Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

5 October 2015

સૌથી વધુ છેતરામણા શબ્દો : આશીર્વાદ અને શુભેચ્છા

»

સૌથી વધુ છેતરામણા શબ્દો : આશીર્વાદ અને શુભેચ્છા

રોહીત શાહ
ગુજરાતી ડીક્શનરીમાં ‘આશીર્વાદ’ અને ‘શુભેચ્છા’ આ બે શબ્દો ખુબ–ખુબ છેતરામણા છે. આશીર્વાદ હોય કે શુભેચ્છા – આપનાર કશું પામતો નથી અને લેનારને કંઈ મળતું નથી, તોય બન્ને પક્ષે સન્તોષ અને આનન્દ છવાઈ જાય છે.
લગ્નની મોસમ હોય કે નુતન વર્ષની આબોહવા હોય, ત્યારે ચારે તરફ આશીર્વાદો અને શુભેચ્છાઓની ભરતી આવેલી દેખાય છે. કોઈનો બર્થ–ડે છે તો આપો શુભેચ્છા ! કોઈની એક્ઝામ છે તો ઠાલવી દો આશીર્વાદ ! કોઈ લાંબો પ્રવાસ કરવા જાય છે તો પાઠવો તેને શુભેચ્છાઓ ! કોઈ પોતાનો નવો વ્યવસાય કે નવી જ જૉબનો પ્રારમ્ભ કરી રહ્યું છે તો વહાવી દો તેના તરફ આશીર્વાદની ગંગા !
આશીર્વાદ મારે મન લૉલીપોપ જેવા છે અને શુભેચ્છાઓને હું ક્રૉસ્ડ ચેક જેવી સમજું છું. લૉલીપોપ ચગળ્યા કરો ત્યાં સુધી બધું ગળચટ્ટું ને મીઠુંમીઠું લાગે. તમને એમ લાગે કે હવે કંઈક વધારે સારું રીઝલ્ટ મળશે, મારું પેટ ભરાઈ જશે, સ્વાદીષ્ટ વાનગીથી મારી ભુખ તૃપ્ત થઈ જશે. પણ ત્યાં જ લૉલીપૉપ પુરી થઈ જાય. તમારી ભ્રાંતીનો ભુક્કો થઈ જાય. તમે હતા ત્યાં જ ઉભેલા હો અને હતા તેવા જ હો !
શુભેચ્છાઓ રુપી ચેક આપણને મળે એટલામાત્રથી જ કાંઈ આપણી પાસે રકમ આવી જતી નથી. એ માટે સૌ પ્રથમ તો આપણી પાસે બેન્ક એકાઉન્ટ (પાત્રતા) હોવું જોઈએ. પછી આપણને મળેલો ચેક સ્લીપબુકમાં વીગતો ભરીને નીયત સમયમાં બૅન્કમાં જમા કરાવવો પડે (પુરુષાર્થ). પાત્રતા ન હોય અને પુરુષાર્થ કરવાની દાનત ન હોય તો હજારો આશીર્વાદો અને લાખો શુભેચ્છો મળે તોય આપણું કશું કલ્યાણ ન થાય.
અગાઉ કહ્યું તેમ આ બન્ને શબ્દો છેતરામણા છે. આપનારે કશુંય ખોવું પડતું નથી, મેળવારે કશું ભેગું કરવું કે ઉંચકવું પડતું નથી. કશું જ આપ્યા–લીધા વગર સઘળું  આપ્યા–લીધાનો આનન્દ અને સન્તોષ બન્ને પક્ષે જોવા મળે છે.
તમે વીચાર કરો, માત્ર આશીર્વાદથી જ સુખ મળી જતું હોત અને આશીર્વાદથી જ જીવનનો માર્ગ સરળ થઈ જતો હોત તો આજે એકેય દમ્પતી દુ:ખી હોત ખરું ? આજે એકેય સન્તાનને કશી સમસ્યા હોત ખરી ? દરેક લગ્નપ્રસંગે વરકન્યાને વડીલો કેટલા બધા આશીર્વાદથી તરબોળ કરે છે ! જે યુવતીને ‘અખંડ સૌભાગ્યવતી’ના આશીર્વાદ મળ્યા હોય તે જ યુવતીનો પતી હનીમુન વખતે એક્સીડન્ટમાં મૃત્યુ પામે છે, એવું કેમ ? ‘પુત્રવતી ભવ’ના આશીર્વાદ પામેલી યુવતી લાઈફટાઈમ સન્તાન વગરની કેમ રહે છે ? કદાચ તેને સન્તાન થાય તો તે જ સન્તાન તેના માટે સન્તાપ કેમ બની રહે છે ? શું આવા સન્તાપ આપનારાં સન્તાનો માટે તેને ‘પુત્રવતી ભવ’ના આશીર્વાદ આપવામાં આવે છે ? દરેક બર્થ–ડે વખતે, દરેક એક્ઝામ વખતે પેરન્ટ્સ અને વડીલોના આશીર્વાદ મળ્યા પછીય કેમ ધાર્યું સુખદ રીઝલ્ટ નથી મળતું ?
નુતન વર્ષ આવે એટલે જાતજાતની શુભેચ્છાઓ મળે છે. રંગીન અને સુગંધીત–સુશોભીત મોંઘેરા કાર્ડ્ઝ દ્વારા શુભેચ્છાઓને બદલે હવે તે ઈ–મેલ દ્વારા પાઠવવામાં આવે છે. રુબરુ શુભેચ્છાઓનો વાડકી–વ્યવહાર થાય છે. ‘નવું વર્ષ તમને સુખ–સમૃદ્ધી, યશ અને સફળતા આપનારું નીવડે’ એવી હજારો શુભેચ્છાઓ મળ્યા પછીય આપણી લાઈફમાં લેશમાત્ર ફરક પડે છે ખરો ? આપણા સન્તાનો માટે લાઈફ–પાર્ટનરની જરુર છે અને યોગ્ય પાત્ર નથી મળતું. આપણને ઘુંટણનો દુખાવો છે અને પગમાં વાઢીયા પડ્યા છે. હજારો ઉપચારો બેકાર પુરવાર થાય છે. શુભેચ્છાઓ આપવામાં અને મેળવવામાં આપણે ખુબ ઉદાર રહીએ છીએ; છતાં એનો કોઈ નક્કર પ્રભાવ આપણી લાઈફમાં કેમ દેખાતો નથી ?
પછી અન્તે તો મન મનાવવાની વાત કરીએ છીએ. નસીબની વાત કરીને, કર્મફળની વાત કરીને, ગ્રહદશાનું બહાનું કાઢીને આપણે કૉમ્પ્રોમાઈઝ કરી લઈએ છીએ. જો આ બધી બાબતો જ મહત્ત્વની હોય તો પછી શા માટે શુભેચ્છાઓ અને આશીર્વાદની ફૉર્માલીટીઝ પાછળ સમય અને સમ્પત્તીને આપણે વેડફતા રહીએ છીએ ?
એક સાવ સાચી ઘટનાની તમને વાત કરવી છે. એક બહુ સજ્જન જ્યોતીષી હતા. તેઓ ગોરપદુંય સંભાળે. વીધી–વીધાન અને ક્રીયાકાંડ–કર્મકાંડ બધું જાણે. જ્યોતીષશાસ્ત્રનોય ઉંડો અભ્યાસ. સૌને શુભ મુહુર્તો કાઢી આપે. હવે તેમની જ દીકરીના લગ્ન કરવાનાં હતાં. મુરતીયો પસંદ થઈ ગયો હતો. શુભ મુહુર્તો ગોઠવાઈ ગયાં હતાં. રંગેચંગે લગ્ન થયાં. આશીર્વાદો અને શુભેચ્છાઓ ભરપુર વરસ્યાં; પરન્તુ બન્યું એવું કે જ્યોતીષીની દીકરી માત્ર બે–અઢી વર્ષે જ વીધવા થઈ.
આજે તો તે જ્યોતીષી હવે રહ્યા નથી; પણ તેમની વીધવા દીકરી તેના સન્તાન સાથે આજેય જીવી રહી છે. શુભ મુહુર્ત અને આશીર્વાદ–શુભેચ્છાઓ જો ખરેખર ફળતાં હોય તો તે દીકરીને એવું ભરપુર સુખ મળ્યું હોત કે આપણને સૌને તેની ઈર્ષ્યા ઉપજી હોત. એને બદલે તેના પ્રત્યે કરુણા જાગે એવી તેની કરુણ દશા કેમ થઈ ? આવાં નક્કર પરીણામ જોયા પછી પણ આપણે ખોટી ફૉર્માલીટીઝ પાછળ કેમ લાંબા થયા કરીએ છીએ ?
સંસારનો કોઈ ડાહ્યો માણસ પોતાનો રસ્તો ખોટો જ છે એ જાણ્યા પછી આગળ ને આગળ ચાલ્યા કરે ખરો?
તમે કદાચ માર્ક કર્યું જ હશે કે કોઈ વીદ્યાર્થીને મહત્ત્વની એક્ઝામ આવી રહી હોય ત્યારે સ્વજનો–મીત્રો એને શુભેચ્છાઓ પાઠવવા ઉમટી પડે છે. કાં તો ફોન કરશે, કાં તો ઈ–મેલ કરશે. અરે યાર, જરાક તો વીચાર કરો : તેને એક્ઝામ આપવા જવાનું છે, તેણે તૈયારીઓ કરવાની છે. આવા તબક્કે જો આપણે તેને ડીસ્ટર્બ કરીએ તો આશીર્વાદ પોતે જ અભીશાપ બની જાય ! શુભેચ્છાઓ બદદુવાઓ બની જાય. તેને નીરાંતે તૈયારી કરવા દો. એકાગ્રતા અને ચોકસાઈથી તેને ભણવા દો. સારું રીઝલ્ટ આવે પછી અભીનન્દન આપવા જરુર જજો, પણ શુભેચ્છાઓને બહાને તેને અભ્યાસમાં ડીસ્ટર્બ કરવા ન જશો.
શુકન–અપશુકન, શુભ–અશુભ મુહુર્તો, સારાં–ખરાબ ચોઘડીયાં, શુભ–અશુભ દીવસો, આશીર્વાદ, શુભેચ્છા, અભીશાપ, બદદુવા, મુઠ મારવી, મેલી વીદ્યા કરવી, મન્ત્રતન્ત્રથી સીદ્ધીઓ મેળવી લેવી, કોઈ એક ખાસ દીવસે ખાસ દેવ–દેવીની પત્તર ઠોકવી – આ બધું કરવાથી કાંઈ જ વળતું નથી. બધું સાવ હમ્બગ છે. વાસ્તુશાસ્ત્રની વાહીયાત વાતો પાછળ ઘણા લોકો ખુવાર થઈ ચુક્યા છે. તે ભોટ–ડફોળ લોકોને એટલુંય ભાન નથી પડતું કે રસોડાનો દરવાજો જુદી દીશામાં કરવાથી રસોઈ સ્વાદીષ્ટ બનતી નથી. સંડાસ–બાથરુમની દીશા મહત્ત્વની નથી; કબજીયાત ન હોવી મહત્ત્વની છે. ફ્રીજ હોય એટલું ઈનફ છે; પછી એ ઘરના કયા ખુણામાં મુકેલું છે એની મહત્તા નથી. આપણી અનુકુળતા જ જોવાની હોય. વહેમ અને અન્ધશ્રદ્ધા તો અનલીમીટેડ કંપનીઓ છે. એના રવાડે ચડ્યા તો ફેંકાયા જ સમજો ! જે છે તેનો સન્તોષ માનો અને વધારે સુખ માટે પ્રામાણીક પુરુષાર્થ કરતા રહો. ફળ ન મળે તોય નીરાશ ન થાઓ. ગ્રહોનું તમે શું બગાડ્યું છે કે એ તમને નડવા આવે ? તમને નડવાથી ગ્રહોને વળી શો ફાયદો ? સ્વસ્થ–તટસ્થ રહો અને જે સંજોગો સહજ મળ્યા હોય એનો સ્વીકાર કરો. સુખી થશો જ.
 રોહીત શાહ

