આપણી અવૈજ્ઞાનીક પરમ્પરાઓ
–ડૉ. અશ્વીન શાહ
આપણામાંના મોટાભાગના લોકોના રોજબરોજના વ્યવહારમાં, વૈજ્ઞાનીક અભીગમનો અભાવ, વધતા–ઓછા પ્રમાણમાં ચોક્કસ જોવા મળે છે. એકવીસમી સદીના આજના માનવીના હાથમાં મોબાઈલ ફોનની લેટેસ્ટ ટૅકનોલૉજી આવી છે. ઈન્ટરનેટના ઉપયોગથી કોઈ પણ ટ્રેન, ફ્લાઈટ, પીક્ચરના શૉનું બુકીંગ કે ટુરમાં જવા માટે કોઈક દુરનાં સ્થળનું હૉટલ બુકીંગ તે ઓનલાઈન કરી શકે છે; ગમે તે સમયે (ઑફીસ સમય બાદ પણ) તે કરી શકે છે. આજે દુનીયાના ગમે તે ખુણેથી પોતાના સ્વજનનો સમ્પર્ક, પોતાને અનુકુળ તેવા, ગમે તે સમયે કરી શકે છે. આ બધું તે કરી શકતો હોવા છતાં; તેના કપાળ પરનાં તીલકો, ગળા–શરીર પરના દોરા–ધાગા, માંદળીયાંઓ કે શરીર પરની જનોઈ એ હટાવી શકતો નથી. પોતાનાં સન્તાનોને ઓરીની રસી મુકાવી હોવા છતાં; ઘરની ગૃહીણી કે વડીલોએ માનેલી ‘બાધા’ તે અટકાવી શકતો નથી. કરુણતા તો એ છે કે આવી ગૃહીણી સ્વયમ્ પણ એમ. એસસી. થયેલી હોય અને કદાચ કોઈ શાળામાં વીજ્ઞાનનો વીષય ભણાવતી પણ હોય !
આવાં અનેક ઉદાહરણો અમે તબીબી સારવાર કરતી વખતે જોતા રહીએ છીએ અને હતાશા અનુભવીએ છીએ. ઘણીયે વાર આ વૈજ્ઞાનીક તથ્યો ન સ્વીકારવાનાં કારણોની ગડમથલ કરતા રહીએ છીએ !
પરમ્પરાવાદી સંસ્કૃતી :
આપણે પરમ્પરાવાદી પ્રજા છીએ. ‘આગેસે ચલતા આયા હૈ’, એટલે જુના રીતરીવાજોનું આંધળું અનુકરણ કરતા રહ્યા છીએ. આ રીવાજ પાછળ કોઈ તર્કસંગત કારણ શોધવા માટે એનું વીશ્લેષણ કરવાની વૈજ્ઞાનીક દૃષ્ટીનો ઉપયોગ કરતા નથી. આ રીવાજને તોડવામાં સમાજનો ડર અથવા અસલામતી લાગે છે અને વળી, એનું પાલન કરવામાં કૌટુમ્બીક, સામાજીક ગૌરવ અનુભવીએ છીએ !
આપણે પરમ્પરાભંજક બનતા ડરીએ છીએ. દરેક જાણે છે કે હવે શહેરોમાં સ્મશાનયાત્રામાં શબવાહીની અને વાહનોનો ઉપયોગ થાય છે અને અગ્ની પેટાવવા માટે અનેક સાધનો ઉપલબ્ધ છે. ગેસ તથા ઈલેક્ટ્રીક સગડીઓ પણ છે; છતાં અગાઉથી ચાલી આવેલી સળગતા છાણાવાળી ‘માટલી’, બસ(શબવાહીની) સાથે બાંધીને હજી પણ લઈ જવામાં આવે છે. અગાઉના વર્ષોમાં શબને દાહ આપવા સળગતો કાકડો જરુરી હતો. આજે એની કશી જ જરુર ન હોવા છતાં; આ રીવાજને તીલાંજલી આપવામાં આવતી નથી; કારણ કે આ પરમ્પરા છે. વૈજ્ઞાનીક દૃષ્ટી વર્તવા માટે પરમ્પરાભંજક બનવું પડે છે.
