કીયાન હોંગયાન –ડૉ. જનક અને ભારતી શાહ
કીયાન હોંગયાન
–ડૉ. જનક અને ભારતી શાહ
જીન્દગી કાઁટો કા સફર હૈ…
હૌંસલે ઈસ કી પહચાન હૈ
રાસ્તે પર તો સભી ચલતે હૈ…
જો રાસ્તે બનાયે વે તો ઈંસાન હૈ…
ક્યો ડર કી જીન્દગી મેં ક્યા હોગા,
હર વક્ત ક્યોં સોચે કી બુરા હોગા,
બઢતે રહે મંજીલો કી ઓર
હમે કુછ ભી ન મીલા તો ક્યા?
તજુર્બા તો નયા હોગા.
આ ‘હોંસલો’ એટલે શું? મનોબળ. મનોબળ એટલે સ્વસ્થતા અને આત્મવીશ્વાસ. મનોબળ એટલે વીપરીત પરીસ્થીતી સામે લડવાની અને તેના પર કાબુ મેળવવાની ક્ષમતા. મનોબળ એટલે પોતાની ક્ષમતા પર પુર્ણ શ્રદ્ધા. ગમે તવી અસાધ્ય બીમારી કે અક્ષમતામાંથી પણ માનવી દૃઢ મનોબળને કારણે ઉભો થઈ શકે છે. પગ વગરની ચીનની આ એક નાનકડી બાળકી કીયાનહોંગયાનના જીવનવૃત્તાન્ત પરથી ખ્યાલ આવશે કે મજબુત મનોબળ કેવા ચમત્કાર સર્જી શકે છે!
એક દુર્ઘટનામાં પોતાના બન્ને પગ ખોઈ ચુકેલી આ બાળકીની કાબેલીયત પર આજે આખું ચીન તેને શા માટે સલામ કરે છે તેનું કારણ જાણીશું તો આપણને પણ સલામ કરવાનું ચોક્કસ મન થઈ આવશે. ચીનના યુનાન પ્રાંતમાં રહેવાવાળી કીયાન હોંગયાન એક એવી જીવતીજાગતી મીશાલ છે કે જેનાથી દરેક વ્યક્તી પ્રેરણા પામ્યા વગર રહી શકતી નથી. બન્ને પગ ન હોવા છતાં આ બાળકીએ પોતાની વીકલાંગતાને હરાવી દુનીયાને દેખાડ્યું છે ‘હમ કીસીસે કમ નહીં’. ચાલો ત્યારે કીયાનને શબ્દદેહે મળીએ.
2000ની સાલમાં કીયાન એક અકસ્માતનો શીકાર બની. તે સમયે તેની ઉમ્મર ફક્ત ચાર વર્ષની હતી. આ અકસ્માતમાં તેણે તેના બન્ને પગ ગુમાવી દીધા હતા; પણ તે તેના હોંસલાને ગુમાવ્યા વગર આગળ વધતી ગઈ. પોતાના જીવનમાં તેને એક બાસ્કેટબૉલ પ્લેયર બનવાનું સ્વપ્ન હતું. આ સ્વપ્ન સાકાર કરવું સહેલું ન હતું. પોતાની વીકલાંગતાને કમજોરી સમજ્યા વગર તેણે તૈયારી શરુ કરી દીધી. બાકી રહેલા પોતાના બન્ને હાથ વડે તેણે બાસ્કેટબૉલ રમવાનું શરુ કર્યું. કીયાન હાથોના બળથી ચાલીને બાસ્કેટબૉલ રમવા લાગી. તેના આ સામર્થ્યને જોઈને ચીનની સમાચારોની દુનીયાને તેની નોંધ લેવાની ફરજ પડી. મીડીયાએ તેના મનોબળ અને સાહસની વાત સમાચાર પત્રોમાં પ્રસીદ્ધ કરી ત્યારથી કીયાન ચીનમાં ‘બાસ્કેટબૉલ ગર્લ’ તરીકે ઓળખાવા લાગી છે.

વાત છે 2000 સાલની. એક વખત ઝુઆંગશંગના ભરચક રસ્તાને કીયાન હોંગયાન ઓળંગતી હતી ત્યારે પુરપાટ જતી એક ટ્રક નીચે તે આવી ગઈ. આ ક્ષણને યાદ કરતાં તેની માતા ઝહુ હયુનપીંગ ડેઈલી સ્ટારને જણાવતા કહે છે, ‘‘મારી નાનકડી દીકરીને પોતાના કદથી મસમોટા પૈડાની નીચે અદૃશ્ય થતા મેં જોઈ તે દૃશ્ય હજી મારી આંખ સામેથી ખસતું નથી. એક ક્ષણ મેં તેને જોઈ અને બીજી ક્ષણે તે શેરીની બીજી બાજુ હતી. તેને અટકાવવા માટે મારામાં તે વખતે કોઈ સામર્થ્ય ન હતું.’’ આમ ડૉક્ટરને તેના કમરથી નીચેના ભાગને કાપ્યા વગર તેના જીવન માટે કોઈ આશા રહી ન હતી. કીયાને 6 વર્ષની ઉમ્મરે કપાયેલા પગ સાથે હૉસ્પીટલમાંથી રજા મેળવી ત્યારે તેના કેડના સાંધા અને પાંસળીના સાંધાને દુર કરાયા હતા અને અણીયાળા કુલા સાથે તે બહાર આવી હતી. ફક્ત કુલાના આધારે તે ખસી શકતી હતી. પહેલા મહીને હોંગયાને આજુબાજુ ઘુમવા માટે જે મથામણ કરી તેની તો કોઈ કલ્પના આવે તેમ નથી. તો પણ તેણે કઠીન મુશ્કેલીનો સામનો કર્યો.
આ કરુણ બનાવ બન્યા પછી કીયાન ખરેખર તો બે વર્ષ સુધી બેસી શકવા માટે સક્ષમ ન હતી. પોતે એટલી નબળી પડી ગઈ હતી કે વ્હીલચેરમાં બેસી શકવાની ક્ષમતા પણ તેના શરીરમાં ન હતી. ડૉક્ટરના કહેવા પ્રમાણે તેને પોતાની જાતે ચાલી શકે તે માટે વ્યાપક સર્જરી કરવી પડે તેમ હતું અને તો જ પ્રોસ્થેટીક અવયવો બન્ધબેસતા થઈ શકે તેમ હતા. પરન્તુ કારખાનામાં કામ કરીને મહીને 20 ડૉલર કમાતું આ સામાન્ય કુટુમ્બ ઑપરેશનના મીલીયન ડૉલર ખર્ચી શકે તેવી સ્થીતીમાં ન હતું. પોતાના ધ્યેયને પાર પાડવાનું કીયાન ચુકી જાય તે તો તેના કુટુમ્બીજનોને મંજુર ન હતું. કીયાનના હરવા–ફરવા માટેનો કોઈ રસ્તો શોધવા તેઓ તનતોડ મહેનત કરતા હતા. તેના દાદા યુઆને બાળકોને બાસ્કેટબૉલથી રમતાં જોયાં અને તેમને એક વીચાર સ્ફુર્યો. તેમણે નકામા બાસ્કેટબૉલને અર્ધેથી કાપ્યો અને તેને ઉંધો કરીને અન્દરના ખાડા વાળા ભાગમાં પેડ મુકીને કીયાનને પહેરાવી જોયો. થોડો સમય તો તેના શરીરના નીચેના ભાગને કાંઈક નવું લાગ્યું અને સહજ પ્રયત્ન કરતા તે પહેલી વખત તો ગબડી પડી; પણ બીજા વારના પ્રયત્ને તેણે સમતોલન ન ગુમાવ્યું અને તેને ખસવાનો રસ્તો મળી ગયો. દાદાએ બીજી બુદ્ધી એ લડાવી કે તેમણે લાકડાના હેન્ડલવાળી બે જોડી બનાવી જેનાથી હાથમાં પકડી તે સમતોલન પણ રાખી શકે અને દડો ઉછળે તેમ પોતાની જાતે ઉછળીને ખસી શકે. બે વર્ષ સુધી તે ચાલી શકે તેવા પ્રયત્નમાં મેડીકલ સાયન્સ નીષ્ફળ નીવડ્યું હતું. ત્યારે બાસ્કેટબૉલના સહારે તે ઉછળતી કુદતી પોતાના મીત્રો સાથે ફરી શકતી હતી. તેનામાં આત્મવીશ્વાસ આવ્યો અને તે આ રીતે બાસ્કેટબૉલ પર ઉછળીને કુદતી કુદતી શાળાએ જવા સમર્થ બની.
તેને તો બાસ્કેટબૉલની રમત રમવી હતી. પગો તો ચાલ્યા ગયા હતા; પણ તે હારી નહીં. તે હાથ વડે કુદતી અને હાથથી બૉલને ઉછાળતી બાસ્કેટબૉલ રમવા લાગી. આ રીતે તેને ‘બાસ્કેટગર્લ’નું હુલામણું નામ પણ બાસ્કેટબૉલ રમતા રમતા મળ્યું. ત્યાર પછી ક્યારેય કોઈ અવરોધ તેના મનોબળને ચલીત કરવા સફળ ન નીવડ્યો.
2003ના એક ઈન્ટરવ્યુમાં ઑપરેશન પછીની તેની મનોભાવના શી હતી તે પ્રશ્નનો જવાબ હોંગયાન તે સમયની મનોભાવનાને સરસ રીતે વ્યક્ત કરે છે : ‘તમારી પાસે જે કાંઈ છે તેમાંથી સુખ મેળવવાનો પ્રયત્ન કરો. સુખ મળી જ જશે’ તે સમયની સ્થીતી જણાવતાં તેણે કહ્યું હતું, ‘‘હું જાગી ત્યારે, મને એમ લાગ્યું કે મારા પગ બરફ જેવા ઠંડા પડી ગયા છે. મેં મારી માને શુઝ પહેરાવવાનું કહ્યું. પણ મા કાંઈ જ બોલી નહીં. ફક્ત તેની આંખમાંથી આંસુ ટપકતાં હતાં અને ચહેરા પર વેદના અભીવ્યક્ત થતી હતી. પછીથી મને સમજાયું કે મારે હવે મોજાં કે શુઝ પહેરવાની જરુર નહીં પડે. મારે પેન્ટ્સ પણ પહેરવાની જરુર નહીં પડે. દાદાએ બનાવેલા બાસ્કેટબૉલના આધારે આજ સુધી હું ચાલું છું. મેં છ જેટલા બાસ્કેટબૉલ ઘસી નાખ્યા છે.’’
2007માં મેડીકલ સારવાર પુરી થયા પછી હોંગયાન મીત્રો સાથે ની:સંકોચ રમવા બહાર નીકળી પડતી; પણ પોતાના સાથીદારો સાથે તેમની જેમ શાળાએ ચાલીને જવા સક્ષમ ન હતી. તે સમયે તેની ઉમ્મર 11 વર્ષની હતી; પણ તેનો શાળાએ જવાનો નીર્ણય અફર હતો. તેવી પરીસ્થીતીમાં શાળાએ જવા તે તૈયાર થઈ. શાળાએ જવાના પ્રથમ દીવસે જીજ્ઞાસુ બાળકો તેની આજુબાજુ વીંટળાઈ વળ્યાં હતાં. તેની માતાએ તેને પુછ્યું કે તે શાળાએ જતાં ડરે છે? ત્યારે તેનો જવાબ હતો, ‘‘ના. મારે શાળાએ જવું જ જોઈએ. જીન્દગી ભલે ગમે તેટલી કઠીન બની જાય પણ આપણે આશાને છોડ્યા વગર સામનો કરીએ તો સ્વપ્નોના દરવાજા કદી બન્ધ ન થાય.’’
પાંચ વર્ષ પછી તેને પ્રોસ્થેટીક પગ બેસાડવા માટેની સ્થીતી અનુકુળ થઈ. ડૉક્ટર તે માટે તૈયાર પણ હતા. પ્રશ્ન હતો તેના ખર્ચનો. 2005માં તેના ફોટોગ્રાફ્સ પહેલી વાર પ્રગટ થયા કે ચીનનું સમાચારજગત તેની વાતને જાણવા દોડી પડ્યું. બેઈજીંગના રીસર્ચ સેન્ટરે વીનામુલ્યે કુત્રીમ પગ બેસાડવાની તૈયારી બતાવી અને તેને રીહેબીલેશન કેન્દ્રમાં કૃત્રીમ અવયવો બેસાડવા માટે લાવવામાં આવી ત્યારે લોકોને તેની બહાદુરી ભરી વાતની જાણ થઈ. પ્રોસ્થેટીક પગ બેસાડ્યા પછી તેને તો જાણે નવી પાંખો મળી ગઈ. ચીનમાં તે એક જાણીતી વ્યક્તી બની ગઈ.
મે, 2007માં કુનમીંગમાં સાતમો રાષ્ટ્રીય ખેલ–કુદ મહોત્સવ યોજાયો હતો. કીયાન હોંગયાન રોજ તે રમતો જોવા જતી. વીકલાંગ ખેલાડીઓને વીવીધ મૅચો જીતવા જહેમત ઉઠાવતા તેણે જોયા અને તેને પણ આવી રમતોમાં ભાગ લેવાની અદમ્ય ઈચ્છા જાગી. તેણે સ્વીમીંગ ક્લબમાં જોડાવાનો અફર નીર્ણય કર્યો. વીકલાંગ ખેલાડીને કેળવણી આપતા જાણીતા કોચ એવા ઝાંગ હોન્ગુને તેનાં માતા–પીતા મળ્યા અને કીયાનની ઈચ્છાની વાત કરી અને એક સ્વીમર તરીકેની તેની જીન્દગી શરુ થઈ. ઝાંગે તેના માતા–પીતાને કહ્યું, ‘‘પગ વગર તરવું કીયાન માટે એક મોટા પડકાર સમાન વાત છે. હલેસા વગરના હોડકા જેવી તેની સ્થીતી છે. દીશાની સુઝ વગર તે પોતાની ઝડપ પર રોક લગાવી શકે તેમ નથી.’’ આથી સૌ પ્રથમ તો ખાસ પ્રકારની ટ્રેઈનીંગ આપી કે જેથી તેના ખભા પર સમતોલન રહે. આમ એક સ્વીમર બનવા માટે ઝાંગે તેને રોજના ચાર કલાકની ટ્રેઈનીંગ આપવાની શરુ કરી અને તેણે થાક્યા વગર તે લીધી.
આમ વીકલાંગ લોકોને માટે રમતા પહેલાં પ્લેઈંગ ફેડરેશન સાથે તે જોડાઈ એટલું જ નહીં તે ત્યાંની સ્વીમીંગ ક્લબમાં જોડાનારી પહેલી સ્પર્ધક પણ બની. વીકલાંગ માટેની દેશની પ્રથમ એવી ‘યુનાન પ્રોવીન્શ્યલ ફેડરેશન ઑફ ધ ડીઝેબલ્ડ’ની મદદથી ચાલતી સ્થાનીક સ્વીમીંગ ક્લબમાં તે જોડાઈ; પણ તેમાં કેળવણી લેવાનું કાર્ય અઘરું હતું. 2011ના ચાઈના ડેઈલીને તેણે એક ઈન્ટરવ્યુ દરમીયાન કહ્યું હતું કે, ‘‘હું સ્વીમીંગ શીખતી હતી ત્યારે મારે બીજા બાળકો કરતા વધારે મહેનત કરવી પડતી હતી. મને એમ લાગતું હતું કે હું તરી જ નહીં શકું. સફળ એથલેટ બનવા માટે મારે સતત મંડ્યા રહેવું પડ્યું. રોજના ચાર–ચાર ક્લાકની મહેનતે મને સ્વીમીંગમાં નીપુણ બનાવી અને પેરાલીમ્પીક ગેઈમ્સમાં ચન્દ્રકો મેળવવા માટે સક્ષમ બનાવી.’’
હોંગયાનની સફળતા કદાચ ચીનના વીકલાંગોના નસીબમાં આવી રહેલા પરીવર્તનની નીશાની હતી. ભુતકાળમાં લોકો વીકલાંગોનો તીરસ્કાર કરતા હતા. તેઓ માનતા હતા કે પૈસાની ભીખ માંગતા આ લોકો ભીખારી છે. પણ આવા વીકલાંગ સ્વીમરને જોઈને તેઓને ખ્યાલ આવ્યો કે પોતાનું સ્થાન મેળવવા માટે તેઓ કેવો અથાગ પ્રયાસ કરે છે. અને આ તો હજી શરુઆત જ હતી. નવા પગો અને નવા આત્મવીશ્વાસે હોંગયાનને સફળતાના મોટાં પગલાં ભરવા માટે કામીયાબ બનાવી હતી. 2009માં તેણે વીકલાંગો માટેની રાષ્ટ્રીય તરણ સ્પર્ધામાં ચેમ્પીયનશીપ તેમ જ 01 ગોલ્ડ મેડલ અને 02 રૌપ્ય ચન્દ્રક મેળવ્યા. 2010માં તેણે વીકલાંગો માટેની રાષ્ટ્રીય તરણ સ્પર્ધામાં ચેમ્પીયનશીપ તેમ જ 03 રૌપ્ય ચન્દ્રક મેળવ્યા. તેની ઈચ્છા તો પેરાલીમ્પીક ગેઈમ્સમાં પોતાના આદર્શની માફક મંચ પર ઉભા રહીને વીવીધ ઈવેન્ટોમાં ચન્દ્રકો મેળવવાની હતી.
કીયાન હોંગયાને દીવસના 2000 મીટર જેટલું તરવાનું શરુ કર્યું. તે હમ્મેશાં સમ્ભાળપુર્વક કસરત, ઉઠબેસ અને ડમ્બેલ્સ કરવા લાગી. ઝાંગ કહે છે, ‘‘હોંગયાન એક સરસ સ્વીમર છે પણ તેને કેળવવાનું કાર્ય કંટાળાજનક અને સમય લેનારું છે. રોજની કસરત ફરી ફરી કરાવવી તે મને કંટાળાજનક લાગે છે; પણ તેણે કદી કંટાળો વ્યક્ત કર્યો નથી કે થકાવટની ફરીયાદ પણ કદી કરી નથી. તે વીશ્વ ચેમ્પીયન બનશે તેવી ખાતરી તો હું આપી શકતો નથી પણ તેમ છતાં હું કહી શકું છું કે તે ચોક્કસ એક આશાસ્પદ સ્વીમર છે. અમારી સૌથી મોટી મહેચ્છા તો જીન્દગી પ્રત્યે તેનો હકારાત્મક અભીગમ કેળવાય તે જ છે. કીયાન હોંગયાનનું શમણું તો પેરાલીમ્પીક ગેઈમ્સમાં ભાગ લઈને વર્લ્ડ ચેમ્પીયન બનવાનું છે. તે શમણાને સાકાર કરવા તનતોડ મહેનત કરે છે.’’
કીયાન પાસે યોગ્ય પ્રોસ્થેટીક પગની જોડી હતી પણ તેને વખતોવખત બાસ્કેટબૉલનો ઉપયોગ કરવાનું વધુ ગમતું; કારણ કે તેના માટે ઘરની અન્દર–બહાર જવાનું તેનાથી વધારે સરળ બનતું. કીયાન હોંગયાન કે જેને પ્રોસ્થેટીક પગ તરીકે અર્ધા બાસ્કેટબૉલનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. તેણે તાજેતરમાં લાખો લોકોને લંડનમાં યોજાઈ રહેલા પરાલીમ્પીક્માં સ્વીમર તરીકે ભાગ લેવાની મહત્ત્વકાંક્ષા જણાવી પ્રેરણારુપી બળ સીંચ્યું છે.
18 વર્ષની ઉમ્મર વટાવી ચુકેલી હોંગયાન પુખ્ત વયના વ્યક્તી માટેના નવા પ્રોસ્થેટીક પગો બેસાડવા માટે ચીનના બેઈજીંગમાં આવેલા રીહેબીલેશન સેન્ટરમાં આવી ત્યારે તેને જોઈને કોઈ તેને ‘બાસ્કેટગર્લ’ કહી શકે તેમ ન હતું; કારણ કે લોકોના દાનના પ્રવાહે તેને આધુનીક પ્રોસ્થેટીક પગો અપાવ્યા હતા અને તે આજે ચાલતી થઈ હતી. એક વખતની 1.27 મીટરની ઉંચાઈ ધરાવવાવાળી કીયાન પ્રોસ્થેટીક પગોના લીધે 1.64 મીટરની ઉંચાઈ ઘરાવતી થઈ ગઈ. અકસ્માતના 14 વર્ષ પછી કીયાન પુખ્ત વયની યુવતી બનીને એક વીશ્વવ્યાપી નામના મેળવનાર સ્વીમીંગ એથ્લેટ બની ગઈ તે નાનીસુની સીદ્ધી નથી.
આજે વીકલાંગો માટેના 10મા યુનાન પ્રોવીન્સ ગેઈમ્સના 100 મીટર બ્રેસ્ટ સ્ટ્રોકમાં તેણે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. નાની નાની તકલીફોની ફરીયાદ કરતા લોકો માટે માનવીના મનોબળમાં રહેલા શ્રેષ્ઠ સામર્થ્યનું એક જીવતું જાગતું દૃષ્ટાંત આ નાનકડી છોકરી કીયાને પુરું પાડ્યું છે. આજે તમે તેનો ચહેરો જોશો તો તે હસતી જ હોય તેમ લાગે. તેના તે ચહેરા પરથી આનન્દ જ અભીવ્યક્ત થતો હોય અને જાણે તે કહેતી ન હોય કે ‘તમારી પાસે જે કાંઈ છે તે માટે તમે કુદરતના આભારી બની રહો. જીન્દગી તમને પછાડી દે ત્યારે ઉભા થવા માટે તમારે સખત મહેનત કરવી પડે જ. પણ તમને ઉભા કરવા માટે કોઈને કોઈ રસ્તો તો નીકળી જ આવે છે.’’
કીયાનનો જીવનવૃતાન્ત કદાચ તમને કરુણ લાગશે; પણ દરેક પ્રતીકુળતાને પાર કરીને તેમ જ પડકારજનક સંકટને પાર કરી પોતાની જાતને ‘સુપર વુમન’ સાબીત કરનાર કીયાનને સલામ કર્યા વગર તમે નહી રહી શકો તેવી અમને શ્રદ્ધા છે. પોતાનામાં રહેલી કોઈ અલગ તાકાતે તેનાં સ્વપ્નોને સાકાર કરવામાં કીયાનને મદદ કરી. અકસ્માતે તેનાં પગો હણી લીધા પણ તેના જુસ્સાને કોઈ જ આંચ ન આવી. તેનામાં રહેલી બહાદુરી, આત્મવીશ્વાસ, નીર્ણયશક્તી, અડગ મનોબળના કારણે અને વીકલાંગતા હોવા છતાં આખું ચીન તેના કૌશલ્ય અને મનોબળને આજે સલામ કરે છે. તમને તે જાણીને ખુશી થશે કે આજે તે ફક્ત યુવાન જ નથી બની પણ વર્લ્ડ ક્લાસ સ્વીમર પણ બની ગઈ છે. સાથોસાથ બાસ્કેટબૉલ પણ રમે છે. આજે કીયાન ચીનમાં એક સેલીબ્રીટી બની ગઈ છે. વીશ્વભરમાં તે એક પ્રેરક બળ બની બઈ છે.
કોઈકે કહ્યું છે…
તાલીમેં નહીં દી જાતી પરીંદોં કો ઉડાનો કી;
વે ખુદ હી તય કરતે હૈ, ઉંચાઈ આસમાનોં કી;
રખતે હૈ જો હૌસલા આસમાન કો છુને કા;
વો નહીં કરતે પરવાહ જમીન પે ગીર જાને કી.
હોંસલે બુકન્દ કર, રાસ્તો પર ચલ દે,
તુઝે તેરા મુકામ મીલ જાયેગા,
અકેલા તુ પહેલ કર,
કાફીલા ખુદ બન જાયેગા,
માયુસ હો કર ન ઉમ્મીદો કા દામન છોડ,
વરના કુદરત રુઠ જાયેગી,
ઠોકરોંસે ના તુ ઘબરા,
હર પડાવ પર અપને આપકો તુ ઔર મઝબુત પાયેગા,
નાકામયાબી કી ધુન્ધ સે ના ઘબરાના,
કામયાબી કા સુરજ તેરી તકદીર રોશન કર જાયેગા.
–ડૉ. જનક અને ભારતી શાહ
No comments:
Post a Comment