તમારા બાળકને સાવ ભગતડું ન બનાવશો

તમારા બાળકને સાવ ભગતડું ન બનાવશો

રોહીત શાહ
‘અમારો દીકરો આગમ બહુ ધાર્મીક છે. હજી તો તે માંડ દસ વર્ષનો છે; છતાં કાંદા–લસણ ખાતો નથી, ટી.વી.–ફીલ્મ જોતો નથી, રાત્રે કદી ખાતો–પીતો નથી.’
મમ્મી–પપ્પાની આવી ગૌરવવાણી સાંભળીને આપણો અહોભાવ તેમના દીકરા પર ઠલવાઈ જવા લાગે છે. ધર્મને આપણે સમજવાનો નહીં; અનુકરણનો વીષય બનાવી દીધો છે. કશું જ સમજ્યા વગર એક પરમ્પરાને પકડી લેવી એ ધાર્મીકતા છે શું ?
પરમ્પરાનાં જાળાં :
ધર્મ શ્રેષ્ઠ બાબત છે એની ના નથી;, કીન્તુ ધર્મ વીશેનું અજ્ઞાન સૌથી ભુંડી બાબત છે. રેડીમેડ ટ્રેડીશનને અનુસરવાથી ધાર્મીક હોવાનું લેબલ લાગી જાય છે. કેટલાંક પેરન્ટ્સને પોતાનાં બાળકને ધાર્મીક બનાવી દેવાનો એટલો બધો રઘવાટ હોય છે કે તેઓ બાળકનું બાળકપણું ઝુંટવી લેતાં હોય છે, બાળકને દરેક પ્રકારના આનન્દથી દુર રાખવાના ઉધામા કરે છે. આ ન ખવાય, આ ન જોવાય, આમ ન કરાય – ન કરવાની યાદીમાં બાળકને ગુંગળાવી દેવામાં આવે છે. નાનું બાળક પોતાની બુદ્ધીપ્રતીભા ડેવલપ કરે અને સામે કોઈ તાર્કીક પ્રશ્નો પુછતું થાય એ પહેલાં જ તેના દીમાગમાં પરમ્પરાનાં જાળાં ગુંથી દેવાય છે. રેડીમેડ ધર્મના ખ્યાલો તેના ફ્રેશ માઈન્ડમાં ઠાંસી–ઠાંસીને ભરી દઈને લૉક કરી દેવામાં આવે છે. બાળક એટલી હદે બંધીયાર અને નૅરો–માઈન્ડેડ બની જાય છે કે તેને ગોખાવી દીધેલી ધાર્મીકતાની બહાર ડોકીયું કરવામાં પણ તે પાપ સમજે છે.
ધર્મ કે સામ્પ્રદાયીકતા ?
બાળકને ધર્મ સમજાવવો એ જુદી વાત છે અને તેને માત્ર પરમ્પરાઓ પઢાવી દેવી એ જુદી વાત છે. કેટલાંક પેરન્ટ્સ તો પોતાનાં બાળકોને ફાલતું ધાર્મીક શીબીરોમાં મોકલતા હોય છે. આવી શીબીરોમાં ધર્મનું નહીં; સામ્પ્રદાયીકતાનું પ્રભુત્વ હોય છે. સુખ અને આનન્દ ભોગવવાં એ પાપ છે એનું જ રટણ ત્યાં થતું હોય છે. શીબીર ચલાવનાર ગુરુ બાળકોને ધર્મનું નહીં; એના ખુદના સમ્પ્રદાયનું ગોખણીયું જ્ઞાન પીરસે છે. વાહીયાત વીધીવીધાનો અને ક્રુર ક્રીયાકાંડો કરવા માટે જ જાણે કે મનુષ્ય–અવતાર મળ્યો હોય એવું શીક્ષણ આપવામાં આવે છે. બાળક પરાક્રમી અને પ્રામાણીક, ચારીત્ર્યવાન અને સ્પષ્ટવક્તા બને એ જરુરી છે કે ટીલાં–ટપકાં તાણનારું ભગતડું બને એ જરુરી છે ? ધર્મના નામે સામ્પ્રદાયીકતામાં બાળક ગુંગળાઈ ન જાય એ જોવાની જવાબદારી કોની ?
સામ્પ્રદાયીક શીબીરો શંકાસ્પદ :
બાળક ગમે તેનાં ચરણોમાં સાષ્ટાંગ કરીને આળોટતું થઈ જાય એટલે તે ધાર્મીક બની ગયું  ? ‘જય જીનેન્દ્ર’, ‘જય સ્વામીનારાયણ’, ‘જેશી ક્રષ્ન’, ‘ખુદા હાફીઝ’ બોલવાનું આવડી જાય એટલે બાળક શું ધાર્મીક બની ગયું ? આ બધાં સામ્પ્રદાયીક પ્રતીકો છે. ગળથુથીમાંથી જ જેને સામ્પ્રદાયીકતા પીવડાવવામાં આવતી હોય તે બાળક ભવીષ્યમાં ધર્મને સમજવા જેટલું ઉદાર અને નીખાલસ બની શકે ખરું ? ધર્મ કદી સંકુચીત નથી હોતો અને સામ્પ્રદાયીકતા કદી ઉદાર નથી હોતી. ધર્મ સમભાવ શીખવાડે છે, સહીષ્ણુતા આપે છે; જ્યારે સામ્પ્રદાયીકતા માત્ર સંકુચીતતા આપે છે. એ સંકુચીતતા આગળ જતાં વીસ્તરીને અન્ય ધર્મ–સમ્પ્રદાય પ્રત્યે ધીક્કાર અને ઘૃણા પ્રગટાવે છે. પોતાની જ પરમ્પરાઓ શ્રેષ્ઠ છે અને બીજાઓની પરમ્પરાઓ ખોટી કે નકામી છે એવાં ખોટાં ગણીત બાળકના મનમાં દૃઢ કરનારી શીબીરો યોજનારા ગુરુઓની દાનત ડાઉટફુલ છે. શીબીરમાં આવેલાં બાળકોમાંથી ભવીષ્યના પોતાના શીષ્યો શોધવાનો પ્રપંચ પણ તેની પાછળ હોય છે !
બાળકને જીજ્ઞાસુ બનાવો :
વીશ્વ આજે જે રીતે આગળ વધી રહ્યું છે એ જોતાં બાળકને સામ્પ્રદાયીક સીમાડાઓમાં બાંધી રાખવું એ મહાપાપ ગણાશે. બાળકને  ગાયત્રીમંત્ર, નવકારમંત્ર કે કુરાનની આયાત નહીં આવડે તો તેનું કશું અટકી પડવાનું નથી; પણ તેને ઈન્ટરનેટનો ઉપયોગ કરતાં નહીં આવડે તો તે દુ:ખી–દુ:ખી થઈ જશે. બાળકને ગોખણીયું ન બનાવો, જીજ્ઞાસુ બનાવો. તેના દીમાગમાં જાતજાતના પ્રશ્નો ફુટતા રહેવા જોઈએ. બુદ્ધી જે વાત ન સ્વીકારી શકે એનો વીનમ્ર વીરોધ કરવાનું તેને આવડવું જ જોઈએ. મોટે ભાગે એમ કહેવાય છે કે ભક્તીના માર્ગમાં બુદ્ધીનું કોઈ જ કામ નથી. એનો અર્થ એ થાય કે ભક્તીના માર્ગમાં માત્ર મુર્ખાઓનાં ટોળાં જ જઈ શકે છે ! બુદ્ધી વગરની ભક્તી હંમેશાં જડતાનો જ પર્યાય બની રહેતી હોય છે.
બાળકને એ સમજાવો કે…
ભગતડું બાળક સાંસારીક બાબતોમાં ડગલે ને પગલે પાપ જોતું થઈ જશે. પેરન્ટ્સની એ જવાબદારી છે કે પાપ અને પુણ્યની સાચી અને તટસ્થ સમજ બાળકને આપવી. ટી.વી. જોવું હંમેશાં ખરાબ નથી. શું જોવું અને શું ન જોવું એનો વીવેક બાળકને સમજાવવો જરુરી છે. ટી.વી. પ્રત્યે ધીક્કાર કરવાથી કંઈ ધાર્મીક બની જવાતું નથી. બાળકને એ પણ સમજાવવું જરુરી છે કે સાંસારીક સમ્બન્ધો ભલે સ્વાર્થથી ભરેલા હોય; છતાં નકામા નથી. સ્વાર્થ ન હોય, તો જગતમાં ધર્મ કરવા પણ કોણ નવરું છે ? મોક્ષ અને વૈકુંઠ પામવાનો સ્વાર્થ ન હોય, તો કોણ ભક્તી કરવા બેસશે ? બાળકને એ સમજાવો કે પરાવલમ્બી બનવું એ સૌથી મોટું પાપ છે. હરામનું ખાવું એ પાપ છે. બાળકને એ પણ સમજાવો કે સૌથી મોટું પુણ્ય શક્તી અને સામર્થ્ય છે. જે શક્તી પરોપકાર કરે છે એ શક્તી જ પોતે ધર્મ છે.
સંતાનને ભુલશો નહીં :
ભુલો ભલે બીજું બધું મા–બાપને ભુલશો નહીં,
અગણીત છે ઉપકાર તેના એહ વીસરશો નહીં !
આ કવીતા આપણે ખુબ ગાઈ લીધી. એ કવીતાનો મર્મ જો કે સૌએ જીવનમાં ઉતારવા જેવો છે. છતાં આજે એક ‘અજાણ્યા કવી’ની કવીતા ગાવી છે. જુની કવીતા સન્તાનોએ  યાદ રાખવાની છે, તો આ નવી કવીતા પેરન્ટ્સે યાદ રાખવાની છે:
ભુલો ભલે જગમાં બધું સંતાનને ભુલશો નહીં !
અગણીત છે અરમાન તેનાં એહ વીસરશો નહીં !
પુજા કરી, બાધા કરી ત્યારે દીઠું છે મુખડું,
એ દેવના દીધેલને કદીયે દુભવશો નહીં !
ગુણમાં તમારાથી સવાયાં નામ એ તમ રાખશે,
ઘડપણ મહીં થાશે સહારો વાત એ ભુલશો નહીં !
શ્રદ્ધા ભરો, ક્ષમતા ભરો, સંસ્કાર તેના દીલમાં
સ્વપ્નો તેનાં સાકાર થાશે, બનશે માન એ વીશ્વમાં !
 –રોહીત શાહ

