ફૅમીલી મારો ધર્મ છે અને ફૅમીલી મારું અધ્યાત્મ છે
–રોહીત શાહ
પ્રૅક્ટીકલ લાઈફ સાથે જોડાયેલી ન હોય એવી
વાત, ગમે તેટલી ભવ્ય હશે તો પણ; એનું આયુષ્ય ટુંકું જ હોવાનું. કેટલીક
વાતો અતી પવીત્રતાની અને ઉંચા આદર્શોની હોય છે; છતાં પ્રૅક્ટીકલ લાઈફનું
એમાં અનુસન્ધાન હોતું નથી. એવી વાતો સાંભળવાની તો ગમે છે; પણ સ્વીકારવાનું
મન નથી થતું.
નરેન્દ્ર મોદી ચાવાળા સાથે, રાહુલ ગાંધી
કુલી સાથે અને કેજરીવાલ રીક્ષાવાળાઓ સાથે બેસીને પોતપોતાના પૉલીટીક્સને
પ્રૅક્ટીકલ લાઈફ સાથે જોડી રહ્યા છે. એ દ્વારા એ બધા વ્યાપક સ્વીકૃતી પામવા
માગે છે. તમારી વાતો ભલેને ગગનવીહારની હોય; રહેવાનું તો તમારે ધરતી પર જ
છે ને! ગગનવીહાર રોમાંચક ખ્વાબ છે. વસુંધરા પરનો વસવાટ વાસ્તવીક વાત છે.
થોડા વખત પહેલાં એક સજ્જન મળ્યા હતા.
તેમનો નાનકડો પરીવાર સુખી હતો; પરન્તુ કોઈ ગુરુજીના સમ્પર્કમાં આવ્યા પછી એ
સજ્જનની લાઈફમાં ખુબ અશાન્તી પેદા થઈ ગઈ હતી. ગુરુજીએ તેમને પાઠ ભણાવ્યા
કે મોક્ષ પામવા માટે જ તને માનવજન્મ મળ્યો છે. જો તું, તને મળેલા
માનવજન્મમાં મોક્ષ નહીં મેળવી શકે તો પછી ક્યારેય નહીં મેળવી શકે, ર્ચોયાસી
લાખ યોનીમાં તું ભવોભવ ભટકતો રહીશ, પત્ની–સન્તાન અને પરીવાર આ બધી તો
ફોગટની માયા છે, એમાં ફસાયેલો આત્મા ડુબી જાય છે. ગુરુજીની આવી વાતો
સાંભળીને ભ્રમીત થઈ ઉઠેલા એ સજ્જન મને કહે, ‘રાત્રે ઉંઘ આવતી નથી. અજમ્પો
રહ્યા કરે છે. આ માનવજન્મ ફોગટ જશે તો મારા આત્માની ગતી કેવી થશે?’
મેં એ સજ્જનને કહ્યું કે, ‘ભાઈ, ખોટી
ચીંતા કરવાનું છોડી દો. સહજ જીવન જીવવા જેવું ઉત્તમ બીજું કશું નથી. પૃથ્વી
પરનાં તમામ પશુ–પંખીઓ, તમામ જીવો કુદરતી જીવન જીવે છે. એમને સંઘર્ષ હોય
છે; પણ અજમ્પો નથી હોતો. માણસે ‘દીમાગનું દહીં કરી નાખે’ એવા જ્ઞાનના અને
શાસ્ત્રોના અને ધર્મના અને સ્વર્ગ–નરકના ઢગલા કરી નાખ્યા. એ ઢગલા નીચે હવે
પોતે કચડાઈ–રીબાઈ રહ્યો છે. મારે મન તો મોજ એ જ મોક્ષ છે. મોહ છુટે એ જ મોક્ષ છે. મોક્ષનો મોહ તો સૌથી ખતરનાક છે. મોક્ષનો મોહ છોડવા જેવો છે, સંસારનો મોહ નહીં!
ગુરુઓ આપણને ઉંધા રવાડે ચડાવે છે કે આ મીથ્યા છે અને આ સત્ય છે. પછી આપણું
દીમાગ ગુમરાહ થઈ જાય છે. પેલા સજ્જન અત્યાર સુધી સુખી હતા. પરીવાર સાથે
મસ્તીથી જીવતા હતા. હવે એ બધું તેમને મીથ્યા અને મોહરુપ લાગવા માંડ્યું.
