આસ્તીકતાનું પ્રત્યારોપણ –બી. એમ. દવે
આસ્તીકતાનું પ્રત્યારોપણ
–બી. એમ. દવે
કહેવાની જરુર નથી કે પૃથ્વી ઉપર જન્મે
લેતું દરેક બાળક ધર્મ, સમ્પ્રદાય કે જાતીના લેબલ વગર અવતરે છે. અલબત્ત,
આપણે તેને જન્મતાંની સાથે જ આવાં સ્ટીકર લગાડી દઈએ છીએ અને તે મુજબ તેની
ઓળખ પ્રસ્થાપીત કરી દઈએ છીએ. હીન્દુ, મુસ્લીમ, ક્રીશ્ચીયન, શીખ કે ઈસાઈ
બનાવી તે મુજબ નામકરણ કરીએ છીએ. લગભગ બાળકના નામ ઉપરથી જ આપણે તેને ધર્મ
સાથે જોડી દઈએ છીએ. જો કુદરત કે ઈશ્વર કે અલ્લા કે ગૉડ આવું વર્ગીકરણ
ઈચ્છતા હોત તો આવી કુદરતી વ્યવસ્થા જ ગોઠવાયેલી હોત; પણ આ કામ માણસે જાતે
ઉપાડી લીધું છે. જેવી રીતે કોઈ ચીજવસ્તુનો ઉત્પાદક પોતાની બ્રાન્ડની છાપ
તેના ઉત્પાદન ઉપર મારી દે છે, તેવી જ રીતે બાળકને જાતી અને ધર્મનું લેબલ
લગાડીને જે–તે જાતી અને ધર્મનું બનાવી દેવામાં આવે છે, અર્થાત્ ગળથુથી જ ધર્મની પીવડાવવામાં આવે છે, જે આગળ જતાં દૃઢીભુત આસ્તીકતામાં પરીણમે છે.
બાળક સમજણું થાય ત્યારથી જે ધર્મનું લેબલ
લગાવવામાં આવ્યું હોય તે ધર્મના સંસ્કાર પામતું રહે છે, ધર્મનું આચરણ જોતું
અને શીખતું રહે છે. માબાપ પણ સતત પ્રયત્નશીલ હોય છે કે પોતાનું સંતાન
પોતાના ધર્મનું ચુસ્ત રીતે પાલન કરે અને તેનું અનુયાયી બને. ધર્માચરણમાં
ક્યાંય કચાશ ન રહી જાય તેની પુરતી તકેદારી સમગ્ર કુટુમ્બ રાખે છે અને
પોતાનું બાળક પોતાના ધર્મના રંગે બરાબર રંગાઈ જાય તે માટે બધું કરી છુટે
છે. આ બાબતમાં ક્યારેક તો અતીશયોક્તી થતી જોવા મળે છે અને કુમળા બાળક ઉપર
ધર્મપાલનના નામે અત્યાચારની હદ સુધી અમુક માબાપ પહોંચી જાય છે અને છતાં
ગૌરવ અનુભવતાં રહે છે.
બાળકના ઉછેર દરમીયાન સર્વ ધર્મસમભાવનાના
પાઠ ભણાવવાને બદલે અપવાદોને બાદ કરતાં મોટા ભાગે પોતાનો ધર્મ જ સૌથી
શ્રેષ્ઠ હોવા અંગેનું અફીણ પીવડાવવામાં આવે છે. બાળકના કુમળા માનસમાં
ધાર્મીક અસહીષ્ણુતાનાં બીજ આ સમયે જ રોપાઈ જાય છે, જે કેટલાક કેસમાં
કટ્ટરતાની હદ સુધી પહોંચી જાય છે. ચુસ્ત ધાર્મીક માબાપ પોતાના ધર્મનો એટલો
પાકો રંગ બાળકો ઉપર ચડાવી દેવા ઈચ્છતાં હોય છે કે જીવનભર ઉતરે નહીં. માનવતાના પાઠ ભણાવવાને બદલે ધાર્મીક ક્રીયાકાંડોનો ઓવરડોઝ આપવામાં આવે છે. બાળકો બીચારાં સમજ્યા વીના આંધળું અનુકરણ કરવા લાગે છે અને માબાપની છાતી ફુલાતી જાય છે.
