ભ્રમના ભેદભરમ –બી. એમ. દવે
ભ્રમના ભેદભરમ
–બી. એમ. દવે
એક પ્રચલીત કીર્તનના શબ્દો સાંભળો :
તમે નાહકના મરો બધા મથીમથી રે,
કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે !
ભારતીય પરમ્પરામાં વૈરાગ્યવાદી અને
પલાયનવાદી વીચારસરણીને પોષવા માટે પહેલાથી જ ખુબ પ્રયત્નો કરવામાં આવ્યા છે
અને તેમાં મહદંશે સફળતા પણ મળી છે. આ હેતુ સીદ્ધ કરવા માટે એક સૌથી
અસરકારક હથીયાર ‘કોઈ કોઈનું નથી’ નામનું વન–લાઈનર છે ‘કોઈ કોઈનું નથી’ અથવા
છે તે નક્કી કરવાના માપદંડો કયા? આ થીઅરીના પુરસ્કર્તાઓ પોતાના ટેકામાં
ઉક્ત કીર્તનની નીચેની પંક્તીઓનો સહારો લે છે :
મુઆની સંગાથે કોઈ મરતું નથી રે, કોઈ કોઈનું નથી રે!
અર્થાત્ મરનારની સાથે કોઈ મરતું નથી, એટલે ‘કોઈ કોઈનું નથી’ તેવું અનુકુળ અર્થઘટન કરવામાં આવ્યું છે.
અરે, ભાઈ! રાજા રામમોહન રાયે કેટલી મહેનત
કરીને માંડમાંડ સતીપ્રથા બન્ધ કરાવી છે તે ફરીથી ચાલુ કરાવવી છે? ‘કોઈ
કોઈનું છે’ એવું સાબીત કરવા માટે મરનારની સાથે તેનાં તમામ સગાંવહાલાંઓએ મરી
જવું જરુરી છે? અને દલીલ માટે માની લઈએ કે ‘કોઈ કોઈનું નથી’, તો શું
કરવાનું? બધાએ બાવા બની જવાનું? ઘર છોડીને સંયાસ લઈ લેવાનો? ઈરાદાપુર્વક
આવો ભ્રમ ફેલાવવામાં આવ્યો છે અને તેની ઝપટમાં હજી પણ ઘણા હૈયાફુટાઓ આવી
જાય છે.
એક બાજુ શાસ્ત્રો આધારીત નીચે મુજબની વાતો વ્યાસપીઠ ઉપરથી ગાઈ–વગાડીને સતત કહેવાતી રહે છે :
-
દરેક આત્મા સ્વતન્ત્ર અને અલગ છે, પરન્તુ પુર્વ ભવના ઋણાનુબન્ધ અનુસાર જુદાજુદા સાંસારીક સમ્બન્ધોથી જોડાય છે.
-
ઋણાનુબન્ધ પુરો થતાં મૃત્યુના માધ્યમથી દરેક આત્મા છુટો પડે છે અને પોતાના કર્મફળ મુજબ ગતી કરે છે.
આ
હકીકત સ્વીકાર્યા પછી બીજી બાજુ ‘કોઈ કોઈનું નથી’ તેવી બે મોઢાંની વાતો કરી
ચકરાવે ચડાવવાનું પ્રયોજન શું હશે? આવા ભ્રમના ચક્કરમાં આવી સંસારથી વીમુખ
થઈ વધુમાં વધુ માણસો મન્દીરો તરફ દોટ મુકે અને ભગવાં વસ્ત્રો તરફ વળે
તેવું વાતાવરણ ઉભું કરવાનું પ્રયોજન હોવાનો વહેમ પડે છે.
મારા બાળપણના વતનના ગામમાં એક સાધુ આવતા
ત્યારે આ થીઅરીના સમર્થનમાં એક દૃષ્ટાંતકથા સંભળાવતા, જે વાચકમીત્રો સાથે
શૅર કરવા માગું છું.
