારણો શું છે, અને તેનાથી આપણા કહેવાતા ઈતીહાસમાં શું ફેર પડે છે એની વીચારણાનો એમાં પ્રશ્ન છે. પરન્તુ એવી વીચારણાથી અગાઉના તમામ ઈતીહાસો ધરાશાયી થતાં હોવાથી યા ઉલટા પ્રતીત થતાં હોવાથી વર્ણવાદી વીદ્વાનો તેની વીચારણાથી દુર ભાગે છે. એટલું જ નહીં; પરન્તુ પુરાતત્ત્વ વીજ્ઞાન અને વીજ્ઞાનનો જ છેદ ઉડાડવાનો આડકતરો પ્રયાસ કરે છે. આશ્ચર્યની વાત એ છે કેઆવા વીદ્વાનો ઈશ્વરના અસ્તીત્વની ચર્ચા કરતી વખતે કહેતા હોય છે કે વીજ્ઞાનનો વીકાસ પણ ઈશ્વરની ઈચ્છા અને કૃપાને કારણે જ થયો છે. પરન્તુ એ જ વીજ્ઞાન જ્યારે એમની રુઢીચુસ્ત અને સ્વાર્થી માન્યતાને ધરાશાયી કરે છે, ત્યારે તેઓ વીજ્ઞાનનો પણ સમુળગો વીરોધ કરી બેસે છે. જેમાં બીજી આશ્ચર્યની વાત એ હોય છે કે તેઓ શું બકવાસ કરી રહ્યાં હોય છે, એની એમને ત્યારે ખબર જ રહેતી નથી.
વર્ણવ્યવસ્થાવાદીઓએ સીંધુઘાટીની સંસ્કૃતી વૈદીક હોવાનું પુરવાર કરવા માટે ઘણા પ્રયત્નો અને પેંતરાઓ કરી જોયા છે; પરન્તુ તે બધાં નીરાધાર અને નીષ્ફળ પુરવાર થયા છે. હીન્દુપ્રજા બાહ્ય રીતે અજ્ઞાનને કારણે આજે ભલે વર્ણાશ્રમધર્મને હીન્દુધર્મ માનતી હોય; પરન્તુ આન્તરીક રીતે તે બુદ્ધ અને મહાવીરના શીલ અને સદાચારના ઉપદેશને જ ધર્મ માને છે. ભારતમાં બે ભીન્ન સંસ્કૃતીઓનું સહઅસ્તીત્વ આજે પણ સર્વત્ર જોઈ શકાય છે. એક પ્રજા પરમ્પરાગત લોકધર્મ પાળે છે અને બીજી પ્રજા શાસ્ત્રીયધર્મ યાને ધર્મગ્રંથ પર આધારીત ધર્મ પાળે છે. લોકધર્મ સીંધુઘાટીની પરમ્પરા છે, જ્યારે શાસ્ત્રીયધર્મ વૈદીક પરમ્પરાનો છે.
સીંધુ સંસ્કૃતી વૈદીક નથી એનું સૌથી પ્રબળ અને અકાટ્ય પ્રમાણ એ છે કે જો સીંધુ સંસ્કૃતી વૈદીક હોત તો પુરાણો, રામાયણ, મહાભારત, ગીતા અને સ્મૃતીઓમાં એનો યશસ્વી ઉલ્લેખ હોત. આ બધાં ગ્રંથોમાં વૈદીક સંસ્કૃતીનો ઉલ્લેખ છે; પરન્તુ સીંધુ સંસ્કૃતીનો ઉલ્લેખ નથી, તે દર્શાવે છે કે સીંધુ સંસ્કૃતી વૈદીક નથી.
વીચારણીય પ્રશ્ન અહીં એ છે કે આઝાદી પછીના ભારતના વીદ્વાનો, ચીન્તકો, લેખકો, મુર્ધન્ય સાહીત્યકારો, સંશોધનકારો, પત્રકારો, ઈતીહાસકારો અને સાધુ–સન્તો તથા આચાર્યો સીંધુઘાટીની સંસ્કૃતીની વીચારણાની શા માટે ઉપેક્ષા કરી રહ્યા છે? તેઓ સીંધુઘાટીની વૈદીક સંસ્કૃતીનો તુલનાત્મક અભ્યાસ હીન્દુ પ્રજા સમક્ષ કેમ રજુ કરતા નથી ? આજે પણ તેઓ જ્યારે રામાયણ, મહાભારત, પુરાણો વગેરે ગ્રંથોની સમીક્ષા લખે છે ત્યારે માત્ર વૈદીક સંસ્કૃતીને જ કેન્દ્રમાં રાખીને તેની સમીક્ષા કરે છે ત્યારે તેઓ સીંધુઘાટીની સંસ્કૃતીને પણ કેન્દ્રમાં કેમ રાખતા નથી ? એનો અર્થ તો એમ જ થાય કે વીદેશી આર્યોની વીદેશી વૈદીક સંસ્કૃતી ને જ તેઓ પોતાની સંસ્કૃતી માને છે.અને સીંધુઘાટીની ભારતીય સંસ્કૃતીને તેઓ પોતાની સંસ્કૃતી માનતા નથી. એનો અર્થ એવો થાય કે તેઓ પોતાને મનમાં ભારતીય નથી માનતા; પરન્તુ તેઓ પોતાને મનમાં વીદેશી આર્ય માને છે. જો તેઓ એમ માનતા હોય કે આર્યો બહારથી આવ્યા નથી; પરન્તુ આર્યો પણ ભારતના મુળ નીવાસીઓ છે, તો પણ એનો મને કે કોઈને કશો જ વાંધો નથી, પરન્તુ ખુશી જ છે. તો પછી તેઓ ભારતની પોતાના સીવાયની પ્રજાને નીચ, અધમ, અપવીત્ર અને હલકી શા માટે ગણે છે ? તેને શુદ્ર ગણીને તેને શાસન અને પ્રશાસન માટે અપાત્ર કેમ માને છે ? શું કોઈ પોતાના સહોદરને કદી અપાત્ર અને અધમ માની શકે ? માર્ગદર્શન ફક્ત અમે જ કરી શકીએ અને અમારાથી અન્ય નહીં એવું એક ભારતીય વ્યક્તી બીજી ભારતીય વ્યક્તી વીશે કેવી રીતે કહી શકે ?
–એન. વી. ચાવડા
No comments:
Post a Comment