સામુહીક ભ્રમણા
–બી. એમ. દવે
[ગત અંક : 02 ના અનુસન્ધાનમાં..]
સામુહીક ભ્રમણાને મનોવીજ્ઞાનની ભાષામાં mass-mania તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ બાબતને લગતી વ્યક્તીગત ભ્રમણા જ્યારે સામુહીક સ્વરુપ પકડે છે ત્યારે તે દાવાનળની જેમ ફેલાઈ જાય છે અને તેની ઝપટમાં અચ્છા–અચ્છાને લઈ લે છે. સામુહીક ભ્રમણાની મનોવૈજ્ઞાનીક અસર એટલી બધી તીવ્ર હોય છે કે તેના દાયરામાં ભણેલીગણેલી, બુદ્ધીશાળી અને હાઈપ્રોફાઈલ વ્યક્તીઓ પણ બાકાત રહી શકતી નથી. શ્રદ્ધાળુ વ્યક્તીઓ તો આવી સામુહીક ભ્રમણામાં દીવામાં જેમ પતંગીયું કુદી પડે તેમ કુદી પડે છે. ફક્ત રૅશનલ વીચારધારાને વરેલી વ્યક્તીઓ જ આમાંથી બાકાત રહી શકે છે. આવી ભ્રમણાના ફેલાવા વખતે તેની અસર હેઠળ આવી ગયેલ વ્યક્તી સારા–નરસાનું વીવેકભાન ગુમાવી બેસે છે. વીજ્ઞાનને તો તે લુછીને નાખી દે છે.
‘માસ–મેનીઆ’ એટલે કે સામુહીક ભ્રમણાનું સૌથી સચોટ ઉદાહરણ થોડા સમય પહેલાં ગણપતીની મુર્તીએ દુધ પીધું હોવાની ઘટના ગણાવી શકાય. આ ઘટના વખતે અનુભવાયેલ ઘેલછા અભુતપુર્વ હતી. વૈજ્ઞાનીકો અને રૅશનાલીસ્ટોએ સમજાવવાની ખુબ કોશીશ કરી હતી કે જે ઘટના ઘટી રહી છે તેની પાછળ ભૌતીકશાસ્ત્રનો જાણીતો ‘કેશાકર્ષણ’નો નીયમ કામ કરે છે; પણ આવી સામુહીક ભ્રમણા વખતે ચમત્કારના જોરશોરથી વાગતાં ઢોલ–નગારાંના અવાજમાં ભૌતીકશાસ્ત્રીઓની પીપુડીનો અવાજ દબાઈ જાય છે. લોકોમાં વીજ્ઞાનને ખોટું પાડવાની અને આ ઘટનાને ચમત્કારમાં ખપાવવાની જાણે કે હરીફાઈ ચાલતી હોય તેવો માહોલ સર્જાયો હતો.
સામુહીક ભ્રમણા ફેલાઈ રહી હોય ત્યારે મીડીઆ પણ ચાલતી ગાડીએ ચડી જાય છે અને બળતામાં ઘી હોમવાનું કામ કરે છે. આપણા ભારતીય મીડીઆની લાચારી કહો કે પછી ધન્ધાદારી અભીગમ કહો; પણ અન્ધશ્રદ્ધાની આગને ઠારવામાં મીડીઆની ભુમીકા ‘નરો વા કુંજરો વા’ જેવી રહી છે. વ્યુઅરશીપ ઘટી જવાના કાલ્પનીક ભયથી મીડીઆ પોતાનો ધર્મ ચુકે છે તેવું લાગે છે. ક્યારેક નાછુટકે કંઈક કહેવું પડે તેવા સંજોગોમાં દબાતા અવાજે બોલે છે. જે ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢવાની હોય ત્યાં બુલન્દ અવાજે બોલવાને બદલે જોખીજોખીને અને તોળીતોળીને તે બોલે છે.