ગામડાના ભોળા ભક્તો સમક્ષ વીજેતા યોદ્ધાની
અદામાં તેઓ કહેતા કે વર્ષો અગાઉ એક ગામની બહાર વગડામાં ઝુંપડી બાંધીને તેઓ
રહેતા હતા. ગામમાંથી કોઈ ભાવીક જમવાનું આપી જાય તે જમતા અને શ્રદ્ધાળુઓ
ઝુંપડીએ આવે તેમને ઉપદેશ આપતા હતા. ઉપદેશમાં સંસાર અસાર છે અને ‘કોઈ કોઈનું
નથી’ એ મુદ્દાઓ મુખ્ય રહેતા. શ્રદ્ધાળુઓમાં એક ત્રીસેક વર્ષની ઉમ્મરનો
ભાવુક યુવાન મહારાજથી વધુ પ્રભાવીત થયો હતો. મહારાજ એ યુવાન ઉપર વધુ ધ્યાન
કેન્દ્રીત કરી તેમનો ઉપરોક્ત ઉપદેશ ગળે ઉતારવા બહુ મથતા અને આગ્રહપુર્વક
કહેતા કે સંસારની માયાજાળમાંથી મુક્ત થઈ મોક્ષ પ્રાપ્ત કરી લેવો જોઈએ; કારણ
કે આ મનુષ્યદેહ સંસાર ભોગવવા માટે નહીં, પણ ઈશ્વરપ્રાપ્ત માટે મળ્યો છે.
પેલો યુવાન પોતાનાં માતા–પીતા, ભાઈ–બહેન
અને પત્ની–બાળકો સાથે સુખેથી રહી સંસાર માણતો હતો. મહારાજનો વધતો જતો
હઠાગ્રહ જોઈ એક દીવસ યુવાને મહારાજને કહી દીધું : ‘‘તમોએ સંસાર જાણ્યો કે
માણ્યો નથી, એટલે તમને સાચી ખબર નથી, એટલે જ સંસાર વીરુદ્ધ આટલું બધું બોલો
છો. મારા સીવાય મારાં માતાપીતાનું કોઈ નથી. મારી પત્ની મારા વગરની કલ્પના
પણ ન કરી શકે. મારી બહેન મારા વગર રાખડી કોને બાંધે? ‘કોઈ કોઈનું નથી’ એ
વાત ખોટી છે. બધાં જ મારાં છે અને મારા વગર જીવી શકે નહીં.’’
સાધુમહારાજે દાવની સોગઠી બરાબર મારતાં
જવાબ આપ્યો : ‘‘તારા પરીવાર વીશે તું જે માને છે તે ભ્રમ છે. ખરેખર ‘કોઈ
કોઈનું નથી’ તેની ખાતરી કરવી હોય તો હું કહું તેમ કર. આવતી કાલે સવારે તારે
હું બહારગામ જઉં છું તેમ કહી ધરેથી નીકળી જવાનું અને ઘરનાં સભ્યો
આઘાંપાછાં થાય એટલે છાનામાના ઘરમાં પ્રવેશી, અનાજની કોઠીમાં સંતાઈ જવાનું
અને બધો ખેલ જોવાનો.’’
આ યુવાન પોતાની માન્યતા ઉપર મુસ્તાક હતો.
તેણે સાધુમહારાજની સુચના મુજબ અમલ કર્યો. તે કોઠીમાં સંતાઈ ગયો. પછી થોડી
વારે સાધુમહારાજ આ યુવાનના ઘરે આવ્યા અને પરીવારને ચોંકાવનારી વાત કરી :
‘‘તમારો દીકરો મારી ઝુંપડીએ આવી રહ્યો હતો ત્યારે ખેતરમાં સર્પે દંશ દીધો
છે અને ઝુંપડીએ મૃત્યુની ઘડીઓ ગણી રહ્યો છે.’’ સમગ્ર પરીવારમાં રોકકળ મચી
ગઈ. બધા માથાં પછાડી કહેવા લાગ્યાં : ‘‘ગમે તે ઉપાયે દીકરાને બચાવો, નહીંતર
અમે કોઈ જીવી શકીશું નહીં.’’ સાધુમહારાજે કહ્યું : ‘‘દીકરાને બચાવવાનો એક જ
ઉપાય છે. તેનું આયુષ્ય પુરું થઈ ગયું છે, એટલે તમારામાંથી કોઈ એક વ્યક્તી
પોતાનું આયુષ્ય તેને આપી દે તો દીકરો બેઠો થાય અને આયુષ્ય આપનારનું મરણ
થાય. મારી પાસે કોઈ વ્યક્તીને આવી રીતે બચાવવાની વીદ્યા છે.’’