હવે મોક્ષથી ઓછું કશું તેમને ખપતું નહોતું એટલે ઉજાગરા વેઠતા હતા. તમે
જોજો, ખાસ બારીકાઈથી નીરીક્ષણ કરજો. સંસારનો મોહ હશે એવા લોકો સુખી હશે, મોક્ષનો મોહ લઈને ફરનારા હાથે કરીને દુ:ખી થતા હશે અને બીનજરુરી તકલીફો વેઠ્યા કરતા હશે.
ગયા અઠવાડીયે એક મૉલમાં જવાનું થયું. એ
મૉલમાં એક થીયેટર પણ હતું. એ થીયેટરમાં ફીલ્મ જોવા એક વૃદ્ધ દમ્પતી આવ્યું
હતું. બન્નેની ઉમ્મર પંચોતેર કરતાં વધારે દેખાતી હતી. થીયેટરનો દરવાજો હજી
ખુલ્યો નહોતો. એ વૃદ્ધ દમ્પતી બહાર ખુરશી પર બેઠું–બેઠું પરસ્પરને પ્રેમ
કરતું હતું. બન્ને જણ એકબીજામાં એટલાં બધાં ખોવાયેલાં હતાં કે દુનીયાનું ન
તો તેમને ભાન હતું કે ન તો તેમને દુનીયાની કશી પરવા હતી. એ વૃદ્ધ દમ્પતીને
જોઈને કોઈ બોલ્યું ‘છે જરાય લાજશરમ! આટલી ઉમ્મરેય તેમને રોમૅન્ટીક બનવાનું
સુઝે છે!’
મેં તેને કહ્યું, ‘પ્યારની
કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી. વળી પ્રેમ કરવામાં લાજ–શરમ શાની? માણસને
પ્રીયપાત્ર સાથે પ્રેમ કરવાનીયે છુટ નહીં? તમે જાહેરમાં ગાળાગાળી કરી શકો,
તમે જાહેરમાં મારામારી કરી શકો, તમે જાહેર રસ્તા પર થુંકી શકો–કચરો નાખી
શકો, તમે જાહેર રસ્તા પર ઘોંઘાટ કરી શકો, તમે ગમે ત્યાં શૌચક્રીયા કરી શકો,
તમે જાહેરમાં લાંચ લઈ શકો, તમે ખુલ્લેઆમ બોલેલું ફરી જઈ શકો, તમે
ખુલ્લંખુલ્લા વીશ્વાસઘાત કરી શકો –એમ કરતી વખતે લાજ–શરમ આવવી જોઈએ. વૃદ્ધ દમ્પતી તરફ તો ઉલટાનો અહોભાવ થવો જોઈએ ને!’
પરન્તુ આપણે મુળથી વ્યવસ્થા જ ખોટી ઉભી
કરી બેઠા છીએ. વૃદ્ધ દમ્પતી પરસ્પરને વહાલ કરે એમાં શું પાપ હતું? એમાં
કયું હલકું કામ હતું? આપણે કોઈ પ્રસંગે મોડા પહોંચીએ તો શરમાવાનું હોય,
આપણે કોઈને આપેલું વચન પાળી ન શકીએ તો શરમાવું પડે. પ્રેમ કરવામાં વળી
લાજ–શરમ શાની? વળી, એ વૃદ્ધ દમ્પતી કંઈ જાહેરમાં સેક્સ નહોતાં માણતાં,
ચુમ્મા–ચુમ્મી નહોતાં કરતાં. એ બન્ને જણ પરસ્પરને અડીને બેઠાં હતાં. એક જ
ડીશમાંથી નાસ્તો કરતાં હતાં. હસી–હસીને વહાલની વાતો કરતાં હતાં અને
વચ્ચે–વચ્ચે એકબીજાના ગાલ ઉપર પ્રેમથી ચુંટી ભરતાં હતાં. એ જોઈને રાજી
થવાનું હોય. આપણને દમ્ભ અને પાખંડ ફાવી ગયાં છે. કોઈ યુવાન માણસ
બ્રહ્મચર્યની ફાલતુ બડાશો મારે તો વાંધો નહીં; પણ એક વૃદ્ધ દમ્પતી ખુણામાં
બેઠું–બેઠું કોઈને નડ્યા વગર પરસ્પરને વહાલ કરતું હતું એમાં વાંધો પડી જતો
હતો! આમ પાછા આપણે વૅલેન્ટાઈન્સ ડે ઉજવતા હોઈએ અને આમ, ત્યારે આવા વૃદ્ધ
દમ્પતીનું સન્માન કરવાને બદલે એની ટીકા–નીંદા કરવા માંડીએ છીએ?