ગણપતીએ દુધ પીધું હોવાની સામુહીક ભ્રમણા અગાઉ ઘણાં વર્ષો પહેલાં ઉનાવા ખાતે એક બાપુ તમામ પ્રકારનાં દુ:ખ દુર કરવા માટે પાણી મન્તરતા હોવાની બહુ ચકચારી ઘટના ઘટી હતી. લાખોની સંખ્યામાં દુરદુરથી ભ્રમીત લોકો પાણી મન્તરાવવા આવતા હતા. હજારોની સંખ્યામાં માણસોને એકીસાથે બેસાડી સાથે લાવેલ પાણીની બૉટલ ઉંચી કરવાનું કહેવામાં આવતું અને પછી બાપુ દુરથી ફુંક મારીને પાણી મન્તરતા હતા. થોડીઘણી બુદ્ધી હોય તેવી વ્યક્તીને પણ કોઈ પણ રીતે ગળે ન ઉતરે તેવી આ સામુહીક ભ્રમણાની ઘટનામાં ઉચ્ચ શીક્ષીત વર્ગના માણસો પણ સ્વેચ્છાએ શીકાર બન્યા હતા. આ ઘટનાના પડઘા એટલા બધા પડ્યા હતા કે છેવટે પોલીસ ખાતાએ હરકતમાં આવવું પડ્યું હતું.
આ પ્રકારની ‘માસ–મેનીયા’ની અન્ય એક ઘટના થોડાં વર્ષો અગાઉ ભાવનગર જીલ્લાના તળાજા ગામ પાસેની એક વાડીમાં બની હતી. આ વાડીમાં પાર્વતીમા નામનાં એક અભણ ડોશીમા ની:સન્તાન દમ્પતીઓને સન્તાનપ્રાપ્તી માટે વીધી કરી પ્રસાદ આપતાં હતાં. હજારોની સંખ્યામાં ની:સન્તાન દમ્પતીઓ સન્તાનપ્રાપ્તી અર્થે ત્યાં આવતાં હતાં. અહીં આવતાં અન્ધશ્રદ્ધાળુ મુસાફરોના ધસારાને પહોંચી વળવા એસ. ટી. નીગમે તળાજાને જોડતી ખાસ વધારાની બસો દોડાવવી પડી હતી. ગુજરાત બહારથી પણ અન્ધશ્રદ્ધાળુઓનાં મોટાં ટોળાં આવતા હતા. આ પાર્વતીમા આશીર્વાદ આપીને અને પ્રસાદ ખવડાવીને સીધુ સીમન્તનું મુહુર્ત જોવડાવી સીમન્તની વીધી કરાવી લેવાનો આગ્રહ રાખતાં હતાં તેમ જ સગર્ભાવસ્થાની ચકાસણી કોઈ ડૉક્ટર પાસે ન કરાવવા પણ ખાસ તાકીદ કરતાં હતાં.
કેટલાયે વર્ષો સુધી અભણથી માંડીને ઉચ્ચ શીક્ષીત સુધીનાં ની:સન્તાન દમ્પતીઓ હજારોની સંખ્યામાં સામે ચાલીને છેતરાતાં રહ્યાં. મારી દૃષ્ટીએ આમાં પાર્વતીમાનો કોઈ કસુર નથી. તેઓ તો દુકાન ખોલીને બેઠાં હતાં. સામે ચાલીને ગ્રાહકો મુંડાવા આવે તેમાં તેમનો શો વાંક? પાર્વતીમાના દીકરાઓએ અન્ધશ્રદ્ધાળુઓ માટે ચા–પાણી, નાસ્તો, જમવા અને રહેઠાણની સુવીધા પુરી પાડવાનો ધન્ધો ધમધોકાર ચલાવ્યો અને બે પાંદડે નહીં; પણ પન્દર–વીસ પાંદડે થઈ ગયા; એમ કહી શકાય કે પાર્વતીમાના ‘સીમન્ત’ના ગોરખધન્ધાથી તેમના દીકરાઓ ‘શ્રીમન્ત’ બની ગયા.
સ્થાનીક પોલીસે એમ કહીને હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરી દીધો કે જ્યાં સુધી પોલીસ પાસે કોઈ ફરીયાદી બનીને ફરીયાદ લઈને ન આવે ત્યાં સુધી પોલીસ સ્વયમ્ભુ રીતે કોઈ પગલાં ભરી શકે નહીં. મારી જાણકારી મુજબ પછી આ પાર્વતીમાનું અવસાન થઈ ગયું હતું અને તેમના સન્તાનો પણ આ વારસો સમ્ભાળી રહ્યા હતા.
