ઘમ્મર વલોણું
ઘમ્મર વલોણું
ખડખડાટ હસતા બાળક ને જોઇને તેને બચી કરી લેવાનું મન થાય છે. એનાથી વધીને, તેને ઊંચકીને થોડો ઉત્સાહ વધારી લેવાનું મન થાય છે. બાળક ને લાંબો સમય કદી વિલાયેલ ચહેરે નથી જોયું. ખડખડાટ હસતા બાળક સામે જોઇને ઇર્ષ્યા કરવી કેટલા અંશે વ્યાજબી છે ? એક દિવસ આપણે પણ એવીજ હાલતમાં હતા; એવુંજ ખડખડાટ હસતા. તે બાળક પણ એક દિવસ મોટું થશે. અને એ પણ આજની જેમ કોઈ બીજા ખડખડાટ હસતા બાળક ને જોશે. આ તો એક જીવનની પ્રક્રિયા છે. જેમાંથી બધા પસાર થઈએ છીએ.
આપણા આંગણામાં પણ એક બાળક એવું જ મોટું થશે. એજ ખડખડાટ હસતું બાળક મોટું થશે ત્યારે; આપણે એને કોઈ કામ બતાવીએ ત્યારે એ ખડખડાટ હસે તો ? એ સમયે આપણી નજર એજ હશે ? આપણું વલણ એજ હશે ? જયારે તે નાનું હતું ! બધા જાણીએ છીએ. એ ખડખડાટ હસતું બાળક જયારે, આપણી સામે જોઇને વધુ હસે કે આપણે પણ એની સાથે ખુશ થઈએ. તેને તેડી લઈએ અને વ્હાલનો વરસાદ વરસાવીએ. આજુબાજુનું વાતાવરણ પણ રંગીન બની જાય છે. અગર કોઈ હાજર હોય તો એ પણ આપણી ખુશીમાં સામેલ થઇ જશે. કયારેક એવું પણ બને કે તે આપણી ઉપર પી પી કરે. ત્યારે આપણી ખુશી એજ રહે છે. આપણા કપડા પણ પલાળે છે; છતાં બધું એવી રીતે ચાલે છે કે ખુશી અને હાસ્યની કીકીયારીઓ જામેલી જ રહે છે.
એજ બાળક મોટું થાય છે. જાતે પાણી પીતા શીખી ગયું છે. પાણીના પ્યાલા નીચેથી ગળતું પાણીનું ટીપું ફર્શ પર પડે છે. એ જોઇને કેટલા વડીલો એને હસતે મોઢે જોયે રાખશે ? આ એજ બાળક હતું જે એક દિવસ કયારેક તમારા કપડા પણ પલાળતું ?
કોઈ માતા પર દુખના ડુંગર તૂટી પડયા છે. એ ભાર દિલ પર આવે છે જે અસહ્ય બની જાય છે. દિલ તો એવું નાજુક મશીન કે કશું સંઘરે નહિ. ભારને આંખોમાં વહાવી દેશે. આંખો પણ એટલી સરળ કે ક્ષણમાં વહેવા લાગે. એ દુખિયારી માતાની આંખો વરસે છે એ જોઇને એનું નાનું બાળક નજીક આવે છે ને બેય હાથે માંના આંસુ લૂછે છે. આવું દ્રશ્ય જોઇને દીવાલો પણ પીગળી જાય; તો વળી માનું દિલતો માટીનું !
એ નાજુક હાથોનો સ્પર્શ આંખેથી આવેલો ભાર એજ દિશામાં વ્હાલ બની વહેવા લાગશે. રાહતનો ઉમળકો શાતા આપશે; અને દુઃખનો ડુંગર દુર થઇ જશે…..
No comments:
Post a Comment