Archive for the ‘દીનેશ પાંચાલ’ Category
ગુરુઓનું અજ્ઞાન… ધર્મનું મોટું ભયસ્થાન
Posted in દીનેશ પાંચાલ on October 21, 2016| 14 Comments »
–દીનેશ પાંચાલ
એક પ્રૉફેસર મીત્રે કહ્યું : ‘ઈશ્વરચીન્તન દીમાગી કસરતથી વીશેષ કશું નથી. એવા વૈચારીક વ્યાયામની કોઈ નક્કર ફલશ્રુતી હોતી નથી. ઈશ્વર હોય કે ન હોય; માણસ જે રીતે જીવતો આવ્યો છે તેમ જ જીવ્યે રાખશે. તે વનવેમાં ઘુસી જશે અને ટ્રાફીક ઈન્સ્પેક્ટર પકડશે ત્યારે આસ્તીક હશે કે નાસ્તીક, પોલીસને સો પચાસનું પત્તું પકડાવીને છુટી જવાની પેરવી કરશે.’
વાત ખોટી નથી. મુસીબતમાં માણસની ભીતરી સાત્ત્વીકતાનું સાચુ માપ નીકળે છે. અલબત્ત, વીચારપ્રક્રીયાનું મુલ્ય કદી ઓછું હોતું નથી. વીચારો, પ્રશ્નો, સંશયો, ચર્ચા વગેરેથી બુદ્ધીની બૅટરી ચાર્જ થતી રહે છે. વીચારમંથન હમ્મેશાં ફળદાયી હોય છે. તેના વડે જીવનના ધોરી માર્ગો પર છવાયેલા કાંટા, ઝાંખરાં અને રોડા હઠાવીને માર્ગને ચોખ્ખો બનાવી શકાય છે. જેમને પ્રશ્નો નથી થતા તેવા માણસો ‘કેરી ન આપતા આંબા’ જેવા હોય છે. વાંઝીયો આંબો સુકાં પાન્દડાં ખેરવતો રહીને ઉમ્મર પુરી કરવા સીવાય બીજું કાંઈ કરતો નથી. સમાજમાં સારી–નરસી ઘટના બને અને જેમને પ્રશ્નો થતા નથી તેમના દીમાગનો બલ્બ શૉટ થઈ ગયેલો જાણવો. ગમે તેવા હાઈ વૉલ્ટેજ કરન્ટનો લોડ આવે તોય એ બલ્બમાં ઝબકારા થતા નથી. વાવાઝોડું આવે ત્યારે મડદાને કશું ટેન્શન રહેતું નથી.
વીલ્સન મીઝનરે કહ્યું છે : ‘શ્રદ્ધાનું હું સન્માન કરું છું, પણ કેળવણી તો આપણને શંકામાંથી જ મળે છે !’ શંકા એટલે પ્રશ્નોનું પ્રજનન અને વીચારોનું વાવેતર ! વીચારપ્રક્રીયા અન્ધારામાં ટૉર્ચની ચાંપ દબાવવા જેવી ઉપયોગી ટેવ છે. જેઓ વીચારતા નથી તેઓ ચુંટણીવેળા 40–50 રુપીયા લઈને કહો તેને વોટ આપી આવે છે. દેશની પાર્લામેન્ટમાં 146 ગુંડા ચુંટાઈ આવ્યા છે તે એવા ‘વીચારવાંઝીયાઓ’એ કરેલી બેવકુફીનું પરીણામ છે. બહોળા પરીવારમાં બે બાળકો અપંગ હોય તેના ભરણપોષણની છેવટ સુધીની જવાબદારી બાકીના સભ્યો પર આવે છે, તે રીતે પાર્લામેન્ટમાં એવા ‘દ્વીપગા પશુઓ’ થકી વટાતો ભાંગરો આખા દેશે વેઠવો પડે છે.
વીચારશુન્ય પ્રજા એટલે દેશના બજેટની અદૃશ્ય ખાધ…! એક હાલતું–ચાલતું બાળક તોફાન કરીને ઘર ગજવી મુકે છે. એવું બાળક વગોવાય છે ખરું; પણ પથારીમાં નીષ્ક્રીય પડી રહેતા નીષ્ક્રીય લકવાગ્રસ્ત બાળક કરતાં એ વધુ આશાસ્પદ હોય છે. માબાપે તેની પથારીવશ નીરુપદ્રવતાની ઉંચી કીમ્મત ચુકવવી પડે છે. પેલા તોફાની બાળક કરતાં તે ચાર ગણી મોટી હોય છે.
અમારા પ્રૉફેસર મીત્રે યોગ્ય જ કહ્યું છે – ‘માણસ ચર્ચા કરે છે ત્યારે જ નીયમો, આદર્શો કે સત્યનું યશોગાન કરે છે. જીવનની વાસ્તવીકતામાંથી પસાર થતી વેળા તે તમામ માનવસહજ કમજોરીથી ભરેલો ‘બીબાઢાળ’ ઈન્સાન બની રહે છે. પોતાની ફરજ દરમીયાન જેણે ઘણા ખુનીઓને ફાંસીની સજા સુણાવી હોય એવા ન્યાયાધીશનો પોતાનો દીકરો કોઈનું ખુન કરીને આવે, ત્યારે તે ન્યાયાધીશના વાઘા ઉતરી જાય છે. તે એક પીતા બની જાય છે અને દીકરાને બચાવી લેવાનો તે મરણીયો પ્રયાસ કરે છે.