સામુહીક ભ્રમણાની અન્ય પણ ઘણી ઘટનાઓ ઈતીહાસમાં નોંધાઈ છે. પપૈયામાં, શીવલીંગમાં અને ઝાડના થડમાં દેવ–દેવીઓ દેખાવાની અનેક ઘટનાઓ ઘટી ચુકી છે. આ પ્રકારની તમામ ઘટનાઓમાં રીતસર અન્ધશ્રદ્ધાની આંધી ફુંકાય છે, જેમાં પોતાને બુદ્ધીશાળી સમજતા લોકો પણ ખેંચાઈ જાય છે અને પોતાનો બુદ્ધીવીવેક ગુમાવી બેસે છે. પોતાની તર્કશક્તી, લાયકાત, હોદ્દો અને પ્રતીષ્ઠા પણ ગીરવે મુકાઈ જાય છે.
આ પ્રકારની ઘટનાઓ ભારત જેવા દેશમાં વધુ બને છે; પરન્તુ વીદેશમાં પણ આવી સામુહીક ભ્રમણાની ઘટનાઓ નોંધાયેલી છે. મધર મેરીની આંખમાંથી આંસુ નીકળવાની ઘટના અગાઉ ઘણી વખત પ્રકાશમાં આવેલી છે. થોડાં વર્ષો અગાઉ રોમન કૅથલીક સમ્પ્રદાયના એક ધર્મગુરુના આદેશથી સ્વર્ગમાં જવા માટે આ સમ્પ્રદાયના સેંકડો અનુયાયીઓએ સામુહીક આત્મહત્યા કરી હતી. સામુહીક ભ્રમણાનું ગાંડપણ જ્યારે સવાર થાય છે ત્યારે ફક્ત રૅશનલ વીચારધારા ધરાવતી વ્યક્તી જ પોતાની જાતને તેમાંથી બચાવી શકે છે.
સામુહીક ભ્રમણાનું પ્રભાવી ક્ષેત્ર ફક્ત ધાર્મીક બાબતો પુરતું મર્યાદીત નથી, અન્ય ક્ષેત્રો જેવાં કે સામાજીક ક્ષેત્ર, રાજકીય ક્ષેત્ર અને શૈક્ષણીક ક્ષેત્રમાં પણ ‘માસ–મેનીઆ’નો પગપેસારો છે, જેને સામાન્ય ભાષામાં આપણે ‘ગાડરીયા પ્રવાહ’ તરીકે પણ ઓળખી શકીએ. આવા ગાડરીયા પ્રવાહમાં પણ અંગુઠાછાપથી માંડીને પીએચ.ડી. સુધીના શીક્ષીતો તણાઈ જાય છે.
થોડા દૃષ્ટાંતોની મદદથી ગાડરીયા પ્રવાહ ઉપર પ્રકાશ પાડવાની કોશીશ કરું છું.
ગુજરાત રાજ્યના વહીવટી તન્ત્રની કરોડરજ્જુ સમાન આઈ.એ.એસ. અને આઈ.પી.એસ. ઑફીસરો મોટા ભાગે બીનગુજરાતી જોવા મળે છે. અલબત્ત, છેલ્લાં પાંચેક વર્ષથી થોડા ગુજરાતી ઉમેદવારો યુ.પી.એસ.સી.ની આવી પરીક્ષાઓ પાસ કરે છે. આમ છતાં અન્ય રાજ્યોની સરખામણીમાં આ બન્ને કૅડરમાં ગુજરાતી અધીકારીઓની કમી ઉડીને આંખે વળગે તેવી છે. આવી પરીસ્થીતીનો અર્થ એવો ઘટાવી શકાય કે ગુજરાતના વીદ્યાર્થીઓમાં ટૅલેન્ટની કમી છે? ના, હરગીજ નહીં. ગુજરાતમાં પણ અત્યન્ત તેજસ્વી અને મેઘાવી બુદ્ધીપ્રતીભા ધરાવતા ઉમેદવારો છે જ, જેઓ યુ.પી.એસ.સી.ની આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી ગુજરાતી અધીકારી તરીકે કલેક્ટર અને જીલ્લા પોલીસ વડાની ખુરશીઓ શોભાવી શકે તેમ છે; છતાં આ બન્ને કૅડરમાં ગુજરાતી અધીકારીઓની તીવ્ર અછત પાછળ સૌથી મહત્વનું પરીબળ છે ગાડરીયા પ્રવાહની અસર.