બાળકોને ધર્મ સમજાવવામાં નથી આવતો; પણ
ઠોકી બેસાડવામાં આવે છે. બાળકો પોપટીયા રટણ દ્વારા પોતાના જાગૃત અને અજાગૃત
મનમાં ધર્મનું પડ ચડાવી દે છે અને સ્વાભાવીક રીત જ તે મુજબનું વર્તન કરતું
થઈ જાય છે. વાતાવરણ જ એવું ઉભું થયું હોય છે કે બાળકના મગજમાં ધર્મ વીશે
કોઈ પ્રશ્ન જ પેદા થતો નથી. કદાચ કોઈ બાળકના મનમાં કોઈ પ્રશ્ન ઉદ્ભવે તો
તેનું સમાધાન કરવામાં આવતું નથી અને તેને ચુપ કરી દેવામાં આવે છે. ધર્મની
બાબતમાં સંશય રાખવાનાં કે તર્ક કરી અશ્રદ્ધા દાખવવાનાં કાલ્પનીક ભયસ્થાનો
બતાવી બાળકનું મોં બન્ધ કરી દેવામાં આવે છે અને આ બધાના પરીણામસ્વરુપ બાળક
લગભગ 99.99 ટકા ‘ધાર્મીક’ બની જાય છે અને જે–તે ધર્મની આસ્તીકતાનું આવરણ પોતાની ઉપર ચઢાવી લે છે.
બાળક જેમજેમ મોટું થતું જાય છે તેમતેમ
વડીલોનું અનુકરણ કરીને તથા તેની ઉપર લાદવામાં આવેલ ધાર્મીકતા એટલે કે
આસ્તીકતાના રંગે રંગાતું જાય છે અને એક નવી ઝેરોક્સ કૉપી બની જાય છે.
વડીલોના આગ્રહ પણ ઑરીજનલને બદલે ઝેરોક્સનો વધુ હોય છે અને તેનું ગૌરવ પણ
તેઓ અનુભવતાં હોય છે. આમ, આ રીતે રુઢીગત આસ્તીકતાનો વરખ ચડાવેલ સંતાન
પોતાના પીતાની મીલકતના વારસદાર બને છે, તેવી જ રીતે આસ્તીકતા કે
આધ્યાત્મીકતા પણ વારસામાં જ મળી જાય છે અને તેનું હસ્તાંતરણ પેઢી–દર–પેઢી
થતું જ રહે છે.
બાળમનોવીજ્ઞાનીઓ દાવો કરે છે કે બાળક તેના
જન્મ પછીનાં પ્રથમ પાંચ વર્ષમાં જેટલું શીખે છે તેટલું બાકીની આખી
જીન્દગીમાં શીખી શકતું નથી. આ રીતે વીચારતાં પણ બાળકનાં શરુઆતનાં પાંચ
વર્ષમાં જે પ્રકારનું ઘડતર કરવામાં આવે તેવી તેની માનસીકતા બન્ધાય છે.
મુળભુત રીતે ધર્મની સ્થાપના પાછળનો મુળભુત
હેતુ દુનીયાની સમગ્ર પ્રજા વચ્ચે ભાઈચારો, સમ્પ, સહકાર, સદાચાર તથા
પ્રેમની લાગણી દ્વારા ‘વસુધૈવ કુટુમ્બકમ્’ની ભાવના જગાવવાનો છે; પરન્તુ
ધર્મની સ્થાપનાના માધ્યમથી આ હેતુ સીદ્ધ થયો હોય તેમ જણાતું નથી. એમ કહેવું
અસ્થાને નહીં ગણાય કે બાળકને ધર્મના
સીદ્ધાંતોરુપી ગળથુથી પીવડાવવાને બદલે સહીષ્ણુતા, સચ્ચાઈ, નીતીમત્તા,
સંસ્કારીતા, પ્રામાણીકતા, નીખાલસતા, નીર્મળતા, નીયમીતતા અને સ્વચ્છતા જેવા
સદ્ગુણોરુપી ગળથુથી પીવડાવવાની પ્રથા અપનાવવામાં આવી હોત તો પરીણામ કદાચ
જુદું હોત. કોરી સ્લેટ જેવા બાળકને આસ્તીકતાની ગળથુથી પીવડાવવાને બદલે
માનવતાની ગળથુથી પીવડાવવાનો પાયો નખાયો હોત તો આજે સમાજનું ચીત્ર કાંઈક
જુદું હોત!
