સ્ત્રી કોમૉડીટી છે તેવી માનસીકતામાંથી આપણે ક્યારે બહાર આવીશું?
–કામીની સંઘવી
દક્ષીણ ગુજરાતના એક નાના ટાઉન જેવા
શહેરમાં એક લગ્નપ્રસંગમાં જવાનું બન્યું. અપર ક્લાસ કહેવાય તેવા ફૅમીલીમાં
પ્રસંગ હતો. મોટા પાર્ટી પ્લૉટમાં બધી જ તાકઝાક–ઝાકઝમાળ હતી, જે આવા
પ્રસંગે હોય. બહાર જાનૈયાઓ મનપસન્દ ફીલ્મી ધુનો પર નાચતા હતા. વડીલ વર્ગ
યુવાનોને મોકળાશ આપવા અને કંઈક તો વરઘોડામાં ફરીને થાકી ગયા હતા તે બધાં,
શામીયાનામાં ઢાળેલી ઈઝી ચેર પર ગોઠવાઈને ગૉસીપ કરવામાં મશગુલ હતા. અને
મારા–તમારા જેવા લોકો જેમણે પર્સનલ રીલેશનને કારણે પ્રસંગમાં હાજરી પુરાવવી
જરુરી હતી, તે લોકો ક્યારે માયરામાં વર–વધુ પધારે અને આશીર્વાદ–અભીનન્દન
આપી ઘરે જવાય, તેની રાહ જોતાં બોર થતાં બેઠાં હતાં. બાકી સ્વાદશોખીનોને
જમણવાર ક્યારે શરુ થાય તે વાતમાં જ રસ હોય તેમ, વારંવાર કેટરીંગના માણસો
દોડાદોડી કરતા હતા, તેને જોતા બેઠા હતા. અને ક્વચીત્ રસોડામાંથી આવતી
સોડમને શ્વાસમાં ગ્રહીને કઈ વાનગીઓ બુફે ભોજનમાં પીરસાશે તેનો ક્યાસ કાઢતા
ટાઈમ પાસ કરતા હતા. જાનૈયાઓએ હવે નાચી લીધું અને તેમની અન્દર આવવાની ઘડીઓ
ગણાઈ રહી હતી. ત્યાં અચાનક બે–ચાર કેટરીંગના માણસો, આઠ–દસ છોકરીઓ સાથે આવી
પહોંચ્યા. જે લોકો શામીયાનામાં બેઠા હતા, તે બધા તે છોકરીઓને જોઈને સ્તબ્ધ
થઈ ગયા ! બધી છોકરીઓએ એકદમ ટાઈટ અને ટુંકાં, બ્લૅક કલરનાં– વળી, ટુંકાં
એટલે ઘુંટણથી એક વેંત ઉંચા સ્કર્ટ પહેર્યા હતાં. ઓછામાં પુરું આટલાં ટુંકા
સ્કર્ટમાં પાછળ કટ હતો! રેડ કલરના સ્લીવલેસ ટૉપ અને હેવી મેકઅપ અને
હેરસ્ટાઈલમાં સજ્જ તે છોકરીઓને પેલા કેટરીંગના મૅનેજર જેવા દેખાતા માણસે,
શામીયાનામાં ઢાળવામાં આવેલી ચેર્સની આસપાસના મેઈન પૉઈન્ટ પર ગોઠવવા માંડી.