માણસ આસ્તીક કે નાસ્તીક પછી હોય છે, પહેલાં તો તે એક માણસ હોય છે. ક્યારેક સજ્જન કહેવાતો માણસ પણ મકાનમાલીકને તેના ઘરનો કબજો આપવામાં છઠ્ઠીનું ધાવણ ઓકાવી દેતો હોય છે. હું ભુલતો ના હોઉં તો પ્રા. રમણ પાઠક(વાચસ્પતી)એવર્ષો જુનું ભાડેનું મકાન તેના માલીકને હસતાં હસતાં ખાલી કરી આપ્યું હતું. એમના કો’ક લેખમાં એવું વાંચ્યાનું યાદ છે કે ઘરમાં લટકાવેલો જુનો પંખો અને એવું કેટલુંક ફરનીચર સુધ્ધાં તેઓ ત્યાં જ છોડી આવ્યા હતા. આવી ઈમાનદારીથી માણસની નાસ્તીકતા દીપી ઉઠે છે.રૅશનાલીસ્ટ બન્યા પછી માણસ જીવનમાં કેવું વર્તે છે તેમાં રૅશનાલીઝમની લાજ રહેલી છે.
ઈમાનદારીનો તકાજો એ હોય છે કે કો’કની માલીકીની વસ્તુ આપણે વર્ષો સુધી વાપરીએ છીએ, ત્યારે તેના ઋણી બનતા હોઈએ છીએ. તે માટે આભાર માનવાને બદલે, તેને કોર્ટકચેરીનો માર મારીએ એ શેતાની વૃત્તી છે. સાચી વાત એ છે કે ‘મફતનું લઈશ નહીં’ એ સુત્ર ફ્રેમમાં મઢીને દીવાલે ટીંગાડી રાખવાની માણસને જેટલી મજા આવે છે, તેટલી મજા પેલી દીવાલ તેના મુળમાલીકને પરત કરી દેવામાં નથી આવતી ! સમાજમાં આવી ઘટનાઓ વીરલ હોય છે. મન્દીર–મસ્જીદના ઝઘડામાં જીવતા માણસોને બાળી નાખતા આસ્તીકો કરતાં;ઈન્સાનીયતમાં માનતા નાસ્તીકોનું સમાજે ચાર હાથે સ્વાગત કરવું જોઈએ.
લોકો વીચારોમાં જુદા હોય છે અને વર્તનમાં પણ જુદા હોય છે. રામાયણની કથામાં મોરારીબાપુના કંઠે રામ અને ભરતના મીલાપની વાત સાંભળી ચોધાર આંસુએ રડી પડતા બે સગા ભાઈઓ, સાંજે કથામાંથી ઘરે આવીને ખેતરના સેઢાની તકરારમાં એકમેકના માથા ફોડી નાંખે છે. એક વાત નક્કી છે. માણસો સારા પણ હોય છે અને ખરાબ પણ હોય છે. ક્યારેક તેઓ આસ્તીક હોય છે તો ક્યારેક નાસ્તીક…! હજારે એકાદ લીમડો મીઠો નીકળી આવે તો તે જીનેટીકલ એન્જીનીયરીંગની કમાલ કહેવાય ! બાકી, આસ્તીકતા ઈમાનદારીની વણલખી ગેરન્ટી બની રહે એવું હમ્મેશાં નથી બનતું. ઘણીવાર લોકો કંકુવરણાં કાવતરાં કરી બેસે છે. તેમની આંગળીએ કંકુ છે કે લોહી તે ઝટ કળી શકાતું નથી. આસ્તીકતામાં માનવતા ભળે ત્યારે માનવધર્મ દીપી ઉઠે છે.
શ્રદ્ધા, સ્નેહ અને સૌજન્યના વરખમાં વીંટળાયેલી હોય તો જ ઈશ્વરની બૅન્કમાં તે માણસના ખાતે જમા થઈ શકે છે. શોધવા નીકળીએ તો ઈતીહાસમાંથી એવાં અનેક ઉદાહરણો મળી રહે છે. રાવણ, કંશ, દુર્યોધન, શકુની એ બધાં જ આસ્તીક હતા; છતાં એમણે માતાની કુંખ લજવી હતી.
એક સંતે કહ્યું છે : ‘ઈશ્વરમાં ન માનતો ખાટકી નખશીખ સજ્જન અને ઈમાનદાર માણસ હોય તો; કોઈ દંભી ધર્મગુરુ કરતાં ભગવાનની નજરમાં તેનું સ્થાન ઉંચુ હોય છે. ધર્મની ગાદી સાચવવા ખુન કરાવતા ધર્મગુરુ કરતાં ધંધા ખાતર ખાટકી બનેલો માણસ વધુ નીર્દોષ ગણાય !’
ધુપછાંવ
અલ્લાહકો નમાઝકી જરુરત નહીં,
ભગવાનકો પુજાકી જરુરત નહીં;
રામ–રહીમ ગલે મીલ જાય તો,
ઈન્સાનકો મજબહકી જરુરત નહીં.
– દીનેશ પાંચાલ
No comments:
Post a Comment