એવું કહેવાય છે કે કુમળા છોડને જેમ વાળીએ
તેમ વળે. માબાપ દ્વારા બાળકના ઉછેર દરમીયાન શરુઆતથી નીચે મુજબના સંસ્કારો
સીંચવામાં આવે તો તેનાં મીઠાં ફળ બાળકને તથા સમગ્ર સમાજને ચાખવા મળે તેમાં
કોઈ શંકા નથી.
-
ધર્મશાસ્ત્રોની આજ્ઞાઓનું પાલન કરવાની સાથોસાથ આપણાં બંધારણ તથા કાયદા–કાનુનનું ચુસ્તપણે પાલન કરવાથી ઈશ્વર–અલ્લા–ગૉડ વધુ રાજી થશે.
-
પરીક્ષામાં કોઈ પણ પ્રકારે ચોરી કે ખોટી રીતરસમ અપનાવવાથી ભગવાન નારાજ થશે.
-
કોઈના આશીર્વાદ કે કોઈની દયા કે કૃપાથી ભણવામાં હોશીયાર થઈ શકાય નહીં
કે ઉજ્જવળ કારકીર્દી બની શકે નહીં. સાચી દીશામાં સખત મહેનત કરવાથી જ ઈચ્છીત
પરીણામ મળી શકે.
-
તમને શીક્ષણ આપનાર શીક્ષક તમારા ધર્મગુરુ જેટલા જ સન્માનનીય છે.
-
ધર્મશાસ્ત્રો અને કાયદા–કાનુનનું પાલન કર્યા વગરની ધાર્મીકતા એકડા વગરનાં મીંડાં જેવી છે. આચરણ વગરની ધાર્મીકતાનો કોઈ અર્થ નથી.
-
ખાલી ક્રીયાકાંડ કરવાથી ઈશ્વર–અલ્લા કે ગૉડ રાજી થતા નથી. તેમને માનો અને તેમનું ન માનો તો તેઓ નારાજ થાય છે.
વડીલો દ્વારા બાળકોને ઉપરોક્ત સુચનાઓનું
સીંચન કરવામાં આવે તો રુઢીચુસ્ત આસ્તીકતાને બદલે સ્થીતીસ્થાપક અને વ્યવહારય
આસ્તીકતાનું સર્જન ભાવી પેઢી માટે થઈ શકે. રેડીમેડ આસ્તીકતા ખતરનાક સાબીત
થઈ રહી છે. બાળકો પોતાની ઈચ્છા મુજબની અને
સ્વીકાર્ય હોય તેવી આસ્તીકતાનું સ્વયં નીર્માણ કરી તેને અપનાવે તેવી
સ્વતન્ત્રતા આપવાનો સમય હવે પાકી ગયો છે.
કેટલાંક ધર્માન્ધ માવતરો ધાર્મીક
ક્રીયાકાંડ કરતી વખતે પોતાનાં અણસમજુ અને નીર્દોષ બાળકોને પણ ચોક્કસ
વેશભુષામાં સજ્જ કરી, ધાર્મીક સ્થાનોએ પોતાની સાથે ફરજીયાત લઈ જાય છે અને
તેનું ગૌરવ અનુભવે છે. આવાં દૃશ્યો મને જોવા મળે ત્યારે હસવું કે રડવું તે
નક્કી થઈ શકતું નથી. અત્યાચારનો જ આ એક પ્રકાર ગણી શકાય. બાળક પોતે શું કરી
રહ્યું છે તેની પણ તેને ખબર ન હોય તેવી ધાર્મીક ક્રીયામાં તેને પોતાનું
અહમ્ સન્તોષવા જોતરવું કેટલું વાજબી ગણાય? આવાં દૃશ્યો ધાર્મીક સ્થાનોની
આસપાસ આપ સહુએ જોયાં હશે. કુમળા બાળકોને ધાર્મીક બાબતો કંઠસ્થ કરાવી પોપટની
જેમ બોલાવતાં અને મહેમાનો સમક્ષ તેનું પ્રદર્શન કરાવી છાતી ફુલાવતાં
માવતરોને આપ સહુએ જોયાં હશે.