બધી છોકરીઓના હાથમાં હાથ લુછવા માટેના ટીસ્યુ પેપરના થપ્પા હતા. જાનૈયાઓ
આવ્યા અને તે સાથે જ બધી છોકરીઓ સાથે એક–એક કેટરીંગ સર્વીસ બૉય, ચેરની
આસપાસ ગોઠવાઈ ગયાં. છોકરાઓના હાથમાં સૉફ્ટ ડ્રીંક્સથી ભરેલી ટ્રે હતી અને
કેટરીંગ સર્વીસ ગર્લ્સ દરેક ગેસ્ટના હાથમાં, ટીસ્યુ પેપર સાથે સ્માઈલ
આપીને, ગ્લાસ સર્વ કરવા લાગી. તેમના ટુંકા સ્કર્ટ પર દરેક પુરુષ જ નહીં; પણ
સ્ત્રીઓની નજર પણ જતી હતી; કારણ કે લગ્ન જેવા પ્રસંગમાં તો કોણ આવાં
ટુંકાં કપડાં પહેરીને આવે? આખરે લગ્ન જેવા સોશીયલ ફંક્શનમાં સર્વીસ–ગર્લને
આવા ટુંકા સ્કર્ટ પહેરાવવાની શી જરુર? કે પછી લગ્ન જેવા ફૅમીલી ફંક્શનમાં
પણ હવે આપણને ગ્લેમરની જરુર પડવા લાગી છે?
દીવસે–દીવસે સમાજમાં સ્ત્રીઓનું
અંગપ્રદર્શન થાય તેવાં કપડાં પહેરવાં કે પહેરાવવાંનું ચલણ વધતું જાય છે.
જ્યાં જુઓ ત્યાં પર્સનલ એસેટ્સનું વરવું પ્રદર્શન કરવા–કરાવવાની શી જરુર
છે? અને તેયે લગ્ન જેવા શુભ પ્રસંગ પર સર્વીસ–ગર્લને ટુંકા સ્કર્ટ
પહેરાવવાની ? કેમ તેમને સાડી કે સલવાર–સુટ ન પહેરાવી શકાય? ગરીબ છોકરીઓ
આવાં કપડાં પહેરવાં એટલે જ મજબુર થાય છે કે પૈસા કમાવા તે તેમની પ્રાથમીક
જરુરીયાત છે. અને કેટરીંગ સર્વીસવાળા આવી લાચાર છોકરીઓનો ગેરલાભ લે છે. કોઈ
બાર કે પબ હોય તો સમજ્યા કે, તેની સર્વીસ–ગર્લ આવાં ટુંકાં કપડાં પહેરીને
ડ્રીંક્સ સર્વ કરે. પણ લગ્ન જેવા ફંક્શનમાં સમથીંગ ડીફરન્ટ દેખાડવાના આવા
ધખારા કેવા વરવા લાગે! એ સર્વીસ–ગર્લમાં બે–ચાર નવી હતી. તે છોકરીઓના ચહેરા
પર આવાં કપડાં પહેરવાનો ક્ષોભ દેખાતો હતો. કેટલીક વારંવાર તેના સ્કર્ટને
નીચે તરફ ખેંચ્યા કરતી હતી. કેમ આપણે સ્ત્રીની પૈસા કમાવાની લાચારીનો
ગેરફાયદો ઉઠાવવાનું જરા પણ ચુકતા નથી? કેટરીંગ સર્વીસ જેવા સાફસુથરા
બીઝનેસમાં પણ છોકરીઓનું શોષણ થશે, તો આ સમાજ ક્યાં જઈને અટકશે?
એક તરફ આપણે સ્ત્રીને માતા કે બહેન કે
દેવીનું રુપ માનીએ છીએ. ઘરમાં તેમનું સમ્માન જાળવીએ છીએ. નવરાત્રી–દુર્ગા
પુજામાં તેની પુજા કરીએ છીએ, અને બીજી તરફ આપણે આપણી જરુરીયાત મુજબ તેમનો
કોમૉડીટી તરીકે ઉપયોગ કરતાં અચકાતાં નથી. અરે, તે વાતનો આપણને અફસોસ પણ નથી
! જો બીકતા હૈ, ઉસે બેચના ચાહીએ.
સમાજમાં સ્ત્રી–શરીર વેચાય છે, તો કોઈ પણ રીતે વેચો. આવી ઘટના બને ત્યારે
થાય છે કે ભારતમાં ધરમુળથી સામાજીક મુલ્યો જ બદલવાની જરુર ઉભી થઈ છે.