સમ્પુર્ણ પરીવાર મહારાજે બતાવેલ ઉપાય
સાંભળી સ્તબ્ધ અને ની:શબ્દ બની ગયો. મહારાજે સહુ પહેલાં મા–બાપ સામે જોઈ
કહ્યું : ‘‘તમોએ ઘણું જીવી લીધું છે, એટલે દીકરાને બાકીનું આયુષ્ય બક્ષી
જીવતદાન આપો.’’ મા–બાપે માથું ખજવાળીને કહ્યું : ‘‘તમારી વાત તો સાચી છે,
પણ અમારે હજી એક દીકરો અને એક દીકરી પરણાવવાનાં બાકી છે. દીકરીને અમારા વગર
કન્યાદાન કોણ આપે? બીજું તમે ગમે તે કહો તે કરવા તૈયાર છીએ.’’ યુવાનનાં
ભાઈ–બહેનને પુછતાં તેમણે જવાબ આપ્યો : ‘‘અમે તો હજી સંસાર માણ્યો જ નથી.
અમારાં તમામ સ્વપ્ન આટલી નાની ઉમ્મરે કેવી રીતે રોળી શકીએ?’’
છેલ્લે યુવાનની પત્નીને સાધુમહારાજે
પુછ્યું તો તેણે કહ્યું : ‘‘મારે નાનાંનાનાં બે બાળકો છે, તેમને મોટાં
કરવાનાં છે. મા વગરનાં બાળકોનું કોણ? મા એ મા બીજા બધા વગડાના વા. માની
જગ્યા બાપ ક્યારેય લઈ શકે નહીં.’’ આમ, આ રીતે યુવાનના પરીવારમાંથી તેને
જીવતદાન આપવા કોઈ તૈયાર ન થયું. યુવાન કોઠીમાં સંતાઈને બધું સાંભળી રહ્યો
હતો. સાધુમહારાજે તેને કોઠીમાંથી બહાર નીકળવા હાકલ કરતાં એ બહાર આવ્યો.
તેને જીવતો જોઈ ઘરનાં બધાં સભ્યો ખુબ જ રાજી થઈને ભાવવીભોર બની ગયાં અને
યુવાનને વળગી પડવાની કોશીશ કરવા લાગતાં, યુવાને હડસેલો મારીને બધાંને દુર
કરી દીધાં અને તે બોલ્યો : ‘‘આ બધું નાટક હવે બન્ધ કરો. મેં બધું મારી સગી
આંખે જોઈ લીધું છે અને મારો ભ્રમ ભાંગી ગયો છે.’’ યુવાન સાધુમહારાજના પગમાં
પડી બોલ્યો : ‘‘તમે સાચા છો. સંસારમાં ‘કોઈ કોઈનું નથી’ તેની ખાતરી મને થઈ
ગઈ છે અને હવે હું સંસારમાં રહેવા માગતો નથી. મને આપની સાથે લઈ ચાલો.’’
વાચકમીત્રો! આ બોધકથા ઉપરથી આપણી ચર્ચા
અન્વયે શું તારણ નીકળે છે? અને શું સાબીત થાય છે? મારા વ્યક્તીગત મન્તવ્ય
અનુસાર ‘કોઈ કોઈનું નથી’ એ વાક્ય ખરેખર સમ્પુર્ણ સત્ય નથી; પરન્તુ અર્ધસત્ય
છે. કોઈ કોઈના વગર જીવી ન શકે તેટલી હદે કોઈ કોઈનું નથી એમ કહેવું સાચું
છે, એટલે સંસાર છોડવાનો નીર્ણય કરનાર યુવાનની અપેક્ષા વધારે હોવાનો ભ્રમ
ભાંગી જતાં તેને આઘાત લાગ્યો. એ પ્રશ્ન પણ થઈ શકે કે આ યુવાનને પોતાનાં
સ્વજનો માટે પોતાનો જીવ આપવો પડે તેવા સંજોગો સર્જાયા હોત તો તે પોતે આવું
બલીદાન આપી શક્યો હોત? સંસાર છોડતાં પહેલાં આ પ્રશ્ન યુવાને પોતાની જાતને
પુછવો જોઈતો હતો. જો આમ કર્યું હોત તો તેનો ભ્રમ કદાચ અકબન્ધ રહી જાત. ‘કોઈ
કોઈનું નથી’ તેમ માનનારે પોતાની જાતને પુછવું જોઈએ કે હું કોઈનો કેટલો
છું? ‘કોઈ કોઈનું નથી’ એ વાક્યને અર્ધસત્ય એટલા માટે કહી શકાય કે ‘કોઈ
કોઈનું નથી’ની સાથોસાથ કોઈ કોઈનું હોવાનો અહેસાસ પણ સંસારમાં અવારનવાર થતો
રહે છે, એટલે કે બન્ને હકીકતોનું સહ–અસ્તીત્વ છે. જવલ્લે જ
બનતા બનાવોમાં પ્રીય પાત્રની વીદાયના આઘાતમાં મૃત્યુને વહાલું કરવાના
કીસ્સાઓ નોંધાય છે. તેમ જ પોતાના પ્રીયપાત્રની વીદાયના આઘાતમાં આપોઆપ જીવ
નીકળી જવાના કીસ્સાઓ પણ બને છે. પોતાનાં સ્વજનોની આયુષ્યરેખા લમ્બાવવા માટે
પોતાનાં અંગોનું દાન કરવાના બનાવો ઠેરઠેર બને છે.
એમ
લાગે છે કે આ વન–લાઈનર દ્વારા સંસાર અસાર છે તેવો ભ્રમ ઉભો કરી, બૉર્ડરલાઈન
ઉપર ઉભેલાને બૉર્ડર લાઈન ક્રોસ કરાવી ભગવા કે સફેદ વસ્ત્રો તરફ ધકેલવાનો
પ્રયત્ન છે. બાળદીક્ષા જેવા મુદ્દાઓ તો હવે ન્યાયની કસોટીએ
પણ ચડવા માંડ્યા છે. આ બધાના મુળમાં આ વન–લાઈનરની ભુમીકા ચાવીરુપ છે.
સસાંર છોડી સંન્યાસ લીધા પછી તેનો ભ્રમ ભાંગી જવાની શક્યતા પણ રહેલી જ છે.
આ તમામ ભ્રમનું સમાધાન કરવા માટે તથાગત્
બુદ્દનું જીવનચરીત્ર ઉદાહરણીય છે. સંસારમાં સુખની સાથે દુ:ખ પણ છે તેવી
પ્રતીતી થતાં દુ:ખનીવારણના ઉપાયની શોધમાં અર્ધી રાત્રે તેઓશ્રીએ પત્ની અને
બાળકને ઉંઘતાં મુકી ગૃહત્યાગ કર્યો હતો. બુદ્ધત્વ પામ્યા પછી પોતાના ઘરે
આવે છે ત્યારે પત્ની યશોધરા તેઓશ્રીને બે પ્રશ્નોના જવાબ આપવા વીનન્તી કરે
છે :
-
રાત્રે અમને ઉંઘતા મુકીને ગૃહત્યાગ કરવાનું કારણ શું હતું? જવાની રજા હું ન આપત એવો ભય હતો?
-
જંગલમાં જઈને તમોએ જે કાંઈ મેળવ્યું છે તે અહીં સંસારમાં રહીને ન મેળવી શક્યા હોત?
તથાગત્ બુદ્ધે બહુ નીખાલસતાથી પ્રત્યુત્તર
આપતાં જણાવ્યું : હા, મને તમે રજા ન આપત તેવો ભય હતો અને તેથી અર્ધી
રાત્રે ગૃહત્યાગ કર્યો હતો. મેં જંગલમાં જઈ જે મેળવ્યું છે તે અહીં
સંસારમાં રહીને પણ મેળવી શક્યો હોત તેવું અત્યારે લાગે છે; પણ ગૃહત્યાગ
કર્યો ત્યારે એવો ભ્રમ હતો કે સંસારમાં રહીને ન મેળવી શકાય.’’ ગુજરાતના
ક્રાંતીકારી સન્ત તરીકે જાણીતા અને સન્માનીય એક સન્તનો ઈન્ટરવ્યુ થોડાં
વર્ષો અગાઉ એક ગુજરાતી ન્યુઝ ચૅનલ ઉપર જોયેલો. જાણીતા પત્રકાર સ્વામીજીને
મુલાકાતને અન્તે છેલ્લો પ્રશ્ન પુછે છે : ‘‘આટલાં વર્ષોના સંન્યાસ પછી કોઈ
અહેસાસ કે અસંતોષ ખરો?’’ સ્વામીજીએ ખુબ જ નીખાલસતાપુર્વક ઉત્તર આપ્યો હતો :
‘‘સંન્યાસ લીધાનાં 55 વર્ષ પછી
અત્યારે લાગે છે કે સંન્યાસ લેવાની જરુર ન હતી.’’ મીડીઆ સમક્ષ કેટલા સન્તો
આવી કબુલાત કરી શકે? આ સન્તને કોટી–કોટી વન્દન!
વાચકમીત્રો! મને વીશ્વાસ છે કે મારી
વીચારધારાના સમર્થનમાં કરેલ ઉપરોક્ત બે દૃષ્ટાંતો મારી દલીલોને હાથીછાપ
સીમેન્ટ જેવી મજબુતાઈ બક્ષશે.
ભ્રમ ભાંગી ગયા પછી જીન્દગીમાં હકારાત્મક
વળાંક હોય તેવો કીસ્સો સન્ત કવી તુલસીદાસજીના જીવનનો છે. તેઓશ્રી તેમનાં
ધર્મપત્નીને અતીશય પ્રેમ કરતા હતા. તેમના વીરહમાં તેમને મળવા માટે વરસાદી
રાત્રે તેમના પીયર ખાતે પહોંચી ગયા. દરવાજો બન્ધ હોઈ એક દોરડી પકડીને ઉપરના
માળે ચડી ગયા. હકીકતમાં એ દોરડી નહીં; પણ સાપ હતો તેવું ઈતીહાસમાં
નોંધાયું છે.
બાકી તો તુલસીદાસજીની જેમ સરપ્રાઈઝ આપવા
જતાં ઘણાં દમ્પતીઓનો ભ્રમ ભાંગી જવાના અને તેને કારણે હાડકાં ભાંગી જવાના
અને ઘર પણ ભાંગી જવાના સમાચારો આપણે ઘણી વખત વર્તમાનપત્રોમાં વાંચીએ છીએ.
વાચકમીત્રો! આવો, આપણે ભેદભરમની દુનીયામાં વધુ એક ડોકીયું કરી લઈએ.
આપ સૌને જાતઅનુભવ હશે જ કે વૃદ્ધ માવતરો
અને ખાસ કરીને બીમારીથી ગ્રસ્ત હોય તેવાં વૃદ્ધ માવતરો અવારનવાર એવું
કહેતાં સંભળાય છે : ‘‘હવે તો ઉપરવાળો દોરી ખેંચી લે તો સારું.’’ બીજાં
સમવયસ્ક પાછાં આશ્વાસન આપતાં હોય તેમ કહેશે : ‘‘ભાઈ! આપણા હાથમાં ક્યાં છે?
આ બાજી તો કુદરતે પોતાના હાથમાં રાખી છે.’’ હું આવા સંવાદો સાંભળું છું
ત્યારે મારા મનમાં પ્રશ્ન થાય અને પુછવાનું પણ મન થાય કે કુદરતે આ બાજી
તમારા હામાં રાખી હોત તો શું કરત? ઈચ્છામૃત્યુ શક્ય બને તો કેટલા માણસો
તેનો ‘લાભ’ લે? હકીકતમાં કોઈને ક્યારેય મરવું નથી હોતું, છતાં આવા ભ્રમની
જબરી બોલબાલા છે.
મારા મંતવ્યના ટેકામાં એક સત્યઘટના રજુ
કરું છું. એક નાના ગામડામાં વૃદ્ધ દમ્પતી રહેતાં હતાં. દાદાને
વૃદ્ધાવસ્થાને લગતી ઘણી શારીરીક તકલીફો હતી; પણ દાદીની તન્દુરસ્તી
પ્રમાણમાં ઘણી સારી હોવાથી દાદાની ખુબ સમ્ભાળ રાખતાં હતાં. બન્ને વચ્ચે
પ્રેમભાવ પણ ખુબ જ હતો. દાદી અવારનવાર દાદાને કહેતાં : ‘‘હું ભગવાનને
પ્રાર્થના કરું છું કે મને સદાય અખંડ સૌભાગ્યવતી જ રાખે અને તમારી પહેલાં
લઈ જાય.’’ દાદા આવી ભાવના જોઈ રાજી થાય અને મજાકમાં કહે : ‘‘તું જતી રહે તો
મારી સેવા કોણ કરે?’’
રાત્રે દાદા અન્દરના ઓરડામાં સુએ અને દાદી
બહાર ઓસરીમાં સુએ. એક રાત્રે દાદા પાણી–પેશાબ કરવા ઉભા થયા અને દાદીના
ખાટલા પાસે ઉભા રહી ભાવથી નીરખવા લાગ્યા. બરાબર આ જ સમયે દાદીને ગાઢ
નીદ્રામાં એવું સ્વપ્ન આવ્યું કે તેમનું આયુષ્ય પુરું થયું છે અને મૃત્યુને
નજર સમક્ષ જોઈ ગભરાઈ ગયાં અને ઉન્ઘમાં જ બબડવા લાગ્યાં : ‘‘તમારી કાંઈક
ભુલ થતી લાગે છે. માંદાનો ખાટલો તો અન્દર છે.’’ દાદા આ બબડાટના શબ્દો
સાંભળી ગયા અને દાદીના સ્વપ્નની દુનીયાનો તાળો મેળવી લીધો અને તે સાથે જ
બધો ભ્રમ ભાંગી ગયો અને આંખો ખુલી ગઈ.
ભ્રમ ભાંગી ગયા પછીની સ્થીતીને જીરવવાની ક્ષમતા વ્યક્તીએ–વ્યક્તીએ અલગ–અલગ હોય છે. સ્થીતપ્રજ્ઞ સ્વભાવ ધરાવતી વ્યક્તીઓ ગમે તેવી વીકટ પરીસ્થીતીને પણ પચાવી શકે છે; પરન્તુ અત્યન્ત સંવેદનશીલ અને ભાવુક વ્યક્તીઓ ભ્રમ ભાંગવાના સૌથી ભયાનક ભયસ્થાન, એટલે કે આત્મહત્યા સુધી પણ પહોંચી શકે છે.
આવા સમાચારો અવારનવાર મીડીઆમાં પ્રસીદ્ધ થાય છે. જીવનના કોઈ પણ તબક્કે
જ્યારે જીવવાનું અઘરું લાગે અને મરવાનું સહેલું લાગે ત્યારે માણસ જીવન
ટુંકાવવાનું પગલું ભરે છે. મરવાના વાંકે જીવવું પડે તેવી વાસ્તવીક સ્થીતી
હોય ત્યારે આવું પગલું થોડેઘણે અંશે પણ વાજબી ઠરાવી શકાય; પરન્તુ ભ્રમીત
અવસ્થામાં લેવાયેલું આત્મઘાતી પગલું ગાંડપણ ગણાય. પ્રતીકુળ સંજોગોના કારણે
પતીએ પીયર જવાની કે પીક્ચર જોવા જવાની ના પાડતાં પત્ની આવું અન્તીમ પગલું
ભરી લે તેવા બનાવો બને છે.
જીવનમાં
આવેલ અણધાર્યા અને અનપેક્ષીત વળાંકના કારણે ઉભી થયેલ ભ્રમીત અવસ્થા લાંબો
સમય ચાલુ રહે તો ગમ્ભીર પ્રકારના માનસીક રોગો થવાની શક્યતા પણ રહેલી છે.
યોગ્ય સમયે સારવાર ન કરાવવામાં આવે તો માનસીક સમતુલા ગુમાવવાના સંજોગો પણ
ઉભા થઈ શકે છે.
આ રીતે ભ્રમના ભેદભરમ બહુ ઉંડા છે. હવે
આપણે અહીં અટકી જઈએ. વધુ ઉંડી ડુબકી મારવાથી આપણો ભ્રમ પણ ભાંગી જવાની
શક્યતા નકારી શકાય તેમ નથી!
–બી. એમ. દવે
No comments:
Post a Comment