નાસ્તીકો પણ આવા ઈશ્વરને સ્વીકારશે !
–રોહીત શાહ
આપણી ઈશ્વરની શોધ મુર્તી સુધી પહોંચીને સમાપ્ત થઈ ગઈ છે. મુર્તી મળી એટલે ઈશ્વર મળી ગયો હોય એમ રાજી–રાજી થઈને આપણે તેની આળપમ્પાળ કરવા મંડી પડીએ છીએ.
શીયાળામાં ઈશ્વરને ઠંડી ન લાગે એ માટે મુર્તીને ઉનનાં કપડાં પહેરાવાય છે. ઉનાળામાં ઈશ્વર પરસેવે રેબઝેબ ન થઈ જાય એ માટે તેને એસીમાં રાખવાના પ્રયોગો પણ થયા છે. ઈશ્વરની એક કલ્પના તે નીરંજન–નીરાકાર હોવાની છે. જો એ સાચી કલ્પના હોય તો ઈશ્વરને ઠંડી–ગરમી ન લાગે, ભુખ પણ ન લાગે. આ છપ્પન ભોગ અને નૈવેદ્ય અને પ્રસાદ બધું બકવાસ બની જાય.
જો ઈશ્વર સમગ્ર સૃષ્ટીમાં સર્જક અને કર્તા–હર્તા હોય, સમર્થ હોય તો તેને આપણા તરફથી ભોગસામગ્રી કે ભેટસામગ્રી મેળવવાની શી ગરજ હોય? ચુન્દડી કે ચાદર ન ચઢાવીએ, શ્રીફળ ન વધેરીએ તો તે આપણું કામ ન કરે એવું કેમ? ઈશ્વર વીશે આપણે જે કલ્પનાઓ કરી છે તેને અનુરુપ આપણો વ્યવહાર નથી થતો. માણસ આ બાબતે ગુમરાહ થયો હોય એમ લાગે છે.
ગરબડીયા ગામના બાવાએ ઈશ્વર વીશે સાવ જ વાહીયાત અને ભ્રામક તસવીર આપણી સમક્ષ પેદા કરી છે. ઈશ્વર એટલે જાણે કે સોટી લઈને આપને પનીશમેન્ટ કરવા બેઠેલી કોઈ ક્રુર વ્યક્તી ન હોય! ઈશ્વર એટલે આપણી ભેટ–સોગાદોથી રાજી થઈને આપણા પર કૃપા વરસાવનાર ભ્રષ્ટ સરકારી અધીકારી ન હોય! આપણી નાની–નાની ભુલો માટે વારમ્વાર કોપાયમાન થઈ ઉઠનારો કોઈ રાક્ષસ હોય એવું ઈશ્વરનું ચીત્ર આપણી સામે મુકવામાં આવ્યું છે.
ઈશ્વર આવો હોય ખરો? અને ખરેખર જ ઈશ્વર જો તેવો જ હોય તો આપણને તેની શી ગરજ હોય? આપણે તેની ભક્તી કરવાની કે તેના ગુણ ગાવાની આવશ્યક્તા ખરી? ઈશ્વરને નામે આપણને સૌને સદીઓથી ડરાવવાનો ઉદ્યમ આપણા કહેવાતા ધર્મગુરુઓ કરતા રહ્યા છે.
અમે નાના હતા ત્યારે ખેતરમાં ફરવા જતા હતા. ખેતરમાં મને ‘ચાડીયો’ જોવાની બહુ મજા પડતી. આજેય ક્યારેક ખેતરમાં ચાડીયો જોઉં છું ત્યારે મારા ભીતરમાં બાળપણનો રોમાંચ છલકાઈ ઉઠે છે. આ ચાડીયો એટલે શું? ખેતરમાં પાક (ફસલ)ને પશુ–પંખીઓ નુકસાન ન પહોંચાડે એ હેતુથી આડી–ઉભી લાકડીનો ક્રૉસ બનાવીને એને પુરુષનાં કપડાં પહેરાવેલાં હોય. પશુ–પંખીઓને દુરથી ત્યાં કોઈ માણસ ઉભો હોય એવો વહેમ પડે અને ચણ ચણવા કે ઘાસ ચરવા અન્દર ઘુસી ન જાય. ક્યારેક ચાડીયાને માથે હૅટ પણ ગોઠવેલી હોય. ક્યારેક ચાડીયો લાકડી ઉગામીને ઉભેલો હોય. એમાં કલાત્મકતા હોવી અનીવાર્ય નહોતી. એનો હેતુ તો ભય અને ભ્રમ પેદા કરવાનો જ હતો. ક્યારેક મને લાગે છે કે આપણા ધર્મગુરુઓએ આપણને ડરાવવા માટે, આપણામાં ભય અને ભ્રમ પ્રગટાવવા માટે ઈશ્વરના નામનો ચાડીયો આપણી સામે મુકી દીધો છે!
ઈશ્વર વીશેની મારી વ્યાખ્યા સાવ સરળ અને સર્વસ્વીકૃત છે. જો કોઈ નાસ્તીક વ્યક્તી પણ આ વ્યાખ્યા સાંભળે તો એને સ્વીકારવા તૈયાર થશે.આપણને આફતમાં રાહત આપે, સંકટમાં સહાયક બને અને છતાંય વળતરની કે બદલાની જરાય અપેક્ષા ન રાખે, પોતે જે કંઈ મહાન પુણ્યકાર્ય કર્યું એની ક્યાંય બડાશ ન મારે – પ્રદર્શન ન કરે તે ઈશ્વર. ભલે પછી તે સ્વજન–મીત્ર રુપે હોય કે અજાણી વ્યક્તી સ્વરુપે હોય!
મને તેવો ઈશ્વર નથી જોઈતો, જે મારી ભુલો માટે મને પનીશમેન્ટ કરે. મને તો તેવો ઈશ્વર જોઈએ છે, જે મારી કોઈ પણ ભુલ ગમે ત્યારે માફ કરીને મને ભરપુર વહાલ કરે. મારી પાસેથી દાન–દક્ષીણા, પ્રસાદ, ભોગ, ભેટ કંઈ જ ન માગે. કશીય અપેક્ષા વગર મારા ઉપર કૃપા અને કરુણા વરસાવે તેને હુંઈશ્વર કહેવા–માનવા તૈયાર છું.
આપણને રીબાવે, તડપાવે, પનીશમેન્ટ કરે, સુખો ભોગવવા ન દે, આપણને સુખો ભોગવતા જોઈને ભડકી ઉઠે, આપણી પાસે ટાંટીયાતોડ જાત્રાઓ કરાવે, દુધમાં નાહવાનું જેને ગમે, ગરીબ ભક્ત પાસેથીય છપ્પન ભોગની અપેક્ષા રાખે, કીમતી ઝાકઝમાળ અને ઘંટારવના પ્રદુષણથી જે પ્રસન્ન થતો હોય તેવો ઈશ્વર તો માત્ર કલ્પના જ છે. સાચો ઈશ્વર તો નક્કી આપણી આસપાસમાં આપણને કોઈ તકલીફ ન પડે અને કદાચ તકલીફ પડે તો સ્નેહથી સહાય કરવાની પ્રતીક્ષામાં ઉભેલો હશે. મીત્રો–સ્વજનોનું આવું ઈશ્વરી સ્વરુપ સમજાય તો નો પ્રૉબ્લેમ.
–રોહીત શાહ
લેખક–સમ્પર્ક :
No comments:
Post a Comment