ફરજ છોડીને બાપુની કથામાં જવાય ?

 

ફરજ છોડીને બાપુની કથામાં જવાય ?

–ડૉ. શશીકાન્ત શાહ
પ્રકાશ એમ.એડ્.માં મારો વીદ્યાર્થી હતો. અત્યન્ત તેજસ્વી કારકીર્દી ધરાવનારા એ વીદ્યાર્થીનો ગયા સપ્તાહમાં ફોન આવ્યો. પ્રકાશ કહે છે; ‘સર, અમારા નગરમાં બાપુની કથાનું આયોજન ગોઠવાયું છે. શાળામાંથી આઠ દીવસની રજા મુકીને હું કથા સાંભળવા જવાનો છું !’ એમ.એસ.સી,; એમ.એડ્.ની ફર્સ્ટ ક્લાસ ડીસ્ટીન્ક્શન સાથેની ડીગ્રીઓ ધરાવતો પ્રકાશ, એક શાળાના ઉચ્ચતર માધ્યમીક વીભાગમાં ફીઝીક્સ ભણાવે છે. બીજા માણસો નીતી અને મુલ્યોની વાતો કરે છે, જ્યારે પ્રકાશ આદર્શઘેલો યુવાન છે. જીન્દગીમાં કદી ટ્યુશન ન કરવાની એણે પ્રતીજ્ઞા લીધી છે અને આશ્ચર્યજનક રીતે એ પ્રતીજ્ઞાનું ચુસ્ત રીતે પાલન કર્યું છે. પ્રકાશની વાત સાંભળ્યા પછી મેં મારી સ્ટાઈલ પ્રમાણે શાન્તીથી; છતાં મારી નારાજી ભેળવીને થોડાક પ્રશ્નો એના તરફ રવાના કર્યા : ‘શાળામાં રજા મુકીને, વીદ્યાર્થીઓનો અભ્યાસ રઝળતો છોડીને તું આખું અઠવાડીયું ‘બાપુ’ની કથા સાંભળશે ? આ હું શું સાંભળી રહ્યો છું ? આવો નીર્ણય લેતા તને શરમ ન આવી ?’ પ્રકાશે ફોન મુકી દીધો. બીજે દીવસે ફરીથી એનો ફોન આવ્યો, ‘સર, હું શાળાના દરવાજેથી આપને ફોન કરી રહ્યો છું. મેં મારી રજાઓ રદ કરાવી દીધી છે અને આજથી પુનઃ ફરજ પર હાજર થઈ જાઉં છું. મને સાચો માર્ગ બતાવવા માટે આપનો ખુબ ખુબ આભાર.’
સરકારી કર્મચારી, શાળાનો શીક્ષક કે કૉલેજનો પ્રૉફેસર પોતાની ફરજ છોડીને બાપુની કથામાં જઈને ગોઠવાઈ જાય એ તો સમાજનો દ્રોહ છે. સેંકડો કીલોમીટર દુરથી એક ગરીબ, રાંક માણસ સરકારી કામકાજ માટે ગાંધીનગર આવે છે. ઑફીસમાં જાય છે, તો આપત્તીજનક સમાચાર સાંભળવા મળે છે : ‘સાહેબ તો બાપુની કથા સાંભળવા લાંબી રજા પર છે. હવે તો જે થાય તે દસ દીવસ પછી !’ સાહેબની ઉંમર, પ્રીય વાચકો, આપ કેટલી ધારો છો ? ચાળીસ અને પચાસની વચ્ચે હશે. બાપુની કથા સાંભળવા તેઓ નીવૃત્તી સુધી થોભી શક્યા હોત. વળી, ખુરશી પર બેસીને હરામના રુપીયા નહીં પડાવતા, લાંચરુશ્વત નહીં ખાતા મુલ્યનીષ્ઠ માણસે ફરજ છોડીને કથા સાંભળવા જવાની જરુર શી છે ? લાંચીયો અધીકારી કથા સાંભળવા જાય તેનોયે કોઈ અર્થ નથી. દુર દુરથી ભણવા આવતા વીદ્યાર્થીને રખડતા મુકીને કથા સાંભળવાથી શીક્ષકને પ્રકાશ સાંપડે કે તીમીર ?
જે વ્યક્તી પોતે કોઈ એક સ્થાન પર બેસીને ની:સ્વાર્થભાવે નીષ્ઠાપુર્વક ગ્રાહકોની, દર્દીઓની, પ્રજાજનોની સેવા કરે છે, પોતાની ફરજ અદા કરે છે એણે ત્યાર પછી પોતાના દેહના કે આત્માના કલ્યાણ માટે કંઈ જ કરવાનું બચતું નથી. જેમણે જનસેવા એ જ પ્રભુસેવાના મંત્રને પોતાના જીવનમાં ચરીતાર્થ કર્યો હોય એમણે, ત્યાર પછી મંદીરમાં, ચર્ચમાં કે મસ્જીદમાં જવાની શી જરુર ? એ જ્યાં બેઠો છે એ સ્થળ તીર્થધામ છે. ફરજનીષ્ઠ કર્મચારી પોતાના સ્થાન પર બેઠો બેઠો પ્રભુસેવા જ કરે છે. બેન્કમાં કે સરકારી કચેરીમાં કોઈ પ્રકારની લાંચ આપ્યા વગર કે માનસીક યાતના ભોગવ્યા વગર થોડીક મીનીટોમાં જ પોતાનું કામ પતાવીને બહાર નીકળતો માણસ જે આશીર્વાદ આપે છે તેની તુલનામાં તો ભગવાનના આશીર્વાદ પણ ફીક્કા સાબીત થાય. આ પ્રકારે વીના વીઘ્ને અને વીના વીલંબે કામ થાય છે ત્યારે કામ કરનાર અને કરાવનાર બંને ઉંડા સંતોષની લાગણી અનુભવે છે. કામને પુજા ગણનારા માણસોને લીધે જ આ સમાજ ટકી રહ્યો છે. કામને પુજા ગણનારા માણસોની સંખ્યા જેટલી વધારે એટલી સમાજની ગુણવત્તા પણ ઉંચી.
એક શાળાના શીક્ષક ચાર મહીનાની રજા મુકીને અમેરીકા ભાગી ગયા. તેઓ ચાર મહીના પછી પુનઃ ફરજ પર હાજર ન થયા. અમેરીકામાં બેઠાં બેઠાં તેઓ પોતાની રજા લંબાવી રહ્યા છે. પોતાના સ્થાને ફરજ પર હાજર નહીં થનારો એ શીક્ષક, રાજીનામું આપતો નથી એટલે એમની જગ્યા પર બીજા શીક્ષકની નીમણુંક થઈ શકતી નથી. આ ગુરુજી અમેરીકામાં શોપીંગ સેન્ટરમાં મજુરની જેમ કામ કરે છે અને અહીં બીચારા વીદ્યાર્થીઓ જ્ઞાન મેળવવાથી વંચીત રહ્યા છે !
બાપુની કથા સાંભળવા ઈચ્છતા પ્રકાશભાઈને રજા રદ કરવા માટે અભીનન્દન આપીને મેં જણાવ્યું : ‘ભલા માણસ, તમારી જગ્યા પર અનુદાનીત શાળામાં આ શીક્ષણદ્રોહી સરકાર અવેજી શીક્ષકની નીમણુંક કરશે ? સાત દીવસ વીદ્યાર્થીઓનો અભ્યાસ બગડે તેની જવાબદારી કોની ? બાપુની કથા રજાના દીવસે કે રવીવારે સાંભળવા જવાય, નીવૃત્તી પછી ત્રણસો પાંસઠ દીવસ કથા સાંભળવાનું રાખીએ.. ક્યાં કોઈને વાંધો છે ? પરન્તુ કથા સાંભળવા ફરજ છોડીને દોડવાનું ? પોતાના કામકાજ માટે આવતા પ્રજાજનોએ ધક્કા ખાયા કરવાના ? જીવનમાં કામોની અગ્રીમતા જેવું કંઈ હોય કે નહીં ?’
ઉચ્ચતર માધ્યમીક વીભાગમાં મેથ્સ શીખવતા એક શીક્ષીકાનો દીકરો બાર સાયન્સની ત્રીજા સેમેસ્ટરની પરીક્ષામાં બેસવાનો હતો. પતી બૅન્કમાં મૅનેજર છે. પતીએ પત્નીને સુચના આપી, ‘સ્કુલમાંથી પંદર દીવસ રજા લઈ લે, જેથી પુત્રને શીક્ષણ આપી શકાય અને એની સગવડ સચવાય.’ શીક્ષીકાએ નમ્રતાથી જવાબ આપ્યો, ‘શાળામાં મારા સીત્તેર દીકરા-દીકરીઓ પણ આ જ પરીક્ષામાં બેસવાના છે. મારા વીષય પર તો એમની કારકીર્દીનો આધાર છે. હું પંદર દીવસ તો શું, એક કલાક માટે પણ મારા વીદ્યાર્થીઓથી દુર રહેવાનું નહીં સ્વીકારું.’ ડોક્ટર અને ઈજનેર બની ગયા પછી, કેનેડા અને અમેરીકામાં સેટલ થયા પછી અને મહીને બે-પાંચ લાખ રુપીયાનો પગાર મળતો હોવા છતાં; આ વીદ્યાર્થીઓ પોતાના ગુરુજીને જોતાં જ ચરણસ્પર્શ કરવા કેમ ઉતાવળા થાય છે તેનું કારણ અહીં છુપાયેલું છે. એક શાળાના આચાર્યની ઉંમર ચોપન વર્ષ છે. ડૉક્ટરે એન્જીયોગ્રાફી કરીને સુચના આપી, ‘તાત્કાલીક બાયપાસ સર્જરી કરાવવી પડશે, ચાર વેઈન્સ બ્લોક છે.’ ગુરુજીએ શાંત અને મક્કમ અવાજમાં કહ્યું,  ‘હમણાં શાળાને અને વીદ્યાર્થીઓને મારી જરુર છે… વેકેશન શરુ થાય ત્યાં સુધી કંઈ વીચારવાનું નથી.’ જનસેવા એ જ પ્રભુસેવા એવું સમજીને જીવતા એ ફરીશ્તાઓને આદરપુર્વક વંદન. ભગવાને સોંપેલી ફરજ છોડીને બાપુની કથા સાંભળવા તો શું, સ્વયમ્ ભગવાન દર્શન આપવા તૈયાર ઉભા હોય તોયે ન જવાય.
–ડૉ. શશીકાન્ત શાહ