તેજસ્વી બાળક એસ.એસ.સી.ની પરીક્ષામાં 90 ટકા જેટલા માર્ક્સ લાવે એટલે તેનાં માવતર તેને સાયન્સ પ્રવાહમાં દાખલ કરી ધોરણ 12માં મેડીકલના મેરીટમાં આવે તેટલા ટકા માર્ક્સ મેળવવા મરણીયા પ્રયાસો શરુ કરી દે બસ, એક જ લક્ષ્ય : દીકરો કે દીકરી ડૉક્ટર બની જાય. કદાચ મેડીકલના મેરીટમાં બાળક ન આવે તો નાછુટકે બીજો વીકલ્પ એન્જીનીઅરીંગ ક્ષેત્રનો આંખ બન્ધ કરીને અપનાવવામાં આવે. આ દેખાદેખી પણ ગાડરીયા પ્રવાહની આડપેદાશ છે. જે તેજસ્વી બાળક ડૉક્ટર કે ઈજનેર બની શકે તે બાળક આઈ.એ.એસ. કે આઈ.પી.એસ. કેમ ન બની શકે? અહીં ડૉક્ટર બનવાનો વીરોધ કરવાની વાત નથી; પણ ‘આંધળી ભેંસે મુળીયું ભાળ્યું’ એ કહેવત અનુસાર બધા જ તેજસ્વી વીદ્યાર્થીઓને ફક્ત ડૉક્ટર જ બનાવવાનો અભરખો શા માટે? આઈ.એ.એસ. કે આઈ.પી.એસ. અધીકારીઓનાં માન–મોભો ને સ્ટેટસ ડૉક્ટર જેટલાં નથી હોતાં? જો આપણાં ગુજરાતનાં તેજસ્વી બાળકોને ‘માસ–મેનીઆ’ની અસર હેઠળ ડૉક્ટર કે ઈજનેર જ બનાવી દેવાની જીદ કે માનસીકતા ન હોય તો ગુજરાતના વહીવટી તન્ત્રમાં અન્ય રાજ્યોની જેમ આ બન્ને કૅડરના અધીકારીઓમાં બહુમતી ગુજરાતી અધીકારોની જ હોય.
લગભગ 25 વર્ષ અગાઉ સુધી ગુજરાતની પી.ટી.સી. કૉલેજમાંથી દર વર્ષે અન્દાજીત 5,000 વીદ્યાર્થીઓ પી.ટી.સી. થઈને બહાર પડતા અને લગભગ તેટલી જ ખાલી જગ્યાઓ પડતી, જેમાં દરેકને વહેલી–મોડી પ્રાથમીક શીક્ષકની નોકરી ખાતરીપુર્વક મળી જતી. પી.ટી.સી.માં દાખલ થવાનું પણ સરળ હતું અને નોકરી મેળવવાનું પણ સરળ હતું. આવી અનુકુળ પરીસ્થીતીનું પરીણામ એ આવ્યું કે ગાડરીયો પ્રવાહ આંખો બન્ધ કરીને પી.ટી.સી. પાછળ પડી ગયો. બીલાડીના ટોપની જેમ પી.ટી.સી.ની કૉલેજો ખુલતી ગઈ અને અન્દાજે 50,000 જેટલા વીદ્યાર્થીઓ બહાર પડવા માંડ્યા, જેની સામે વૅકન્સી 10,000થી પણ ઓછી છે. આવી પરીસ્થીતીમાં પ્રાથમીક શીક્ષકની નોકરી મેળવવાનું અત્યન્ત અઘરું બનતું ગયું.
અને પરીણામે પી.ટી.સી. થયેલા વીદ્યાર્થીઓએ પોલીસ કોન્સ્ટેબલ, ક્લાર્ક અને તલાટી જેવી જગ્યાઓ માટે લાઈન લગાવવા માંડી. ઉપરાંત કેટલાક તેજસ્વી વીદ્યાર્થીઓ, જેઓ આગળ અભ્યાસ કરીને હાઈસ્કુલમાં શીક્ષક, કૉલેજમાં પ્રોફેસર કે ઉચ્ચ અધીકારી થવા જેટલી બુદ્ધીપ્રતીભા ધરાવતા હતા તેઓને તેમનાં માવતરોએ પ્રાથમીક શીક્ષક બનાવી ખોટનો ધન્ધો કર્યો. કહેવાનું તાત્પર્ય એ છે કે આ પ્રકારના ગાડરીયા પ્રવાહમાં તણાઈ જવાથી સરવાળે નુકસાન જ થાય છે; પરન્તુ ‘માસ–મેનીઆ’ની અસર એટલી તીવ્ર હોય છે કે બીજી દીશામાં વીચારવાની બારી જ બન્ધ કરી દેવામાં આવે છે. હાઈસ્કુલમાં શીક્ષક બનવા માટે જરુરી બીએડ્.ની ડીગ્રીના કીસ્સામાં પણ લગભગ આવું જ બન્યું છે.