આવાં છીછરાં માવતરો એવું ગૌરવ લેતાં હોય
છે કે આવા ધાર્મીક સંસ્કારો તો આપણા લોહીમાં છે. આપણા લોહીમાં પ્રામાણીકતા,
સચ્ચાઈ, નીખાલસતા, નીતીમત્તા, શીસ્તપાલનવૃત્તી, સ્વચ્છતા વગેરે છે કે કેમ
તેમ જ આપણાં બાળકોને આ બધા સદ્ગુણો વારસામાં મળશે કે કેમ તેની ચીંતા કેમ
કરવામાં આવતી નથી? આ બધા સદ્ગુણો પોતાના બાળકમાં છે કે કેમ તે સુનીશ્ચીત
કરવાને બદલે આસ્તીકતા અને ધાર્મીકતા છે કે કેમ તેની ઉપર જ બધું ધ્યાન
કેન્દ્રીત કરવામાં આવે છે. પરીણામ એ આવે છે કે આવી એકડા વગરનાં મીંડાં જેવી
વારસામાં મળેલી આસ્તીકતા અને આધ્યાત્મીકતાના રવાડે ચડી બાળક આખી જીન્દગી
ધાર્મીક હોવાના વહેમમાં રાચ્યા કરે છે.
આ તબક્કે એક નોંધવા જેવી બાબત એ છે કે કોઈ
પણ ધર્મ કે જાતીનું બાળક જન્મતાંવેંત શ્વાસ લેવાનું આપોઆપ શરુ કરી દે છે.
માણસજાત ઉપરાન્ત તમામ પશુ–પ્રાણીઓનાં બચ્ચાંઓને માનાં સ્તનમાંથી દુધ કેવી
રીતે પીવું તે કુદરતી રીતે જ આવડી જાય છે. આવી જ રીતે બાળક બેસતાં, ચાલતાં,
બોલતાં શીખી જાય છે. યુવાનવયે પહોંચતાં સેક્સની જરુરીયાત સંતોષતાં તેને
આપોઆપ આવડી જાય છે. આ બધી જીવનલક્ષી ક્રીયાઓ સાહજીક રીતે થતી હોય તો પછી
ધર્મ કે આસ્તીકતા ઠોકી બેસાડવાની જરુર કેમ રહે છે ? આસ્તીકતા કે આધ્યાત્મીકતા પણ કુદરતી ક્રીયાઓની જેમ સહજ રીતે જ ઉદ્ભવેલી હોવી જોઈએ. લાદવામાં આવેલી આસ્તીકતા અનેક અનર્થો સર્જે છે.
આસ્તીકતા કે ધાર્મીકતા જો કુદરતદત્ત હોય
તો ઉપર દર્શાવેલ અન્ય જીવનલક્ષી ક્રીયાઓની જેમ આનુવંશીક રીતે બાળક પોતાની
જાતે જ શીખી જાત; પણ તેમ થતું નથી. બીજા શબ્દોમાં કહીએ તો આ બાબત અન્દરથી
ઉગતી નથી; પણ બહારથી રોપવામાં આવે છે અને તેથી હું દૃઢપણે માનું છું કે
આસ્તીકતા જન્મજાત નથી; પણ પ્રત્યાર્પીત (trans-planted ) છે. આસ્તીકતાના પ્રત્યારોપણથી જ દુનીયાના ધાર્મીક ટુકડા થઈ જવા પામ્યા છે અને તેનાં પરીણામ દુનીયા ભોગવતી રહી છે.
–બી. એમ. દવે
No comments:
Post a Comment