વાસ્તુ’શાસ્ત્ર કરતાં ‘વસ્તુ’શાસ્ત્ર વધુ મહત્ત્વનું છે !

વાસ્તુ’શાસ્ત્ર કરતાં ‘વસ્તુ’શાસ્ત્ર વધુ મહત્ત્વનું છે !

 રોહીત શાહ
એક માણસને શરદી જેવી સામાન્ય બીમારી હતી. થોડા ઘરગથ્થુ ઉપચારો કર્યા; પણ શરદી મટી નહીં. તે માણસ એક ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટરે તેને તપાસીને કહ્યું, ‘વાઈરલ ઈન્ફેકશન છે.’
પછી તે માણસે એક વૈદ્યરાજને બતાવ્યું. વૈદ્યરાજે નીદાન કરીને કહ્યું, ‘તમને કફદોષ છે.’
એક જ્યોતીષીએ પણ પોતાની રીતે ગ્રહો–નક્ષત્રોનાં પલાખાં માંડીને જવાબ આપ્યો, ‘તમારા પર અત્યારે માઠી ગ્રહદશાનો પ્રભાવ ચાલી રહ્યો છે. હજી પંદરેક દીવસ સુધી આ પ્રભાવ રહેશે.’
પેલો માણસ એક તાંત્રીક પાસે માર્ગદર્શન લેવા ગયો. તાંત્રીકે ભયાવહ મુખાકૃતી કરીને આગાહી ઉચ્ચારી, ‘તમારા કોઈ શત્રુએ તમારા માટે મેલી વીદ્યાનો પ્રયોગ કરાવ્યો છે. તેની સામે તમારેય વીધી કરાવવી પડશે. જો વીધી કરાવવામાં વીલમ્બ કરશો તો પછી પેલી મેલીવીદ્યાનો પ્રભાવ આગળ વધી જશે. તમારા માટે કદાચ જીવનું જોખમ પણ થઈ શકે છે !’
હવે વારો આવ્યો વાસ્તુશાસ્ત્રીનો. તેણે પેલા માણસના ઘરે જઈને જોયું, ‘તમારા રસોડાનું બારણું દક્ષીણ દીશામાં છે એને કારણે આ તકલીફ ઉભી થઈ છે અને તમારા બેડરુમની બારી ઈશાન ખુણા તરફની છે એને કારણે તમારી તકલીફનો ઉકેલ શક્ય નથી. તમારે એ બન્નેની સીચ્યુએશન બદલવી જ પડશે !’
વાત માત્ર એટલી જ હતી કે એક માણસને સામાન્ય બીમારી હતી. જુદા–જુદા લોકોએ વાતનું વતેસર કરી નાખ્યું. જાત–જાતનાં નીદાનો અને ભાત–ભાતના ઉપચારો ! પેલો માણસ કન્ફ્યુઝ થઈ ગયો. છેલ્લે તે કોઈ સાધુ પાસે ગયો અને તેમનું માર્ગદર્શન માગ્યું. સાધુએ માર્મીક રીતે મંદ સ્મીત કરતાં કહ્યું, ‘ભાઈ, આ તો ગયા જન્મનાં કર્મનું ફળ છે. તેં ગયા ભવમાં કંઈક પાપકર્મ કર્યું હશે એટલે હવે આ ભવમાં ભોગવવાનો વારો આવ્યો છે !’
દરેક ધન્ધાદારી માણસ સાવ સામાન્ય વાતને પોતપોતાની રીતે ટ્વીસ્ટ કરતો હતો, વળ ઉપર વળ ચઢાવ્યે રાખતો હતો !
જગતમાં લાખો લોકોને નાની–મોટી શારીરીક, માનસીક, આર્થીક, સામાજીક તકલીફો પડતી જ હોય છે. સંસારની એક પણ વ્યક્તી તકલીફમુક્ત નથી. તમારી તકલીફનો ઉંડો અભ્યાસ કરીને તમે જાતે જ એનું નીવારણ શોધી શકો; પરંતુ તમે એવું નથી કરતા. તમારા સ્વજનો–મીત્રોય ક્યારેક તમને મીસગાઈડ કરતા રહે છે. પરીણામે તકલીફ દુર નથી થતી. વાહીયાત ઉપચારો તમારા માટે થોડો વખત આશ્વાસન બને છે. તમે થોડા સમય માટે રીલૅક્સ થયા હોય તેવું ફીલ કરો છો; પરંતુ આખરે ઠેરના ઠેર !
લાખો લોકોનાં ઘરમાં રસોડાનું બારણું કોઈ એક ચોક્કસ દીશામાં હોય છે અને ઘરમાં બેડરુમની બારી પણ કોઈ એક ચોક્કસ દીશામાં હોય છે. બહુમાળી ફલૅટમાં તો અનેક લોકોના ફલૅટના બારી–દરવાજા કોઈ એક જ દીશામાં હોય છે. છતાં એ તમામની તકલીફો એકસરખી નથી હોતી. તમારા ઘરમાં ફ્રીજ અને એસીની સગવડ હોય એ મહત્ત્વનું છે; એની દીશા નહીં. મને તો વાસ્તુશાસ્ત્ર કરતાં વસ્તુશાસ્ત્રમાં વધુ ઈન્ટરેસ્ટ છે. જેના ઘરમાં તીજોરી કે ફ્રીજ ન હોય તેને વાસ્તુશાસ્ત્રના દોષો તો લાગે જ છે !? ભાગ્યરેખા જો હથેળીમાં જ હોય અને ભાગ્યરેખાઓ અનુસાર જ બધું ચાલતું હોય તો જેના હાથ જ નથી એવી વ્યક્તીનું ભાગ્ય શેના આધારે ચાલશે ?
ખોટી દીશામાં માણસ ગમે એટલો આગળ ચાલતો રહે તો પણ તે સાચી મંઝીલ પર પહોંચી નથી શકતો.
શરીર છે; તો બીમારી પણ આવે. જીવન છે; તો સંઘર્ષોય આવે. ધન્ધો છે; તો નુકસાન પણ આવે. સન્તાનો છે; તો સન્તાપોય આવી શકે. દરેકની શારીરીક અને માનસીક ક્ષમતા જુદી–જુદી હોય છે. રોગ લાગુ પડવાનાં સ્પષ્ટ કારણો હોય છે. સમ્બન્ધ બગડવાનાં ચોક્કસ કારણો હોય છે. આર્થીક સમસ્યાઓ કે નુકસાનનાંય નીશ્ચીત કારણો હોય છે. આપણે એનો અભ્યાસ કરીએ તો આ બધું સમજાઈ જાય અને પછી સાવ સહજ સ્વીકાર્ય બની રહે, પરંતુ આપણે બહાવરા બની જઈએ છીએ અને છીછરા ધન્ધાદારી લોકો પાસે એના ઉપચાર માટે દોડી જઈએ છીએ. ખરેખર તો તમે જેની પાસે ઉપચાર માટે ગયા હો છો તેનેય તેની પોતાની અનેક ખાનગી સમસ્યાઓ હોય છે. તે તો બીચારા (!) કોઈને કહી શકતાય નથી ! પોતાના ઉપચાર પણ કરી શકતા નથી.
વહેમ, ચમત્કાર, અન્ધશ્રદ્ધા વગેરેને કારણે ધતીંગો અને ક્રીયાકાંડોની આપણા દેશમાં ભરમાર ચાલી છે. તમે કોઈ પણ સમસ્યા કે તકલીફનો સહજ સ્વીકાર કરો, સમજણપુર્વક અને આત્મવીશ્વાસથી એનો ઉકેલ વીચારો, ખોટી દીશામાં અને પાખંડી લોકો પાસે દોડી જવાને બદલે થોડી ધીરજ રાખો; તમે જાતે જ થોડા અનુભવો પછી કહેશો કે ‘નો પ્રૉબ્લેમ !’
 –રોહીત શાહ