રાજકીય ક્ષેત્રની વાત કરીએ તો રાષ્ટ્રીય કક્ષાના ઘણા નેતાઓ જેઓ પોતાના મતવીસ્તારમાં પ્રચંડ લોકપ્રીયતા ધરાવતા હોય અને લાંબા સમય સુધી આ વીસ્તારનું પ્રતીનીધીત્વ કરતા હોય તેવા નેતાઓ અચાનક ખરાબ રીતે હારી જવાના અને અમુક કીસ્સાઓમાં તો જેલમાં જવાના બનાવો પણ નોંધાયા છે. ઉપરાંત ચુંટાયેલ પ્રતીનીધીઓમાંથી લગભગ અરધોઅરધ રાજકારણીઓ ગુનાહીત બેકગ્રાઉન્ડ ધરાવે છે. આવી પરીસ્થીતી પાછળ પણ ‘માસ–મેનીઆ’ ફૅક્ટર જવાબદાર છે. ગાડરીયો પ્રવાહ જે બાજુ વળે ત્યાં સમીકરણો બદલાઈ જાય છે. ભારતમાં લોકશાહી હોવા છતાં રાજકીય ઉથલપાથલ પાછળ મતદારોની પરીપકવતા જવાબદાર નથી; પરન્તુ ગાડરીયા પ્રવાહની માનસીકતા જવાબદાર છે. લોકશાહીની તન્દુરસ્તી માટે આ ઘાતક છે; પણ ગાડરીયા પ્રવાહની જય હો !
‘માસ–મેનીઆ’ યાને ગાડરીયા પ્રવાહનું એક વધુ ઉદાહરણ વાચકમીત્રો સાથે શૅર કરવા માગું છું.
વર્ષો અગાઉ સુરેન્દ્રનગર જીલ્લ્માં એક નાનકડા શહેરમાં આયુર્વેદની ડીગ્રી ધરાવતા એક વૈદ્ય ઍલોપથીક પ્રૅક્ટીસ કરતા હતા અને ખાસ કરીને શ્વાસ અને દમના રોગના નીષ્ણાત તરીકે નામના ધરાવતા હતા. વાસ્તવમાં આ રોગની સારવાર અંગેની કોઈ વીશીષ્ટ લાયકાત તેમની પાસે ન હતી. શરુઆતમાં આસપાસના પંથકમાં અને પછી ધીમેધીમે આખા ગુજરાતમાં અફવા અને ભ્રમણા ફેલાઈ ગઈ કે શ્વાસ કે દમનો રોગ મટાડવા માટે આવો ઈલાજ ક્યાંય નથી. આખા ગુજરાતમાંથી ભ્રમીત દર્દીઓનાં ટોળેટોળાં આ નાના ગામમાં ઉભરાવા લાગ્યાં. કોઈને એટલો વીચાર પણ ન આવ્યો કે ત્યાં જે દવા આપવામાં આવે છે તેની માહીતી કે જાણકારી અન્ય કોઈ ડૉક્ટર પાસે ન હોય તેવું બની શકે? શું કોઈ ગુપ્ત ફૉર્મ્યુલાવાળી દવાઓ તેઓ જાતે બનાવતા હતા, જે બીજા કોઈ ડૉક્ટર ન જાણતા હોય?
નીષ્ણાત ફીઝીશ્યન પણ સ્ટેરોઈડનો ઉપયોગ જવલ્લે જ અને વીવેકપુર્વક કરતા હોય છે, જ્યારે આલીયા–માલીયા ટાઈપના ડૉક્ટરો સ્ટેરોઈડનો ઉપયોગ છુટથી કરતા હોય છે અને તેનું પરીણામ અક્સીર; પણ ખતરનાક આડઅસરયુક્ત હોય છે. દર્દીના જોખમે દર્દ ચપટી વગાડતાં મટાડવાનો ખોટો યશ આવા ડૉક્ટરોના નામે ચડી જતો હોય છે અને પરીણામે સામુહીક ભ્રમણામાં ભરમાયેલા દર્દીઓનો ધસારો થતો.
કેટલીક જગ્યાએ કોઈ પણ જાતની ડીગ્રી વગરના હાડવૈદ્યો હાટડી ખોલીને બેસી ગયા હોય છે. આવા હાડવૈદ્યો પાસે પણ સામુહીક ભ્રમણાનો શીકાર બનેલા દર્દીઓ પોતાની તન્દુરસ્તીના ભોગે સામે ચાલીને છેતરાવા પહોંચી જાય છે. એક આયુર્વેદીક ડૉક્ટર તો દવા અને દુવાનો સમન્વય કરીને સન્તાનપ્રાપ્તીની દુકાન ખોલીને બેઠા છે. અને દર્દીઓના ખર્ચે અને જોખમે વર્તમાનપત્રમાં અર્ધા પાનાની પોતાનાં ગુણગાન ગાતી જાહેરાત છપાવે છે. આયુર્વેદીક અભ્યાસમાં દવા અને દુવા બન્નેની ચીકીત્સા પદ્ધતી માણવામાં આવતી હશે? ‘મેરા ભારત મહાન’માં જ આવું સમ્ભવે છે.
કોઈ પણ દૃષ્ટીકોણથી વીચારતા ગળે ન ઉતરે એવી માન્યતાને ગળે વળગાડીને ભ્રમીત લોકો જાતે જ પોતાના પગ ઉપર કુહાડો મારવા ઉત્સુક હોય છે. આવાં લેભાગુ તત્ત્વો કેવી રીતે પોતાનો ઉપચાર કરી શકે તેવો વીચાર પણ કોઈને આવતો નથી અને ફેલાયેલી સામુહીક ભ્રમણાની અસર હેઠળ આવી અણઘડ વ્યક્તીઓ પાસે દર્દીઓની લાઈન લાગે છે.
આ ઉપરાંત મોટા ભાગનાં આંદોલનો પણ સામુહીક ભ્રમણાની અસર હેઠળ જ ચાલતાં હોય છે. આંદોલનમાં ભાગ લેતા લોકોને આંદોલનના વીષયવસ્તુની કે તેના વાજબીપણાની જાણ પણ ઘણી વખત હોતી નથી. આંદોલનકારીઓનો મુખ્ય હેતુ યેન–કેન–પ્રકારે તેમનો અવાજ ટોળાશાહીની મદદથી બુલન્દ બનાવવાનો જ હોય છે.
આમ, સામુહીક ભ્રમણા અલગઅલગ સ્વરુપે પ્રગટ થતી રહે છે અને પોતાના પ્રભાવનો પરચો બતાવતી રહે છે.
સામુહીક ભ્રમણાની ચર્ચામાં ચમત્કારને ભુલી જઈએ તો આ ચર્ચા અધુરી જ ગણાય. ચમત્કારમાં ન માનવું એ જ સૌથી મોટો ચમત્કાર છે. લગભગ 99 ટકા જનતા–જનાર્દન ચમત્કારમાં માને છે. ચમત્કાર વગર નમસ્કાર નથી તેવું જાણી ગયેલા જાણભેદુઓ તેનો પુરેપુરો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. રાજકોટસ્થીત સંસ્થા ‘જનવીજ્ઞાન જાથા’ અને અન્ય ઘણી રૅશનલ સંસ્થાઓ (લેખના અંતે ‘મારી નોંધ’ વાંચવાનું ચુકશો નહીં.) ચમત્કારનો પર્દાફાશ કરતા જાહેર કાર્યક્રમો ઠેરઠેર યોજે છે, ચમત્કારનું ભુત કાઢવા કોશીશ કરે છે. ચમત્કાર બતાવનારને આવી સંસ્થાઓ તરફથી વર્ષોથી ઈનામ જાહેર કરવામાં આવ્યું છે; પણ કોઈ ઈનામ લેવા આગળ આવતું નથી. હું પણ આ પુસ્તકના માધ્યમથી ખુલ્લો પડકાર ફેંકું છું કે કોઈ પણ વ્યક્તી મારી રુબરુ કોઈ પણ પ્રકારનો ચમત્કાર કરી બતાવે તો રુપીયા એક લાખનું ઈનામ આપીશ.મોટા ચમત્કારની વાત જવા દઈએ, કોઈ પણ વ્યક્તી મારી મુઠ્ઠીમાં કેટલા રુપીયાના સીક્કાઓ (પરચુરણ) રાખેલ છે તે કહી બતાવે તો પણ જાહેરમાં પગે લાગું અને ચમત્કારમાં માનતો થઈ જાઉં. હાથચાલાકીને ચમત્કારમાં ખપાવતા હરામીઓ હાથમાં આવે તેની રાહ જોઈને બેઠો છું.
–બી. એમ. દવે
No comments:
Post a Comment