શીક્ષણ :
આપણી શીક્ષણપ્રથા દ્વારા વૈજ્ઞાનીક અભીગમ કેળવાતો નથી; કારણ શીક્ષણ ફક્ત આર્થીક ઉપાર્જન કરતાં જ શીખવે છે. એમાં તર્કશાસ્ત્ર, વીવેકબુદ્ધીનો ઉપયોગ જીવનમાં કેમ કરવો એ શીખવવામાં આવતું નથી. વધુ ટકા લાવવા ‘ગોખણીયું શીક્ષણ’ આપવામાં આવે છે. આપણી પ્રાચીન ગુરુ–પરમ્પરામાં પણ પોપટીયું જ્ઞાન દ્વારા ગોખણપટ્ટી કરવામાં આવતી એ હજી પણ ચાલુ છે. ન સમજાતા હોવા છતાં શ્લોકો ગોખવા, ઘડીયા મોઢે કરવા વગેરે ખુબ ગમ્ભીરતાથી શીખવવામાં આવે છે. શીક્ષણ પદ્ધતીમાં ‘શા માટે ? Why ?’નો ઉપયોગ, અવલોકન, વીશ્લેષણ, ચીન્તન, પ્રયોગ વગેરે શીખવવું ખુબ જ જરુરી છે. જીજ્ઞાસાવૃત્તીનો વીકાસ શીક્ષણનો હેતુ હોવો જોઈએ. પ્રાચીન સમયમાં વડવાઓએ ખગોળ–ગણીતમાં થોડાં અવલોકનો કર્યાં હતાં; પણ વૈજ્ઞાનીક અભીગમ ન હોવાથી એમાં ઝાઝી પ્રગતી થઈ નથી.
સામાજીક તથા ધાર્મીક રુઢીઓ :
સમાજ અનેક ધર્મો, જાતી, કોમોમાં વીભાજીત છે. દરેકને અનેક રીવાજો, રુઢીઓ વારસામાં મળે છે અને એ પોતાના વાડામાંથી બહાર નીકળી શકતો નથી. ઘણીવાર એ રુઢીમાં ન માનતો હોવા છતાં; સામાજીક ડરને લીધે રુઢીઓમાં માનતો થઈ જાય છે. ઘરમાં જન્મ, લગ્ન, મરણ વખતે આવી જુની, પુરાણી રુઢીઓ પાળવાનો અનુભવ દરેકને થતો હોય છે. આમાં કદાચ ‘ઉંચી સંસ્કૃતી’ હોવાનું મીથ્યાભીમાન પણ જવાબદાર હોઈ શકે !
સલામતી :
આ રુઢીઓ/માન્યતાઓ ન માનવામાં આવે તો પોતાને કે કુટુમ્બને આર્થીક, શારીરીક નુકસાન થઈ શકે એવી વર્ષો જુની મનમાં વસી ગયેલી ગ્રન્થી દુર કરી શકાતી નથી. વળી, દરેકને પોતાના ભવીષ્ય વીશે કોઈ માહીતી ન હોવાથી એને માટે ચીન્તા રહે છે અને તેથી પણ આ જુની માન્યતાઓને દુર કરી શકાતી નથી. આ માટે શીક્ષણમાં, ઉછેરમાં, વાંચન દ્વારા યોગ્ય વૈજ્ઞાનીક માહીતીનો સ્વીકાર કરવો જરુરી છે. બાળપણથી જ જેને Delearning કહેવાય એ શરુ કરવું જરુરી છે.
સમાધાનવૃત્તી :
આપણે ઘણી રુઢીઓ–રીવાજોને ન માનતા હોઈએ; પણ ઘરના કુટુમ્બીજનોની સાથે દલીલમાં ન ઉતરતાં સમાધાન કરતા રહીએ છીએ.
વૈજ્ઞાનીક અભીગમથી જ નવા આવીષ્કારો થઈ શકશે. વૈજ્ઞાનીક વલણ અપનાવીને સુધારા અપનાવી ચુકેલા પ્રગતીશીલ જનોએ, પોતાના અનુભવો સૌને કહેવા–વહેંચવા જોઈએ.
અને તો જ સામાન્ય પ્રજા પણ બીનજરુરી તબીબીખર્ચાઓ, સાધુબાવાઓની માયાજાળ, મોટાઈ બતાડવાના ખોટા સામાજીક ખર્ચાઓ, ભવીષ્યની ખોટી ચીન્તા વીના જ નીર્ભેળ આનન્દભર્યું સુખી જીવન જીવતી થઈ શકશે.
– ડૉ. અશ્વીન શાહ
No comments:
Post a Comment