બુદ્ધીનો બાયોસ્કોપ

 બુદ્ધીનો બાયોસ્કોપ

–દીનેશ પાંચાલ
ઈશ્વર વીશે જેમને સાચી સમજ ન હોય એવા આસ્તીકોની યાદી બનાવવામાં આવે તો આંખ પહોળી થઈ જાય એવો આંકડો નીકળે. ઘણા ધર્મગુરુઓ પણ એ લીસ્ટમાં ‘ટૉપ ટેન’માં ચમકે. રૅશનાલીઝમની સ્થીતી તો એથીય વધુ કફોડી છે. રૅશનાલીઝમના વીકાસમાં અવરોધ ઉભો કરનારાઓને એવોર્ડ આપવામાં આવે તો બધાં જ એવોર્ડ્સ કહેવાતા નાસ્તીકો જીતી જાય. માણસ આસ્તીક હોય કે નાસ્તીક પણ તેના જ્ઞાન–વીજ્ઞાન અને સંશોધનોને મર્યાદા રહી છે. માણસ સીમેન્ટ બનાવી શકે છે; રેતી બનાવી શકતો નથી. પુલો બાંધે છે; દરીયા બનાવી શકતો નથી. એણે પાણીનું બંધારણ (H2O) શોધી કાઢ્યું; પણ એ સંશોધન આકાશમાં ઝબુકતી વીજળી જેવું બની રહ્યું.
ઘણા વલખાં માર્યા પછી પણ માણસને ડાયાબીટીસનો નક્કર ઉપાય ન જડ્યો ત્યારે એણે સુગરફ્રી ટૅબ્લેટ બનાવીને સંતોષ માન્યો. માણસ અનાજ પકવી શકે છે; પણ ભુખને જડમુળથી નાબુદ કરી શકતો નથી. ધરતીના પેટાળમાંથી પાણી કાઢીને એણે મીનરલ વોટર બનાવ્યું; પણ તરસને નાબુદ કરી શક્યો નહીં. લેબોરેટરીમાં લોહી બનાવ્યાની વાતો પણ આવી; પરન્તુ હજી સુધી તે H2O જેવી જ ઘટના રહેવા પામી છે. રોજ હૉસ્પીટલોમાં દરદીઓને લાખો બોટલ લોહીની જરુર પડે છે. વીજ્ઞાન એટલા લોહીનું ઉત્પાદન કરી શકે તો જ એ સીદ્ધી લેખે લાગે. વીજ્ઞાન જેટલી સરળતાથી પાવડરનું દુધ બનાવી શકે છે તેટલી સરળતાથી લોહીના પાઉચ તૈયાર કરી શકતું નથી. માટે જ માણસ માણસ વચ્ચે ‘લોહીનો વાટકી–વ્યવહાર’ હંમેશાં ટકી રહેવાનો છે. સદ્ભાગ્યે સમાજમાં લોહી પીનારા કરતાં લોહી આપનારાઓની સંખ્યા વધારે રહેવા પામી છે. કોઈએ લોહીના અભાવે મરવું પડતું નથી. માણસમાં માનવતા હજી ટકી રહી છે. કો–ઑપરેટીવ બૅંક ફડચામાં જાય છે; પણ હજી સુધી કોઈ બ્લડ બૅંક ફડચામાં ગઈ નથી.
વીજ્ઞાન અને ટૅક્નૉલૉજીથી અદ્ભુત વીકાસ થઈ રહ્યો છે. મેડીકલ ક્ષેત્રે નવાં સંશોધનો થતાં રહે છે. હૃદયના વર્કીંગ અવર્સ વધતા જાય છે. મરવાનું ડૉક્ટરોએ અઘરું બનાવી દીધું છે. સાયન્સ વડે શરીર જીવી જાય છે; પણ મોંઘવારીને કારણે મન મરતાં જાય છે. દીનપ્રતીદીન આપઘાતોની સંખ્યા વધતી જાય છે. આ વર્ષે માનસીક રોગીઓની સંખ્યા ગત વર્ષ કરતાં ઘણી વધી ગઈ. મોંઘવારી, બેકારી, ગરીબી, ભુખમરો એ બધાં વચ્ચે જીવતાં માણસોના મનમુટાવ, મનમુંઝારા અને મનભેદોનો પાર નથી. સુખો છે; પણ તેમાં દુ:ખોની બહોળી મીલાવટ છે. ઘરે ભેંસ બાંધો તો ચોખ્ખું દુધ મળી શકે; પણ ઘરે ભગવાન બેસાડો તોય ચોખ્ખું સુખ ન મળી શકે. ઘઉંની ગુણમાં થોડાક જ કાંકરા હોત તો ચીંતા નહોતી; પણ વીણાટ ઘઉંની આખી ગુણ કાંકરાઓથી ભરેલી નીકળે છે. સાયન્સ એ કાંકરાઓને દુર કરવાની ‘કારસેવા’ કરી રહ્યું છે.
માણસના હોઠ લાલ રહે તેટલું પુરતું નથી; હોઠ પર સ્મીત ટકી રહેવું જોઈએ. ગાલ ભરાયેલા હોય છે; પણ મન ખાલી હોય છે. પરીવાર હોય છે; પણ ભલીવાર નથી હોતો. પૈસા અને જલસા હોય છે; પણ જીવન કૃત્રીમ બનતું જાય છે. અપાર ભૌતીક સુખો વચ્ચેય મનની શાંતી વીના માણસ પીડાય છે. ઉંઘની ગોળી લીધા પછી પણ એને મુશ્કેલીથી ઉંધ આવે છે. માણસને હવે સમજાય છે કે માત્ર શરીર નહીં મન પણ સુખી રહેવું જોઈએ. ઘણીવાર પ્રભુની પુજા કરતાં ‘પાચનવટી’થી વધુ શાન્તી પ્રાપ્ત થાય છે. ખરેખર તો એવા સમાજનું નીર્માણ થવું જોઈએ કે સુખ–શાન્તી માણસને કોઠે પડી જાય. પણ દુર્ભાગ્યે એવી સ્થીતી પેદા થઈ છે કે ચીંતા, તણાવ, ભય અને અસલામતી માણસને કોઠે પડી ગયાં છે.
વીજ્ઞાનવાદ અને બુદ્ધીવાદ ભેગાં મળે તો સ્વર્ગનો નકશો તૈયાર થઈ શકે; પરન્તુ એમાં માનવીના શુભ ઈરાદાઓ ભળે તો જ ધરતી પર સ્વર્ગનું નીર્માણ થઈ શકે છે. એક નાનકડા સ્વર્ગની વાત કરું. પોલીયોની રસીનો ધુમ પ્રચાર થઈ રહ્યો છે. પ્રજા અને પ્રશાશનના સંયુક્ત પ્રયાસોથી એક દીવસ એવો આવશે કે સરકાર આનન્દપુર્વક જાહેર કરશે: ‘પોલીયો સમ્પુર્ણ નાબુદ થઈ ચુક્યો છે.’ (શીતળાની રસી શોધાવાથી હવે એ રોગ સમ્પુર્ણ નાબુદ થઈ શક્યો છે. પહેલાં શીતળાનો કેસ શોધી લાવનારને હજાર રુપીયા આપવાની જાહેરાત કરવામાં આવતી હતી. પોલીયોના કેસ માટે પણ સરકાર હવે એવી જાહેરાત કરવાની સ્થીતીમાં છે.) સરકાર અને સમાજના સંયુક્ત ઉપક્રમે નજીકના ભવીષ્યમાં પોલીયો વીનાના સમાજનું સ્વર્ગ સ્થપાશે. એ સ્વર્ગ ઉપર સુવર્ણ અક્ષરે લખ્યું હશે: ‘મેડ બાય હ્યુમનબીઈંગ’
હવે માણસને મૃત્યુ પછીના સ્વર્ગનો મોહ છુટતો જાય છે. એમાં વીજ્ઞાન અને રૅશનાલીઝમે ખાસ્સો ભાગ ભજવ્યો છે. મેડીકલ સંશોધનોની ઉપલબ્ધીઓ જુઓ, કેટલી બધી છે: કૃત્રીમ માંસપેશીઓ, કૃત્રીમ ફેફસાં, પેસમેકર, ઈયરફોન, બનાવટી હાથ–પગો, ટેસ્ટટ્યુબ બેબી, ચક્ષુદાન, અંગદાન, રક્તદાન, કીડની–લીવર જેવા અંગોનું પ્રત્યારોપણ.. એવા સેંકડો સંશોધનો દ્વારા માણસનાં અડધોઅડધ દુ:ખો ગાયબ થઈ ગયાં છે. એ બધાં દુ:ખો પહેલાં ભાગ્યના લેખ ગણાતા. એ લેખ પર સાયન્સરુપી વીધાતાએ સીદ્ધીના મેખ માર્યા છે. હવે સુખી થવાનું સહેલું બનતું જાય છે. સવારે શોધાયેલું સુખ બપોરે વાસી થઈ જાય છે. સાંજે નવા સુખનો સુર્યોદય થાય છે. ક્યારેક વીચાર આવે છે ચાલો, કોઈ દીવસ પુજાપાઠ કે રામનામના જપ જપવાનું બંધ રાખી આપણે સૌ જાહેરમાં એક સમુહપ્રાર્થના કરીએ કે એઈડ્સ, ડાયાબીટીસ, થાઈરોઈડ અને કેન્સર જેવાં હજી અસાધ્ય રહેલા રોગોથી પણ માણસ મુક્ત બને ! એક સહસ્રકોટી યજ્ઞ કે નવચંડી યજ્ઞ કરતાં એવી એક નાનકડી પ્રાર્થનાનું મુલ્ય અનેકગણુ વધારે છે.
અમેરીકાની એક તાજી ઘટના સાંભળો. જ્હોન વીલ્સને તેની પત્ની મેરીને તેના જાડા હોઠ અને અલ્પવીકસીત છાતીને કારણે ડીવોર્સ આપ્યા. મેરી ડૉક્ટરોને મળી. ડૉક્ટરોએ મેરીની પ્લાસ્ટીક સર્જરી કરી. મેરીના હોઠ ખુબ સુંદર બની ગયા. છાતી સુડોળ બની. ત્યાર બાદ મેરી એક ધનાઢ્ય અને સુંદર પુરુષને પરણી. નવા પતી સાથે એ ખુબ સુખી હતી. એક દીવસ ક્લબમાં અચાનક એને એનો જુનો પતી મળી ગયો. તેણે મેરીને અજાણી મહીલા જાણી વખાણ કરતાં કહ્યું: ‘તમારા હોઠ ખુબ સુંદર છે’. મેરીએ જવાબ આપ્યો: ‘હોઠ અસલી નથી, બનાવટી છે; પણ મને પતી અસલી મળ્યો છે. તેં મને મારા જાડા હોઠને કારણે ડીવોર્સ ના આપ્યા હોત તો મને આટલો સુંદર પતી ના મળી શક્યો હોત !’ જ્હોન વીલ્સન ચકીત થઈ વીચારી રહ્યો: ‘ઓહ ગૉડ…! શું આ તે જ સ્ત્રી છે, જેને મેં અગ્લી (કદરુપી) કહી છોડી દીધી હતી ? મારી પાસેય પૈસા હતા; પણ મને એવો વીચાર કેમ ન સુઝ્યો ?’
એટલું યાદ રાખવું પડશે કે સુખ કેવળ સાધનોથી પ્રાપ્ત થતું નથી. તેના ઉપભોગમાં બુદ્ધી પણ વાપરવી પડે. સુખની એક્સપાયરી ડેટ વીતી જાય તે પુર્વે તેને ઉપભોગી લેવું પડે. કેરી પાકી જાય પછીય ન ખાઈએ તો કેરીનો ખરો આનન્દ માણી શકાતો નથી. કેવળ પૈસાથી સુખી થવાતું હોત તો વીલ્સન પાસેય ખુબ પૈસો હતો; છતાં તેને પત્નીની પ્લાસ્ટી સર્જરી કરાવવાનું ન સુઝ્યું. ખરી વાત તો એટલી જ કે તમે ગાઢ અંધારામાં અકળાઈ રહ્યા હો; પણ બુદ્ધીની દરમીયાનગીરી વીના તમને એ વાતનો ખ્યાલ આવતો નથી કે તમારા ખીસ્સામાં ટોર્ચ પડી છે ! તમે બુદ્ધીના બાયોસ્કોપ વગર સુખને જોઈ શકતા નથી.
દીનેશ પાંચાલ