કોઈ પણ જગ્યા પર સ્ત્રીનું અંગપ્રદર્શન થાય તેની નવાઈ જ નથી રહી; કારણ કે
નાની–મોટી દરેક જગ્યા પર, સ્ત્રી–શોષણ એટલું વ્યાપકપણે વધી રહ્યું છે કે
હવે ઉપર વર્ણવી તેવી ઘટના તો આપણને તુચ્છ લાગવા માંડી છે. તેના પ્રત્યે
આપણે સભાન જ નથી, તો પછી રીઍક્ટ કરવાની વાત તો ક્યાંથી આવે? એક બે
સાથી–મહેમાનો સાથે આ સર્વીસ ગર્લ્સના ટુંકા ડ્રેસ બાબતે વાત થઈ; તો તેમણે
મને સામે પુછયું, ‘વૉટ્સ રૉંગ ઈન ઈટ? એમાં કયો મોટો ઈસ્યુ છે?’
આજે એક લગ્નપ્રસંગે આવી સર્વીસ ગર્લ્સ
જોવા મળી, કાલે બીજી જગ્યા પર જોવા મળશે; કારણ કે ‘સમથીંગ ડીફરન્ટ’ કરવું
તે આજે દરેક જણની માનસીકતા બની ગઈ છે. પછી ભલે ડીફરન્ટના નામે આપણે કોઈની
લાચારીનો ફાયદો ઉઠાવીએ. હા, બીજા કરે ત્યારે ચોક્કસ ટીકા કરીએ કે, ‘પેલા
લોકોએ તો કેવાં ટુંકાં કપડાં પહેરેલી છોકરીઓ પીરસવા માટે રાખી હતી?’ પણ
આપણો વારો આવે ત્યારે તરત ભુલી જઈશું અને આપણે સહેલાઈથી હાથ ખંખેરી
નાંખીશું કે આપણે ક્યાં તેમને કહેવા ગયાં હતાં કે આવાં કપડાં પહેરેલી
સર્વીસ ગર્લ્સ આપજો. તે તો કેટરીંગવાળાનો પ્રશ્ન છે ને? કેટરીંગવાળા જાણે
અને તેમની સર્વીસ ગર્લ્સ જાણે! અને વળી અચાનક ડહાપણની દાઢ ફુટી હોય તેમ કહે
પણ કે, કોઈના અંગત મામલામાં દખલ થોડી કરાય? કયાંય પણ વીરોધ કરવાનો આવે કે
સાચી વાત કહેવાનો સમય આવે ત્યારે આપણે તે જવાબદારીમાંથી છટકવાના રસ્તા
શોધીએ છીએ; કારણ કે આવી બાબતમાં કચકચ કરવી કે વીરોધ નોંધાવવો તે આપણને નાની
બાબત લાગે છે. હકીકત એ છે કે શરુઆતમાં નાનું દેખાતું પરીવર્તન પાછળથી
વીકારળ રુપ ધારણ કરે ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ચુકયું હોય છે. દરેક
સામાજીક સમસ્યાનો ઉકેલ શું ત્યારે જ શોધવાનો જ્યારે તે વરવુંરુપ ધારણ કરે?
આગ લાગે ત્યારે જ કુવો ખોદવાની માનીસકતામાંથી આપણે ક્યારે બહાર આવીશું? શા
માટે તેને ઉગતા જ ડામી દેવાની વૃત્તી આપણે કેળવતા નથી? શા માટે ખોટી વાતનો
વીરોધ કરતાં આપણે અચકાઈએ છીએ?
કેમ નાનપણથી આપણે છોકરીઓને શીક્ષણ નથી
આપતાં કે ખુદને કોમૉડીટી ન માનો? અને તે મુજબનું વર્તન ન કરો? પણ
સ્કુલ–કૉલેજથી જ તેનો ઉપયોગ કોમૉડીટી તરીકે આપણે કરીએ છીએ. જેમ કે સ્કુલમાં
કોઈ ફંક્શન હોય કે સેમીનાર હોય તો મહેમાનોનું સ્વાગત કરવા માટે આપણે
સારી–સુન્દર દેખાતી છોકરીઓને સજી–ધજીને આગળ રાખીએ છીએ. તેમના દ્વારા
મહેમાનોને પુષ્પગુચ્છ કે બુકે આપીને સ્વાગત કે વેલકમ કરાય છે. મહેનાનોને
શાલ કે સ્મૃતીચીહ્ન અર્પણ કરવાનું હોય તો તે લેવાદેવા માટે પણ છોકરીઓને
રાખવામાં આવે છે. શા માટે મહેમાનોનું સ્વાગત છોકરીઓ જ કરે? કેમ છોકરાઓ
દ્વારા નહીં કરાવવાનું? એક સ્કુલના પ્રીન્સીપાલને આ પ્રશ્ન પુછ્યો તો તેમણે
કહ્યું કે, ‘આવા પ્રંસગે છોકરીઓ જ શોભે. થોડી રોનક લાગે.’ બસ, આપણને બધે
‘રોનક’ કરવાની–દેખાડવાની ટેવ પડતી જાય છે. ભલે તે માટે સ્ત્રીનું શોષણ થાય
કે તેની મરજી વીરુદ્ધ તેને સજવા–ધજવાની ફરજ પાડવામાં આવે. આજ સુધી આપણે
ટી.વી., ફીલ્મ, મૅગેઝીન જેવા મીડીયામાં કે એડ્માં છોકરીઓને અંગ–પ્રદર્શન
કરતી જોતાં હતાં. હવે આપણે તેમને આપણા લગ્ન–વીવાહ જેવા સામાજીક પ્રસંગો પર
અંગ–પ્રદર્શન કરતી જોઈશું. એટલે જ હવેથી લગ્ન–પ્રસંગ પર ગેસ્ટને મેનુ સર્વ
કરવા માટે આપણે સર્વીસ ગર્લ્સ મુકીએ છીએ, તે પણ ટુંકાં કપડાં પહેરેલી
છોકરીઓ; કારણ કે રોનક લાગે!
સ્ત્રી કોમૉડીટી નથી તે વાત ગાઈ–વગાડીને
કહ્યા પછી કબુલ કરવું પડે કે ખાટલે મોટી ખોટ એ છે કે સ્ત્રી પોતે જ પોતાને
કોમૉડીટી માને છે અને તે મુજબ બીહેવ કરે છે. જ્યાં જરુર લાગે ત્યાં તે
અંગપ્રદર્શન કરતા અચકાતી નથી; કારણ કે પૈસા કમાવાનો તે સહેલો રસ્તો છે. અને
સહેલો રસ્તો પસન્દ કરવો તે સામાન્ય માનવીની માનસીકતા હોય છે.
કોમૉડીટીના નામ પર સ્ત્રીનું શોષણ થાય તો તે ગેરકાયદે કૃત્ય ગણાવું જોઈએ, તેવું આપણે કયારે માનતા થઈશું? જેથી કરીને સદીઓથી નાની મોટી બાબતે સ્ત્રીનું શોષણ કરવાની ટેવ ઘર કરી ગઈ છે તે છુટી શકે! ખાસ કરીને સ્ત્રીને જ જાગૃત કરવી જોઈએ કે તે આવા શોષણનો વીરોધ કરે. કમ સે કમ પ્રસંગ પર રોનક બનવાની ના પાડે, તો જ સમાજની માનસીકતામાં બદલાવ શક્ય છે અને તેથી કરીને લાંબે ગાળે સ્ત્રીને કોમૉડીટી માનતા પુરુષની માનસીકતામાં પણ બદલાવ આવે. સ્ત્રી–પુરુષનો સમાન આદર થાય તો જ સ્વસ્થ સમાજનું નીર્માણ થાય.
●રેડ ચીલી●
“I myself have never been able to find
out precisely what feminism is : I only know that people call me a
feminist whenever I express sentiments that differentiate me from a
doormat or a prostitute.”
…Rebecca West…
–કામીની સંઘવી
No comments:
Post a Comment