ભુલ કરવી, પ્રયોગ કરતાં રહેવું, એ જ વીજ્ઞાનનો શ્વાસોચ્છ્વાસ છે
–ચન્દ્રકાન્ત બક્ષી
જે જોષી એવો દાવો કરતો રહે છે કે એ
હમ્મેશાં સાચો પડે છે એ જોષીમાં મને જોષી તરીકે નહીં; પણ માણસ તરીકે પણ
વીશ્વાસ નથી. જેને ભુલ કરવાનો આટલો ભય છે અથવા જેનામાં ભુલ કરવાની પણ
હીમ્મત નથી, એ પુર્ણ મનુષ્ય નથી. જુઠું
બોલવું અને ખોટા પડવું એ બે વચ્ચે માણસે સ્વયં પસન્દગી કરવાની હોય છે. પોતે
હમ્મેશાં સાચું બોલે છે એવું કહેનારા માણસનું જુઠ એક રોગની અધોસ્થીતી પર
પહોંચી ગયું છે. સાચા હોવાનો દાવો એ એક હીન્દુસ્તાની બીમારી છે, ભુલ કરવાની
તૈયારી કે બહાદુરી કે નીશ્ચીતતા એ અમેરીકન ગુણ છે. અમેરીકામાં નોકરી
માટેના બે ઉમેદવારો, એક જવાન અને એક મધ્યવયસ્ક હોય તો ત્યાં જવાનને તક
આપવામાં આવે છે. કારણ ? એનામાં ભુલો કરવાની હીમ્મત છે, એ નવું કરવા તૈયાર
છે. એ પ્રયોગ કરીને ભુલ સ્વીકાર કરે એટલો ઈમાનદાર છે. જુનો માણસ એની જડ,
કલ્પીત, હોશીયાર, અનુભવી, સચ્ચાઈના વર્તુળમાં બેસીને એવો મુડદાલ થઈ ગયો છે
કે એનામાં નવી ભુલ કરવાની ‘આગ’ રહી
નથી. પાળેલા કુતરાને જ બગાઈઓ કરડતી રહેતી હોય છે. શીકારી કુતરાને બગાઈઓ થતી
નથી. ભુલ કરવી, પ્રયોગ કરતા રહેવું, જુની ભુલ સુધારતા રહેવું એ જ
વીજ્ઞાનનો શ્વાસોચ્છવાસ છે. જોષી અને વૈજ્ઞાનીકનો મારી દૃષ્ટીએ ફરક એક જ
છે. જોષી ક્યારેય ભુલ કરતો નથી, વૈજ્ઞાનીક ભુલો કરતો રહે છે અને આસમાનના
ગ્રહોને સ્પર્શી આવે છે. જોષી કાગળ ઉપર ચોકડીઓ કરીને આકાશના ગ્રહો સાથે
રમ્યા કરે છે ! શુન્ય ચોકડીની રમત કદાચ જન્મકુંડળીઓ પરથી જ આવી હશે, નવરા
જોષીઓની સામે પડેલી જન્મકુંડળીઓમાંથી…..
અજ્ઞાતના ક્ષેત્રમાં ચરણ મુકનારે ભુલા
પડવું પડે છે અને ભુલ પણ કરવી પડે છે. ક્યારેક આ ભુલોએ જગતની પ્રગતી અટકાવી
દીધી છે. ક્યારેક ભુલના અકસ્માતે જગતને શતકો આગળ ફેંકી દીધું છે.