કેટલીક અન્ધશ્રદ્ધાની કૉસ્ટ ઑફ પ્રોડક્શન બહુ ઉંચી હોય છે !

કેટલીક અન્ધશ્રદ્ધાની કૉસ્ટ ઑફ પ્રોડક્શન બહુ ઉંચી હોય છે !

limbu-copy1.jpg
દીનેશ પાંચા
માણસના દેહમાં ફેફસાં, મગજ, હૃદય વગેરેનું સ્થાન જાણી શકાય છે; પરન્તુ બુદ્ધી મગજના ચોક્કસ કયા ભાગમાં આવેલી છે તે જાણી શકાતું નથી. કાળક્રમે દુન્યવી વીકાસ થતાં માણસની બુદ્ધીનું અનેક વીદ્યાઓમાં રુપાન્તર થયું. એ વીદ્યા એટલે વીજ્ઞાન ! જીવવીજ્ઞાન, ખગોળવીજ્ઞાન, શરીરવીજ્ઞાન, રસાયણવીજ્ઞાન જેવાં વીવીધ નામોથી એ ઓળખાય છે. માણસ ધીમે ધીમે અનેક વીદ્યાઓમાં મહારત હાંસલ કરતો ગયો અને એ રીતે એને જીવનનું વીજ્ઞાન આવડી ગયું. માણસનું સર્વોત્ત્તમ જીવવીજ્ઞાન એટલે રૅશનાલીઝમ !
સુરતમાં વર્ષો પહેલાં શ્રી. રાવ નામના કમીશ્નર પદે સુરતને ‘સ્વચ્છનગરી’નો ઍવોર્ડ મળ્યો હતો; પરન્તુ તે એક અલગ સીદ્ધી હતી. આપણી પાર વીનાની અન્ધશ્રદ્ધાઓ, વહેમો, કુરીવાજો, વધુ પડતા કર્મકાંડો જેવી ટનબંધી વૈચારીક ગંદકીનો પ્રશ્ન હજી ઉભો છે. ઘરનાં બારીબારણા ચોખ્ખાં રહે એટલું પુરતું નથી; એ બારણે મરચું અને લીંબુ લટકાવેલું હોય ત્યાં સુધી એ સ્વચ્છતા અભીયાન અધુરું લેખાય. સંભવત: વર્ષો પુર્વે સુરતની ‘સત્યશોધક સભા’એ સુરતમાં અન્ધશ્રદ્ધાનું ડીમોલીશન આરંભ્યું હતું; પરન્તુ એ મનોશુદ્ધી અભીયાનને કમીશ્નર રાવ જેટલી સફળતા પ્રાપ્ત થઈ શકી નથી.
શ્રી. રાવનું લક્ષ્યાંક શહેરને સ્વચ્છ બનાવવાનું હતું. પ્રમાણમાં તે સહેલું હતું. ‘તમારી ગલી સ્વચ્છ રાખો’ એવું લોકોને કહેવાનું સહેલું છે; પરન્તુ ‘ગલીગલીમાં ગણપતી ના માંડો’ એમ કહેવાનું અઘરું છે. ગણેશવીસર્જન કે તાજીયાના જુલુસથી કલાકો સુધી મેઈન રોડનો ટ્રાફીક જામ થઈ જાય છે તે આજની દુ:ખદ વાસ્તવીકતા છે. ‘જાહેર માર્ગો પર એવા સરઘસ ના કાઢો’ – એવું કહી શકે એવો કોઈ ‘રાવ’ હજી પાક્યો નથી. લોકો અન્ધશ્રદ્ધાને બાપદાદાની મીલકત સમી ગૌરવશાળી અને જતનતુલ્ય સમજે છે.
માણસ રોજ સવારે ઉંબર ધુએ છે, ઠાકોરજીની મુર્તી ધુએ છે, શીવલીંગ ધુએ છે, હમામ સાબુથી કપાળ ધુએ છે અને ત્યાર બાદ ખરો ખેલ શરુ થાય છે. કપાળ કંકુથી ગંદું કરે છે. મુર્તી જો હનુમાનની હોય તો તેને તેલસીંદુરથી ખરડે છે. શંકરની હોય તો તે પર દુધ, દહીં, મધ વગેરેની રેલમછેલ કરે છે. આટલી ભક્તી પછી પણ માણસનો ‘કપટનો ખેલ’ અને ‘મનનો મેલ’ અકબંધ રહે છે. લાખો કરોડોનો લાભ થઈ શકે એમ હોય તો માણસ એ મુર્તીના તમે કહો તેટલા ટુકડા કરી આપવા તૈયાર થઈ જાય છે. નવસારીમાં કોઈકે હનુમાનજીની આંખો ફોડી નાખી હતી. હું ધન્યવાદ આપું છું નવસારીની શાણી પ્રજાને કે એ કામ મુસ્લીમોનું છે એમ માની કોમી રમખાણો ન ફાટી નીકળ્યાં !
મેં ઘણા એવા વડીલો જોયા છે જેઓ સન્તાનોને ધાર્મીક પુસ્તકો નીયમીત વાંચવાની કડકાઈપુર્વક ફરજ પાડે છે. પરન્તુ તેમનો સંસ્કારમય ઉછેર કરવા અંગે લગીરે ધ્યાન આપતા નથી. કોઈ દીકરો ગીતાના બે અધ્યાય નીયમીત વાંચતો હોય; પણ રોજ ગુટકાની એકવીશ પડીકી આરોગી જતો હોય તો તેના ગીતાપાઠથી હરખાવા જેવું ખરું ? નાનપણથી જ અનેક લુચ્ચાઈઓથી ઘેરાયેલો કોઈ માણસ વેપારમાં પડે એટલે સમજો કે ‘કડવી તુમડી લીમડે ચઢી’ ! બચુભાઈનો ભત્રીજો એ જ પ્રકારનો સર્વદુર્ગુણ સમ્પન્ન માણસ છે. એણે વેપારમાં ઝુકાવ્યું ત્યારે બચુભાઈ એક કહેવત બોલેલા– ‘મુળે કલ્લુભાઈ કાળા અને વેપલો શરુ કર્યો કોલસાનો !’ ગલ્લા પર બેસીને ગ્રાહકોને બેફામ લુંટતા કોઈ ‘શ્રદ્ધાળુ શેઠીયા’ કરતાં ભગવાનના માથા પરનો સુવર્ણ મુકુટ ચોરનાર કોઈ ‘ગરીબ ચોર’ મને ઓછો ગુનેગાર લાગે છે.
એક દુકાનદારનો મને પરીચય છે. એ પોતાની દુકાનમાં નોકરો પાસે આખો દીવસ સખત હાથે કામ લીધા પછી તેને સાંજે મજુરીના પૈસા ચુકવવામાં ઈરાદાપુર્વકનો વીલંબ કરીને તેની પાસે એકાદ કલાક વધુ કામ કરાવી લે છે.  એ વેપારી દર મહીને સવા એકાવન રુપીયાનો મનીઓર્ડર ગોંડલ – ભુવનેશ્વરીમાતાને મોકલે છે. માણસે આવા અન્ધશ્રદ્ધાભર્યા દંભથી બચવાનું છે. તેમાં શ્રી. રાવ જેવા કોઈ મ્યુનીસીપલ કમીશ્નર આપણી કોઈ મદદ કરી શકે તેમ નથી.
દર સોમવારે અને વીશેષત: શ્રાવણ માસમાં ગુજરાતભરમાં શંકર ભગવાનના શીવલીંગ પર દુધનો અભીષેક કરવામાં આવે છે. આ અભીષેક એટલા મોટા પ્રમાણમાં થાય છે કે એ સઘળું દુધ ભેગું કરી ગરીબોનાં બાળકોને આપવામાં આવે તો લાખો ભુખ્યાં બાળકોનાં પેટનો જઠરાગ્ની તૃપ્ત થઈ શકે અને શંકર ભગવાનનેય સાચો આનન્દ થાય ! પરન્તુ એવું થતું નથી. થશે પણ નહીં. ક્યારેક તો પુરા કદની આખી જીન્દગી વીતી જાય છે; તોય માણસને સાવ સીધી વાત નથી સમજાતી કે ‘શીવ’ને નહીં ‘જીવ’ને દુધની સાચી જરુર હોય છે.
સમગ્ર દેશમાં મન્ત્રતન્ત્રમાં વપરાતા દોરા–ધાગાઓ, ધાર્મીક કર્મકાંડોમાં વપરાતી કંઠીઓ કે નાડાછડીઓ, તથા વટસાવીત્રી જેવા વ્રતોમાં વેડફાતું બધું સુતર ભેગું કરવામાં આવે તો સેંકડો ગરીબોનાં નગ્ન બાળકો પહેરી શકે એટલી ચડ્ડીઓ બની શકે. દર શનીવારે હનુમાનજીના મન્દીરે તેલ ચઢાવવામાં આવે છે તે સઘળું તેલ એકત્ર કરવામાં આવે તો કરોડો ભુખપીડીત ગરીબોને એક ટાઈમ ફાફડા ખવડાવી શકાય ! પરન્તુ આપણે અબીલ, ગુલાલ અને કંકુમાંથી ઉંચા નથી આવતા. ક્યારેક વીચાર આવે છે : આ અબીલ, ગુલાલ, કંકુ, સીંદુર વગેરેનો ધાર્મીક વીધીઓ સીવાય અન્ય શો ઉપયોગ થતો હશે ? ઓસ્ટ્રેલીયા, જાપાન કે અમેરીકામાં કંકુનાં કારખાનાં હશે ખરાં ? ત્યાં તો વૈજ્ઞાનીક શોધોય વધુ વાસી થાય તો ફગાવી દેવામાં આવે છે !
બચુભાઈ કહે છે : ‘મારું ચાલે તો દેશભરમાં બારસાખે લટકતાં લીંબુઓ ભેગાં કરી સીવીલ હૉસ્પીટલના ગરીબ દરદીઓને લીંબુનું સરબત પાઉં ! બલકે હું ખુદ લીંબુ હોઉં તો મને બારસાખે નીરર્થક લટકી રહેવા કરતાં ગરીબોની તૃષાતૃપ્તી ખાતર નીચોવાઈ જવાનું જ વધુ ગમે !’ શ્રી. ગુણવંત શાહે સુરતમાં કહ્યું હતું: ‘મદ્રાસમાં કોઈ ઠેકાણે ચોખામાં ભેળવવાની કાંકરીનું આખું કારખાનું ચાલે છે !’ મને ખાતરી છે આપણે ત્યાં પણ કો’ક ઠેકાણે માંદળીયાં કે તાવીજ બનાવવાની બહુ મોટી ફેક્ટરીઓ ચાલતી હશે. લોબાન શબ્દ હું માંદળીયાં સાથે જ સાંભળતો આવ્યો છું. એની સુગંધ મને ગમે છે. પરન્તુ એ જન્તરમન્તર, ભગત–ભુવા કે મેલીવીદ્યાની સાધનામાં જ ખાસ વપરાય છે એવું જાણ્યું ત્યારે અત્ત્તરની બોટલ જાજરુના ટબમાં ઠાલવવામાં આવતી હોય એવું લાગ્યું.
લોબાન અને માંદળીયાંનાં ગોત્રનો જ એક અન્ય પદાર્થ છે – પીંછી ! ગામડાંમાં આજેય બાળકને કોઈ રોગ થયો હોય તો તેને બહારનો વળગાડ છે માની પીંછી નંખાવવા ભગત પાસે લઈ જવામાં આવે છે. એ પીંછીમાં મોરનાં રંગબેરંગી પીંછાંનો ઉપયોગ કરવામાં આવે છે. એ પીંછીઓ ભગતભુવાઓ સીવાય અન્ય કોઈને કામ આવતી નથી. એક વાર એક મેળામાં પીંછીઓ વેચતા એક માણસને પુછતા તેણે જવાબ આપ્યો હતો : ‘હું ચાલીસ વર્ષોથી પીંછીઓ વેચવાનો ધંધો કરું છું. મારા દીકરાઓ મોર મારે છે અને તેનાં પીંછાંઓમાંથી હું પીંછીઓ બનાવી વેચું છું !’ કલ્પી શકાય એવી બાબત છે. આજપર્યંત કેટલા મોર મર્યા હશે ત્યારે એક અન્ધશ્રદ્ધા જીવીત રહી શકી હશે ? જોયું ? આપણા રાષ્ટ્રીય પક્ષી મોર કરતાં આપણી અન્ધશ્રદ્ધાની કૉસ્ટ ઑફ પ્રોડક્શન કેટલી ઉંચી છે ?
..દીનેશ પાંચાલ