હમણાં એક ભાઈ કહે, મેં એક લાખ માળા પુરી
કરી! તેમના ચહેરા પર ગૌરવ અને આનન્દ હતા. મને થયું કે સાચા દીલથી અને સાચી
રીતે તો એક જ વખત નામસ્મરણ કરવાનું હોય ને! આટલી બધી માળાઓ કરવી જ કેમ પડે?
આ તો કોઈ ઠોઠ વીદ્યાર્થી એમ કહે કે મેં પાંચમા ધોરણની પરીક્ષા દસ વખત આપી
એવી જ વાત થઈ ને! વળી જો તમે આસ્તીક હો અને પ્રભુસ્મરણ તમને પસન્દ હોય તો એનાં પલાખાં–હીસાબો થોડાં રાખવાનાં હોય? માળાઓની ગણતરી શા માટે? માત્ર નામસ્મરણ ચાલે, ગણતરી છુટી જાય એ ભક્તી.
આપણે ભવ્યતા અને પવીત્રતાના ભ્રામક
ખ્યાલોમાં ભટક્યા કરીએ છીએ. ભૌતીકવાદ સત્ય છે, એને ભ્રામક ગણવામાં આપણે
શુરાતન બતાવીએ છીએ. અને જેનું કદાચ અસ્તીત્વ જ નથી એવા મોક્ષ અને સ્વર્ગને
સત્ય સમજવાના ઉધામા કરીએ છીએ. આપણા અજમ્પા આપણે જાતે જ વધારતા રહીએ છીએ.
મને તો પાકો વહેમ છે કે, જે લોકોને
પરીવારનું સુખ નથી મળ્યું હોતું અથવા તો જે લોકોને પરીવારનું સુખ મેળવતાં
આવડતું નથી હોતું એવા લોકો જ મોક્ષના ખ્વાબોમાં રાચતા રહે છે. જેને
ફૅમીલીમાં સુખ મળી જાય છે, તેને મોક્ષ પણ ફોગટ લાગે છે. ફૅમીલી મારો ધર્મ
છે, ફૅમીલી મારું અધ્યાત્મ છે, ફૅમીલી મારું મન્દીર છે, ફૅમીલી મારી મુર્તી
છે, ફૅમીલી મારી પુજા છે, ફૅમીલી મારા માટે વ્રત–તપ છે.
સકલ તીરથ વન્દું કર જોડ
હમણાં વળી એક પંડીતજી શ્રોતાઓને ‘સકલ
તીરથ’ સમજાવતા હતા. એક સ્તવન છે : ‘સકલ તીરથ વન્દું કર જોડ…’ એ સ્તવનમાં
વર્ણન છે કે ફલાણી જગ્યાએ બત્રીસ લાખ મન્દીરો છે, ફલાણી જગ્યાએ સોળ લાખ…
આપણે એ બધાં મન્દીરોમાં ન જઈ શકીએ એટલે અહીં બેઠાં–બેઠાં ભાવવન્દના કરીએ, આ
રીતે લાખો મન્દીરો જુહારવાનો લાભ મળશે. પહેલો સવાલ એ છે કે લાખો મન્દીરો
શા માટે જુહારવાનાં જ હોય? શ્રદ્ધા હોય તો એક જ મન્દીર ઈનફ નથી શું? બે
વત્તા બે ચાર થાય એટલી ખબર હોય તો વારંવાર સરવાળા કરવા બેસવું ન પડે.
પાંચસો વત્તા બસો બરાબર સાતસો જ થાય. તમે એક વખત ટોટલ કરો કે લાખ વખત ટોટલ
કરો, શો ફરક પડે? લાખો મન્દીરો, લાખો
મુર્તીઓને વન્દન કરવાના અભરખા જ શાના કરવાના? ભીતરથી જો એક જ વખત સાચું
દર્શન થઈ જાય તો આપણાં હજારો જુઠાણાં અને પાખંડ છુટી જાય.
–રોહીત શાહ
No comments:
Post a Comment