વૈજ્ઞાનીક પ્રગતીના બે માર્ગો છે. એક સ્ટીમ એન્જીનનો, જેમાં પ્રગતી ધીરે
ધીરે, કદમ–બ–કદમ, એક એક પગથીયું ચડીને, સંજોગો પ્રમાણે ફેરફારો કરતા રહીને
થઈ છે. 1775માં જેમ્સ વૉટના આવવા સુધીમાં તો આગળ કેટલાય માણસો કામ કરી ગયા
હતા. પશુશક્તી, પાણીશક્તી, પવનશક્તી અને અન્તે ડચ વૈજ્ઞાનીક ક્રીશ્ટીઅન
હ્યુજેન્સે દારુગોળાની શક્તીથી એન્જીન ચલાવવાની કોશીશ કરી હતી, પછી
હ્યુજેન્સના સાથી ડેનીસ પેપીને પાણી ઉકાળીને, વરાળ ઠંડી કરીને એંજીન
ચલાવવાનો યત્ન કર્યો હતો. આઠ વર્ષ પછી થોમસ સેવરીએ કોશીશ કરી, પછી થોમસ
ન્યુકોમેન નામના પ્લમ્બરે પ્રયાસ કર્યો. ન્યુકોમેનના એન્જીનથી કોલસાની
ખાણોમાં ભરાતું પાણી બહાર કાઢી શકાયું. પછી જોન સ્મીટને એન્જીન બનાવ્યું પણ
એના એન્જીનમાંથી ઘણી ખરી વરાળ બહાર છુટી જતી હતી. છેવટે જેમ્સ વૉટનું
એન્જીન આવ્યું જે વરાળથી ચાલતું હતું. આપણી સ્કુલોમાં એક બનાવટી વાર્તા
શીખવવામાં આવે છે કે જેમ્સ વૉટ અંગ્રેજ સાહસીક હતો. એણે એની માતાના ચુલા પર
પડેલી કીટલીને વરાળથી હાલતી જોઈ અને એને વરાળ સંચાલીત એન્જીન બનાવવાનો
વીચાર આવ્યો અને એણે એન્જીન બનાવ્યું. આ બકવાસ છે. જેમ્સ વૉટને કીટલી સાથે
કોઈ સમ્બન્ધ ન હતો.
ક્રીશ્ટીઅન હ્યુજેન્સ, ડેનીસ પેપીન, થોમસ સેવરી, થોમસ ન્યોકોમેન અને જૉન સ્મીટન અન્તે જેમ્સ વૉટ (છેલ્લે)ને સફળતા મળી)
વૈજ્ઞાનીક પ્રગતીનો બીજો માર્ગ છે : બ્રેક થ્રુ
! અથવા એકાએક સીદ્ધી, એક જ ધડાકે રહસ્ય ખુલી જવું, કંઈક નવી સામગ્રી
અનાયાસ હાથ આવી જવી. અકસ્માત, ભુલ ! ટ્રાન્ઝીસ્ટર એવી જ એક શોધ છે. શરુમાં
ટ્રાન્ઝીસ્ટરમાં મુખ્ય પદાર્થ તરીકે જર્મેનીયમ વપરાતું હતું, જે
ઈલેક્ટ્રોનને ત્વરાથી ફરવા માટે સારું માધ્યમ હતું. એ સીલીકોન કરતાં વધારે
યોગ્ય માધ્યમ પણ હતું. પણ સીલીકોનનો ઉપયોગ કરતાં એક ફાયદો એ જોવા મળ્યો કે
એને કારણે મુખ્ય અંગ અથવા ‘ચીપ’ના
ઉપર ઓક્સાઈડનો થર જામી જતો હતો, જેનાથી ચીપની રક્ષા થતી હતી ! આજે
સીલીકોનનું તન્ત્રજ્ઞાન વીશ્વભરમાં ફેલાઈ ગયું છે. કમ્પ્યુટર ક્ષેત્રના બે
પ્રસીદ્ધ નામો માઈક્રોપ્રોસેસર અને સુપર કન્ડક્ટર
પણ આ જ રીતે બ્રેક થ્રુ દ્વારા એટલે કે પ્રેરણાગત, અકસ્માત ઉપલબ્ધ થયેલી
સીદ્ધીઓ છે. જો કે ભુલથી થઈ ગયેલા અકસ્માતો કે એ પ્રકારની સીદ્ધીઓ
પ્રમાણમાં બહુ જ ઓછી હોય છે.
વીચીત્ર
પરીસ્થીતીઓ સરજાવી કે વર્ષો સુધી ભુલભરેલી માન્યતાઓ સ્વીકારાવી
વીજ્ઞાનવીશ્વમાં સ્વાભાવીક છે અને ક્ષમ્ય પણ છે; કારણ કે વૈજ્ઞાનીક
અજ્ઞાતભુમીનો સંશોધક છે. મહાન ન્યુટને એના સમયમાં આગાહી કરી હતી કે
સુર્યમાં મનુષ્યવસતી જરુર છે ! અને જગતે ન્યુટનને એની ભુલ માટે ક્ષમા પણ
આપી દીધી છે. ન્યુટન એના અમીટ યોગદાન માટે વીજ્ઞાનના ઈતીહાસમાં અમર છે. ઘણી
વાર માણસ ખોટો પણ પડે છે. ભુલ પણ કરે છે, ઘણીવાર એ એના દેશકાળ કરતા ઘણો
આગળ નીકળી ગયેલો દ્રષ્ટા કે મનીષી હોય છે. એને ખોટો સમજનાર દુનીયા ખોટી હોય
છે અને એના મરી ગયા પછી એની ‘ભુલ’ સત્ય બનીને મનુષ્યજાતી માટે પથપ્રદર્શક બને છે.
ટોલેમીનું નામ સર્વકાલીન મહાન
ખગોળશાસ્ત્રીઓમાં ગણાય છે. એણે કહ્યું હતું કે આ પુરા બ્રહ્માંડનું
કેન્દ્રબીન્દુ પૃથ્વી છે અને આ ભુલ જગતે 1500 વર્ષ સુધી સ્વીકારી ! જગતની
પ્રગતી 1500 વર્ષો સુધી ટોલેમીના આ એક વીધાને અટકાવી દીધી. પછી કોપરનીકસે
આવીને કહ્યું કે એવું નથી; પણ પૃથ્વી સુર્યની આસપાસ ફરે છે. સુર્ય પૃથ્વીની
આસપાસ ફરતો નથી. બ્રહ્માંડનું કેન્દ્રબીન્દુ પૃથ્વી નથી; પણ સુર્ય છે. ટોલેમીની ‘ભુલ’ સુધારવાનું પાપ કરવા માટે કોપરનીક્સને
ભયંકર સહન કરવું પડ્યું. કેથલીક ચર્ચે કોપરનીક્સના પુસ્તકની સખત બદનામી
કરી. માર્ટીન લ્યુથર જેવા ક્રાંતીકારી ધર્મપ્રવર્તકે કહ્યું : ‘બેવકુફ પોલ
!’ (પોલ એટલે પોલેન્ડનો નાગરીક એ અર્થમાં.) કેલ્વીન અને બેકન જેવા વીચારકોએ
કોપરનીક્સની મજાક ઉડાવી. અન્તે યોહાનેસ કેપલર અને ચાર્લ્સ ન્યુટને કોપરનીક્સના સીદ્ધાન્તને અનુમોદન આપ્યું અને સત્ય સ્વીકારાયું. આજે કોપરનીકસ આધુનીક ખગોળશાસ્ત્રનો પીતા ગણાય છે.
કેપલરને
પણ એ જ તકલીફ પડી. એ હાઈ સ્કુલમાં ગણીતનો શીક્ષક હતો. ઈશ્વર એને એક સજારુપ
લાગતો હતો. ‘જ્ઞાન ભયથી પ્રાપ્ત થતું નથી; જીજ્ઞાસાથી પ્રાપ્ત થાય છે’ એ કેપલરનું સ્પષ્ટ મંતવ્ય હતું.
આજથી બરાબર 400 વર્ષ પહેલાં કેપલરે 1589માં માલર્બન છોડ્યું. પહેલે વર્ષે
સ્કુલમાં એના વર્ગમાં થોડા વીદ્યાર્થીઓ હતા. બીજે વર્ષે એક પણ વીદ્યાર્થી
આવ્યો નહીં. એ સારો શીક્ષક પણ ન હતો. કેપલરનો એ જમાનો હતો જ્યારે દુરબીન
હજી શોધાયું ન હતું અને જગત એમ જ માનતું હતું કે આકાશમાં છ ગ્રહો છે.
કેપલરનું કહેવું હતું : ‘શા માટે ફક્ત છ જ ગ્રહો ? શા માટે, આઠ, દસ, પંદર,
વીસ નહીં ?’ આવા વીચારો માટે કેપલરને દેશનીકાલ કરવામાં આવ્યો. યોહાનેસ
કેપલરે એક જ વાક્ય કહ્યું : ‘હું દંભ ક્યારેય શીખી શક્યો નથી…’
ભુલ કોણ કરે
છે, શોધક કે જગત ? વૈજ્ઞાનીક પોતાની ભુલ તરત જ સ્વીકારી શકે છે; પણ જગત
એટલું જલદી પોતાની ભુલ પણ સ્વીકારી શકતું નથી. અને એટલું જલદી ભુલી પણ
શકતું નથી. ‘સત્યમેવ જયતે’
નામનો મુદ્રાલેખ જગતને બહુ મોડો સમજાય છે પણ અન્ય દુનીયાઓની જેમ,
વીજ્ઞાનની દુનીયામાં પણ સત્યનો જ જય થાય છે. જો કે પોતાના જીવનકાળ દરમીયાન જ
તે માણસના સત્યનો જય થવો જરુરી નથી. ઘણી વાર માણસનું સત્ય જગત એના મૃત્યુ
પછી સ્વીકારતું હોય છે.
જ્યોર્જ સાઈમન ઓહ્મ એક જર્મન સ્કુલ શીક્ષક
હતો. વીદ્યુતના ક્ષેત્રમાં ઓહ્મ શબ્દ આજે એક માપ કે સંજ્ઞારુપે વપરાય છે.
ઓહ્મે કહ્યું કે, ‘વીદ્યુતનો પ્રવાહ વીજળીના તાર સાથેના આંતરીક ઘર્ષણ પર
આધાર રાખે છે.’ આને ઓહ્મના નીયમ તરીકે વીદ્યુતશાસ્ત્રમાં સ્થાન મળ્યું છે:
બૅટરીના વૉલ્ટેજ પ્રમાણે પ્રવાહની વધઘટ થાય છે અને તાર સાથેના આન્તરીક
ઘર્ષણ સાથે ઉંધા અનુપાતમાં એ પ્રવાહની વધઘટ થતી રહે છે. 1826માં ઓહ્મનો
નીયમ પ્રકટ થયો અને એના માથા પર આસમાન તુટી પડ્યું. એનો ઉપહાસ કરવામાં
આવ્યો. જ્ઞાનીઓએ એના વીચારને તોડીફોડી નાખ્યા અને કોલોન નગરમાં ઓહ્મ જ્યાં
નોકરી કરતો હતો ત્યાંથી એને રાજીનામું આપી દેવું પડ્યું.
વર્ષો સુધી ઉપહાસ અને અવહેલના સહન કર્યા
પછી ઓહ્મને પોતાનું સ્થાન પુન:પ્રાપ્ત થયું. એ સાચો હતો, એની ભુલ જ સત્ય
હતી, એને ઉતારી પાડનાર વીદ્વાનો ખોટા હતા. ઓહ્મ એટલો ખુશકીસ્મત હતો કે એના
જીવનકાળ દરમીયાન જ; પણ વર્ષો પછી 1849માં, એને ભૌતીકશાસ્ત્રનો પ્રૉફેસર
બનાવવામાં આવ્યો.
વીજ્ઞાન અને તન્ત્રજ્ઞાનમાં દરેક અન્વેષક
જ્યૉર્જ ઓહ્મ જેટલો સૌભાગ્યવાન હોતો નથી. કેટલીય શોધો ઘણી પહેલાં થઈ ચુકી
હતી પણ તત્કાલીન સમાજ એ સ્વીકારવા તૈયાર ન હતો એવું મનાય છે કે આજનાં લેસર
કીરણો જેવાં જ કીરણો મેક્સીકોની આઝટેક પ્રજાએ વાપર્યાં હતાં. દીલ્હીમાં
ઉભેલો લોહસ્તંભ સેંકડો વર્ષોથી વરસાદ અને તડકામાં ઉભો જ છે અને એને કાટ
લાગ્યો નથી. લોખંડને શુદ્ધ કરવાની કોઈક કલા કારીગરી આપણી પાસે હતી, જે
કાલની ગર્તામાં ખોવાઈ ગઈ છે. પ્રાચીન ઈજીપ્તમાં જ્યારે ટોલેમીનું રાજ્ય
હતું ત્યારે એક સ્ટીમ એન્જીન શોધાયું હતું અને એનું કામ હતું, દીવાદાંડી પર
પાણી ચડાવવાનું. બહુ જ આરંભીક યાન્ત્રીક પમ્પ એમાં જોડવામાં આવ્યો હતો અને
આ દીવાદાંડી ફારોસના ટાપુ પર હતી. પણ એના ઉપયોગ પર પ્રતીબન્ધ મુકી દેવામાં
આવ્યો. રાજાને થયું કે જો પમ્પ હશે તો મજુરો કામ નહીં કરે. મધ્યકાલીન
બગદાદમાં એક ઈલેક્ટ્રીક બૅટરી બનાવવામાં આવી હતી; પણ એમાં આગળ સંશોધન કરવા
પર મનાઈ ફરમાવવામાં આવી. એવો ભય હતો કે હસ્તઉદ્યોગો આવી શયતાની શોધથી નાશ
પામશે. પોપોવ નામના શોધકે પ્રથમ રેડીયો–સેટ બનાવ્યો, ત્યારે લોકોને થયું કે
આ એક મનહુસ યન્ત્ર છે અને એમણે રોષમાં આવીને એ સેટ તોડી નાખ્યો. ઘઉં દળવા
માટે રોમમાં એક પાણી દ્વારા ચાલતી મીલ બનાવવામાં આવી હતી. આ દૃષ્ટાન્તમાં
પણ રાજાએ નીષેધ ફરમાવ્યો; કારણ કે એને લાગ્યું કે ગુલામો નકામા થઈ જશે. જો
આવાં મશીનો કામ કરવા માંડશે તો માણસોનું શું કરીશું ?
વીજ્ઞાન અને
કલાનો એક ફરક છે. કલામાં મારા પુર્વજ અને મારી વચ્ચે માત્ર એક ભાવનાત્મક
સમ્બન્ધ છે, જે બીન્દુ પર અટકે છે ત્યાંથી મારે શરુ કરવાનું નથી. મારું
આરમ્ભબીન્દુ અને મારું અન્તબીન્દુ મારા જીવનની જેમ મારાં પોતાનાં છે.
વીજ્ઞાનની દુનીયામાં એક આઈનસ્ટાઈનની પાછળ એક ન્યુટન જરુર રહેલો છે.
ન્યુક્લીઅર પાવર કે સૌરઉર્જા કે વીદ્યુતની પાછળ કોલસો છે અને કોલસાના
પહેલાં લાકડું ઉર્જાનો સ્રોત હતું. વીજ્ઞાન એક પરમ્પરા છે, કલાઅંશત: એક
પ્રણાલીકાનું ભંજન છે. કલામાં ભુલ નામનો શબ્દ બાહ્ય છે; બહુ સાન્દર્ભીક પણ
નથી. વીજ્ઞાનમાં ભુલ એ બુનીયાદ છે અને ગુંબજ છે. ભુલ એક સહાયક શબ્દ છે.
● ક્લોઝ અપ ●
દવા મારી ધર્મપત્ની છે; પણ સાહીત્ય મારી પ્રીયા છે.
જ્યારે હું એકથી થાકી જઉં છું, ત્યારે જઈને બીજી સાથે સુઈ જઉં છું.
…એન્ટન ચેખોવ…
No comments:
Post a Comment