જિંદગીની સફર

જિંદગીની સફર ….. ચિત્ર કાવ્ય….. વિનોદ પટેલ

Journey of life

તમને શું જોઈએ છે : ‘રાધેમા’ કે ‘રુવેદા સલામ’ ?

તમને શું જોઈએ છે : ‘રાધેમા’ કે ‘રુવેદા સલામ’ ?

–કામીની સંઘવી
બે તહેવારો આવતા શનીવારે છે, પંદરમી ઓગસ્ટ આપણો સ્વતન્ત્રતા દીવસ અને હીન્દુ ધર્મના પવીત્ર મહીના શ્રાવણની શુભ શરુઆત. તેની પુર્વ સંધ્યાએ આજે બે સ્ત્રીઓ વીશે વાત કરવી છે. એક તો છે છેલ્લા કેટલાય દીવસોથી ટી.વી. મીડીયા તથા સોશીયલ સાઈટ પર ધુમ મચાવતાં રાધેમા અને બીજાં છે કશ્મીર વેલીના કુપવારા જીલ્લામાંથી ભારતીય સીવીલ સર્વીસની એક્ઝામ પાસ કરનારાં પહેલાં મુસ્લીમ મહીલારુવેદા સલામ.
પહેલાં વાત રુવેદા સલામની. જન્મે મુસ્લીમ અને છેલ્લાં કેટલાંય દસકાથી અસલામતી અને અશાન્તીથી ખદબદતી કશ્મીર વેલીમાં જન્મનાર સુશ્રી રુવેદા સલામનું નાનપણથી સપનું હતું કે ભારતીય સીવીલ સર્વીસમાં જવું. કશ્મીર વેલીના જાણીતા દુરદર્શન કેન્દ્રના ડેપ્યુટી ડીરેકટર જનરલ અને ખુલ્લી વીચારસરણી ધરાવતા પીતાના પ્રેમે, રુવેદાના સીવીલ સર્વીસમાં જવાના નીર્ણયને પ્રોત્સાહન મળ્યું. પણ યુ.પી.એસ.સી.ની એક્ઝામ પાસ કરવી તે ખાવાના ખેલ નથી. એટલા માટે રુવેદાએ સ્કુલ પછી કશ્મીરની સરકારી કૉલેજમાંથી એમ.બી.બી.એસ. કર્યું. જેથી સીવીલ સર્વીસની પરીક્ષામાં સફળ ન થાય તો પણ એક ડૉકટર તરીકેની કરીયર બની શકે. મુસ્લીમ અને સ્ત્રી હોવાના નાતે રુવેદાને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. કુપવારામાં જન્મેલી આ છોકરી માટે કશું સામાન્ય ન હતું. સતત કાશ્મીર વેલીમાં ચાલતા આંતકવાદી હુમલા, હડતાળ ને બન્ધના કારણે ભણવામાં સતત કોન્સન્ટ્રેશન જાળવી રાખવું અઘરું હતું. અધુરામાં પુરું મુસ્લીમ સમાજમાં છોકરીઓને બહુ નાની ઉમ્મરે પરણાવી દેવામાં આવે છે. તેથી સગાં–સમ્બન્ધીઓનાં અનેક દબાણ છતાં; રુવેદાનાં માતા આ બધી મુશ્કેલીઓ સામે અડીખમ ઉભાં રહ્યાં. જેને કારણે બીજા બધા સામાજીક કે રાજકીય પ્રશ્નોને બાજુ પર મુકીને રુવેદા પોતાની જીવનપરીક્ષામાં સફળ બન્યાં.
કશ્મીર વેલીમાં રહીને તેમને યુ.પી.એસ.સી.ની એક્ઝામ માટે જોઈએ તેવી સવલત ન હતી મળી. કારણ કે ત્યાં તેવા કોઈ કોંચીગ ક્લાસ ચાલતા ન હતા. રુવેદાએ પોતાના સ્ટડી માટે ફેસબુક (સોશ્યલ મીડીયા) અનેઈન્ટરનેટનો ભરપુર ઉપયોગ કર્યો. વળી જરુરી પુસ્તકો તેમણે દીલ્હીથી પણ મંગાવ્યાં. યુ.પી.એસ.ની એક્ઝામ આપતાં પહેલાં તેમણે જમ્મુ અને કશ્મીરની સ્ટેટ સર્વીસ એકઝામ આપી. તે સમયે તેઓ એમ.બી.બી.એસ. થઈને શ્રીનગરની સીવીલ હૉસ્પીટલમાં ઈન્ટર્નશીપ કરતાં હતાં. તેથી તે હૉસ્પીટલમાં જોબ સમયે પુસ્તકો લઈને જતાં. જે ફ્રી સમય મળે તેમાં વાંચતાં. એકવાર રાજ્ય કક્ષાની એક્ઝામ પાસ કરી પછી તેમણે મેડીકલ ફીલ્ડ છોડ્યું. છ મહીનાની ટ્રૅનીંગ પછી તેમનું પોસ્ટીંગ પણ થયું. એક વર્ષ તેમણે કે.એ.એસ. ઓફીસર તરીકે જૉબ પણ કરી. તે દરમીયાન યુ.પી.એસ.સી.ની એક્ઝામની તૈયારી તો ચાલતી જ હતી. પણ ચાલુ સર્વીસે વાંચવા માટે કેટલો સમય મળે ? તેમના સીનીયર ઓફીસરને ખબર પડી કે રુવેદા યુ.પી.એસ.સી. એક્ઝામની એન્ટ્રન્સ ટેસ્ટ પાસ કરી છે ને હવે મેઈન એક્ઝામની તૈયારી કરે છે. એટલે તેમણે રુવેદાને વીસ દીવસની રજા પાસ કરી આપી. રુવેદા કહે છે તે વીસ દીવસને કારણે જ તેમના રેન્કમાં ઘણો ફેર પડ્યો. તે પછી તેમને ટ્રેનીંગ માટે બેંગ્લોર મોકલવામાં આવ્યાં. ત્યાં ફીઝીકલ અને મેન્ટલ સખત તાલીમ લીધી. આઠ મહીના પહેલાં તેમની ચેન્નાઈ આઈ.પી.એસ. ઓફીસર તરીકે નીમણુક થઈ.
રુવેદા માને છે કે દેશદાઝ હોય તો તમે કોઈપણ પ્રોફેશનમાં હોવ, પછી તે જર્નાલીઝમ હોય કે મેડીસીન હોય કે પછી બીઝનેસમેન તમે દેશ માટે સેવા કરી શકો છો. બસ, દેશ માટે કશું કરવાની તાલાવેલી હોવી જોઈએ.રુવેદા કહે છે કે હું મારા ધર્મને દોષ નથી આપતી; પણ એ વાત સાચી છે કે મુસ્લીમ સ્ત્રીઓનાં લગ્ન બહુ નાની ઉમ્મરે કરી દેવામાં આવે છે. સત્તાવીસ વર્ષીય ડૉ. રુવેદા સલામ કહે છે કે તેઓ ત્યારે જ લગ્ન કરશે જ્યારે તેમને તેમના જેવો એડ્યુકેટેડ છોકરો મળશે. રુવેદાનો સકસેસ મંત્ર છે ‘હાર્ડ વર્ક અને ટોટલ ફોકસ ઓન ધ ગોલ’. ઘણા લોકો તેમને વીવાદાસ્પદ સવાલ પુછીને પરેશાન કરતા હોય છે, તેના માટે સલામ કહે છે કે પોતે હમ્મેશાં વીવાદાસ્પદ ટીપ્પણી કરવાનું ટાળ્યું છે. જેથી તેઓ ફોકસ ગુમાવ્યા વીના પોતે જ કરવા ઈચ્છે છે તે કરી શકે.
સ્ત્રી ધારે તો શું કરી ન શકે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે રુવેદા સલામ. ને સ્ત્રી ધારે તો ન કરવા જેવું પણ કેટલું કરે તેનું ઉદાહરણ, એટલે રાધેમા. પીસ્તાલીશ વર્ષ( સાચી ઉંમર રાધેમા જાણે !)ની આ સ્ત્રીનાં દર્શન માટે તેમના દરબારમાં શ્રીમન્તોની લાઈન લાગે છે. આ દેવીને મોડર્ન વસ્ત્રો કે હીન્દી ફીલ્મ આઈટેમ સોંગનો વાંધો નથી. રાધર તેમના દરબારમાં આ ગીતો પર રાધેમા અને તેમનાં બાળકો–ભાવીકો ડાન્સ કરે છે. વળી ભક્તો તેમને તેડી લે કે ઉંચકી લે કે તેમને ભેટે કે તેઓ તેમને ભેટે તેનો કોઈ બાબતનો વીરોધ તેઓ નથી કરતાં; રાધર ભક્તો તેમને તેડે ને ડાન્સ કરે કે તેમને ચુમ્બન કરે તેવું તેમના દરબારમાં સામાન્ય થઈ પડ્યું. જો કોઈને વીરોધ હોય તો તેઓ જાણે. પણ રાધેમા મોડર્ન મા છે, તેઓ હેવી મેકઅપ ને અને ડેઈલી સોપની હીરોઈન્સને પણ ટક્કર મારે તેવાં ઘરેણાં અને સેંકડો ફુલોના હારતોરા પહેરીને ફરે છે. તેમને ઓછાં કે આછાં વસ્ત્રોનો છોછ નથી. તેમની સાથે ડાયરેક્ટ ભગવાન પણ વાત કરે છે તેવો તેમનો દાવો છે. પરમ્પરાગત હીન્દુ ધર્મનાં સાધ્વી કરતાં તેમની પહેચાન અલગ છે. કારણ કે તેઓ સંસારી છે. તેમના લગ્ન સત્તર વર્ષની ઉમ્મરે થયાં હતાં. તેમને બે પુત્રો થયા ને પતી ટેલરીંગ કામ માટે દોહા જતો રહ્યો. પછી તેમણે બાવીસ વર્ષની ઉમ્મરે પરમહંસ બાગ ડેરાના મહન્ત રામદીન દાસ 1008 પાસે દીક્ષા લીધી. તે પછી મુમ્બઈના મીઠાઈની ચેઈન શૉપ ‘એમ. એમ. મીઠાઈવાલા’ના ચેરમેન મનમોહન ગુપ્તાના ઘરે મુમ્બઈ શીફ્ટ થયાં. ત્યાં તેમણે આ ‘સુખવીન્દર કૌર’ નામધારી સ્ત્રીને ‘રાધેમા’ તરીકે લોકો સામે પ્રોજેક્ટ કર્યા. રેસ્ટ ઈઝ ધ હીસ્ટ્રી ! અર્ધ શીક્ષીત અને ગામડીયણ આ બહેન, રાતોરાત દેવી બની ગયાં ! આજે તેમના દરબારમાં શ્રીમન્ત અને ફીલ્મસ્ટાર્સ, તેમની દૈવી કૃપા મળે તે માટે લાઈન લગાવે છે.
પણ નીક્કી ગુપ્તા નામની આ ગુપ્તા પરીવારની વહુએ તેના પતી નકુલ ગુપ્તા અને બીજા પાંચ સાસરીયાં તથા રાધેમા વીરુદ્ધ મુમ્બઈ પોલીસને ફરીયાદ કરી કે તે દહેજ માટે એને હેરાન કરે છે. કાલ સુધી ભક્તોના દરબારમાં રંગેચંગે ડાન્સ કરતાં રાધેમા રાતોરાત રડવા કકળવા માંડ્યાં છે કે તેઓ નીર્દોષ છે. તેમની બે વહુઓ પણ રોયલ ફેમીલીમાંથી આવે છે. જો તેમની પાસેથી તેમણે દહેજ ન માંગ્યુ હોય તો નીક્કી જેવી ગરીબ મહીલા પાસેથી તો કેમ માંગે ? ખેર, મુમ્બઈ પોલીસ એનું કામ કરશે. પણ આવાં રાધેમાને દેવી તરીકે પુજતા આપણા લોકો વીશે શું કહેવું ?
શ્રાવણ મહીનો હીન્દુ ધર્મનો પવીત્ર મહીનો ગણાય છે; પણ તેમાં આજકાલ અન્ધશ્રદ્ધાનું ભારોભાર મીશ્રણ થઈ ગયું છે અને એટલે જ આવાં રાધેમા જેવાં કીમીયાગરો સમાજમાં ફુલેફાલે છે. શ્રાવણ માસમાં હીન્દુઓનાં ઘરેઘરે ઉપવાસો, સત્યનારાયણની પુજા અને બીજાં અનેક ધાર્મીક વીધીવીધાન થતાં હોય છે. જાણે વર્ષમાં એક જ મહીનામાં દાન–ધરમ કરીને, વર્ષભર કરેલાં પાપ ધોઈને પુણ્ય કમાઈ લેવાનું હોય ! સમાજમાં આવાં રાધેમા સાધ્વી તરીકે સફળ પ્રેક્ટીસ કરી શકે છે તેને માટે આપણે જ જવાબદાર છીએ. જીવનમાં મુશ્કેલીઓ તો કોને નથી હોતી ? પણ આવાં રાધેમા જેવા ધુતારાનો સહારો લઈને શોટર્કટથી મુશ્કેલી દુર કરવાના ઉપાય કરતાં જ આપણે ભેરવાઈએ છીએ. નાનાંમોટાં બધાં મન્દીરોમાં દર્શન સમયે થતી ભાગદોડને કારણે દર વર્ષે આપણે ત્યાં અનેક લોકો ઈજા પામે છે કે મરે છે; પણ આપણી મન્દીર તરફની દોટ અટકતી નથી ! શા માટે તમે ધાર્મીક છો તેવું દેખાડવા માટે પણ મન્દીર જવું પડે ? શા માટે આપણને રાધેમાની જરુર પડે ? કારણ કે આપણને સફળતા માટે શોર્ટ કટ જોઈએ છે. બસ, જલદી સફળ તો થઈ જવું છે; પણ તેને માટે સખત તો શું જરાયે મહેનત નથી કરવી.
આપણી ગુજરાતી કહેવત છે : ‘ગામમાં લોભી હોય ત્યાં ધુતારા ભુખે ન મરે.’ તેથી રાધેમાને દોષ આપતાં પહેલાં આપણા ગરેબાનમાં ઝાંકવાની જરુર છે કે તમે ધર્મના નામે કોઈ ડામીશને તો પુજતા નથી ને ? ને શા માટે ભગવાન અને તમારી વચ્ચે આવા ‘કમીશન એજન્ટ’–વચેટીયાની જરુર તમને પડે ? કણકણમાં ઈશ્વર છે જ; તો પછી ઈશ્વરને તે કણકણમાં જ શોધી લેવો ઘટે.
આશ્ચર્ય એ છે કે વીકીપીડીયા પર પણ રાધેમા વીશે અનેક માહીતી ફોટા ઉપલબ્ધ છે; પણ દેશના કશ્મીર સ્ટેટની પહેલી યુ.પી.એસ.સી એક્ઝામ પાસ કરનાર મુસ્લીમ મહીલા રુવેદા વીશે કોઈ એક પેજ પણ નથી !
તે જ દેખાડે છે કે લોકોને શું જોઈએ છે.. ‘રાધેમા’ કે ‘સલામ રુવેદા’ !
: રેડ ચીલી :
Education is the basic tool which will empower women,
make them financially independent,
help them make the right choices
… Ruveda Salam …
–કામીની સંઘવી
દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી